શરદ પૂનમના બ્રાઈટ ફૂલ સુપરમૂન આપણા માટે બચપણમાં ચાંદામામા રહ્યા હોય, એ જ જવાનીમાં ચાંદ સી મહેબૂબા બન્યા હોય ને બુઢાપામાં સૂતરના તાર કાંતતી ડોશીમાં થયા હોય!
ગુજરાતી ભાષાના બે ધુરંધર કવિઓની પૂનમના ચંદ્ર પરની રચના આજે જ યાદ આવવી જોઈએ ને! કેવી કમાલ છે. કવિ કાન્તની જૂની ગણાવા લાગેલી ગુજરાતી ભાષામાં વ્યક્તિની વાત છે, તો સિતાંશુભાઈની આધુનિક ગુજરાતીમાં પ્રકૃતિની વાત છે. સ્વથી સમષ્ટિ સુધીની યાત્રા થઇ જાય છે. કાન્તની રચનામાં પ્રિય સખી સાથે ગાળેલી ચાંદની રાતના માદક માધુર્ય અને સહજ સૌંદર્યની સ્મૃતિઓનો સળવળાટ છે.
એક એવો કાળ હોય છે જીવનમાં જયારે આપણે બહુ ઘડાયેલા નથી હોતા. અને ત્યારે જ આવતીકાલના સપના કોઈ સાથે જોવાનો એક રોમાંચ હોય છે. રોમેન્ટિક અને ચાંદનીના પ્રકાશમાં રૂપાળી એવી રાતે હૃદય રસમાં ચકચૂર (કેવો નશીલો શબ્દ ચકચૂર!) હોય, એ સમયને યાદ કરો તો ય અમાસમાં પૂનમનો અહેસાસ થાય. અને શરદ પૂનમે અંગેઅંગના ઉત્તમ ભોગના ઉત્સવ એટલે પ્રણયમસ્ત સહશયનની વાત પણ દૂધપૌંઆમાં સાકરની જેમ કવિએ ભેળવી દીધી છે!
જ્યારે સિતાંશુભાઈની કવિતામાં કળાત્મક ફેન્ટેસી છે. આમ સાવ અંધારામાં કાળાડિબાંગ રહેતા શિખરોને શરદ પૂનમ જેવી રૂપેરી ચાંદનીએ સિલ્વર ફોઈલમાં મઢી દીધા છે. અને એને લીધે એ પહાડો હવે દરિયાના સફેદ ફીણવાળા મોજાં જાણે સ્ટેચ્યુ કહીને કોઇએ થીજાવી દીધા હોય એવું ભાસે છે.
જાણે પવનના સેલ્લારે પય એટલે દૂધ છલકાયું હોય એવા શ્વેત પર્વત દેખાય છે. જો સાચે જ એ પહાડો ચાંદનીના ઉન્માદમાં દરિયાના મોજાં જેવી સુનામી થઇ જાય તો ઉપર ચણેલા શિખરબદ્ધ મંદિરોનું શું થાય? નદીના કાંઠા પર પ્રલય આવી જાય. પીળા પડેલા પાનની જેમ ચંદ્ર આકાશમાંથી ખરી પડે ને એની ગોદમાં ય જીવન તો હસતું જ રહે!
શરદ પૂનમના બ્રાઈટ ફૂલ સુપરમૂન આપણા માટે બચપણમાં ચાંદામામા રહ્યા હોય, એ જ જવાનીમાં ચાંદ સી મહેબૂબા બન્યા હોય ને બુઢાપામાં સૂતરના તાર કાંતતી ડોશીમાં થયા હોય! આવા ચાંદા સાથે ચંદા રે ચંદા રે, કભી તો જમીં પર આ કહીને આવી કાલીઘેલી વાતો કરવાની મોજ કૈંક ઓર છે. ગુજરાતીમાં જ નહી, હિન્દીમાં ય આવા સંવેદનો લખાયા છે.
