જૈન પરંપરાનો ધર્મ અહિંસાપ્રધાન છે. એની પ્રરૂપણાઓમાં ડગલે ને પગલે અહિંસાનું પાલન ઝળહળતું હોય છે. એથી જ જૈન શ્રમણોના પાક્ષિક સૂત્રમાં આ શ્રમણધર્મ માટે એક વિશેષણ પ્રયોજાયું છે' અહિંસાલક્ખણસ્સ.' મતલબ કે તે ધર્મનું મુખ્ય લક્ષણ અહિંસા છે. જેમ દિવસ અને રાત, આ બે વચ્ચે મેળ ન હોય. તેમ શ્રમણ અને હિંસા, આ બે વચ્ચે ય મેળ ન હોય.
આથી સ્વાભાવિક જ છે આ અહિંસાપ્રધાન ધર્મપરંપરામાં પશુબલિયુક્ત યજ્ઞાનું વિધાન ન જ હોય. આમ છતાં 'જ્ઞાાનસાર' ગ્રન્થકાર મહોપાધ્યાય શ્રી યશોવિજ્યજી ગણિવર ગ્રન્થના અટ્વાવીશમા અષ્ટકમાં નિયાગ અર્થાત્ યજ્ઞાનું વિધાન કરે છે. અલબત્ત, એમાં જૈન પરંપરાની ધર્મમર્યાદાનું અણિશુદ્ધ અનુસરણ છે. એમાં ત્રણ ધ્યાનાકર્ષક વિશેષતા છે. (૧) મુખ્યત્વે જૈન શ્રમણને ઉદ્દેશી જ્ઞાાનરૂપ ભાવયજ્ઞાની રજૂઆત એમાં હોવાથી હિંસાનું ત્યાં નામનિશાન નથી.
જ્યાં પ્રાસંગિક ગૃહસ્થોચિત પ્રભુપૂજારૂપ યજ્ઞાની વાત કરાઈ છે ત્યાં ય પંચેન્દ્રિય જીવોની હિંસાને લેશ પણ સ્થાન નથી. (૨) ઉપનિષદો જેમ યજ્ઞાને રૂપક તરીકે મસ્ત પ્રતિપાદિત કરે છે. (૩) યજ્ઞાનાં વિધાનમાં વપરાયેલ શબ્દોનો જ આ રૂપકનાં પ્રતિપાદનમાં ઉપયોગ કરીને ગ્રન્થકારે વૈચારિક- આચારિક દૃષ્ટિએ ભિન્નતા ધરાવતી ધર્મપરંપરા પ્રત્યે ય એક પ્રકારનું સમન્વયદર્શક ઔદાર્ય ઝળકાવ્યું છે. અષ્ટકના પ્રથમ શ્લોકમાં તેઓ આ રીતના ભાવયજ્ઞાનું વિધાન કરતા કહે છે કે :
ય: કર્મ હુતવાન્ દીપ્તે, બ્રહ્માગ્નૌ ધ્યાનધ્યાય્યયા;
સ નિશ્ચિતિન યાગેન, નિયાગપ્રતિપત્તિમાન્.
યજ્ઞામાં જાજવલ્યમાન અગ્નિ હોય, એમ અહીં આ ભાવયજ્ઞામાં નિર્વિકાર ચૈતન્યરૂપ બ્રહ્મ એ પ્રદીપ્ત અગ્નિ છે. યજ્ઞામાં વેદઋચાઓ હોય, એમ આ યજ્ઞામાં ધર્મધ્યાનાદિરૂપ ઋચાઓ છે. યજ્ઞામાં પશુઓ હોમવાના હોય, તો આ ભાવયજ્ઞામાં આઠ કર્મોરૂપ પશુનો બલિ આપવાનો છે. પ્રથમ શ્લોકમાં ગ્રન્થકાર આવી અદ્ભુત મસ્ત રૂપક પ્રરૂપણા કરીને કહે છે કે આવા નિશ્ચિત- ઉત્તમ આત્મપરિણામરૂપ યાગ- પૂજા દ્વારા શ્રમણ નિયાગનો- ભાવયજ્ઞાનો સ્વીકાર કરનાર હોય છે.
