વાર્તા: તમને હું કેવી લાગી?


'નવાઈ લાગે છે કે તમે તમારા મા-બાપની સંમતિ વગર પ્રેમ કરવાનું સાહસ કરી શકો છો, એક અજાણી વ્યક્તિને તમારો અસ્વીકાર કરવાનું કહી શકો છો, મને તમારા પ્રેમી વિશે વાકેફ કરી શકો છો.  પરંતુ કેવળ તમારાં મા-બાપને તમારા વિશે કહેવાનું સાહસ નથી કરી શકતાં. 

ગુલાબી રંગની સાધારણ સાડીમાં પણ પ્રતિભા મોહક લાગતી હતી. તે શાંતિથી ખુરસી પર બેઠી હતી. તેની સામે સોહન અને તેના કુટુંબીજનો બેઠા હતા. તેઓ પ્રતિભાને જોવા આવ્યા હતા. બહારથી સૌમ્ય દેખાતી પ્રતિભાના મનમાં એક અજબ પ્રકારની હલચલ મચી ગઈ હતી. કદાચ ત્યાં જે કંઇ બની રહ્યું હતું તે તેને ગમતું નહોતું. કશીક અકળ વેદના રહીરહીને તેના શાંત ચહેરાને અસ્વસ્થ કરી મૂકતી હતી. તેને એમ થતું હતું કે સોહન ગમેતેમ કરીને તેની સાથે લગ્ન કરવાની ના પાડી દે, પરંતુ પોતાના મનોભાવ સોહન સુધી પહોંચાડી શકતી નહોતી.

સોહન એક સારા ઘરનો યુવક હતો. સમજદાર હોવા ઉપરાંત તેનું વ્યક્તિત્વ પણ પ્રભાવશાળી હતું. તે પ્રતિભાના ચહેરા પર ઉભરાતા ભાવ સમજવાની નિષ્ફળ કોશિશ કરી રહ્યો હતો. એવામાં બંનેના મનોમંથન પર લગામ મૂકતાં ઘરવાળાઓએ તેમને એકબીજાને સમજવાનો મોકો આપ્યો અને એકાંતમાં મળવા માટે બગીચામાં મોકલ્યાં.

બગીચામાં ફરતી વખતે બંને જણ વિચારતાં હતાં કે સૌપ્રથમ મૌન કોણ તોડે? છેવટે પ્રતિભાએ જ સોહનને ધીમેથી નજર ઝુકાવતાં કહ્યું, 'તમને હું કેવી લાગી?' પ્રતિભાના ચહેરાના ભાવથી વિપરીત આવો અણધાર્યો સવાલ સાંભળીને સોહન સ્તબ્ધ થઇ ગયો. કદાચ અત્યારસુધીના મૌન પરંતુ અશાંત વાતાવરણથી તેણે આ વાત પર ધ્યાન નહોતું આપ્યું. પ્રશ્નને અનુરૂપ જવાબ આપવા માટે સોહને હવે પહેલીવાર પ્રતિભાને ધ્યાનથી જોઈ.

હકીકતમાં પ્રતિભાના સાદા છતાં પ્રભાવક સૌંદર્ય પર તે મોહી પડયો હતો. પરંતુ તેના સૌંદર્યથી તે પૂરો મુગ્ધ બની જાય એ  પહેલાં જ પ્રતિભાએ સોહનની તંદ્રા ભંગ કરતાં કહ્યું, 'તમે મારા પ્રશ્નનો જવાબ ન આપ્યો?'

'તમે જવાબ શોધવાનો થોડોક સમય આપ્યો હોત અને હું જવાબ  શોધી શક્યો હોત, તો જરૂર જવાબ આપત. પણ તમે એવો મોકો જ ન આપ્યો,' સોહને સ્મિત વેરતાં કહ્યું. 

સોહને કદાચ મારા સવાલથી બચવા માટે આવો જવાબ આપ્યો હશે એવું વિચારીને પ્રતિભાએ વાત આગળ વધારી: 'જો હું તમારા પર વિશ્વાસ મૂકીને તમને કંઇક કહું, તો તમને અપમાન જેવું તો નહીં લાગેને?'

પ્રતિભાનો આ પ્રશ્ન સોહનને તેના ચહેરાના ભાવને અનુરૂપ લાગ્યો. તેને સંતોષ થયો કે કદાચ હવે તેને પ્રતિભાની વ્યથાનું કારણ ખબર પડી જશે. પ્રતિભા સામે જોતાં તે બોલ્યો, 'તમે મને શું કહો છો, એના પર મારા માન-અપમાનનો આધાર છે. પરંતુ તમે મારા પર ભરોસો મૂકો છો તો હું પણ તમને ખાતરી આપું છું કે આ વાત આપણા બંને પૂરતી જ રહેશે.'