અજ્ઞોયની તો જાણીતી કવિતા જ છે,જેમાં શરદ પૂનમની ચાંદનીને ખોબામાં ભરીને પી લેવાની વાત છે. અને પછી મસ્ત થઇ કમળની પોયણી (કે એવી કોઈ સંગિની) સામે જોઇને એ ક્ષણને ચસચસાવીને જીવી લેવાની વાત છે. 'ઝખ્મ'ના ગીતની જેમ પછી તો તુમ આયે તો આયા મુજે યાદ, ગલીમેં આજ ચાંદ નિકલા! ઇફ્તિખાર નસીમે લખેલું: ઉસ કે ચેહરે કી ચમક કે સામને સાદા લગા, આસમાં પે ચાંદ પૂરા થા મગર આધા લગા!
સુમિત્રાનંદન પંતે લખ્યું :
नीले नभ के शतदल पर
वह बैठी शारद-हासिनि,
मृदु-करतल पर शशि-मुख धर,
नीरव, अनिमिष, एकाकिनि!
अपनी छाया में छिपकर
वह खड़ी शिखर पर सुन्दर,
है नाच रहीं शत-शत छवि
सागर की लहर-लहर पर।
दिन की आभा दुलहिन बन
आई निशि-निभृत शयन पर,
वह छवि की छुईमुई-सी
मृदु मधुर-लाज से मर-मर।
जग के अस्फुट स्वप्नों का
वह हार गूँथती प्रतिपल,
चिर सजल-सजल, करुणा से
उसके ओसों का अंचल।
वह मृदु मुकुलों के मुख में
भरती मोती के चुम्बन,
लहरों के चल-करतल में
કેવી સુંદર કલ્પનાઓ! ચાંદનીના સ્વરૂપે દિવસના સૂરજનો પ્રકાશ જાણે નવવધૂ બની રાતની સેજ પર આવ્યો છે. ચાંદની સુરજના તડકાની સરખામણીએ ધીરે ધીરે શરમાતી શરમાતી વિસ્તરે છે. સૂતા સૂતા દુનિયા જે સપના જુએ છે, એનો એ હાર પરોવે છે. એની કરુણાને લીધે ભીની ઝાકળ વરસે છે. અને એ ખીલતી કળીઓના મુખ પર રૂપેરી મોતી મુકતું ચુંબન કરે છે, અને લહેરોના હાથમાં ચાંદીના જાણે કંગન પહેરાવે છે !
જેમના સુપુત્રનું નામ પંતજીએ અમિતાભ રાખેલું, એ હરિવંશરાય બચ્ચનજીએ 'ધાગે તોડ લાઓ ચાંદની કે નૂર સે' વાળા ગુલઝારની જેમ જ ચાંદને ઘણી વાર બહેલાવ્યો છે. પૂનમની ચાંદની માફક પોતે સકળ સંસારમાં વિસ્તરી શકતા હોત તો કેવું એમ વિચારતા એ ' ચાંદની ફૈલી ગગન મેં, ચાહ મન મેં' કવિતામાં કેવું સરસ ઓબ્ઝર્વેશન આપે છે: દિન મેં સબ કે લિયે એક હી જગ હૈ, રાત મેં સબ કે લિયે દુનિયા અલગ હૈ! જેબ્બાત.
રોજ સવારથી સાંજ સુધી બધા દોડધામ કમાવાની કે ભણવાની કે ઘરકામની કર્યા જ કરે. પણ રાત આવે ત્યારે બધાની નિજતા ખુલે. પોતપોતાના શોખ બહાર જવાના, કશુંક ખાવાપીવાના, જોવાના, સાંભળવાના, પહેરવાના, રાસ કે ડાન્સમાં નાચવાના ઉઘડે અને આગવા વ્યક્તિત્વો સમજાય!
