એનેસ્થેસિયા આપ્યા પછી સર્જરી થાય ત્યાં સુધી વ્યક્તિને કશું દર્દ કે કશો ખ્યાલ નથી આવતો. એમ મૃત્યુ વખતે મૂર્ચ્છિત-બેભાન થયેલી વ્યક્તિ મૃત્યુની ઘટનાને યાદ રાખી શકતી નથી. પ્રકૃતિની આ લીલા છે
પ્રત્યેક માણસને અહીં મરવાનું છે. નામ તેનો નાશ અને આકાર તેનો અંત સુનિશ્ચિત છે. શરીર અહીં ક્યારેય કોઇનું શાશ્વત થયું નથી.
કેટલાક માણસો એવા હોય છે જે મરતા પહેલાં જ મરેલા હોય છે. હરતી ફરતી લાશ જેવી જ એમની જિંદગી હોય છે. એમને જીવતા કહેવા કે કેમ એ એક કોયડો છે. માણસ હોવ માટે શું ખાવું, પીવું,ઊંઘવું, કામ કરવું કે વંશવેલો વધારવો એટલું જ પૂરતું છે ? પશુઓ અને કીડામંકોડા પણ આ કામ ક્યાં નથી કરતાં ?... તો શું એમનેય માણસ ન કહી શકાય ? માણસ તરીકે ઓળખાવા માટે શું આકૃતિ પર્યાપ્ત છે ? શરીરથી જ કોઇને પશુ... તો કોઇને માણસ માની શકાય ? બધાં શરીર સરખાં હોઇ શકે પણ માણસ સરખા નથી હોતા. એક સરખી શારીરિક આકૃતિ ધરાવતા દસ માણસ બેઠાં હોય તો એ બધાને સમાન ન માની શકાય.
બુદ્ધ, મહાવીર, કૃષ્ણ, કબીર અને મીરાની બાજુમાં હિટલર, ચંગીઝખાન, તૈમુરલંગ, નાદિર શાહ અને ઈદી અમીન બેઠા હોય તો શું એ બધાને સરખા માનવા ? શરીરથી તો એ બધા એક સરખા છે. કદાચ સંત કરતાં શેતાનનું શરીર વધુ સારું દેખાઇ શકે છે. અષ્ટાવક્રની બાજુમાં કોઇ ગુંડાને ઊભો રાખવામાં આવે તો ગુંડો જ સારો દેખાશે. પણ તેથી શું અષ્ટાવક્ર કરતાં એ મહાન બની જશે ? દસ એક સરખી કારમાં દસ જણને બેસાડવામાં આવે તો કાર જરૂર એક સરખી હોઇ શકે છે. પણ બેસનારા દરેકની આંતરિક સ્થિતિ એક સરખી નથી હોતી.
માણસ સંત હોય કે શેતાન, મૃત્યુ એની સામે એક સરખો વ્યવહાર કરે છે. કેમકે મૃત્યુ માત્ર શરીરને જ ઓળખે છે. શરીરથી ઊંડી કે ઊંચી એની પહોંચ નથી. મરતા પહેલાં જ મરી ગયેલા અસંખ્ય માણસોને માર્યા પછી મૃત્યુ એમને મારવાની શેખી ખાંડી શકે છે. તો કેટલાક એવા માણસો પણ હોય છે જેને મૃત્યુ ભલે મારી નાખે, એના શરીરનો અંત લાવે તો પણ એ મરતા નથી.
વર્ષોના વર્ષો સુધી કે યુગોના યુગો સુધી એ જીવતા રહી શકે છે. પોતાના સત્કર્મ દ્વારા કે ઉત્તમ કોઇ સર્જન દ્વારા. જો શરીર જ માણસની ઓળખ હોય તો શરીરના અંત સાથે એનો પણ અંત આવી જવો જોઇએ. શરીરમાં રહેવા છતાં જે શરીરથી ઉપર ઊઠીને જીવ્યા છે એવા લોકોને મૃત્યુ મારી શકતું નથી.
મૃત્યુનો જીવતે જીવત સમાજના સામાન્ય માનવીને સ્વાનુભવ નથી થતો. એ એક અનુમાન છે. બીજા પર ઘટતી ઘટના જોઇને લોકો પોત પોતાની ધારણા કરી લેતા હોય છે. મૃત્યુ પામેલી કોઇપણ વ્યક્તિને પાછા ફરીને (આજ સુધીમાં) કહ્યું નથી કે 'મારું મૃત્યુ થયું છે કે મૃત્યુ એ મારો સ્વાનુભવ છે.'
શરીરમાંથી કશુંક નીકળી જાય છે અને એટલે માણસ માની લે છે કે જે વ્યક્તિ અંદર હતી તેનું મૃત્યુ થયું છે. આ એક શોધનો વિષય છે. જીવતે જીવત મરવાનો, શરીરથી અલગ થવાનો અનુભવ મળે અને શરીરમાં પાછા આવી જવાનો સ્વાનુભવ પણ થાય તો જ એવી વ્યક્તિ જે બયાન કરે તેને સત્ય માની શકાય.
ક્યારેક મરેલા લાગતા માણસો પણ ક્ષણ ભરનો અનુભવ લઇને પાછા આવી જતાં હોય છે. જગતમાં ક્યારેક એવીય ઘટના બને છે કે બાંધેલી નનામીમાંથી કોઇ સળવળે ને એ વ્યક્તિ જીવતી થઇને ઘરે પાછી ફરે પરંતુ જેણે એ અનુભવ લીધો છે તે વ્યક્તિ મૃત્યુની ક્ષણોમાં મૂર્ચ્છિત હોય છે આથી શરીરમાં પાછા ફરે ત્યારે ઊંડી ઊંઘમાંથી જેવો જ એમને અનુભવ થતો હોય છે.
