અરૂણ સબનીસ! આમ તો એ મંગળવાર રોજના જેવો જ સામાન્ય દિવસ હોત જો સાંજે સાડા છએ મંગળકરે ઑફિસમાં તમને સમાચાર ન આપ્યા હોત કે, ''સબનીસ તેં સાંભળ્યું કે? વી.ટી.થી ઉપડેલી સાંજના પાંચને ચાલીસની લોકલ ટ્રેનને અકસ્માત થયો છે. ટ્રેને સેન્ડહર્સ્ટ રોડ સ્ટેશન છોડયા પછી આખો લેડિઝ કંપાર્ટમેન્ટ અને બીજા બે ડબા પાટા પરથી નીચે ખડી પડયા છે. કોણ જાણે કેટલાય મરી ગયા હશે? સાલુ આ મુંબઈની તે કંઈ લાઇફ છે? આખી જિંદગી પછી એક દિવસ આમ અકસ્માતમાં ગુજરી જવાનું!''
પણ મંગળકરના આ વાક્યો તમે પૂરાં સાંભળ્યા નહીં અરૂણ સબનીસ. ટ્રેનના ટાઈમીંગ્સની ડિટેઈલ્સ સાંભળીને તમે મંગળકરના ખભા હચમચાવતાં ચીસ પાડી, ''મંગળકર તને બરાબર ખબર છે, પાંચને ચાલીસની લોકલ ટ્રેનને જ એક્સીડેન્ટ થયો છે?''
''ઓફ કોર્સ! આઈ એમ કોક સ્યોર! મારા મોબાઈલ પર છ વાગ્યાના સમાચાર જોયા પછી કહું છું! પણ તારે શું છે એમાં?'' ખભા પરથી તમારા હાથને ઝટકતાં મંગળકરે નવાઈપૂર્ણ સ્વરે કહ્યું.
''માય ગોડ મંગળ! તારી ભાભી રોજ ઑફિસથી છુટીને સેન્ડહર્સ્ટ રોડથી આ જ ટ્રેન પકડે છે ઘેર આવવા માટે, ને લેડીઝ કંપાર્ટમેન્ટમાં જ.'' બોલતાં માથે હાથ મૂકીને તમે ખુરશી પર ઢગલો થઈને બેસી પડયાં અરૂણ.
'હવે શાયદ સુસ્મિતાનો હસતો રૂપાળો ચહેરો ફરી જીવતો જોવા નહીં મળે'ના વિચારે તમારા જવાન મજબુત બદનમાં એક લખલખું આવી ગયું અરૂણ, ને પાંચ વર્ષના સુખી લગ્નજીવનના રોજિંદી રૂટિની જિંદગીના પાનાં તમારી નજર સામે ફરફરી ગયાં અરૂણ સબનીસ...
...તમે રોજ સવારે સાંતાક્રૂઝથી ચર્ચગેટ આવવા સાડા-આઠની લોકલ પકડતાં, ને બરાબર કલાક પછી ઘરનું કામ આટોપી સુસ્મિતા સાડા નવની લોકલ પકડી સાંતાક્રૂઝથી બાંદ્રા આવતી, ને ત્યાંથી લોકલ પકડી સેન્ડહર્સ્ટ રોડ ઊતરી ડોંગરી પાસે આવેલી ક્વીક રોડવેઝ લિ.ની ઑફિસે અગિયાર વાગ્યે પહોંચી જતી.
તમને ઑફિસથી છુટીને ઘેર પહોંચતા, રોજ સાડા આઠ નવ કાયમ થઈ જતાં અરૂણ, પણ સુસ્મિતા તો સાંજે ઑફિસથી છુટીને પાંચને ચાલીસે વી.ટી.થી ઉપડેલી ટ્રેન લોકલ ટ્રેન સેન્ડહર્સ્ટ રોડથી અચુક પકડી લેતી ને સાત વાગ્યાની આસપાસ ઘેર પહોંચી જઈ સાંજે તમારા માટે ગરમાગરમ રસોઈ બનાવી નાંખતી.
ક્યારેક સાંજે ખુબ મોડું થતાં તમે કંટાળીને કહેતા અરૂણ કે, ''સ્મિતા આ સાલી આપણાં બંને જણાંની પ્રાઈવેટ ફર્મ્સની આ તે કંઈ નોકરીઓ છે? પગારના ઠેકાણાં નહીં ને કામના ઢગલાં'' અને સુસ્મિતા સુડોળ ગૌર દેહલતાનો એક અંગડાઈભર્યો આરોહ ઘુંટતા હસતાં હસતાં આંખ મિચકારી કહેતી,
''અરે પાડ માન અરૂણ આ પ્રાઈવેટ નોકરીઓનો! નોકરીઓ તો છે ને આપણી પાસે આ બેકારીના જમાનામાં? આ પ્રાઈવેટ ફર્મ્સની નોકરીઓ ના હોય તો આપણી આ પ્રાઈવેટ લાઇફ પતાસાંમાંથી પાપડ બની જાય. અને તારી નોકરી એવી છે. હું તો ટ્રાન્સપોર્ટ કંપનીની પ્રાઈવેટ નોકરીમાંથી ય સાંજે તો ટાઈમસર છુટી જાઉં છું ને ઘેર વહેલી આવી જ જાઉં છું ને? પરંતુ આજે એ ઘેર નહીં પહોંચી હોય અને...