યજ્ઞા માટે વપરાતા શબ્દોનો પ્રયોગ અને છતાં અહિંસાની અણિશુધ્ધ મર્યાદાની રજૂઆત કરીને ગ્રન્થકારે ઉત્તમ સૌહાર્દભરી કમાલ કરી છે. ઉત્તરાધ્યયનસૂત્રનામે જૈન આગમમાં ય કાંઈક આવી રજૂઆત અલગ શબ્દોથી આમ કરાઈ છે કે' પાંચ સંવરથી યુક્ત, જીવન-મરણ પ્રત્યે નિરભિલાષી, દેહની મમતાથી પણ રહિત, પવિત્ર, દેહાધ્યાસત્યાગી મુનિવરો કર્મનો જય-ક્ષય કરનાર શ્રેષ્ઠ યજ્ઞા કરે છે.'
આપણે યાદ કરીએ આ અનુસંધાનમાં મહાન જૈન રાજર્ષિ પ્રસન્નચન્દ્રમુનિવરની વાત. પૂર્વાવસ્થાના રાજવી આ પ્રસન્નચન્દ્રે રાજસમૃદ્ધિ ત્યાગીને પ્રભુમહાવીરદેવ સમક્ષ દીક્ષા સ્વીકારી હતી. દેહની મમતાનો એમણે એ હદે ત્યાગ કર્યો હતો કે તેઓ એક પગે ઉભા રહી સૂર્યની આતાપના સહન કરવાપૂર્વક કાયોત્સર્ગ કરતા હતા.
એ દરમ્યાન દૂતનાં વચનોનાં નિમિત્તે એમની વિચારધારા- આત્મપરિણતિ અવળા માર્ગે ફંટાઈ જતાં જોરદાર આત્મિક નુકસાન થાય એવી પરિસ્થિતિ સર્જાઈ. પરંતુ થોડી જ ક્ષણોમાં એ આત્મકલ્યાણાર્થી મુનિવર સાવધ થઈ ગયા અને એમણે એ જ કાયોત્સર્ગ અવસ્થામાં કર્મોને ભસ્મસાત્ કરતો આ ભાવયજ્ઞા આરંભ્યો.
એ મુનિવરે ત્યાં નિર્વિકાર ચૈતન્યરૂપ બ્રહ્મનો અગ્નિ દેદીપ્યમાન કર્યો. હવે એમનાં મનમાં પુત્રમોહ જેવા કોઈ વિકારો-વિભાવો બચ્યા ન હતા. એમણે ધર્મધ્યાનરૂપ વેદઋચાઓને ત્યાં સ્થાન આપ્યું. હવે એમનું ધ્યાન-લક્ષ્ય પુત્રને રાજ્ય પરત અપાવવાનું ન રહ્યું. માત્ર ધર્મધ્યાનનું અને આગળ જતા શુક્લધ્યાનનું ત્યાં સ્થાન હતું.
એમણે પેલા બ્રહ્મરૂપ અગ્નિમાં ચાર ભયાનક ઘાતીકર્મોરૂપ પશુઓને હોમવા માંડયા. એ હદે એમણે આ ઘાતીકર્મોનો હોમ કર્યો કે તેઓ તે જ ક્ષણોમાં કેવલજ્ઞાાની બની ગયા, તે જ જન્માંતે એમણે મોક્ષ નિશ્ચિત કરી લીધો ? સ્વયં પરમાત્મા મહાવીરપ્રભુએ ધર્મદેશનામાં એમના માટે કહ્યું કે તેઓ હવે ઘાતીકર્મમુક્ત સર્વજ્ઞા સર્વદર્શી કેવલી બની ગયા છે. આ છે જૈન શ્રમણનો મહાન ભાવયજ્ઞા અને આ છે કર્મોનો હોમ- કર્મોનું ભસ્મીકરણ.
આવા જ ભાવયજ્ઞામાં જૈનશ્રમણનો રસ હોવો જોઈએ તેવો નિર્દેશ કરતા બીજા શ્લોકમાં ગ્રન્થકાર જણાવે છે કે :
પાપધ્વંસિનિ નિષ્કામે, જ્ઞાાનયજ્ઞો રતો ભવ ;
સાવદ્યૈ : કર્મયજ્ઞૌ : કિં, ભૂતિકામનયાડવિલૈ :
યજ્ઞા બે પ્રકારના છે : એક જ્ઞાાનયજ્ઞા અર્થાત્ ભાવયજ્ઞા છે. એ પાપોનો કર્મોનો નાશ કરનાર છે અને નિષ્કામ એટલે કે કોઈ પણ કામનાથી- લાલસાથી રહિત છે. હમણાં જ રાજર્ષિ પ્રસન્નચન્દ્રમુનિનાં ઉદાહરણમાં આપણે આ નિહાળ્યું કે તેઓએ ઘાતીકર્મોનો ધ્વંસ કર્યો હતો અને રાજ્ય પરત અપાવવા જેવી કોઈ પણ કામના તેમનામાં ન હતી.
