૨જી ઓક્ટોબરે ગાંધી જયંતિ ગઈ. સમગ્ર દેશ ગાંધીજીને યાદ કર્યા. પણ સાથે સાથે ગાંધીજી જે જે પધ્ધતિઓમાં અને પેથીઓમાં વિશ્વાસ ધરાવતા હતા તેને પણ જો આપણે આપણામાં ઉતારીએ અથવા તો સમાજમાં વધુને વધુ પ્રચલિત કરીએ તો તે જ સાચી ગાંધી જયંતિની ઉજવણી હશે તેમ હું સ્પષ્ટ પણે માને છું.
ગાંધીજી માનતા કે મનુષ્ય દેહ જે પૃથ્વી (માટી), પાણી, આકાશ (અવકાશ), તેજ (સૂર્ય) અને વાયુનો બનેલ છે. તેથી આ જ સાધનોનો ઉપયોગ કરીને તેની જો સારવાર કરવામાં આવે તો તેથી શ્રેષ્ઠ પરિણામ બીજું, કંઈ પણ ન હોઈ શકે. નિસર્ગોપચારમાં ગાંધીજી ઘણો વિશ્વાસ ધરાવતા હહતાં. તેમજ ખોરાક પર પણ ઘણાં પ્રયોગો કરતાં હતાં. તેમજ તેમનું ચાલવાનું પણ પુષ્કળ હતું, તેથી તેમને રોગ ને કારણે કોઈ દિવસ પથારીવશ થવું પડતું નહીં.
ગાંધીજીને જ્યારે પણ સખત તાવ ચઢે કે ટાઈફ્રોઇડ થયેલ હોય કે માથું સખત દુ:ખતું હોય તેમણે સૌથી વધારે માટીનો પ્રયોગ કરેલ છે. સખત તાવમાં માટીનો ઉપયોગ પેડુ અને માથા ઉપર (માથામાં દુ:ખાવામાં) કરવાથી હંમેશા દર્દીને શાંતિ મળે છે. ગાંધીજીનાં આશ્રમમાં એકવાર ૧૦ સેવાર્થીઓને એક સાથે ટાઈફોઇડ થયો. ગાંધીજીએ સૂચન કર્યું કે, એકેય કેસમાં દવાનો ઉપયોગ કરવાનો નથી.
ગાંધીજીના માર્ગદર્શન મુજબ ચોખ્ખી લાલ માટી કે જે ચીકણી કે ખાતરવાળી ન હોય તેથી સુવાળી રેશમ જેવી માટી મંગાવી તેને ચાળી, અંગાર ઉપર સૂકવી તેમાં થોડું સરસિયાંનું તેલ ભેળવી તે માટીનો ઉપયોગ સેવાગ્રામના દસેય દર્દીઓ ઉપર કરવામાં આવ્યો સાથે બીજા પણ નૈસર્ગિક ઉપચારો કર્યા એકેય દર્દીને ટાઈફ્રોઇડ રહ્યો નહીં. ગાંધીજી માનતા કે માટીનું કામ શરીરનાં મળને બહાર લાવવાનું છે અને તે ચોક્કસ કામ કરે જ છે.
ગાંધીજી માનતા કે નિસર્ગોપચારના ગુણ તેનાં નામ પ્રમાણે છે. કેમ કે તે કુદરતી છે. એટલે અણઘડ મનુષ્ય પણ નિશ્ચિંતપણે તેનો ઉપયોગ કરી શકે છે. જેમ કે, માથું ખૂબ દુ:ખતું હોય તો ઠંડા પાણીમાં બોળીને ભીનો રૂમાલ માથે મૂકવામાં ફાયદો જ થાય. કોઈ નુકશાન થાય નહીં. વળી, તેમાં માટીનો ઉપયોગ ઉમેરી ભીનાશની ઉપયોગિતામાં આપણે વધારો કરી શકીએ છીએ. ગાંધીજી માનતા કે, વરાળરૂપે પાણી બહુ કામ આપે છે. પરસેવો ન આવતો હોય ત્યારે વરાળ લેવાથી તેને (પરસેવા) લાવી શકાય છે.
સંધિવાતથી જેનું શરીર પકડાઈ ગયેલું હોય તેને અથવા જેનું વજન ખૂબ વધી ગયું હોય તેને માટે વરાળ બહુ ઉપયોગી વસ્તુ છે. જેના પગ ઠંડા થઇ ગયા હોય, પગે કળતર થતી હોય, તેવા સમયે ગોઠણ સુધી પહોંચી શકે એવા ઊંડા વાસણમાં સહન થઇ શકે તેવા ગરમ પાણીમાં રાઈનો ભૂકો નાખીને પગ થોડી મિનિટ બોળી રાખવાથી પણ ગરમ થા યછે. કળતર શમે છે. અને લોહી-રક્તનું પરિભ્રમણ સુચારુ રૂપે થવા લાગે છે.
