સાપના દરમાં હાથ ઘાલો, તો વાંધો ન આવે, પણ કેકાને અડપલું કર્યું, તો બાર વાગી જાય !!


શું કામ બધાં મારી પાછળ હાથ ધોઇને પડયાં છે ? શું કામ મારી મક્કમતાને ઢીલી કરવાનો ઠેકો લઇને બેઠાં છે બધાં ? શા માટે આખા દિવસમાં વીસ-પચીસ વાર 'જા, જા, ને જા' એવો આગ્રહ કરો છો ?' સારું ઘર છે, ત્રણ ત્રણ તો મેડી બંધ મકાન છે ને દોઢસો વીઘાં તો જમીન છે.. વળી એનો બાપ નાતનો આગેવાન છે.. આવું ઘર નહીં મળે ! વાતને વધાલી લે ! ને રીસામણાં છોડ.. ને પહોંચી જા સાસરિયે !' એકની એક રેકર્ડ શા માટે વગાડયા કરો છો બધાં ? માસીય આવું જ કહે છે ને મામીય.. પણ બધાં ય સાંભળી લો મારી વાત: લાખ કહેશો તો ય હું એ ઘેર પગ નથી મૂકવાની ! જીવ આપી દઇશ, પણ એ આંગણે હવે હું ક્યારેય પગ નહિ મૂકું ! કાન ખોલીને સાંભળી લો બધાં, મેં તો એના નામનું ક્યારનુંય નાહી નાખ્યું છે, સમજ્યાં ? બહુ કહેશો તો હું કંઇક કરી બેસીશ, પછી કહેતાં નહીં કે કેકાએ કહ્યું નહિ ! સમજ્યાં ?'

કેકા એટલે કેકા.

ચોરવણ ગામના મોહનભાની દીકરી. એકની એક.. લાડકોડમાં ઉછરેલી ! સ્વતંત્ર મિજાજની અને પોતાનું ધાર્યું કરનારી ! મિજાજી પણ એવી ! આ ગામના જુવાનિયા એના રૂપને જોઇને લાળ પાડતા. કહેતા: 'જો મળી જાય જિંદગીમાં કેકા, પછી ન રહે કોઇ જાતની કમી ! બસ, સુખ જ સુખ છલકાતું રહે જિંદગીમાં !'

'મનેય એવું જ થાય છે.' 'શું થાય છે ?' 'કેકાનાં સપનાં આવે છે !' 'કેવાં ?' 'હું જાણે રાજા છું ને કેકા જાણે રાણી ! અમેય બેય આનંદ લૂંટીએ છીએ ! અને છુ..ટ્ટાં પડતાં જ નથી. જ્યાં કેકા રાણી ત્યાં જ આ રણછોડ રાજા !'

'બરાબર ! તો પછી સપનાં સાચાં ય પડે !' 'પ્રયત્ન કરું.' 'પણ જોજે હોં, કેકા છે વીંછીનો આંકડો, ડંખ ન મારે ? સાપના દરમાં હાથ ઘલાય, વાંધો ન આવે, પણ કેકાને અડપલું થાય એ તો ઓલ્યા આભલે !' 'જાણું છું, બકા ! પણ સપનાં જોવામાં શું જાય છે ?' 'તો જોયા કરો સપનાં !'

સૌને એમ છે કે કેકા મારી થાય.. મારા ઘરનાં પાણીડાં ભરે ! મારા ઢોલિયાની ઢેલ બને ! મારી મેડીની મહારાણી બને !

'પણ કેકા જુદી જ માટીની માયા છે. હા, રૂપ રૂપનો અંબાર છે કેકા ! સ્વર્ગની અપ્સરાય એને જુએ તો ઉપવાસ આંદોલન શરૂ કરી દે ! નખશિખ સૌંદર્યની પ્રતિમા છે કેકા ! મોહન ભાના આંગણામાં ઊગેલું ગુલાબ છે કેકા ! ને આવી કેકા જ્યારે યૌવનની આંબાડાળે ઝુલવા લાગી, કાયાની કોયલો કલરવ કરવા લાગી ને એના દેહની વેલી પર સુગંધીદાર ફૂલ બેઠાં ત્યારે મોહનભાને ઘણા  કહેતા ઃ 'ભા, કાંક વિચારો.'

