ચહેરાને વધુ ચમકાવતો મોઈશ્ચરાઈઝર


ગરમીનો પરચો દેખાડતા ઊનાળાની શરૂઆત થઈ ચૂકી છે. અને બજારો વિવિધ કંપનીઓના કોલ્ડ ક્રીમથી ભરાઈ ગઈ છે. એક સમય એવો હતો કે જ્યારે મેકઅપ કરવો હોય ત્યારે સૌ પ્રથમ ફક્ત મોઈશ્ચરાઈઝર લગાડવામાં આવતું જેથી ત્વચા સુંવાળી અને સપાટ રહે. પરંતુ આજે તો બજારમાં ઋતુ પ્રમાણેના જાત જાતના અને વિવિધ ગુણો ધરાવતા ક્રીમ અને મોઈશ્ચરાઈઝર બારે મહિના મળે છે. આ ક્રીમ તથા મોઈશ્ચરાઈઝરમાં ત્વચાને બનાવતા, સૂર્ય પ્રકાશથી રક્ષણ કરવા, ત્વચાની કરચલીઓ દૂર કરવા તથા ત્વચાને તેજસ્વી બનાવવા વિવિધ તત્વોનું મિશ્રણ કરવામાં આવે છે.

ઘણી સ્ત્રીઓને એવી આદત હોય છે કે બજારમાં ઉપલબ્ધ બધા જ ક્રીમ તથા મોઈશ્ચરાઈઝર લગાડીને અખતરા કરી જોવા. જેની ક્યારેક તેમણે ભારે કિંમત ચૂકવવી પડે છે. મોઈશ્ચરાઈઝરની ખરીદી તમારી ત્વચાના પ્રકાર તથા તેની જરૂરિયાત ઉપર આધાર રાખે છે.

આપણે મોઈશ્ચરાઈઝર શા માટે વાપરવું જોઈએ?

જો આપણે ત્વચાને સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા જોઈએ તોે આપણને ખબર પડશે કે તેનું બાંધકામ ઈંટની દિવાલ જેવું છે. ત્વચાના કોષો ઈંટનું કામ કરે છે જ્યારે પાણી અને અન્ય પોષક તત્વો સિમેન્ટનું કામ કરી તેમને જોડી રાખે છે.

વધુ પડતી ગરમી કે વધુ પડતી ઠંડીથી, ખૂબ જ જલદ્ ત્વચાના ઉત્પાદનો વાપરવાથી અને વય વધવાની સાથે ત્વચાની ભીનાશ ઓછી થતી જાય છે અને તે સુકાતી જાય છે.

તમે ત્વચા ઉપર ફક્ત પેટ્રોલીયમ જેલી એટલે કે વેસેલીન લગાડશો તો પણ તેની ભીનાશ જળવાઈ રહે છે પરંતુ તેની અંદરના ભાગમાં થતા નુકસાનને પહોંચી વળાતું નથી. આજે મળતા મોઈશ્ચરાઈઝીંગ લોશનમાં એવા તત્વો હોય છે જે ત્વચાની ભીનાશ જાળવવાની સાથે તેની અંદરના કોષોને ફરી જીવંત બનાવે છે.

મોઈશ્ચરાઈઝરથી ત્રણ મુખ્ય ફાયદા થાય છે પાણીના ઘટાડાને પૂરો કરે છે :   પ્રત્યેક મોઈશ્ચરાઈઝરમાં તેલ અને પાણી સપ્રમાણ હોય છે.  તેલને લીધે ત્વચામાં ભીનાશ જળવાઈ રહે છે અને પાણીને લીધે ત્વચા લીસી રહે છે તે ઉપરાંત પેટ્રોલીયમ જેલી, મીનરલ ઓઈલ, લેનોલીન, અને સીલીકોન પણ પાણીની જેમ પરિણામકારક ભાગ ભજવે છે.