કેમ કે તેઓ જ્ઞાાનયજ્ઞામાં- ભાવયજ્ઞામાં રત હતા- મગ્ન હતા. બીજો છે કર્મયજ્ઞા. જેમાં સાવધપાપ બંધાવનાર પશુહિંસાદી છે અને એ સંપત્તિ- સમૃદ્ધિની કામનાથી ખરડાયેલ છે. ગ્રન્થકાર આત્માર્થી સાધકને કહે છે કે જો તારે આત્મકલ્યાણ કરવું છે તો તું પાપમુક્ત નિષ્કામ જ્ઞાાનયજ્ઞામાં- ભાવયજ્ઞામાં જોડાઈ જા. હિંસાદિ પાપમય અને સાંસારિક આકાંક્ષસભર કર્મયજ્ઞાની તારે શી જરૂર છે ? આ છે ગ્રન્થકારના બીજા શ્લોકનું હાર્દ.
અહીં વિચારપ્રેરક મુખ્ય બાબતો બે છે. એક એ કે સાધકની સાધના અહિંસક રહેવી જોઈએ. જૈનદર્શન શ્રમણાચારમાં અહિંસાને કેવું ઉત્કટ પ્રાધાન્ય આપે છે તે એક પદાર્થ દ્વારા નિહાળીએ. શ્રમણો રાત્રે એમના નિવાસસ્થળ- ઉપાશ્રયમાં કાર્યવશ ગમનાગમન કરે ત્યારે એમને દંડાસન નામે એક ઉપકરણ દ્વારા અવશ્ય ભૂમિપ્રમાર્જના કરવી રહે. કારણ એ કે રાત્રે અંધકારમાં કીડી- મચ્છર જેવા ક્ષુદ્ર જંતુઓ પગ નીચે કચડાઈ જાય તો પાપ લાગે. એ જીવોની રક્ષા- અહિંસા માટે આ દંડાસનનો ઉપયોગ છે.
હવે ધારો કે એક શ્રમણ રાત્રે દંડાસન વિના ચાલ્યા અને યોગાનુયોગ એક પણ ક્ષુદ્ર જીવ પગ નીચે કચડાયો નહિ. તો શું એ શ્રમણનો હિંસાનો દોષ લાગે ? જૈન શાસ્ત્રો કહે છે. હા. કારણકે એ શ્રમણે, જીવદયાનો ઉત્કટભાવ ન હોવાથી દંડાસન લીધા વિના ચાલવાનો પ્રમાદ કર્યો. માટે જીવદયાની પરિણતિના અભાવે વાસ્તવિક હિંસા ન થવા છતાં એમને ચોક્કસપણે હિંસાદોષ લાગે. આ જ મહોપાધ્યાય યશોવિજ્યજી ગણિવરે' અધ્યાત્મસાર' ગ્રન્થમાં આ પદાર્થ પ્રસ્તુત કરતા પંક્તિ લખી છે કે ' શરીરી મ્રિયતાં મા વા, ધ્રુવં હિંસા પ્રમાદિન :' આ રજૂઆત એ સમજાવવા સક્ષમ છે કે જૈન પરંપરામાં અહિંસાનું પ્રાધાન્ય કેવું ઉત્કટ છે.
બીજી વિચાર પ્રેરક મુખ્ય બાબત પૂર્વોક્ત શ્લોકમાં છે નિષ્કામ સાધના. નિષ્કામ એટલે કોઈ પણ ભૌતિક-સાંસારિક આકાંક્ષાથી રહિત. જો આ શૈલી સ્થિર ન હોય તો સાધક પણ આકાંક્ષાઓ- લોકૈષણાથી ભરપૂર થઈ જઈ બહિર્મુખતામાં રાચતો થઈ જાય. કરવી છે આની પ્રતીતિ ? તો વાંચો આ માર્મિક કટાક્ષકથા :
ગંગાકિનારે વીશ વર્ષ સાધના કરીને એક સંતે જલ પર સ્થલની જેમ ચાલવાની સિદ્ધિ મેળવી. પણ એ પછી તે લોકૈષણાની- વાહવાહીની લાલચમાં ફસાઈ ગયા. એથી સિદ્ધિને પ્રસિદ્ધનું માધ્યમ બનાવી લોકોની સામે ચાલતાં ચાલતાં ગંગાના એક કિનારાથી બીજા કિનારે જાય.' તમાશાને તેડું ન હોય' એમ લોકભીડ આ ચમત્કાર જોવા એકત્ર થવા માંડી. જેમ જેમ ટોળાં મોટાં થાય એમ સંત વધુ ને વધુ પોરસાય- ગર્વિષ્ઠ થાય. એકવાર એ કિનારે કોઈ મર્મી વિચારક આવ્યો. એણે આ તમાશો- સંતની બહિર્મુખતા વગેરેનું નિરીક્ષણ કર્યું અને સંતને માર્ગ ચીંધવાનું એણે નક્કી કર્યું.