'કોનું ?' 'કેકાનું.' 'સારું ઠેકાણું હોય તો બતાવો.. કેકાનું દિલ ઠરશે ને અમારુંય મન માનશે તો ઝટ મંગની, ને પટ બ્યાહ ! બોલો છે એવું કોઇ ઠેકાણું ?'

એક જણે તો ઠેકાણું ય બતાવી દીધું: 'થાંભલી ગામના મનજી મતાદારનું ઘર દમદાર છે. ત્રણ ત્રણ તો મેડીબંધ મકાન છે, ને દોઢસો વીઘાં જમીન છે ! એમનો  યુવાન દીકરો છે જોબન.. કરી નાખો પાક્કું ! કેકારાજ કરશે રાજ !'

વાત મોહનભાના હૈયામાં શીરાના કોળિયાની જેમ ઊતરી ગઇ ! વચેટિયા સગાએ વાત ચલાવી. મનજી મતાદાર, એમના ભાઇ ભાઇદાસ અને જોબન જોવા આવ્યા. ને કેકાને જોતાં જ સૌની આંખો પહોળી થઇ ગઇ. જોબન તો રાજી રાજી થઇ ગયો ! સામસામી 'હા'નો સરવાળો થઇ ગયો !.. ને પછી તો શરણાઇઓ વાગી, ગાનારીઓએ ગળાના ત્રણ ત્રણ કટકા કરીને ગાણાં ગાયાં, ઢોલ ધ્રબૂક્યાં... હાથમાં હાથ મૂકાયા. ચાર ફેરા ફરાયા.. ને કેકા - રૂપની રાણી કેકા - સૌંદર્યની  સામ્રાજ્ઞાી  કેકા જોબન સંગ સાસરિયે સિધાવી !

પહેલી રાતે જોબન ખેતરમાં જ સુઇ રહ્યો હતો ! મતાદારે હળવેથી કહી દીધું: 'કેકા, આજે રાતે જોબન ખેતરમાં રહેવાનો છે, ને ત્યાં જ સુવાનો છે... રાત્રે ચોર આવીને પાક વાઢી જાય છે એટલે !'

'ભલે.' 'શાંતિથી સુઇ જાવ.' 'ભલે, બાપુ !' બીજી રાત્રે વળી એવું જ બહાનું: 'જોબન, એના મામાને ત્યાં ગયો છે.. મામાની તબિયત બગડી ગઇ છે !'

'ભલે.' 'સુઇ જાવ શાંતિથી !' બસ, આ જ સિલસિલો પંદર દિવસ ચાલ્યો.. દિવસ બદલાતા ગયા.. એમ બહાનાં પણ બદલાતાં ગયાં ! આમ છે, ને તેમ છે ! તમે સુઇ જાવ ! જોબન નહિ આવે ! એક દિવસે તો કેકાએ જોબનને રીતસર પકડયો: 'જોબન, કેમ સંતા કૂકડી રમે છે ?  દરરોજ રાત્રે ક્યાં જાય છે ? ખબર નથી. પત્ની તારી રાહ જુએ છે ? તારી ચિંતા કરે છે ? ચાલ, અંદર.'

મતાદાર બહારગામ ગયા હતા. જોબન ખાટલાની પાંગથ બાંધતો હતો.. ને કેકાને કશીક ગંધ આવી ગઇ હતી. જોબન કેમ ભાગે છે મારાથી ? રાત પડે છે ને બહાનાંનું બજાર ચાલુ થઇ જાય છે: 'કુછ રાઝ તો જરૂર હૈ !'

- જોબનને પકડીને તે અંદરના ઓરડે લઇ ગઇ: 'સાચું બોલ, તને શું થયું છે ? તું મારાથી ભાગતો કેમ ફરે છે ?' ત્યારે એ બોલ્યો: 'મા બહુચરના સમ ખાઇને કહું છું કે હું ભાગતો નથી, મારા બાપા મને બહાર મોકલી દે છે !'