સોહનની વાત સાંભળીને પ્રતિભા મૂંઝાઈ ગઈ. છતાં તેણે હિંમત કરીને કહ્યું, 'શું હું તમને ગમી ગઈ છું? જો 'હા' કહેતા હો તો મારી વિનંતી છે કે તમે મારો અસ્વીકાર કરો, કેમ કે હું બીજા કોઇકને પ્રેમ કરું છું. તમે એમ કરશો તો તમારો ખૂબ ઉપકાર માનીશ.'

સોહન હવે પ્રતિભાની મનોદશા પામી ગયો હતો. તેણે સંયમ રાખી થોડીવાર મૌન રહેવાનું યોગ્ય માન્યું. પ્રતિભા પણ આગળ કશું કહેવાની હિંમત ન કરી શકી.

પછી સોહને જ પહેલ કરતાં કહ્યું, 'પ્રતિભા, એ વાત સાચી છે કે તમે મને પસંદ છો અને પસંદ હોવા છતાં હું તમારી સાથે લગ્ન કરવાની ના પાડું, એવું હું નહીં કરી શકું. જો તમારે લગ્ન કરવા જ નહોતા તો પછી તમારાં માબાપને પહેલાં જ આ બધું કેમ ન કહ્યું? જો તમે પહેલેથી જ એમને બધી ચોખવટ કરી દીધી હોત, તો આજે એક અજાણ્યા જણને તમારે આવી વિનંતી  ન કરવી પડત. અને ઉપકારની બાબતે હું તમને એટલું જ કહેવા માગું છું કે હું અહીં મારા ભવિષ્ય માટે એક જીવનસાથી શોધવા આવ્યો હતો, કોઈના પર કશો ઉપકાર કરવા નહોતો આવ્યો.'

સોહનના શબ્દો સાંભળતાંવેંત પ્રતિભા અવાચક બની ગઈ. તેને એમ હતું કે સોહન કદાચ ખુલ્લા મનનો માણસ હશે અને અત્યાર સુધીના તેના વર્તનથી તે એમ જ સમજતી હતી કે તે ચોક્કસ એની લાગણીઓ સમજી શકશે.

પ્રતિભા આવેશમાં આવી ગઈ. તેણે એજ આવેશમાં સોહનને કહ્યું, 'તમે સાચું કહ્યું કે મારે મારાં કુટુંબીજનોને અગાઉથી જ બધું કહી દેવું જોઈતું હતું. પરંતુ તમે એવું કેમ વિચારી લીધું કે મેં જરાય કોશિશ નહીં કરી હોય? લાખ  કોશિશો કર્યાં છતાં હું મારા  વિશે તેમને કશુંય કહેવાની હિંમત જ ન કરી શકી.'

પ્રતિભાની વાતની સોહન પર ખાસ અસર ન પડી. તેણે પ્રતિભાને કટાક્ષમાં કહ્યું, 'નવાઈ લાગે છે કે તમે તમારા મા-બાપની સંમતિ વગર પ્રેમ કરવાનું સાહસ કરી શકો છો, એક અજાણી વ્યક્તિને તમારો અસ્વીકાર કરવાનું કહી શકો છો, મને તમારા પ્રેમી વિશે વાકેફ કરી શકો છો.  પરંતુ કેવળ તમારાં મા-બાપને તમારા વિશે કહેવાનું સાહસ નથી કરી શકતાં. જો પ્રેમ કરીને  તમે તમારી આધુનિકતાનો પરિચય કરાવ્યો છે, તો પછી એ પ્રેમને સમાજની સમક્ષ રજૂ કરવાનું સાહસ પણ કરો.'

સોહનનાં વાક્યો પ્રતિભાના હૈયામાં તીરની જેમ ભોંકાઈ ગયા. તે ચિડાયેલા સ્વરમાં બોલી ઊઠી ઃ 'કેટલી સરળતાથી તમે તમારી વાત કહી દીધી. પરંતુ તમને કદાચ ખબર નથી કે માબાપ ગમે તેટલાં જૂનવાણી હોય, તો પણ હંમેશાં એવી જ ઇચ્છા રાખતાં હોય છે કે તેમની પુત્રી તેમની ઇચ્છા મુજબ પરણે. પછી ભલેને તેમની પુત્રીની ઇચ્છા કંઇ બીજી જ હોય.'

