હેર એક્સટેન્શન: કૃત્રિમ રીતે વાળ વધારવાની ટેકનિક


કૃત્રિમ રીતે વાળને  મોટા કરવાની આ પ્રક્રિયા કરાવવા વિશે હેર-એક્સપર્ટ જણાવે છે તે 'ખરી રીતે જોવા જઈએ તો હેર-એક્સટેન્શન આપણા દેશ માટે યોગ્ય  છે જ નહીં, કારણ કે આપણે ત્યાં ગરમી અને ભેજનું પ્રમાણ દરેક  ઋતુમાં હોય છે, જેના લીધે પરસેવો થાય છે. 

એક્સટેન્શન કરાવેલા વાળ પસીનાથી ભીના થવાને કારણે આપણા  ઓરિજિનલ વાળ પર ભાર આવે છે અને એ તૂટીને ખરવા લાગે છે.'જાણીતો નિષ્ણાત કહે છે, 'જો તમે ગ્લેમર ઈન્ડસ્ટ્રીથી જોડાયેલાં હો તો એક્સટેન્શન જરૂર કરાવો, પણ એ કરાવ્યા પછી એની એકસ્ટ્રા કેર કરવી જોઈએ. હેર-એક્સટેન્શન હ્યુમન હેરનું જ કરાવવાનો આગ્રહ રાખવો તેમ જ  હેર-એક્સટેન્શન છ મહિનાથી વધારે સમય વાળમાં  ન રાખવું, નહીં તો એ તમારા ઓરિજિનલ વાળને નુકસાન પહોંચાડશે.'

મોટા ભાગના હેર-સ્ટાઈલિસ્ટ વિચારે છે કે ભારતીય સ્ત્રીઓ પોતાના વાળની લંબાઈ સાથે ખૂબ ઓછો એક્સપરિમેન્ટ કરે છે. અને એ વાતમાં કોઈ શંકા નથી કે લાંબા વાળનું આકર્ષણ કંઈક જુદું જ હોય છે. જોકે શોર્ટ વાળના શોખીનો પણ ઓછા નથી. ઘણા લોકોને લાંબા વાળનો શોખ હોય છે, પણ કુદરતી રીતે તેમને આ ગિફ્ટ મળી નથી હોતી  અને માટે જ હવે લોકો કૃત્રિમ રીતે વાળ વધારવાની ટેક્નિક્સ તરફ વળી રહ્યા છે. તમારે ઝડપથી મોટા વાળ જોઈતા હોય, વાળમાં થોડો વોલ્યુમ વધારવો હોય કે પછી બોબકટથી ઈન્સ્ટન્ટ છુટકારો મેળવવો હોય, હેર-એક્સટેન્શન તમારા માટે આદર્શ છે, હેર-એક્સટેન્શનથી તમે તમારા ડેમેજ્ડ વાળને ઢાંકી શકો છો.

ઓરિજિનલ વાળને મોટા કરવા માટે એની સાથે સિન્થેટિક કે હ્યુમન હેર જોડી દેવામાં આવે છે, પણ આ વાળ ખૂબ સંભાળ માગી લે છે. તમારે આ વાળની કુદરતી વાળ કરતાં ખૂબ વધારે પ્રમાણમાં કેર કરવી પડે છે, પણ ફાયદો એ છે કે વાળ વધવા માટે ન તો કોઈ દવાઓ ખાવાની જરૂર પડે છે અને ન તો કોઈ તેલ લગાવીને વર્ષો સુધી રાહ જોવાની. ફક્ત થોડી જ મિનિટોની પ્રોસેસમાં તમને તમારું જોઈતું રિઝલ્ટ મળી જાય છે. જોેકે વાળમાં કરાવેલું હેર-એક્સટેન્શન તમારા ખિસ્સામાં ખૂબ મોટું કાણું પાડી શકે છે, માટે એ કરાવ્યા પછી લાંબો સમય ચાલે એ માટે તમારે કાળજી લેવી જરૂરી છે.

તમારા વાળની ઓરિજિનલ લંબાઈ કરતાં બમણાથી વધારે લાંબું  હેર-એક્સટેન્શન ન કરાવો. ધૂળ અને પસીનાથી આ વાળમાં ગૂંચ વધી શકે છે અને જો હેર-એક્સટેન્શન હ્યુમન હેરથી કરવામાં આવ્યું હોય તો એને અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વખત ધોવા જરૂરી છે, જ્યારે સિન્થેટિક ફેબ્રિક વાપરીને કરેલા એક્સટેન્શનને અઠવાડિયામાં ફક્ત એક વાર ધોવામાં આવે તો ચાલે.