સંત જ્યારે એકલા પડયા ત્યારે એ સંત પાસે બેસ્યો. વાતવાતમાં સંતે એને પૂછયું : ' કેવી લાગી મારી સિદ્ધિ ?' તક જોઈને પેલા વિચારકે સોગઠી મારી : 'મહાત્માજી ? મને લાગે છે કે તમારા વીશ વર્ષ પાણીમાં ગયા.' ચમકી જઈને સંતે પૂછયું :' કેમ ?' કારણકે ગંગાના આ કિનારેથી સામા કિનારે જવામાં મને ફક્ત વીશ પૈસાનું ભાડું લાગે છે. આટલી મામુલી બાબત માટે તમે જિંદગીના વીશ વર્ષ વાપરી દીધા. એથી તમારા એ વીશ વર્ષ પાણીમાં જ ગયા કહેવાયને ? ખરેખર તો તમારી સાધના ગંગાના સામા કિનારે જવાની નહિ, સંસારના સામા કિનારે પહોંચવાની હોવી જોઈએ. ' સંતની સાન ઠેકાણે આવી ગઈ...
આ નિષ્કામભાવ ઉપરાંત અહિંસાની પ્રધાનતા હોવાથી જૈન પરંપરામાં પશુહિંસા મય યજ્ઞાનું વર્જન તો છે જ. પરંતુ, એથી ય આગળ જૈનશ્રમણ માટે તો પરમાત્માની દ્રવ્યપૂજાનો પણ નિષેધ છે. આ વાત પ્રસ્તુત કરતા અષ્ટકના ચતુર્થ શ્લોકમાં ગ્રન્થકાર કહે છે કે :
બ્રહ્મયજ્ઞાં પરંકર્મ, ગૃહસ્થસ્યાડધિકારિણ :
પૂજાદિ વીતરાગસ્ય, જ્ઞાાનમેવ તુ યોગિન :
આ શ્લોક કહે છે કે જૈન ગૃહસ્થ માટે વીતરાગ પરમાત્માની દ્રવ્યપૂજા બ્રહ્મયજ્ઞા છે અને સંસારત્યાગી શ્રમણો માટે સ્તુતિસ્તોત્ર પઠન- આજ્ઞાાપાલનાદિ બ્રહ્મયજ્ઞા છે. આજે પણ જૈનોમાં આ પરંપરા મજબૂત છે કે સંસારી- ગૃહસ્થ જૈનો પ્રભુની દ્રવ્યપૂજા અવશ્ય કરે જ. જ્યારે શ્રમણો દ્રવ્યપૂજા બિલકુલ ન કરે, માત્ર ભાવપૂજા કરે. આ ભાવપૂજા, દ્રવ્યપૂજા કરતા બેશક ચડિયાતી- શ્રેષ્ઠ છે. એથી જ કલિકાલસર્વજ્ઞા શ્રી હેમચન્દ્રાચાર્યે વીતરાગ સ્તોત્રમાં લખ્યું છે કે ' વીતરાગપરમાત્માની દ્રવ્યપૂજા કરતાં પણ એમની આજ્ઞાાનું પાલન પરમ-શ્રેષ્ઠ ભક્તિ છે.'
શ્રમણ સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવહિંસાના ય પાપોનું પચ્ચક્ખાણ ધરાવે છે. માટે એમને ઉપરોક્ત રીતે દ્રવ્યપૂજાના ય નિષેધ સાથે માત્ર જ્ઞાાનરૂપ બ્રહ્મયજ્ઞાનું વિધાન કરાયું છે. આની સામે સંસારી ગૃહસ્થ જૈનને એટલી સૂક્ષ્માતિસૂક્ષ્મ જીવહિંસાના પાપોનાં પચ્ચક્ખાણ શક્ય નથી બનતા. કેમ કે સંસારની સર્વ પ્રવૃત્તિમાં એને સંલગ્ન રહેવાનું હોય છે. એથી એને સ્થૂલ જીવહિંસાદિનાં પાપોનાં પચ્ચક્ખાણ હોય છે.
