અંગત જિંદગીમાં રસ લેતા 'પરિચિતો'થી સાવધાન!


બે-ચાર મુલાકાતમાં જ આત્મીય બનવા માગતી વ્યક્તિઓ સામે હૈયું ઠાલવતાં ક્યારેક જિંદગીભર પસ્તાવું પડે છે અને સ્વજનો સાથેના સંબંધો પણ વણસે છે

જીહા, તમારો કોઇ નજીકનો મિત્ર, સંબંધી, ઓળખીતો મિત્ર અથવા મિત્રનો મિત્ર તમારામાં વધુ રસ તો નથી લઇ રહ્યો ને? તમારી કોઇ નબળાઇ અથવા ઇચ્છાનો ફાયદો ઉઠાવીને તમને પોતાના પૈસાથી લલચાવવાનો પ્રયત્ન તો નથી કરતો ને? જો જવાબ 'હા હોય તો તરત ચેતી જાઓ નહીંતર ભવિષ્યમાં તમારે એની ઘણી મોટી કિંમત ચૂકવવી પડશે.

નયના સાથે પણ કંઇક આવું જ બન્યું. નયના અને હાર્દિકના લગ્નને લગભગ ત્રણ વર્ષ થયાં હતા. એ સુખી લગ્નજીવન પસાર કરી રહ્યા હતા. જો એમની વચ્ચે ક્યારેક કોઇ મતભેદ ઉભો થતો તો એનું કારણ હતું નયના પોતે. તેની વૈભશાળી જિંદગી જીવવાની તમન્નાને કારણે બન્ને વચ્ચે કલહ થતો હતો, પરંતુ નયનાને ક્યાં ખબર હતી કે એક દિવસ એની આ જ ઇચ્છા એના સુખી લગ્નજીવનને અંધકારમાં ધકેલી દેશે.

લાલચથી ભટકતા ડગ
બન્યું એવું કે નયનાને કિટી પાર્ટીમાં મીના સાથે ઓળખાણ થઇ. એક દિવસ મીનાએ નયનાની ઓળખાણ પોતાના ધર્મના ભાઈ અજય સાથે કરાવી. જે રંગીન મિજાજ ધરાવતો અપરિણીત યુવક હતો.

નયના અજયની મીઠી-મીઠી વાતો તથા મોજશોખની લાલચમાં એવી આવી ગઈ કે એણે પોતાના પતિ હાર્દિકની પણ દરકાર ના કરી જ્યારે ભાન આવ્યુ ત્યારે એ ઘણુંબધું ખોઇ ચૂકી હતી.

અજયે નયનાને પોતાની મીઠી-મીઠી વાતો અને પૈસાથી પ્રભાવિત કરી ખૂબ પૈસા કમાવા માટે બિઝનેસ સંબંધી લાલચ આપવાનું શરૂ કર્યું. પૈસા કમાવાની લાલચમાં આંધળી બની ગયેલી નયના એને અજયની ઉદારતા માની બેઠી.

નયનાની ભૂલ એ હતી કે એણે એ જાણવાનો પણ પ્રયાસ ના કર્યો કે આખરે અજય  એને આટલી બધી મદદ કરવા શા માટે આતુર છે? એને મદદ કરવા પાછળ એનો શું સ્વાર્થ છે? અજયના બિઝનેસની જાળમાં ફસાતાં પહેલાં નયનાએ એના મિત્રો અને તે બધાનાં ચારિત્ર્ય વિશે પણ તપાસ કરી લેવી જોઇતી હતી.

પછી તો અજયે બિઝનેસના બહાને નયનાને દરરોજ મળવાનું શરૂ કરી દીધું. એ નયનાની અનહદ પ્રશંસા કરતો એટલે એ આકાશમાં ઉડવા લાગી. એને એવું લાગવા લાગ્યું કે જાણે એને કોઇ દેવદૂત મળી ગયો છે, જે એક બાજું એનું જીવન સજાવવાની તૈયારીઓ કરી રહ્યો છે અને બીજીબાજુ એને પસંદ પણ કરે છે.

અજય નયનાની નબળાઇ સારી રીતે ઓળખી ગયો હતો. એ એને પોતાની મોંઘી ચકચકિત ગાડીમાં ફેરવી, ભેટો, આપી, પોતાના રૂપિયાથી પ્રભાવિત કરી પોતાની તરફ આકર્ષિત કરવા લાગ્યો, પરંતુ એ દિવસે નયનાની આંખો ફાટી ગઈ જ્યારે એ પહેલીવાર અજયના ઘરે ગઇ. મહેલ જેવા ઘરને જોઇને નયનાને એવું લાગ્યું કે જાણે એના સપનાનું ઘર એની સામે છે.