ગ્લીસરીન, યુરીયા તથા સોરબીટોલ જેવા પદાર્થો હ્યુમેકટન્ટનું કામ કરે છે. તે ત્વચાનું કુદરતી તૈલીય સ્તર જાળવવાની સાથે વાતાવરણમાં રહેલા ભેજને પણ આકર્ષે છે.

મોઈશ્ચરાઈઝરનો સૌથી મોટો ફાયદો છે તેમાં રહેલા નેચરલ મોઈશ્ચરાઈઝીંગ ફેક્ટર (એન.એમ.એફ.) જેવા કે - હાયલ્યુરોનીક એસીડ, લીનોલીક એસીડ, સોડીયમ પી.સી.એ. અને ફોસ્ફોલીપીડ્સથી ત્વચામાં ભેજનું સમતોલપણું જળવાઈ રહે છે.

આજે મળતા મોઈશ્ચરાઈઝરથી ત્વચામાં લગભગ આઠ કે તેથી વધુ કલાકો સુધી ભેજ જળવાઈ રહે છે.  જો તમારી ત્વચા તૈલીય હોય તો જેલ પણ મળે છે. જેનાથી ત્વચા તેલરહિત હળવી મહેસૂસ થાય. સીરમ્સને મોઈશ્ચરાઈઝરની નીચે લગાડો જેથી તમને મોઈશ્ચરાઈઝર અને ઉંમરની અસર ન વર્તાય તેવા તત્વોનો પણ ફાયદો મળે.

મોઈશ્ચરાઈઝર  ક્રીમ, લોશન અને જેલ  એમ ત્રણ પ્રકારે મળે છે. હવે મોઈશ્ચરાઈઝર 'નીરીશ્ર', 'હાઈડ્રેટેડ ટ્રીટમેન્ટ' 'મોઈશ્ચરાઈઝર ઈન્ટેનશીફાયર' અથવા 'સ્કીન ફર્મીંગ કોમ્પ્લેક્સ' જેવા વિવિધ સોફેસ્ટીકેટેડ નામથી મળે છે. નામ જોઈને તમારે તમારી જરૂરિયાત પ્રમાણેનું મોઈશ્ચરાઈઝર પસંદ કરવાનું કેટલીક કંપનીઓ વિવિધ ગુણો ધરાવતું  એક જ ક્રીમ બનાવે છે. જ્યારે કેટલીક કંપનીઓ જેનું ચલણ વધારે હોય તેવું  જ તત્વ ધરાવતું ક્રીમ બનાવે છે. તમારે તમારી ત્વચા અનુસાર મોઈશ્ચરાઈઝરની પસંદગી કરવી જોઈએ.

પ્રત્યેકને મોઈશ્ચરાઈઝરની જરૂર હોય છે. પાણી અને તેલ બે જુદી જરૂરિયાત છે તૈલી ત્વચાને પણ મોઈશ્ચરાઈઝરની જરૂર હોય છે કારણ કે ત્વચામાંથી સતત પાણી ઓછું થતું હોવાથી મોઈશ્ચરાઈઝર લગાડવું જોઈએ.

વધતી વયની સાથે ત્વચામાંથી કુદરતી મોઈશ્ચરાઈઝીંગ તત્વ ઘટતું જાય છે તેથી વીસ વર્ષની વય પછી તો મોઈશ્ચરાઈઝર લગાડવું અત્યંત જરૂરી થાય છે. ત્વચા નિષ્ણાતો અનુસાર, વય, કામકાજ, ત્વચાના પ્રકાર વગેરે બાબતો ઉપર મોઈશ્ચરાઈઝરની જરૂરિયાત આધાર રાખે છે.

આપણી ત્વચાને ઋતુ અનુસાર જુદા જુદા પ્રકારના મોઈશ્ચરાઈઝરની જરૂર પડે છે એનો અર્થ  એવો નથી કે, તમારે દર વખતે ક્રીમના નવા નવા સેટ ખરીદવા જોઈએ. વર્ષોેથી એક જ પ્રકારનું ક્રીમ વાપરવાથી તમે ત્વચાની જરૂરિયાત પૂરી નથી કરતા.  આપણે નિત્યક્રમ પ્રમાણે સવાર, સાંજ તથા રાત્રે ક્રીમ લગાડીએ છીએ પરંતુ દરરોજ એ પ્રમાણે કરવું જરૂરી નથી હોતું છતાં આપણે આદત  પ્રમાણે એ કરીએ છીએ.