'કેમ ?' ને જવાબમાં જોબન રડી પડયો. એણે હાથ જોડી દીધા. ને તાબોટો પાડીને બોલ્યો: 'સાચું કહું ? બાપાએ તને છેતરી છે..' 'એટલે ?' 'હું તો ગાભાના ઢીંગલા જેવો માણસ છું...' 'હું સમજી નહિં...' 'હું નામર્દ છું, કેકા ! 

હું સ્ત્રીને લાયક નથી !' ને એ તાબોટા પાડતો ઝડપથી બહાર નીકળી ગયો... કેકાને ચક્કર આવી ગયાં: 'ઓહ, તો વાત આમ છે ?' ને એની આંખો ભીંજાઈ ગઈ.

'ઓ પ્રભુ હું શું કરું ?' રાત પડી. અચાનક આડું કરેલું બારણું ખુલી ગયું. કેકાના એકાંત ઓરડે કોઈ પ્રવેશી ચૂક્યું હતું. એણે લાઈટ કરી. ઓહ,

આ તો મનજી મતાદાર છે ! જોબનના બાપા ! ને દાખલ થતાંની સાથે એમણે કેકાને બાથમાં લઈ લીધી: 'બોલ્યાં: 'તું ચિંતા ન કર. જોબન તારા કશા જ કામનો નથી ! પણ દુઃખી ન થતી...હું છું ને ?''

પણ આટલું થતાં જ એમનો ઇરાદો સમજી ગઈ કેકા ! એણે મનજી મતાદારના હાથે બચકું ભરી લીધું...ને પાણી ભરેલો લોટો એમના કપાળ પર ઠોક્યો: મનજી મતાદારને ચક્કર આવી ગયાં...એ નીચે ઢળી પડયા...ને કેકા...'હાક્..થૂ' એમ થૂંકીને બહાર નીકળી ગઈ !

હા, આ એ જ કેકા છે. બબ્બે વરસ વીતી ગયાં છે ! પાછા જવાનું નામ લેતી નથી, ને લોકો એને સમજાવે છે સગાંવહાલાં એને સમજાવે છે: 'જા, પાછી જા, કેકા !' ને કેકા કહે છે: 'હું જીવ આપી દઈશ, પણ ત્યાં તો નહીં જ જાઉં !'

હવે સાંભળો કેકાને -

'હું શું કામ જાઉં ત્યાં ? મારો આદમી તો માટીનો માણસ છે. એનું સ્થાન ઢોલિયે નહિ, પણ હીજડાઓની ટોળીમાં હોય ! સ્ત્રી શું કામ લગ્ન કરે છે ? મર્દનો સંગમાણવા...સુખનો પિયાલો પીવા ! ને મનજી મતાદાર તો ? એ તો બહારહીંડો છે. કૈંકની જિંદગીઓ એણે બગાડી છે ! એ માણસ નથી, વાસના ભૂખ્યો હડકાયો કૂત્તો છે કૂત્તો ! રૂપાળી સ્ત્રીઓનાં હાડકાં ચાટનારો કૂત્તો ! હું નહિ જાઉં !'

- હા, હું નથી જવાની !

મારે મેડીબંધ મકાનો શું કરવાનાં ? જ્યાં ભાયડો જ મર્દાનગીથી છુટો પડી ગયો હોય તો ? અને મારી બીજી વાત પણ સાંભળી લો - હું હવે ફરીથી આ ભૂલ કરવાની નથી. બસ, આજીવન હું સ્ત્રીસેવામાં જ સમર્પિત બની રહીશ ! એમને બોલાવીશ ! એમના પ્રશ્નો સમજીશ ! ને ઉકેલવાના તમામ પ્રયાસો કરીશ ! હવે હું 'જોબનની વહુ' નહિ, પણ 'સમાજ સેવિકા કેકા યોગિની' બનીને શેષ જિંદગી જીવ્યા કરીશ !'



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2MIueGe
Previous
Next Post »