સોહને સ્વસ્થ થઇને પ્રતિભા સામે જોતા કહ્યું, 'કદાચ તમારી વાત સાવ સાચી છે. પરંતુ બદલાતા જમાનામાં માતાપિતા પણ              બદલાયાં છે. તેમના વિચારોમાં પણ પરિવર્તન આવ્યું છે. કોઇપણ માબાપ પોતાની દીકરી માટે વર શોધે ત્યારે એટલું જ ઇચ્છે છે કે એ વરનું ખાનદાન સારું હોય, તે ભણેલોગણેલો હોય, વ્યવસ્થિત નોકરી કે ધંધો કરતો હોય, જેથી તેમની પુત્રીને જિંદગીમાં કશી પરેશાની વેઠવી ન પડે. નાત-જાતના ભેદભાવોમાં તો હવે બહુ ઓછા માબાપ માને છે. અગર તમારા પ્રેમીમાં આવા સદ્ગુણો હોય, તો તેઓ ચોક્કસ તમારાં લગ્ન એની સાથે રાજીખુશીથી કરાવી આપશે.'

પ્રતિભાએ સોહન સામે કટાક્ષભર્યું સ્મિત વેરતાં કહ્યું, 'તમે અત્યારે એક લાયક વરના જે ગુણો બતાવ્યા તે બધા જ અને તેનાથીય વધારે ગુણો મારા એ પ્રેમીમાં છે. બસ દોષ કેવળ એટલો જ છે કે હું જેને પ્રેમ કરું છું તે વ્યક્તિ અપંગ છે. જિંદગીભર તે પોતાના પગ પર ઊભા રહીને ચાલી શકે તેમ નથી. હવે તમે જ કહો, શું કોઇપણ માબાપ પોતાની દીકરી માટે આવો મુરતિયો પસંદ કરે ખરાં?'

સોહન આભો બનીને પ્રતિભા સામે જોતો જ રહ્યો. તેણે વિસ્મયસહિત પૂછ્યું, 'શું વાત  કરો છો? શું તે ક્યારેય જાતે ચાલી શકે તેમ નથી? છતાં તમે તેને પ્રેમ કરો છે?'

'હા. છતાં પણ હું તેમને પ્રેમ કરું છું. રિયલ લવ. તેમના ખાતર હું ગમે તેવો ત્યાગ કરવા તૈયાર છું.' પ્રતિભા પૂરા આત્મવિશ્વાસ સાથે બોલી.

સોહને ફરીથી વ્યંગભરી વાણીમાં પ્રતિભાને કહ્યું, 'હવે મારા મનમાં જરાય શક નથી કે તમે એને માટે શું શું કરી શકો છો. તેનું એક નાનકડું ઉદાહરણ તો તમે રજૂ કરી જ દીધું છે. પણ મારી નજરે એ માણસ ખરેખર ધન્ય છે, જે આટલી મોટી ખોડથી લાચાર હોવા છતાં પોતાના પ્રત્યે પ્રેમ કરતાં તમને રોકી ન શક્યો.

માનો કે તમે કદાચ લાગણીના પ્રવાહમાં તણાઈને તેને  પ્રેમ કરવા લાગ્યાં હો. છતાં તેનામાં કશુંક ખાસ આકર્ષણ હશે જ. પરંતુ તમારે એટલું તો સમજવું જોઈતું હતું કે એ તમને એમ કહે કે ઘડી બે ઘડીનું આકર્ષણ આખી જિંદગી ગુજારવા માટે પૂરતું નથી. આ એક ભ્રમ છે. પણ એવું કહેવાને બદલે તેણે તમારા પ્રેમને પ્રોત્સાહન આપ્યું. હવે તમે જ કહો કે મારે તમારા એ પ્રેમી વિશે શું સમજવું?'

સોહનની આ દલીલ સાંભળીને પ્રતિભા આક્રોશમાં આવી ગઈ અને બોલી: હું તમને કશું જ સમજાવવા માગતી નથી. અને વળી હું તમને શા માટે કશું સમજાવું? તમે મારા કોણ થાવ છો? છતાં તમારા સંતોષ ખાતર કહી દઉં કે માની લો કે તેનામાં થોડીક ઉણપ છે. પરંતુ તેઓ લાચાર કે મજબૂર છે એવું તમને કોણે કહ્યું? તેઓ સુરિક્ષિત છે અને એક મલ્ટીનેશનલ કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરે છે.

તેમનું કુટુંબ સંસ્કારી અને સુશીલ છે. રહી વાત મને પ્રેમ કરતી રોકવાની તો એમને ઠેકાણે કોઇપણ અપંગ વ્યક્તિ જેવું વર્તન કરે તેવું જ તેમણે પણ કર્યું. છેલ્લાં પાંચ વરસથી તેઓ સતત મને સમજાવવાનો પ્રયાસ કરે છે કે હું મારી જિંદગી તેમની પાછળ બરબાદ ન કરું. પરંતુ આ મારી જિંદગીનો સવાલ છે અને હું બરાબર જાણું છું કે કોની સાથે મારું જીવન ન્યાલ થશે અને કોની સાથે પાયમાલ. જો આટલું જાણ્યા છતાં તમે મારો અસ્વીકાર કરવા ન માગતા હો, તો હું જાતે જ તમારી સાથે લગ્ન કરવાની ના પાડી દઈશ.'