એની ભૂમિકા આ હોવાથી એને દ્રવ્યપૂજારૂપ બ્રહ્મયજ્ઞાનું વિધાન છે. આ દ્રવ્યપૂજામાં ય પંચેન્દ્રિય જીવહિંસારૂપ મોટો દોષ તો બિલકુલ નથી જ. જે અત્યલ્પ-નહિવત્ દોષ છે તે પણ અનુબંધમાં નિર્દોષ જ છે. જૈન શાસ્ત્રકારોએ આની ચર્ચા સ્વરૂપ હિંસા - હેતુહિંસા- અનુબંધહિંસારૂપે વિસ્તારથી કરીને જૈન ગૃહસ્થને દ્રવ્યપૂજાની અધિકૃતતા યુક્તિપૂર્વક પુરવાર કરી છે. એ ચર્ચા દીર્ઘ હોવાથી અહીં માત્ર એનો નામનિર્દેશ કર્યો છે..
અષ્ટકના અંતિમ બે શ્લોકમાં ગ્રન્થકાર સમન્વયદૃષ્ટિની જાણે પરાકાષ્ઠાએ જતા હોય તેમ શ્રમણને બ્રાહ્મણની ઉપમા આપે છે. આ શ્રમણરૂપ બ્રાહ્મણના વિશિષ્ટ લક્ષણો દર્શાવતા તેઓ લખે છે કે :
બ્રહ્મણ્યર્પિતસર્વસ્વો, બ્રહ્મદૃગ્ બ્રહ્મસાધન ;
બ્રહ્મણા જુહ્વદબ્રહ્મ, બ્રહ્મણિ બ્રહ્મગુપ્તિમાન્.
બ્રહ્માધ્યયનનિષ્ઢાવાન, પરબ્રહ્મ સમાધિમાન્;
બ્રાહ્મણો લિપ્યતે નાડઘૈ- નિર્યાગપ્રતિપત્તિમાન્.
બ્રાહ્મણશબ્દ બ્રહ્મ પરથી બન્યો હોવાથી ગ્રન્થકાર બ્રહ્મશબ્દના અલગ અલગ અર્થો કરી શ્રમણરૂપ બ્રાહ્મણના આઠ સરસ લક્ષણો દર્શાવે છે કે મુનિ (૧) બ્રહ્મ= શુદ્ધ ચૈતન્યરૂપ આત્મસ્વભાવમાં સર્વસ્વ સમર્પિત કરનાર હોય(૨) બ્રહ્મ = શ્રુતજ્ઞાાનરૂપ દૃષ્ટિ ધરાવનાર હોય (૩) બ્રહ્મ = મોક્ષની પ્રાપ્તિની સાધના કરનાર હોય (૪) બ્રહ્મ = શુદ્ધ તપ દ્વારા બ્રહ્મચર્યરૂપ અગ્નિમાં કામવિકારો હોમી દેનાર- ખતમ કરી દેનાર હોય (૫) નવપ્રકારની બ્રહ્મચર્ય ગુપ્તિઓને પાલનાર હોય (૬) આચારાંગ આગમોક્ત નવ બ્રહ્માધ્યયનના અભ્યાસમાં અને આચારમાં નિષ્ઠાવંત હોય (૭) પરબ્રહ્મ = શુદ્ધ આત્મસ્વભાવમાં સમાધિમાન હોય અને (૮) આ અષ્ટકમાં દર્શાવેલ દર્શાવેલ નિયાગ = બ્રહ્મયજ્ઞા કરનાર હોય. આવો શ્રમણરૂપ બ્રાહ્મણ પાપોથી-કર્મોથી ખરડાતો નથી. કેવી સરસ કલ્પનામય અને એક જ શબ્દના અનેક શાસ્ત્રીય અર્થો સહિતની સમન્વયભરી પ્રસ્તુતિ છે ગ્રન્થકારની ?
આવો, આપણે આવા શ્રમણરૂપ બ્રાહ્મણને અંતરના ભાવથી વંદન કરીએ...
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VrfzDl
ConversionConversion EmoticonEmoticon