સંતો જીવતે જીવત મરી જાય છે. એ શરીરમાં હોય છે છતાં નથી હોતા. ઊંડા ધ્યાનની ક્ષણોમાં કે સમાધિની સ્થિતિમાં આવા સંતો પૂરા હોશ સાથે શરીરમાંથી અલગ હોવાનો અનુભવ કરી શકે છે અને એટલે જ એમનો સ્વાનુભવ બોલે છે.
અજો નિત્યઃ શાશ્વતો।યં પુરાણો ।
ન હન્યતે હન્યમાને શરીરે ।।
શરીર મરવા છતાં અંદરની ચેતના મરતી નથી. અંદરનો આત્મા એવો ને એવો જ સલામત રીતે આગળની યાત્રા કરે છે. જૂના થયેલા કપડા બદલવા જેવી જ એ ઘટના છે.
''વાસાંતિ જિર્ણાનિ યથા વિગાય,
નવાનિ ગૃહ્ણાતિ નરો।પરાણિ ।
તથા શરીરરાણિ વિહાય જિર્ણાનિ
અન્યાનિ સંયાતિ નવાનિ દે હી ।।''
પણ સંતોની દ્રષ્ટિએ વસ્ત્ર બદલવા જેવા આવા ભલેને કરોડો જન્મ થાય, અંદરની ચેતના મરતી ન હોય તો પણ બેહોશ સ્થિતિમાં મરતી વ્યક્તિને એનો લાભ મળતો નથી. એને ખ્યાલ જ નથી આવતો કે શરીર મરવા છતાં પોતે અલગ અને સલામત છે. મૃત્યુની ઘટના સૌથી મોટી સર્જરી છે. શરીરમાંથી ચેતના બહાર નીકળે ત્યારે વ્યક્તિ મૂર્ચ્છિત હોય છે અથવા તો સાવ છેલ્લી ક્ષણોમાં બેભાન બની જાય છે.
એનેસ્થેસિયા આપ્યા પછી સર્જરી પૂરી થાય ત્યાં સુધી વ્યક્તિને કશું દર્દ કે કશો ખ્યાલ નથી આવતો. બધું ઘેનમાં જ પસાર થઇ જાય છે. એમ મૃત્યુ વખતે મૂર્ચ્છિત (બેભાન) થયેલી વ્યક્તિ મૃત્યુની ઘટનાને જાણી કે યાદ રાખી શકતી નથી. શરીર છૂટું પડયા પછી કદાચ ખ્યાલ આવે તો પોતાની પાસે શરીર, વાણી કે અભિવ્યક્તિનું કોઇ માધ્યમ ન હોવાથી ધારે તો પણ એનાથી કશું કહી શકાતું નથી. પ્રકૃતિની આ લીલા છે. મરતી વખતે બધું છોડીને જવાથી એટલી પીડા થતી હોય છે કે છેલ્લી ક્ષણોમાં માણસ ઊંડા ઘેનમાં સરકી જાય છે. અને પછી જ શરીરમાંથી જીવાત્મા વિદાય લે છે.
શરીરનું મૃત્યુ તો સૌ કોઇનું થાય છે. પરમ જ્ઞાાની, પ્રબુદ્ધ કે પરમહંસ કક્ષાની વ્યક્તિનું શરીર પણ સમય આવ્યે છૂટી જ જાય છે. કેટલાક એને 'દેહાવસાન' પણ કહે છે. જીવ માત્રને આમાંથી પસાર થવું પડે છે. કરોડો વાર આ રીતે મરણ પામ્યા છતાં માણસ જાગતો નથી. જન્મ મરણના એના એજ ચક્રમાં એ ફરતો રહે છે. પરંતુ એક બીજું મરણ પણ શક્ય છે.
જે જીવતે જીવત પૂરી સજગતા સાથે અનુભવીને એની સચ્ચાઇને જાણી શકાય છે. આવા અનુભવમાંથી પસાર થનારા કહે છે કે ચેતનાનું (આત્માનું) કોઇ મૃત્યુ નથી. માત્ર શરીર જ મરે છે. એના ટૂકડા થાય, શસ્ત્રથી છેદી કે ભેદી નાખવામાં આવે કે અગ્નિમાં બાળીને ભસ્મ કરી નાખવામાં આવે તો પણ અંદર રહેનારી વ્યક્તિ સલામત રીતે બહાર નીકળીને આગળની યાત્રા કરી શકે છે. બીજો દેહ ધરીને એ બીજા રૂપમાં જીવે છે. (પણ નથી એને આપણે ઓળખી શકતા કે ન એ આપણને ઓળખે છે.)
મૃત્યુ એ અધ્યાત્મની દ્રષ્ટિએ સૌથી મોટું જૂઠ કે અસત્ય છે. અંદરની વ્યક્તિનું કોઇ અવસાન નથી. માત્ર શરીર મરે છે. પણ આ વાતનો સ્વાનુભવ કરવો હોય તો જીવતે જીવત અહંકારને મારવો પડે. ધ્યાનના ઊંડા અનુભવ દ્વારા જ આત્માની અમરતાને અનુભવી શકાય છે. બાકી તો બધું વાંચી વાંચીને ઉછીના અનુભવના આધારે બકવાસ કરવા જેવું છે.
ક્રાન્તિ બીજ
જ્યાં ત્યાં કદીય હાથ ના લંબાવ, ઓ હૃદય !
મૈત્રીનું મૂલ્ય કૃષ્ણના દ્વારે જ થાય છે.
- મુસાફર પાલનપુરી
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2B90Fbi
ConversionConversion EmoticonEmoticon