પુસ્તક કે ભાષણ - નિમિત્ત બને, કારણ નહીં


એ લોકોનું ચાલે તો 'નીતિમત્તા' પ્રગટાવવાના વર્ગ ખોલી નાખે. એ લોકોનું ચાલે તો જુદાં જુદાં વિટામિનોની તૈયાર ગોળીઓની જેમ ભક્તિ, પ્રેમ, ઉદારતા જેવા આંતરિક સદ્ગુણોની સુગંધ વિકસાવવા પુસ્તકો, વ્યાખ્યાન-અભ્યાસક્રમોના નુસખાનું ''માર્કેટિંગ'' કરે.

''એ'' લોકોનું બરાબર ચાલ્યું છે, ચાલે છે અને ચાલતું રહેશે કારણ કે આ તૂત બહુ મોટી છેતરપિંડી છે એમ સાબિત થતાં બહુ મોટાં વિરાટ સમૃદ્ધિ ધરાવતાં કહેવાતાં ''આધ્યાત્મિક'' આન્દોલનોના પગ નીચેથી પાટિયાં ખસી જાય. ''નાક કપાવ્યું તો ભગવાન દીઠા છે''વાળી વિચિત્ર પરિસ્થિતિમાં મૂકાયેલા, મૂંડાયેલા, જાતે જઈને દીક્ષિત બનેલા લાખોના 'ઈગો' જોડાયેલા હોય - એ લોકો પણ શા મોઢે પરાજય સ્વીકારે?

તાજેતરમાં જ, બીજી ઓક્ટોબરે ક્યાંક છીછરાપણાની પરાકાષ્ઠા જેવું વિધાન વાચ્યું, ''મહાત્માજીએ પુસ્તકો વાંચીને નૈતિક મૂલ્યો કેળવ્યાં હતાં'' વાહ! આ લખનાર ગાંધીવાદી ભાઈને નૈતિક મૂલ્યો કેળવવાની રામબાણ દવા જડી ગઈ લાગે છે! તો તો આજ બેવકૂફીભર્યું નિરીક્ષણ આગળ વધારીને દાવો કરી શકાય કે જે નિરક્ષર હોય એ અનૈતિક હોય ને જેમણે ખૂબ પુસ્તકો વાંચ્યાં હોય એ નૈતિકમૂલ્યોથી સભર બની જાય, ને પછી હિટલર, મુસોલિનીથી માંડીને બોમ્બ બ્લાસ્ટમાં ભાગ લેનારા પેલા પ્રાધ્યાપક સુધીનાનાં 'ભવ્ય' ઉદાહરણો ટાંકી શકાય! તો પછી ભણેલા ગણેલા, ઉચ્ચતમ જથ્થાબંધ ફિલસૂફીમંડિત પુસ્તકો વાંચી ચુકેલાનાં માબાપ દુઃખી ન હોય, વધુ પુસ્તકો વાંચનારા સહિષ્ણુ, પ્રેમાળ, ઉદાર અને પરદુઃખને સમજનારા બની જાય!

માણસનાં રૂપાન્તર માટે એકડો એનો જાતનો એકડો આંતરિક સંઘર્ષ અને આંતરિક જાગૃતિ છે અને પુસ્તકો, ભાષણો, વિધિવિધાન, કહેવાતી સાંપ્રદાયિક શિસ્ત અને આડમ્બર - આ બધાં એકડા પછીનાં મીંડાં છે, આ સત્યને પાતાળમાં ઠાંસી દેવા સતત ગુનાહિત પ્રયાસો થતા રહ્યા છે.

માણસની વૃત્તિ બગડે, અભિગમ સડે પછી એને પુસ્તકોના ઢગલા નીચે દાટી દો, એ બંધુ ચોવીશે કલાક પુસ્તકો વાંચીને ગોખી નાખે તો પણ આંતરિક ગંદકી દૂર નહીં થાય. મહાવીર કે બુદ્ધ વિષે પુસ્તકો લખનારા, પુષ્કળ વાંચનારા, વ્યાખ્યાનો કરનારા કે આયોજિત કરનારા પાકટ વયે પહોંચેલા લોકોના રાગદ્વેષ અને પૂર્વગ્રહોની તીવ્રતાની દુર્ગંધ કરોડો પુસ્તકોના વાચન પછી પણ દૂર થતી નથી.

સંપ્રદાય, ''ધર્મ'', પુસ્તકો, પ્રવચનો માત્ર નિમિત્ત બની શકે, કારણ નહીં. જે ક્ષણે તમે પુસ્તકવાચન કે તમારી પોતપોતાની સાંપ્રદાયિક ''ફોર્મ્યુલા''ને 'કારણ'નો કે 'ઈલાજ'નો દરજ્જો આપી દો ત્યારે તમે મૂર્ખતાનાં શિખરે હો છો. કચ્છીમાં એક કહેવત છે: ''ઊંટ ઉકરડા પર ચડયો.'' વ્યક્તિ આંતરિક રીતે કોમળ કે ભીની બની ના હોય, એની સૂક્ષ્મ આંતરિક ઉન્નતિ ન થઈ હોય તો પુસ્તકોનું વાચન એનામાં મિથ્યાભિમાન કે આત્મવંચનાનો વધારો કરશે. એ પોતાની જાતને દુનિયા કરતાં વિશેષ ડાહ્યો માનવા મંડશે. પછી એ ઝનૂની બનશે, અને આવા ઉકરડે ચઢેલા ઊંટને નીચે ઉતારીને સુધારવાનું બહુ કઠિન હોય છે.'

જો વ્યક્તિનું આંતરિક ખેડાણ નહીં થયું હોય તો એને ગાંધીજીનાં પુસ્તકોનો અચૂક અપચો થશે, બંધકોષ થશે. એ ગાંધી-ઝનૂની બનીને ગૌરવ લેશે. જો એની આંતરિક ઉન્નતિ થઈ હશે તો ગાંધીજીનું વાચન એને ગાંધીજી કરતાં પણ ઊંચે લઈ જવામાં મદદરૂપ થશે. આ ''જો'' અને ''તો'' વચ્ચે જબરદસ્ત અંતર છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31ZHhtl
Previous
Next Post »