કેરિઅરની પસંદગીમાં સાવધાની રાખો


મોટાભાઈને માત્ર ૭૦ ટકા ગુણો પ્રાપ્ત થયા હતા. તેમ છતાં એન્જિનિયરિંગમાં તેને પ્રવેશ અપાવવા માટે ઘરનાં તમામ વડીલ સભ્યોએ તમામ પ્રયાસો કર્યા હતા. શક્ય હોય ત્યાંથી ભલામણ પત્રો મેળવવામાં આવ્યા હતા. કેટલીયે ભેટસોગાદો અપાઈ હતી. આ બધું કરવા પાછળ ઘરના બધા જ સભ્યોની એક જ ઇચ્છા હતી. 

કે ઘરના એકના એક પુત્રને એન્જિનિયરિંગમાં એડ્મિશન મળી જાય. પરંતુ જ્યારે મારો વારો આવ્યો ત્યારે સ્થિતિ સંપૂર્ણ બદલાઈ ગઈ. ભાઈ કરતાં ઘણા જ સારા ગુણાંક મને મળ્યા હોવા છતાં મને મેડિકલમાં એડ્મિશન ન લેવા દેવાયું. આ માટે જાત-જાતના બહાના અને દલીલો પરિવારના વડીલો દ્વારા આગળ ધરવામાં આવ્યા. 

આપણા સમાજમાં લગભગ તમામ બીજા ત્રીજા ઘરોમાં આવી ઘટનાઓ સાંભળવા મળે છે તેમાં ખાસ કોઈ નવી વાત નથી. સ્વતંત્ર વિચારસરણી ધરાવતા હોવાની છડી પોકારનાર લોકો પણ આવા સમયે પોતાની દીકરી અને દીકરા વચ્ચે ભેદભાવ દર્શાવવામાં કોઈ કચાશ નથી રાખતા સારા ઘરનું માગુ દીકરી માટે આવે કે તરત જ દીકરીની બ્રાઇટ કેરીઅરને લગ્નની બેદીમાં હોમી દેતા આપણા સમાજના લોકો અચકાતા નથી. ક્યારે-ક્યારે એવું પણ જોવા મળ્યું છે છોકરીનો વ્યવસાય પસંદ ન આવે એટલે લગ્ન માટે થયેલો સંબંધ તૂટી જાય. અને આમ થવાથી મા-બાપ પુત્રીને તેનું કાર્યક્ષેત્ર બદલવા માટે દબાણ કરવા લાગે છે. 

કેટલાક પરિવારોમાં લગ્ન બાદ પણ વહુને નોકરી કરવાની છૂટ આપવામાં આવે છે. આ બાબત ઘણી સારી છે. તેમ છતાં પણ જ્યારે ઘર પરિવારની વિશેષ પ્રકારની જવાબદારી અંગેની વાત આવે ત્યારે નોકરી કરતી વહુની જવાબદારી જ વધુ હોય છે. એવું શા માટે નોકરી-વ્યવસાય તો પુરુષ પણ કરે છે.

તો પછી પતિ-પત્ની સંયુક્ત રીતે કેમ જવાબદારી ઉઠાવી ન શકે? ઘણી વખત એવી સ્થિતિ પણ ઊભી થઈ જાય કે ઘર-પરિવાર અને બાળકોની જવાબદારીને કારણે સ્ત્રીએ નોકરી છોડવી પણ પડે છે? આ બધી પરિસ્થિતિ જોતાં એવો વિચાર આવે છે કે આપણા સમાજમાં સ્ત્રીઓની કરીઅર અને વૈવાહિક જીવન એક સાથે કેમ નથી ચાલી શકતા.

લગ્ન સમયે છોકરાને તો કોઈ એવું પૂછતું નથી કે તું લગ્ન પછી કેવી નોકરી કરશે? છોકરો જ્યારે લગ્નનો નિર્ણય લે ત્યારે તેની કરીઅર પર કોઈ અસર પડતી નથી તો છોકરી લગ્નનો નિર્ણય લે ત્યારે તેની કરીઅર પર અસર શા માટે પડવી જોઈએ? આપણા સમાજની આ કેવી વિડમ્બણ છે કે એક તરફ આપણે સ્ત્રીઓને ભણાવી ગણાવી આત્મનર્ભર બનાવવાની વાતો કરીએ છીએ જ્યારે બીજી બાજુ પોતાના પગ ઉપર ઉભેલી શિક્ષિત નારીને આપણો સમાજનો નોકરી કે પરિવાર એમ બેમાંથી કોઈ પણ એકનેપસંદ કરવા માટે વિવિશ કરે છે.

આપણે ત્યાં નોકરી છોડવાની સલાહ માત્ર સ્ત્રીઓને જ શા માટે આપવામાં આવે છે. પુરુષોને શા માટે નહીં, પરિવારના નામે સ્ત્રીને જ શા માટે સંવેદનશિલ બનાવવામાં આવે છે? એવા ઘણા પ્રશ્નો અહીં અનુત્તરીત પણે રહે છે. ખરેખર જોઈએ તો કરિઅર પસંદ કર્યા બાદ જ્યારે વરની પસંદગી કરવાનો સમય આવે છે. ત્યારે માત્ર વર પક્ષની હા-કે ના પર છોકરીની કેરીઅરનો દારોમદાર છોડવો યોગ્ય નથી.

જે પરિવારની પ્રથમ શરત લગ્ન બાદ વહુને નોકરી છોડાવી દેવાની હોય એવા પરિવારમાં તમારી મહત્ત્વકાંક્ષી આત્મવિશ્વાસુ દીકરી કેવી રીતે રહી શકે, એનો વિચાર કરવો જરૂરી છે. આ બધું જોતાં એક વાત સ્પષ્ટ થાય છે કે દરેક માતા, પિતાએ પોતાની દીકરી માટે એવો મૂરતિયો પસંદ કરવો જોઈ જ્યાં પોતાની દીકરીને પૂર્ણ માન-પાન મળી રહે અને તેના કામની કદર કરવામાં આવે. ઘણીવાર પરિસ્થિતિ જ એવી ઊભી થાય છે કે સ્ત્રીએ પોતાની નોકરી છોડવી પડે છે. એ બાબતનો અમે ઇન્કાર નથી કરતા પરંતુ વર પક્ષને છોકરીની કેરીઅર બંનેએ પસંદ નથી એટલા જ કારણથી છોકરીએ નોકરી છોડવી જ પડે તે યોગ્ય ન કહેવાય. - અવની



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2oJnP5t
Previous
Next Post »