ઘણીવાર આપણે એવું વિચારીએ છીએ કે, ઠંડાપાણીથી મોઢું ધોઈએ તો ત્વચાને ખૂબ સારું લાગશે. તો પછી મોંઘા મોઈશ્ચરાઈઝરની શું જરૂર છે? મોઈશ્ચરાઈઝરમાં આવતા કેટલાક તત્વોમાં શું ગુણ હોય છે તે આપણે જોઈએ.

(૧) લીપોસમસ:  લીપોસમસના કણો ત્વચાની અંદર સુધી ત્વચાના કોષો વચ્ચે સીમેન્ટનું કામ કરતા તત્વોની ગુણવત્તા વધારે છે. સૂકી તથા વયસ્ક ત્વચાને અંદરથી પોેષણની જરૂર હોય છે.

(૨) સીમારાઈડ્સ / લીપીડસ:  ત્વચાના કોષના સ્તરને જાળવીને તેનું સમતોલપણું જાળવે છે. ૨૫ વપર્ષથી મોટી વયની, સૂકી ત્વચા ધરાવતી સ્ત્રીઓ માટે આ ખૂબ જરૂરી છે.

(૩) એન્ટીઓક્સીડન્ટ વીટામીન:  વાતાવરણમાં  ઊડતી ધૂળ તથા અન્ય કચરાને લીધે ત્વચાના કોષો અને ઉપરના પડને નુકસાન  પહોંચે છે. વિટામીન એ, સી અને ઈથી આવી નુકસાનકારક અસર ઘટે છે તથા ઝડપથી વયસ્ક થતી ત્વચાને રોકવામાં સફળતા મળે છે. આ પ્રકારના એન્ટીઓક્સીડન્ટનો લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી તેની અસર દેખાશે. જેમને દરરોજ સૂર્યપ્રકાશમાં ફરવાનું હોય તેમના માટે આ ખૂબ જ જરૂરી છે. 

(૪) હાઈ-ફેક્ટર  સનસ્ક્રીન: સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોથી ત્વચા ઉપર ઉમર ખૂબ ઝડપથી વર્તાય છે. પ્રત્યેક પ્રકારની ત્વચા માટે જરૂરી આ તત્વ ક્યારેક સંવેદનશીલ ત્વચાને નુકસાન થવાની શક્યતા છે. પરંતુ આનાથી પરસેવો ઓછો થતો નથી.

સનસ્ક્રીનયુક્ત મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ હિતકારક સાબિત થાય છે.

(૫) પેન્થનોલ / પ્રોવીટામીન બી૫:  ત્વચાને એક નવી તાઝગી મળે છે. ખરજવું કે સૂકી ત્વચા માટે તથા માનસિક તાણથી થતી કરચલીઓ દૂર કરવા માટે ખૂબ જરૂરી તત્વ છે.

(૬) આલ્ફા - હાયડ્રોક્સી એસીડ:  આ તત્વની ખૂબ જ અસરકારક અસર ત્વચા ઉપર દેખાય છે. સીસલેસ હાયડ્રા ફ્લેશ, ગીવેન્ચીસ હાયડ્રા, ટ્રીસેલીયા, અને અલ્મયની નવી ટાઈમ-રેન્જમાં આ તત્વ આવે છે. સૂકી અને ખરબચડી ત્વચા માટે આ તત્વયુક્ત મોઈશ્ચરાઈઝર ખૂબ જરૂરી છે.

(૭) ઓક્સીજન:  ઓક્સીજનથી કોષોની કાર્યક્ષમતા વધતા વધતી ઉંમરની અસર ત્વચા ઉપર દેખાશે નહીં.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VkDlkn
Previous
Next Post »