હરિવંશરાયનું અન્ય એક કવિતામાં કલ્પન છે: પૂનમનો ચંદ્ર ઉગે ત્યારે પીળી આભને લીધે ખુદ સોના જેવો લાગે પણ એની સફેદ ચાંદનીમાં સોનું જુઓ તો ચાંદી જેવું થઇ જાય! તો રામધારીસિંહ 'દિનકર'ની એક કવિતામાં અનોખો સંવાદ છે: ચાંદે મા ને કહ્યું કે હવે આ શરદનો શિયાળો આવશે ને મને રોજ આમ રાતના ભટકતા ઠંડી લાગશે.
મને એક સરસ ઝભલું સીવી દો ને, તો એ પહેરીને ફરું... કમ સે કમ ભાડાનો ચોગો લઇ આવી દો! અને માતાએ કહ્યું પણ તારું માપ કેમ લેવું? તું તો રોજ વધઘટ પામ્યા કરે છે ! અને એ કવિતામાં આગળ ચંદ્રએ જે જવાબ આપ્યો એમાં વિજ્ઞાાન સાથે કળા ભેળવતા આપણા કવિની કમાલ જુઓ.... આવી કવિતા 'નાસા'ના અમેરિકામાં અંગ્રેજીમાં હજુ સુધી વાંચી નથી ક્યાંય! ઓવર ટુ દિનકર:
हंसकर बोला चान्द, अरे माता, तू इतनी भोली ।
दुनिया वालों के समान क्या तेरी मति भी डोली ?
घटता-बढ़ता कभी नहीं मैं वैसा ही रहता हूँ ।
केवल भ्रमवश दुनिया को घटता-बढ़ता लगता हूं ।
आधा हिस्सा सदा उजाला, आधा रहता काला ।
इस रहस्य को समझ न पाता भ्रमवश दुनिया वाला ।
अपना उजला भाग धरा को क्रमशः दिखलाता हूँ ।
एक्कम दूज तीज से बढ़ता पूनम तक जाता हूँ ।
फिर पूनम के बाद प्रकाशित हिस्सा घटता जाता ।
पन्द्रहवाँ दिन आते-आते पूर्ण लुप्त हो जाता ।
दिखलाई मैं भले पड़ूँ ना यात्रा हरदम जारी ।
पूनम हो या रात अमावस चलना ही लाचारी ।
चलता रहता आसमान में नहीं दूसरा घर है ।
फ़िक्र नहीं जादू-टोने की सर्दी का, बस, डर है ।
दे दे पूनम की ही साइज का कुर्ता सिलवा कर ।
आएगा हर रोज़ बदन में इसकी मत चिन्ता कर।
अब तो सर्दी से भी ज़्यादा एक समस्या भारी ।
जिसने मेरी इतने दिन की इज़्ज़त सभी उतारी ।
कभी अपोलो मुझको रौंदा लूना कभी सताता ।
मेरी कँचन-सी काया को मिट्टी का बतलाता ।
मेरी कोमल काया को कहते राकेट वाले
कुछ ऊबड़-खाबड़ ज़मीन है, कुछ पहाड़, कुछ नाले ।
चन्द्रमुखी सुन कौन करेगी गौरव निज सुषमा पर ?
खुश होगी कैसे नारी ऐसी भद्दी उपमा पर ।
कौन पसन्द करेगा ऐसे गड्ढों और नालों को ?
किसकी नज़र लगेगी अब चन्दा से मुख वालों को ?
चन्द्रयान भेजा अमरीका ने भेद और कुछ हरने ।
रही सही जो पोल बची थी उसे उजागर करने ।
एक सुहाना भ्रम दुनिया का क्या अब मिट जाएगा ?
नन्हा-मुन्ना क्या चन्दा की लोरी सुन पाएगा ?
अब तो तू ही बतला दे माँ कैसे लाज बचाऊँ ?
ओढ़ अन्धेरे की चादर क्या सागर में छिप जाऊँ ?
લાઈક રોઝ, મૂન ઈઝ ઓલ્વેઝ સિમ્બોલ ઓફ રોમાન્સ. રાધર વોઝ.