'અરે સબનીસ! આમ સૂનમૂન શું બેસી રહ્યો છે? ભાભીની ઑફિસે ફોન કરીને પૂછી તો જો, કેટલા વાગ્યે નીકળ્યા છે ઑફિસેથી ઘેર જવા? કદાચ આ ટ્રેઈન ચુકી પણ ગયા હોય' મંગળકરે તમને હચમચાવીને ટેલિફોન તમારા પાસે ખસેડયો. તમે નિર્જીવતાથી આંગળી ડાયલ પર ફેરવી, ''હલો ક્વીક રોડવેઝ! આપને ત્યાં સર્વીસ કરતા ટાઈપિસ્ટ મિસીસ સબનીસ સાંજે કેટલા વાગ્યે ઓફિસેથી ઘેર જવા નીકળ્યા છે એ કહી શકશો? હું એમનો હસબન્ડ અરૂણ સબનીસ બોલું છું.''ને માહિતી મળતાં તમે ખુશીના માર્યા ટેબલ પરથી ઉછળી પડયા, ''શું કહ્યું? આજે એ ઓફિસે આવ્યા જ નથી? રજા પર છે?''
''ઓહ ગોડ થેંક્યૂ વેરી મચ! ચાલ મંગળકર હું ટેક્સી કરીને ઘેર ભાગું છું! આજે તો! બોસને કહી દેજે આજે તો સબનીસને મૃત્યુ પામેલી પત્ની પાછી મળી છે'' કહી ઝળહળતા ચહેરે, લિફ્ટીની રાહ જોયા વિના બબ્બે પગથિયાં એકસાથે ઊતરી તમે સાંતાક્રુઝ જવા ટેક્સી પકડી ને એ જ આનંદ ઉછળતી ઝડપે તમારા ફ્લેટ્સના બબ્બે પગથિયાં એક સાથે ચડી જઈ, ત્રીજા માળે આવેલા તમારા ફ્લેટની કોલબેલ જ્યાં સુધી સુસ્મિતાએ બારણું ખોલ્યું નહીં ત્યાં સુધી દબાવી રાખી.
તમને આમ અચાનક વહેલાં આવેલા જોઈ સુસ્મિતાએ સહેજ ગભરાટ અને આશ્ચર્યથી તમને અંદર લેતાં પૂછ્યું, ''વાત શું છે અરૂણ? ડાર્લિંગ આમ દોડતો દોડતો કેમ આવ્યો?''
''અરે પૂછીશ જ નહીં સુમી ડાર્લિંગ! આજે તો તું મને ફરી મળી છે.'' કહેતાં તમે સુસ્મિતાના નાજુક ગૌર દેહને બંને હાથમાં ઉંચકીને ચુમીઓથી નવરાવી દીધો ને લોકલ ટ્રેનને નડેલા અકસ્માતની વાત કરી. ''આઈ એમ વેરી લકી ડાર્લિંગ કે તું આજે ઑફિસે ના ગઈ. પણ એકાએક રજા કેમ પાડી તેં? હું ઑફિસ જવા નીકળ્યો ત્યાં સુધી તો તું કંઈ બોલી જ નહોતી.''
''બસ એમ જ અરૂણ! સવારે માથું સહેજ ભારે હતું ને તાવ આવશે એવું લાગતું હતું એટલે છેક તૈયાર થયા પછી જવાનું માંડી વાળી રજા પાડી દીધી.'' ચહેરા પર સ્મિતનું લીંપણ કરતાં સુસ્મિતાએ ખુલાસો કર્યો ને તમે તમારી 'સુમી'ને ફરી ચુમીઓથી નવરાવી દીધી.
સારૂં છે શ્રીમાન અરૂણ સબનીસ! તમે જાણતાં નથી કે સુસ્મિતા આજે આખો દિવસ જુહુ પર આવેલા એના બોસના બંગલે બોસની સાથે હતી, એટલે 'રજા' પર હતી ઑફિસમાં. કેમ કે એના બોસના પત્ની પિયર ગયેલા છે! નહીંતર જે સુમીને ચુમીઓ ભરતાં તમે થાકતાં નથી એને જ તમે અત્યારે કહેતાં હોત કે, ''આના કરતાં તો અકસ્માત થયેલી ટ્રેનના ખડી પડેલા લેડીઝ કંપાર્ટમેન્ટમાં તું હોત તો વધુ સારું હતું...''
(શીર્ષક સંવેદના: નરેન્દ્ર જોશી)
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2nNihqb
ConversionConversion EmoticonEmoticon