ગાંધીજી હંમેશા કહેતા કે, જેમ આપણી આસપાસ આકાશ છે તેમ આપણી અંદર પણ તે રહેલ છે. ચામડીમાં રહેલાં દરેકે દરેક છિદ્રોની વચ્ચે જ્યાં જગ્યા છે ત્યાં આકાશ છે. તે આકાશ-અવકાશને આપણા આહાર નિયમન દ્વારા જો શરીરમા અવકાશ આપીએ તો શરીરમાં મોકળાશ રહ્યાં કરે છે. આપણે પૂરા અપવાસ ન કરી શકીએ તો પણ અઠવાડિયે, પખવાડિયે કે સગવડ પડે ત્યારે એકાદ ટંકનું ખાવાનું જો છોડીએ તો પણ શરીરને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ લાભપ્રદ રહે છે.
ગાંધીજી એમ પણ માનતા કે, પ્રકાશનો આપણે પૂરો ઉપયોગ નથી કરતાં, તેથી પુરું આરોગ્ય નથી ભોગવી શક્તા, સવારનું સૂર્યસ્નાન લેવાથી મનુષ્યને ઘણો જ ફાયદો થાય છે. ક્ષય રોગમાં સૂર્યસ્નાનનો બહોળો ઉપયોગ થાય છે. ઘણીવાર ગૂમડાં થયાં હોય તે રુઝાતાંજ નથી. તેને સૂર્યસ્નાન આપવાથી તે રુઝાયા હોય તેવાં ઘણાં દાખલા છે.
શરીર માટે સૌથી અગત્યની કોઈ વસ્તુ હોય તો તે હવા છે, અને આપણને તે વગર પ્રયત્ને મળે છે. આપણને હવાને ફેફસામાં ભરતાં કે કાઢતાં બરોબર આવડતું નથી તેથી જોઇએ તેવી રક્તની શુધ્ધિ થતી નથી. કારણ કે હવાનું કામ રક્તની શુધ્ધિ કરવાનું હોય છે. કેટલાંક લોકો મોંઢેથી હવા લે છે.
આ બહુ ખરાબ આદત છે. નાકમાં કુદરતે એક જાતની ગળણી રાખી છે, જેથી હવામાં રહેલી નકામી વસ્તુઓ અંદર જઇ શક્તી નથી. આપણાં ઘરમાં પણ હવાની અવર-જવર વધારે થઇ શકે તેવી વ્યવસ્થા જો રાખવામાં આવે તો શરીર લાંબા સમય સુધી નિરોગી રહી શકે છે.
ખોરાક પણ નિસર્ગોપચારનો જ એક ભાગ છે. ખોરાકનો જો યોગ્ય રીતે અને યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે તો, તે ઔષધની ગરજ સારે છે.
ગાંધીજી શાકાહારની તરફેણ કરતા તે એક સમયે માંસાહાર બાબતે એટલા ચુસ્ત હતાં કે એક ટાઇમે તેમણે ગાય-ભેંસ કે કોઈ પણ પ્રાણીનું દૂધ પણ લેવાનું બંધ કરેલ હતું. કારણ કે તેઓ માનતા કે દૂધ પણ આંશિક રૂપે માંસ જ કહેવાય છે. તેમણે દૂધ, ઘી વિના છ વર્ષ ગાળ્યા હતા.
ત્યારે પણ તેઓ ખૂબ જ સ્વસ્થ હતાં, પરંતુ એકવાર મરડાનાં કારણે તેઓ જ્યારે ખૂબ અશક્ત થઇ ગયા હતા, ત્યારે 'બા'ના કહેવાથી તેમણે શરૂઆત કરી. ગાંધીજી એમ પણ માનતા કે, પશુઓનાં દૂધ પર તેમનાં બચ્ચાઓ સિવાય કોઇનોય હક નથી. આ કારણે પણ તેઓ દૂધ લેવામાં ખૂબ સંકોચ અનુભવતાં.
નિસર્ગોપચારની કુદરતી સારવાર પધ્ધતિ શરીરના ઝેરી દ્રવ્યો સરળતાથી નિકાળે છે, અને સાથે-સાથે કોઈ પણ આડઅસર વગર શરીરને સ્વાસ્થ્ય પ્રદાન કરે છે એ વાતમાં બે મત નથી.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31XYraO
ConversionConversion EmoticonEmoticon