ચંદ્ર એના રજત તીરથી નિશા (રાત્રિ)ના ચીર યાને બ્લેક ડ્રેસ / શ્યામ વસ્ત્રને ચીરી નાખે છે! (વોટ એ વિઝયુઅલ બાય સુમિત્રાનંદન પંત અગેઇન) તો પરવીન શાકિર કહે છે કે આ શબનમના જળબિંદુઓના ટચૂકડા ચંદ્રો છે અને ચાંદો વાદળના રેશમી બિછાનામાં પોઢી જાય છે, એટલે રાત હોય ત્યારે ડોકાતો નથી. પ્રિયતમા નીકળી એટલે પૂનમ કે ઈદ ઝાંખી પડી ગઈ, એવી શાયરીઓની ભરમાર છે. પુરાણકથાઓનો સોમ તો રોમેન્ટિક સાથે ઈરોટિક પણ છે. શિવની જટાનું એ ઘરેણું મનાય છે.
મોટા થઈએ અને બચપણના રમકડાંઓથી રમવાની મજા કાયમ માટે છીનવાઈ જાય, એમ એપોલોથી વિક્રમ લેન્ડર સુધી વિસ્તરેલી ચંદ્રયાત્રાઓ જાણે આપણો પ્યારો ચાંદ ગળી ગઈ! કોઈ પણ બાબતનું રહસ્ય એને રોમેન્ટિક બનાવે છે, સત્ય તો માણસને ક્લોઝ અપમાં દેખાય ત્યારે આધ્યાત્મિક બનાવે છે.
જેને ડેટ કરવા માટે ચાંદની રાતે ઉજાગરાઓ કર્યા હોય એ પાત્ર આખું જીવનમાં લગ્ન પછી મળે ત્યારે ડિવોર્સ સુધી વાત વણસી જાય છે. હજારો વર્ષોથી ચંદ્રને રોજ જોતી માનવજાતે જે મેકઅપ કર્યો કલ્પનાઓનો એના બખિયા વિજ્ઞાાને ઉખેડી નાખ્યા. એટલે જ સાયન્સ કરતા આર્ટસ સહેલું લાગે છે!
માત્ર કવિતા જ નહિ, સાયન્સ ફિક્શનની ચાંદની ય કાળીધબ્બ થઇ ગઈ. ૧૯૦૦ વર્ષ પહેલા સિરિયામાં રહેતા અને ગ્રીક ભાષામાં લખતા એક રોમન સર્જક નામે લુસિયાને પહેલી કહેવાતી સાયન્સ ફિક્શન લખી એમાં ચાંદાની સફરની વાત હતી. ૧૬૩૪માં જોહાનીસ કેપ્લરે ચંદ્ર પરથી દેખાતી ભવ્ય પૃથ્વીની કલ્પના કરેલી.
ગેલેલિયો સૂરજને કેન્દ્ર ઠરાવવા મથતો હતો એ અરસામાં એક પાદરી ફ્રાન્સીસ ગોડવિને 'મેન ઓન ધ મૂન' પુસ્તક લખેલું. બધામાં ચંદ્ર પર ચમત્કારિક રીતે માણસ પહોંચતો પણ 'ફ્રોમ અર્થ ટુ ધ મૂન' જૂલે વર્ને લખી એમાં તોપગોળાથી માણસોને ચંદ્ર પર મોક્લવાના વિજ્ઞાાનની ઝલક હતી. આપણા ગુજરાતીમાં જીવરામ જોશીએ બે ભાગમાં 'ચાંદાની સફર' નામની બાળવાર્તામાં યુએફઓથી ચન્દ્રલોકના માનવીઓ સાથે એક બાળકની મુલાકાત બતાવી હતી.
