પંખીડાંને આ પિજરું જૂનું જૂનું લાગે


શરીરની અંદર રહેલો આત્મા- જીવ પરમાત્મા સાથે ઐક્ય સાધીને રહે છે. આ ઐકત્વ જ્યારે છૂટી જાય  છે ત્યારે તે શરીરમાં હોવા છતાં મુક્ત થઈ જાય છે. જેને મરણ કહેવાય છે.

' અસંખ્ય જન્મ તો હે મરતાં હોગે,

જીવિત ક્યોં ન મરૈ રે !

દ્વાદશ-મધ્ય મહલ મઠ બોરે,

બહુર ન દેહ ઘરૈ રે !

માનવ જન્મે છે, મરે છે ને ફરી ફરી જન્મ પામે છે. આમ જીવનમરણનું ચક્ર ચાલ્યા કરે છે. પરંતુ તે જીવતા જીવે તો મરતો નથી. અર્થાત્ ભક્તને આ ભૌતિક સંસાર અસાર છે અને એક પરમેશ્વર જ સત્ય છે તેવું જ્ઞાાન થઈ જાય તો એ મનથી મરેલો જ છે. પણ એ ભક્તિથી દૂર દૂર રહીને દેહથી જન્મી, દેહથી જ મરે છે. 

ગીતા અધ્યાય ૭માં પણ કહ્યું છે કે, જે સાધક કે શિષ્ય ફક્ત વૃદ્ધાવસ્થાના દુ:ખથી તથા મરણનાં દુ:ખથી મુક્ત થવા માટે સાધનારત છે, તે તત્ બ્રહ્મને તથા સંપૂર્ણ અધ્યાત્મને અને કર્મોને જાણે છે.

જીવનનો જ્ઞાાત ભાગ તે જન્મ અને મૃત્યુનાં બે બિદું વચ્ચે લીટી છે. જન્મની વધામણી થાય છે અને મૃત્યુનો ખરખરો થાય છે. વધામણી અને ખરખરો આ બે બિન્દુની પાર હોવાપણાનો મોટો ભાગ છે. જે અદીઠ એટલે કે અજ્ઞાાત છે જીવનના આ અદીઠ ભાગને પામર માનવી સમજી, જાણી કે જોઈ શક્યો નથી. વિરામ, અલ્પવિરામ અને પૂર્ણવિરામ. આ સિલસિલો સદીઓથી કાર્યરત થઈ ચાલી આવે છે. 

જન્મનું નામ ખુશી છે અને મૃત્યુનું નામ ગમ- શોક-વેદના છે. શરીરમાંથી જીવ બહાર નીકળી જાય તેનું નામ મૃત્યુ છે. શરીરમાંથી પ્રાણને બહાર નીકળવાના અગિયાર દ્વાર છે. મસ્તક ઉપરના ભાગમાં આવેલા 'બ્રહ્મરંઘ્ર' માંથી પ્રાણ નીકળે છે ત્યારે મૃત્યુ સમયે વ્યકિત સભાન રહે છે. તે બધું જ જુએ છે. આખું ચિત્રપટ તેની નજર સામે ચાલ્યા કરે છે. યોગીમહાત્માઓને જ આ સિદ્ધ થયું છે.

ચોરાશીલાખ યોનિઓ ફર્યા પછી જ માનવદેહ મળે છે. આ ચોર્યાશી લાખ યોનિઓમાં ૯ લાખ જલજ, ૨૦ લાખ સ્થાવર, ૧૧ લાખ કૃમિ, ૧૦ લાખ પક્ષી, ૩૦ લાખ પશુઓ અને ૪ લાખ સ્થાવર,  માનવયોનિઓ ગણાવાઈ છે.

ગીતામાં ભગવાન પરમાત્મા કહે છે કે, જીવાત્મા મરતો નથી, જે મરે છે તે શરીર મરે છે. આત્મા સૂક્ષ્મ હોવાથી તેને કોઈ શસ્ત્ર છેદી શક્તું નથી. આત્મા પોતાના આધ્યાત્મિક કવચથી સુરક્ષિત છે. તેના આધ્યાત્મિક સ્વરૂપને કારણે તે વધ્યું નથી. જે હણાય છે કે હણાયેલું છે તે શરીરમાત્ર છે. આ આત્માને કોઈ શસ્ત્રથી છેદી શકાતો નથી, પાણીથી પલાળી શકાતો નથી કે પવનથી સૂકવી શકાતો નથી.

ઉદારાત્મા શોક કે મૃત્યુ પામતો નથી. સંસારનાં દુ:ખ કે ચિંતા તેને ક્ષોભ પમાડી શક્તાં નથી. તેને સર્વત્ર આનંદ જ દેખાય છે. જીવ ભૌતિક પ્રકૃતિના સંસર્ગમાં રહેતો હોવાથી, તે પ્રાકૃત ગુણો પ્રમાણે જ જુદી જુદી મનોવૃત્તિ મેળવે છે અને તે પ્રમાણે ચેષ્ટાઓ કરે છે.