અજયે એને જ્વેલરી ડિઝાઇનિંગનો બિઝનેસ શરૂ કરવાના સારા સમાચાર આપ્યા. નયના અજયના સાચા સ્વરૂપથી અજાણ આ બધું સાંભળીને ખુશીથી નાચી ઊઠી. ત્યારે અજયે એની સામે પોતાના પ્રેમનો એકરાર કર્યો. જે સાંભળીને એ આકાશમાં ઉડવા લાગી, પરંતુ પોતાના સપનાનો મહેલ તૂટી પડવાના ભયથી ઇનકાર પણ ના કરી શકી.

નયના ન ઇચ્છતી હોવા છતાં પણ અજયને એમ ના કહી શકી કે હવે એ એને ક્યારેય નહીં મળે એનું મન એને ડંખી રહ્યું હતું. જે બેવફાઈ એ તેના પતિ સાથે કરી રહી છે તે તેને યોગ્ય નહોતું લાગતું, પરંતુ અજયે વ્યક્ત કરેલો પ્રેમ અને પૈસા  કમાવાની લાલચ એને તેનાથી દૂર થવા દેતો નહોતા.

નયના મનમાં ને મનમાં હાર્દિક સાથે કરી રહેલી બેવફાઈના ગુનાના બોજ હેઠળ દબાતી જતી હતી. એ બધું છોડી દેવા ઇચ્છતી હતી, પરંતુ પૈસાની લાલચ એને અજયથી દૂર થવા દેતી નહોતી.

નયનાની આંખો ત્યારે ખૂલી જ્યારે એક દિવસ બિઝનેસના કામ અંગે નયનાને ઘરે બોલાવ્યા પછી નશામાં ચકચૂર અજયે એની સાથે બળજબરી કરવાનો પ્રયત્ન કર્યો. એનું સાચું સ્વરૂપ નયનાની સામે આવી ગયું. બિઝનેસ તો એને ફસાવવાનું બહાનું માત્ર હતું. 

ગમે તે રીતે અજયના સકંજામાંથી પોતાની જાતને બચાવવામાં એ સફળ રહી, પરંતુ સૌથી મોટો પહાડ તો એના માથા પર ત્યારે તૂટયો જ્યારે હાર્દિકને આ બધા વિશે જાણ થઇ ગઈ અને એણે એનાથી જુુદાં થઇ જવાનો નિર્ણય કરી લીધો.

તોફાન પછીના નિશાન
નયના જિંદગીને એક બોજો માની જીવવા લાગી અને ત્યાં સુધી પોતાનાં માતા-પિતાના ઘરે રહી જ્યાં સુધી હાર્દિક સમક્ષ બધી વાતો સ્પષ્ટ ના થઇ. એના મનમાં નયના પ્રત્યેનો પ્રેમ ફરીથી પલ્લવિત થઇ ઉઠયો અને એ નયનાને લેવા એના પિયર પહોંચી ગયો.

પ્રશ્ન એ ઉભો થયો છે કે નયનાને અજયની દાનત પારખવામાં આટલો બધો સમય કેમ લાગ્યો?

હકીકતમાં નયના વૈભવી રહેણીકરણી માટે એટલી ઉત્સુક હતી કે એ મેળવવાની લાલચમાં એને એ પણ ખ્યાલ ના રહ્યો કે એ પોતાના સુખી લગ્નજીવનને હોડમાં મૂકી રહી છે.

નયના પાસે બધું જ હતું. એક સારો પતિ, સારું ઘર, સુખી લગ્નજીવન. તેમ છતાં એને સંતોષ નહોતો. કંઇક વધારે મેળવવાની એની ઇચ્છાનો અજયે ફાયદો ઉઠાવવાની કોશિશ કરી એ ઘણું સારું કહેવાય કે નયનાની આબરૂ બચી ગઈ. નહીંતર મોટાભાગની સ્ત્રીઓ પોતાનાં સુખી લગ્નજીવનને મહત્ત્વાકાંક્ષાઓના કારણે અંધકારમાં ધકેલી દેતી હોય છે.

પરિસ્થિતિ ભલે ગમે એવી હોય, પણ ગમે તે વ્યક્તિની સામે પોતાની જાતને ક્યારેય એટલી લાચાર અને લાલચુ ના બતાવો કે એ તમને લાલચ આપીને તમારી પાસે એ બધું કરાવવામાં સફળ રહે જે તમે નહોતા ઇચ્છતા અને તમારા જ દ્વારા ગૂંથેલી માયાજાળમાં તમે જાતે જ ફસાઇ જાઓ.

- હિમાની



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2odmnIF
Previous
Next Post »