આ બધું જ નીલ આર્મસ્ટ્રોંગના એક કદમથી ભાંગીને ભુક્કો થઇ ગયું! ચમકદાર રૂડો ચાંદ ઝાંખો, ભૂખરો, ઘાબાળો, નિર્જીવ બની ગયો. વરસાદની મોસમ પૂરી થઇ ને કાદવીયા ખાડા જાણે રહી ગયા! ચાંદ સી મહેબૂબા અને ચૌદહવી કાં ચાંદના ગીતો ઘટવા લાગ્યા. જો કે, શોર્ટકટ નામની ફિલ્મમાં જાવેદ અખ્તરે સરસ વાત લખેલી: કલ નૌ બજે તુમ ચાંદ દેખના, મૈં ભી દેખુંગા ઔર ઇસ તરહ હમ દોનોં કી નજરે ચાંદ પે મિલ જાયેગી! પ્રેમમાં આવું બધું ભોળપણ આવી જાય. લવ ઈઝ મૂડ. એ થાય ત્યારે સાયન્સ સાઈડમાં રહી જાય અને ચાંદનીની રોશની રૂંવે રૂંવે અમથી અમથી મજા કરાવે.
એટલે આસોની અમાસથી શરુ થયેલા ગરબામાં પૂનમની પ્યારી પ્યારી રાત અને પ્રીતમ સાથેની મુલાકાત સતત ડોકાયાં કરે. આઝાદી મળી એ અરસામાં અમીરબાઈ કર્ણાટકીએ -મનડાં કેરી વાત, બીજાને કહેવાય ના, વિજોગણની રાત જેમે કેમે ટૂંકી થાય ના... આવી આવી શરદ પૂનમની રાત, નવ આવ્યો મારા ચિત્તડાંનો ચોર- જેવું રાહ જોતી વિરહી નારીનું શરદ પૂનમનું ગીત ગાયેલું.
રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટનું એટલું જ જૂનું ગીત. (આવા બધા ગીતો રાસરમઝટમાં રિવાઈવ નથી થતા!) જેમાં કવિ મિલનનો રસ ભરતી અને વિયોગમાં કાળજે ઘા કરતી ચાંદનીને ઉદ્દેશીને વાતો કરે છે. ઓ શરદ પૂનમની ચંદા, મને જવાબ દેતી જા કહીને દિલના દર્દના સવાલો પૂછે છેઃ શુદ્ધ હૃદયનાં બે પંખીનાં હૈયાં જ્યાં મળતાં, એ હૈયાંની ઊજળી જ્યોતે, દુનિયા બળતી કાં?શા માટે આ હૃદય જાગતું?શા માટે એ પ્રેમ માંગતું ? શા માટે પ્રેમીનું ધાર્યું દુનિયામાં ના થાતું?
આ સવાલો આજે ય સનાતન રહ્યા છે, કારણ કે આથક જેટલો આ બાબતે માનસિક મોકળાશનો વિકાસ આપણે નથી કર્યો એટલે આઝાદી દેશને મળી, એટલી આજે ય પ્રેમીઓને નથી મળી. પણ એ બધી વેદના ખોવાઈ જાય છે, જ્યારે ઢબૂકતા ઢોલના તાલે રાસમાં એ બધા ખોવાઈ જાય છે.
એટલે એ પ્રેમીઓ વાસ્તવ ભૂલીને કલ્પનામાં ગાઈ ઉઠે છે: જોજે વીંખાય નહીં શમણાનો માળો, કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો! દો રંગી દુનિયાની કેડી કાંટાળી, વસમી છે વાટ કેમ ચાલુ સંભાળી? લાગે ના ઠોકર જો હાથ તમે ઝાલો,કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો! આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો! આમ મુખડાને બદલે અંતરા ય સાંભળો તો એમાં ય સરસ મોજ હોય છે.
