ઝૂલે કે સંગ ઝૂલો મેરા મંન


મારા મનમાં હીંચકો ભરાઈ રહ્યો હતો. પણ એક ફ્લેટવાળાએ સમજાવી દીધું કે હવે હીંચકો નહિ સોફાનો જમાનો આવ્યો છે

ઝૂલે કે સંગ ઝૂલો મેરા મંન;

આતી હૈ યાદ કિસીકી છંન છંન

વર્ષો પહેલાં 'ઝૂલા' ફિલ્મ જોઈ હતી. તે ગીતમાં ઝૂલા એટલે ગુજરાતીમાં આપણા કેટલાક પરિવારોમાં આગળના ઓરડામાં કડલા પર લટકાવેલો નજરાણા જેવો હીંચકો.

વર્ષો પહેલાં હીંચકાની જાહોજલાલી તો નહિ. પણ મહત્તા હતી. મારે એવા જ મારા ઘરના હીંચકાની ટૂંકી દાસ્તાન વર્ણવવી છે.

ઝૂલે કે સંગ કે યાદ આતી છન છનને મારો ગોળી... સપનોની રાણીને ય વિદાય કરો.

મને તો મારો હીંચકો... હાય રે! આજે એ ભંગારમાં જશે? નિસાસો નીકળી જાય છે.

દિવાળી આવે એટલે ઘરમાં સાફસૂફીનો સફાઈ યજ્ઞા શરૂ થઈ જાય. એમાં વરસ દરમ્યાન ફાલતુ ચીજો, ડોલ, કાટ ખાયેલાં વાસણો, જૂનાં રમકડાં, ફાટયા તૂટયાં કપડાં બધું ભંગારમાં જાય.

પણ મારાં પત્નીએ હીંચકો ઘરમાં ક્યાંકથી.. એ તો મનેય ખબર નથી... ઉતરાવ્યો.

મેં પૂછ્યું, 'અત્યારે હીંચકાની શી જરૂર પડી?'

'ભંગારમાં કાઢી નાખવાનો છે. હજી તો સાવ જૂનો થયો નથી. જે બસો ત્રણસો રૂપિયા આવ્યા તે ખરા.'

'પણ..પણ' મેં જરા થોથવાતા અવાજે પૂછ્યું: 'હીંચકાને ભંગારમાં આપવો જરૂરી છે?'

ત્યારે આ નવા ફ્લેટમાં એનો ક્યાં સમાવેશ કરશો? અમારે શરૂમાં મધ્યમકક્ષાનું એક ઘર હતું. એ દિવસોમાં પોળો હતી. ફ્લેટોની બોલબાલા નહોતી. ઘરના આગળના ઓરડામાં અમારો હીંચકો અમારા માબાપે બંધાવ્યો હતો.

હું હીંચકાની વાત કરતાં એના સ્મરણમાં સરી ગયો.

હું અને મારાં ગૃહિણી પણ નવરાશના સમયે ઠેસ મારી મારીને હીંચકાને હિંચોળતા કંઈ કંઈ વાતોના ગુબારા ઉડાવતા હીંચકે ઝુલવાનો એ આનંદ મને અકબંધ હતો પણ કરકસરિયણ કામિની ભંગારમાં હીંચકો જેટલા રૂપિયા આવ્યા તેટલો ખરો એમ માનનારી હતી. મારો કચવાટ જોઈને મને કહે - 'તમારે હીંચકો સાચવી રાખવો છે? એને ક્યાં મૂકશો?'

એની ટકોર તેજીલી હતી.

અમે જૂના ઘરમાં રહેતાં ત્યારે આગળના ખંડમાં હીંચકા માટે છત પર કડાં હતાં. હીંચકાને માટે સાંકળો હતી. અમે ઠીક ઠીક સમય હીંચકા સાથે સત્સંગ કર્યો.

પણ અમારે મકાન ખાલી કરવાનું આવ્યું. મકાન માલિકને એ નવેસરથી ચણાવવું હતું. અમારે નવું ઘર શોધવું રહ્યું. પણ પોળોમાં ઘરોનો જમાનો વીતી ગયો હતો. ઠેર ઠેર ફ્લેટ ડોકાં કાઢતાં ખડા થઈ રહ્યાં હતાં.

પોળોનાં મોટાં ઘરનો યુગ જતો રહ્યો હતો. અમે નાછૂટકે ફ્લેટની શોધ કરવા માંડી. એક બે ફ્લેટ જોયા, નાના નાના રૂમવાળા પણ આકર્ષક હતા. મને ફ્લેટ ગમ્યો. પણ એમાં હીંચકો?

મેં એજન્ટને પૂછ્યું: 'ફ્લેટમાં હીંચકાની સગવડ નથી. છત પર કડાં...'

એજન્ટ કદાચ મારી મૂર્ખામી પર હસ્યો. 'સાહેબ, છતમાં કડાં ફીટ કરીએને તો છતની રોનક બગડી જાય. હવે કોઈ ફ્લેટમાં હીંચકો ના મળે.'

મારા મનમાં હીંચકો ભરાઈ રહ્યો હતો. પણ એક ફ્લેટવાળાએ સમજાવી દીધું કે હવે હીંચકો નહિ સોફાનો જમાનો આવ્યો છે. ઘરનાં બધાં સોફા પર બેસે છે અને એમાં નિરાંતે નાસ્તા પાણી ય કરી શકાય છે. હીંચકો ભંગારમાં ગયો જ. મારી સ્મૃતિઓ લેતો ગયો.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/336QH6q
Previous
Next Post »