આટલું બોલીને પ્રતિભા ઝડપભેર પોતાના રૂમમાં ચાલી ગઈ. તેનું મગજ બહેર મારી ગયું હતું. મેં આ શું કર્યું? શા માટે કર્યું? મારે આવું કરવું જોઈતું હતું કે નહીૅં? આવા અનેક સવાલો પર વિચાર કરવા તે અસમર્થ હતી.

થોડીક વારે તેનાં માબાપ તેના રૂમમાં આવ્યાં. તેમણે પ્રતિભાને પૂછ્યું. 'શું તું બીજા કોઇકને પ્રેમ કરે છે?'

'આખરે તમારા મહેમાને તમને બધી વાત કરી જ દીધી. મને તેમની પાસેથી એવી જ આશા હતી. હવે તમને બધી ખબર પડી ગઈ છે તો સાચી વાત કહી દઉં કે હા, હું બીજા કોઇકને પ્રેમ કરું છું.'

'પણ તેં અમને પહેલાં કેમ ન કહ્યું? આખરે અમે તારાં માબાપ છીએ, કોઇ દુશ્મન તો નથી. બાળપણથી માંડીને આજ સુધી તારી સમજદારી પર અમે ક્યારેય કશી શંકા કરી નથી. પછી આજે તારી જિંદગીના આટલા મોટા નિર્ણય વિશે અમે વિચાર કર્યા વગર કેમ રહેત? તું જેને પરણવા માગે છે તેની સાથે જ તારાં લગ્ન થશે. પણ અત્યારે તો બહાર આવ. એ લોકો જઈ રહ્યા છે. એમને વળાવી આવ તો ખરી.' પ્રતિભાના માથે વહાલથી હાથ ફેરવતાં તેની માએ કહ્યું.

પ્રતિભાને રડવું કે હસવું તે સમજાતું નહોતું. બહાર આવતાં સોહનને સામે ઊભેલો જોઈને ફરી તેણે કટાક્ષમાં કહ્યું, 'તમે ખૂબ કોશિશ કરી હશે કે મારો પ્રેમી મને ન મળે. પરંતુ મારાં નસીબ સારાં છે, કે મારાં માબાપે પણ હા પાડી. અફસોસ તો એ વાતનો રહેશે કે મેં એમના પર વિશ્વાસ મુકવાને બદલે તમારા જેવા અજાણ્યા પર ભરોસો મૂક્યો. હવે તમે હંમેશ માટે અહીંથી જઈ શકો છો. આભાર.'

પ્રતિભાના ઠપકાભર્યા શબ્દો સોહન શાંત ચિત્તે સાંભળતો રહ્યો. એવામાં પ્રતિભાની માતા મોટેથી બોલી ઊઠી, 'હવે ચૂપ રહે. તને ખબર નથી કે આ સોહન કોણ છે.'

'કોણ છે વળી?' પ્રતિભાનો રોષ હજી શમ્યો નહોતો. 'એ મારી બહેનપણીનો પુત્ર છે. એક મનોચિકિત્સક છે. મેં એને તારી બેચેનીની વાત કરી હતી. તેણે જ તારા હૈયાની વાત જાણવા તને જોવાનું આ નાટક રચ્યું અને એણે જ અમને તારા પ્રેમી સાથે તને પરણાવવા અમને રાજી કર્યાં. તેણે કહ્યું કે ધારો કે લગ્ન પછી તમારો જીવનસાથી અપંગ થઇ જાય, તો શું તમે તેને તરછોડી દો?' 

માની વાતો સાંભળીને પ્રતિભા ભોંઠી પડી ગઈ. સોહન વિશે પોતાની ગેરસમજનો અહેસાસ થતાં તેની માફી માગવા તે આગળ વધી. પણ તે કશું બોલે એ પહેલાં જ સોહને ખુલાસો કર્યો, 'મેં જ તમારાં માબાપને કશી જાણ કરવાની ના પાડી હતી. હવે તમે પહેલીવાર પૂછેલો પ્રશ્ન હું તમને પૂછું છું, 'તમને હું કેવો લાગ્યો?'

સોહનની વાત સાંભળી સૌ હસી પડયાં. પ્રતિભાએબેઉ હાથ જોડીને સોહનને કહ્યું, 'હવે વધુ કસોટી ના કરો. મને ક્ષમા કરી દો, સોહન. તમારી મહાનતાનો આભાર માનવા મારી વાણી અપંગ છે.'



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35A5LeR
Previous
Next Post »