સ્વ. દિલીપ ધોળકિયાએ ૧૯૬૮માં લતા મંગેશકર પાસે ગવડાવેલું ગીત ત્યારે બહુ જાણીતું હતું અને ' દૂધે ધોઈ ચાંદની, ચાંદનીએ ધોઈ રાત, એવામાં મળે જો વ્હાલમ, તો માંડું એક વાત' જેવી રચનાઓના કવિ હરીન્દ્ર દવેનું રચેલું હતું, જેમાં પિયુતલસાટમાં નાયિકા પૂનમની રાતની સવાર જ ન થાય અને આ લવ નાઈટનો એન્ડ જ ન આવે એવી ઝંખના કરે છે: (ચાંદનીના) રૂપલે મઢી છે સારી રાત રે સજન, એનુ ઢૂંકડું ન હોજો પ્રભાત...સૂરજને કોઈ ઓલી મેર રોકી રાખો, હજી આદરી અધૂરી વાત! વેળા આવી તો જરા વેણ નાખો વાલમા,એક જરા મોંઘેરું કહેણ નાખો વાલમા, ફેણ રે ચઢાવી ડોલે અંધારા દૂર દૂર દૂર..દિલના દરિયાવનાં ઊંડાણ જરા જોઈ લઉં, કેવા રે મોહાબ્બતનાં તાણ જરા જોઈ લઉંમારા કિનારા રહો દૂર નિત દૂર દૂર દૂર...
માહતાબ સમ મધુરો દિલકશ દીદાર તારો
ઘડવા તને ખુદાએ બેહદ કમાલ કરી છે
ગુલોં મિસાલ કોમલ ખીલતી અને પમરતી
ગુલઝારની ગુલાબી મીઠી તું ગુલ કલી છે
લાખો ગુલોંની લાલી રુખસારમાં સમાવી
અમૃત ને મધની પ્યાલી તુજ હોઠમાં ભરી છે
નીકળે નૂરી સિતારા નૈનો ચમકતા તારા
રોશનીએ જિસ્મ અંદર જન્નત ખડી કરી છે
જોતાં નઝર ઠરી રે સૌના જીગર હરીને
સંસારને સ્વર્ગ બનાવતી તું દિલકશી પરી છે
માહતાબ સમ મધુરો દિલકશ દીદાર તારો
ઘડવા તને ખુદાએ બેહદ કમાલ કરી છે
દારા નામના પારસીએ લખેલી આ પુરાની ગઝલ મુકેશે ગાયેલી! માહતાબ એટલે ચંદ્ર. ચાંદની એટલે કે લાઈટમાં શણગારેલું રૂપ વધુ નીખરે છે. એટલે તો બે વાર જન્મ લેતા ચંદ્રને જનોઈધારી 'દ્વિજ' માનીને ચંદ્રને 'કામદેવના યજ્ઞાનો પુરોહિત કહેતા' અને 'નારીણામાદિદેવ' યાને ીઓનો આદિ દેવ ગણીને આપણા સંસ્કૃત મુક્તકોમાં ચંદ્રની ચાંદનીમાં ઝગમગતા યૌવનની પ્રશસ્તિ છુટ્ટા હાથે વેરાયેલી છે. એને અપરાજિતરક્ષિતે -ઉદ્દપર્હૂણ તરુણીરમણોપમર્દ ભુગ્નોન્નતસ્તનનિવેશનિંભ- કહ્યો છે.
યાને મતવાલી યૌવનાના પ્રિયતમ દ્વારા મસળાતા અને ફરી આપોઆપ ઉન્નત થતા ઉરોજની જેમ વર્તુળાકાર ચંદ્રબિંબની કળાઓ ઘટે છે અને વધે છે! વોટ એન ઈમેજીનેશન ફ્રોમ ઓલ્ડ બટ બોલ્ડ ઇન્ડિયા ! અંશુધરે પૂણમાની ચાંદનીના તાણાવાણામાં તારાઓ ગાંઠ રૂપે આભલાં જેવી ડિઝાઈન બનાવે છે અને અને આ ચાંદનીની ઓઢણી ઓઢીને આખી પૃથ્વી સૂતી છે, એવી મનોહર કલ્પના કરે છે! વસુકલ્પે વળી ધરતી અને આકાશના એકબીજામાં ખોવાયેલા દેહને કપૂર અને ચંદનમાં સ્ફટિકમણિ જેવા હીરા ભેળવીને લેપ કર્યો હોય સહેજ પીળો, ઝાઝો સફેદ અને ચમકતો - એવું વર્ણન પૂનમનું કર્યું છે!