જીવાત્માનાં મન, વાણી અને શરીરથી થતાં કર્મો બે પ્રકારનાં હોય છે. શુભ કર્મો સુખને ઉત્પન્ન કરે છે, જ્યારે અશુભ કર્મો દુ:ખ- વેદનાને જન્માવે છે. આ કર્મજન્ય સંસ્કારો જીવને વળગેલા છે. અને તેની પ્રત્યેક ચેષ્ટાઓમાં  વૃદ્ધિ થવા માંડે છે ત્યારે જીવાત્માને ગુંગળામણ થવા લાગે છે ને તેને દેહરૂપી પિંજરું જૂનું, ઘસાયેલું લાગવા માંડે છે ને જીવાત્મા નવા પિંજરાની શોધમાં નીકળી પડે છે. આનું નામ મૃત્યુ ! માણસ કે અન્ય જીવાત્માએ મેળવેલું શરીરસાધન આખરના સમયે કંઈ આપી શકે તેમ ન લાગતાં જીવાત્માની ગુંગળામણ વધી જાય છે ને તેને નવા પિંજરાની ઉત્કંઠા જાગે છે.

ભગવાન કહે છે કે : અનાદિ હોવાને લીધે તથા નિર્ગુણ હોવાને લીધે આ અવિનાશી પરમાત્મા, શરીરમાં રહેલો હોવા છતાં પણ ખરી રીતે ન તો કશું કરે છે, કે ન તો લેપાય છે.

જે માણસ નષ્ટ થઈ રહેલાં સઘળાં ચરાચર ભૂતોમાં ઇશ્વરને નષ્ટ ન થતા, તેમ જ સમભાવે જુએ છે, એ જ ખરું જુએ છે. કેમકે સર્વમાં સમભાવે રહેલા પરમાત્માને સમસ્વરૂપે જોતો માણસ પોતાના વડે પોતાને નષ્ટ નથી કરતો, એટલે કે શરીરનો નાશ થવાને લીધે પોતાના આત્માનો નાશ થાય છે એમ નથી માનતો. માટે જ એ પરમ ગતિને પામે છે.

'પંખીડાંને આ પિંજરું, જૂનું જૂનું લાગે.

બહુ રે સમજાવ્યું તોય પંખી નવું પિજરું માગે..'

અહીં પંખી એટલે જીવ અને પિજરું એટલે દેહ, શરીર છે. માણસ જ્યારે વૃદ્ધ થઈ જાય છે. ત્યારે જીવને એમાં રહેવાનું ગમતું નથી. દેહની વૃદ્ધાવસ્થા જીવને અકળાવે છે. જર્જરિત શરીર, શિથિલ ગાત્રો, લબડી પડેલીને કરચલીયુક્ત ચામડી, ખીણ બની ગયેલી આંખો, તેમ જ ગાલ ! સ્વરના શત્રુ બની બેઠેલા કાન-નાકના છિદ્રો વાટે વહેતી ગંદી નદી ! ફૂટી નીકળેલા ખંદ્યા હાડકાં  ! વાંકી વળી ગયેલી કરોડરજ્જુ ! મંદ પડેલો જઠરાગ્નિ ! અને વિદાય થયેલી સ્મરણશક્તિ ! આ બધું જીવાત્માને બહુ આકરું લાગવા માંડે છે. ઇન્દ્રિયો તેને શાંત રહેવા સમજાવે છે. તો પણ જીવ માનતો નથી તેને તો નવાં નવાં પિંજરામાં જઈને વસવાની લગ્ન લાગી છે. કામના જાગી છે.

અહીં જીવાત્માને નવાં પિંજરાંની કામના જાગે છે અને તેનું કારણ દેહની અવસ્થા છે. વેદાંત પણ કહે છે કે, આત્મા જ બ્રહ્મ છે વ્યકિત જે કાંઈ કરે અને વર્તે તે પ્રમાણે 'બ્રહ્મ' પોતાનાં સ્વરૂપો બદલે છે તેને જ કામના કહેવાય છે.

જેમ જીવાત્માને આ શરીરમાં બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે, તે જ પ્રમાણે બીજા શરીરની પ્રાપ્તિ થાય છે માત્ર ને માત્ર જીવ અવસ્થા બદલે છે. તેનો ચેતન આત્મા તો સ્થિર એનો એ જ રહે છે.

જ્યારે જીવ શરીરની ઉત્પત્તિ કરાવવાવાળા સત્વ, રજસ અને તમસ એમ ત્રણે ગુણોની પાર થઈ જાય છે. ત્યારે તે જન્મ, મૃત્યુ અને વૃદ્ધાવસ્થાના દુ:ખોથી મુક્ત થઈ જાય છે. શરીરનાં નવ દ્વારો. બે આંખ, બે કાન, બે નસકોરાં, એક મોં, ગુદા તથા જનનેન્દ્રિય. આ નવ દ્વારમાં જીવાત્મા રહે છે. શરીરની અંદર રહેલો આત્મા- જીવ પરમાત્મા સાથે ઐક્ય સાધીને રહે છે. આ ઐકત્વ જ્યારે છૂટી જાય  છે ત્યારે તે શરીરમાં હોવા છતાં મુક્ત થઈ જાય છે. જેને મરણ કહેવાય છે.

આપણે કાલે હતા. આજે છીએ અને આવતા કાળમાં પણ હોઈશું. આપણું હોવું આદિ-અનાદિ રહે છે. માત્ર શરીર જ બદલાવાને કારણે નામ બદલાયું હશે. શરીર છૂટયા પછી આત્મા પહેલાં શરીરધારી ખોખામાંથી છૂટો થાય છે, માયાના આવરણને હટાવી દે છે. બાકી તેનું હોવું કાયમી- અવિરત રહેવાનું જ છે. માત્ર પંખી પિંજરું જ બદલે છે.

- ચંદ્રકાન્ત પટેલ



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32cwImV
Previous
Next Post »