વાળમાં શેમ્પૂ કર્યા પહેલાં વાળમાં મોટા દાંતાવાળો દાંતિયો ફેરવીને બધી જ ગાંઠ છૂટી પાડવી, કારણ કે જ્યારે તમે માથા પર પાણી રેડો છો ત્યારે પાણીનું બધું જ પ્રેશર વાળની લંબાઈ પર આવે છે અને વાળમાં ગાંઠો વણાય છે. માટે વાળને ધીરે-ધીરે પાણી નાખીને ભીના કરો.

વાળને ધોવા માટે ખૂબ માઈલ્ડ એવા શેમ્પૂનો વપરાશ કરો. બધા વાળને એકસાથે  માથા પર લઈને ઘસવા નહીં. વાળને મૂળ પાસેથી સર્ક્યુલર મોશનમાં ઘસવાનું શરૂ કરો અને ધીરે-ધીરે છેડા સુધી પહોંચો. એક્સટેન્શન પર હળવા હાથે શેમ્પૂ લગાવો અને ખૂબ પાણીથી ધોઈ નાખો જેથી એક્સટેન્શન પાસે કોઈ પણ પ્રકારનાં કેમિકલ્સ જમા ન થાય. વાળની લટોને સુંવાળી  અને ચમકદાર રાખવા માટે સારી ક્વોલિટીના કન્ડિશનરનો ઉપયોગ કરવો. આલ્કોહોલ ધરાવતાં કન્ડિશનર વાળને સૂકા અને બરછટ બનાવી દે છે, માટે કન્ડિશનર ખરીદો ત્યારે ધાયન રાખો કે એ આલ્કોહોલ-ફ્રી હોય.

વાળને ધોયા પછી સૂકા ટુવાલમાં દબાવીને એમાંથી પાણી કાઢી લો. ખૂબ જોર આપીને ટુવાલ સાથે ઘસવાથી વાળને ખૂબ નુકસાન પહોંચી શકે છે અને એમાં પણ જો વાળ કૃત્રિમ રીતે એક્સટેન્ડ કરાવેલા હોય તો વાત વધારે વણસી  શકે છે.  માટે વાળમાં કરાવેલા એક્સટેન્શનને હંમેશાં એર-ડ્રાય થવા દો. એક્સટેન્શનને ભીના હોય ત્યારે કોમ પણ ન કરવા, નહીં તો એ તૂટી શકે છે.

સૂવાના સમયે ક્યારે પણ એક્સટેન્શન કરેલા વાળ ભીના ન હોવા જોઈએ તેમ જ ધ્યાન રાખો કે સૂતાં પહેલાં આ વાળ પૂરી રીતે સૂકા  અને લૂઝ પોનીટેઈલમાં બાંધેલા  હોય, જેથી  ઊઠવાની સાથે જ વાળને  ઓળવા  બેસવું ન પડે.

વાળમાંથી ગૂંચ અને ગાંઠો કાઢવા માટે પ્રથમ વાળમાં આંગળીઓ ફેરવો અને ત્યાર પછી જ કોમ. હેરબ્રશ ન વાપરવું એ સૌથી વધારે સલાહભર્યું છે. જો વારંવાર વાળમાં દાંતિયો ફેરવ્યા કરવાની આદત હશે તો  એ હેર-એક્સટેન્શન કરાવ્યા પછી નહીં ચાલે, કારણ કે આ વાળ આપણા કુદરતી વાળ કરતાં વધારે નાજુક હોય છે.

જો તમને સ્વિમિંગ કરવાનો શોખ હોય તો  હેર-એક્સટેન્શનને ક્લોરિન અને બીજા કેમિકલવાળા પાણીમાં એક્સપોઝ કરવા કરતાં વાળને કેપ વડે ઢાંકો, કારણ કે આ કેમિકલ્સથી કૃત્રિમ વાળને ખૂબ હાનિ પહોંચી શકે છે. વાળમાં જ્યારે પણ તેલ લગાવો ત્યારે ધ્યાન રાખો કે એ સ્કેલ્પમાં જ રહે એ એક્સટેન્શન સુધી ન પહોંચી શકે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2IQ4c2E
Previous
Next Post »