હનુમાનજયંતી, રક્ષાબંધન, હોળી, વટસાવિત્રી, બુદ્ધ પૂણમા,ગુરુ પૂણમા જેવા અનેક પર્વો ભારતમાં પૂનમ પર છે. કદાચ એનું કારણ એ છે કે એ વખતે લાઈટ નહોતી માટે મૂનલાઈટ પર ભેગા થઇ આનંદ કરવો સહેલો પડે.પશ્ચિમની જૂની સંસ્કૃતિઓઓમાં શુક્રને સ્ત્રી માની વીનસની કલ્પના થયેલી એમ ચંદ્રને ફિમેલ માની ડાર્ક ગોડેસ ઓફ સિડકશન લિલીથની વાતો કરી હતી જે રાત્રે એકલા સુતેલા પુરુષને લલચાવે છે! પાવર ઓફ મૂનલાઈટ મેડનેસ! બ્રાઝિલના પાઉલો કોએલ્હોની બ્રિડા નવલકથામાં ટ્રેડિશન ઓફ મૂનની તંત્ર વિધિ જેવી એક મેજિક પ્રોસેસની નેચર સાથે કનેક્ટ થવાની વાત છે.
હેનરી ડેવિડ થોરો જેવા સંસ્કૃત જાણતા અમેરિકાના પ્રકૃતિષિએ આખો નિબંધ ચાંદની રાતે ચાલવાના ચિંતન પર લખેલો હતો! ઉપર ચાંદ પણ એકલો ચાલે , ને નીચે નીરવ શાંતિમાં અંધકારને એના અજવાળેઉલેચતો, કોઈ રાતરાણી અને જૂઈ,મોગરા,રજનીગંધાની મહેક માણતો પથિક પણ! જે. કૃષ્ણમૂતએ તો ભીડ વચ્ચે ચાંદનીમાં નહાતા વૃક્ષ તરફ મૌન રહીને તાકવાને ય ધ્યાન કહ્યું છે!
સુંદરમ એટલે જ કહી ગયા હશે ને: મેરો ચાંદ ગગન મેં આયો, મટકી ભર અમરત લાયો! ( શીર્ષક ત મનોજ ખંડેરિયા )
ફાસ્ટ ફોરવર્ડ
પાનને તાળી દઈ પાછી વળેલી ચાંદની.
વ્રુક્ષ નીચે થરથરે નીચે ઢળેલી ચાંદની.
ઠેકડા ઝરણાની લહરથી લહર પર મારતી,
ખળખળાટોથી હરણ પેઠે છળેલી ચાંદની.
પોયણી એ વાત પર સંમત હજી થતી નથી,
આ અમાસે અંધકાર, છે બળેલી ચાંદની..
વૃક્ષમા ઝૂલતા પવન સાથે કરે છે કાળક્ષય,
કોઈને મળવા સમયસર નીકળેલી ચાંદની.
ભાગતી રાતે દીવાલો ધીરે ધીરે પી ગઈ
સૂના ઉબર આજુ બાજુ પીગળેલી ચાંદની.
સાવ તરસ્યા તો ખજૂરીના પડછાયા રહ્યા,
પી ગયું રણ રેતીમાં કૈ ઓગળેલી ચાંદની.
એનુ રસ્તામાં મળવુ મને ક્યા સાંભરે?
એમ તો દર્પણને પણ સામી મળેલી ચાંદની.
(રમેશ પારેખ)
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2plHJDx
ConversionConversion EmoticonEmoticon