દુનિયાભરના મોટા ભાગના લોકશાહી દેશો ઇવીએમનો ઉપયોગ કરીને છોડી દઈ પાછા બેલેટ પેપર પર આવી ગયા છે, પણ આપણી સરકાર એ વાત માનતી નથી ! તો શું આ સરકાર એવી એમની બનેલી છે એમ સ્પષ્ટ થાય છે ? તમે શું સૂચવો છો ?
- પિનાકિન પટેલ (અમદાવાદ)
- તમે કદાચ સાચા છો પણ એકલા પડી જાવ છો. ઈવીએમનો વિરોધ કરવા પ્રજામાંથી પણ બહુમતી કેળવવી પડે !
ઓ પિયા ઓ રે પિયા રૂપિયા કે બીના જિયા તો ક્યા જીયા ?
- મહેશ માંકડ (અમદાવાદ)
- કવિ થવાના સર્વ ગુણ તમારામાં હોવાનું જાણીને આનંદ થયો ! રૂપિયા સૌથી મોટા પિયા!
દયા ખાવા માટે પાત્રતા વ્યક્તિ શું શું કરી શકે ?
- રક્ષિત વોરા (ક્ષિતિજ) (ગાંધીનગર)
- તમારે કોઈની દયા ખાવી છે કે દયામણા થવું છે, એ સ્પષ્ટ થતું નથી ?
દારૂબંધી માટે અમુક ઇસમ દારૂ બંધ કરાવીને રહેશે. દારૂનું શું થશે ?
- યશપાલસિંહ ટી. વાઘેલા
(દરબાર ગઢ, થરા)
- કોઈપણ પ્રકારના દૂષણના પ્રવેશ માટે બધા જ બારણા ઉઘાડા છે. દૂષણને પાછા જવાનો રસ્તો જડતો નથી ! આમાં પાછા વળવાનો રસ્તો જ નથી ! એટલે જ તો દારૂબંધી હોવા છતાં દારૂ ધામા નાંખીને પડયો છે ?
નાના ભુલકાઓથી માંડી મોટેરાઓ સુધી મોબાઈલનું અતિરેકપણું કહો કે ઘેલછા કહો, પણ આ કઇ દિશાએ અવદશા તરફ જઇ રહ્યું છે ?
- અબ્દુલ રઝાક ખલીફા
(ગઢ શીશા - કચ્છ)
- અતિરેક તો અવદશા સર્જે છે. શુદ્ધ ઘી શક્તિવર્ધક પદાર્થ છે. પણ એ ચમચીથી લેવાય, કટોરા ભરીને પીવાય નહિ ! એમ દરેક ઉપયોગી વસ્તુનો ઉપયોગ માફકસર થાય તો જ એ સાચા અર્થમાં ઉપયોગી નીવડે !
રોગ માઝા મૂકે છે. કમળો, મેલેરિયા, ટાઇફોઈડ, ચીકનગુનિયા, ડેન્ગ્યુ, કોંગો ફિવર, હવે પછી કયા રોગના નામ આવશે ? -
- મહેન્દ્રભાઈ જ. ગાંધી (સુરેન્દ્રનગર)
- આ તો જાણે એમ જ રોગોના ઉત્પાદક હોઇએ, એવું પૂછ્યું તમે.
શ્રાવણ મહિનામાં કેટલાક લોકો કેમ દાઢી વધારતા હશે ?
- અંબરિશ ડી. મહેતા (અમદાવાદ)
- દાઢી હવે શ્રાવણ પૂરતી સીમિત નથી. એ હવે યુવાનોની ફેશન થઇ ગઈ છે.
ગરીબ માણસન બે ટંક પૂરતું ખાવાનું મળતું નથી. જ્યારે નેતાઓ પાસે અઢળક સંપત્તિ હોવા છતાં ભ્રષ્ટાચાર આચરે છે. એમનું પેટ ક્યારે ભરાશે ?
- બચુભાઈ સોની (ધોરાજી)
- ગરીબો સુખી કહેવાય. એને તો એક ટંકની જ ચિંતા છે. જ્યારે નેતાઓને તો બીચારાઓને સાત સાત પેઢીના પેટ ભરવાના છે ? દયા કરો એમના પર.
આજકાલ મોબાઈલને વખોડવાની ફેશન થઇ ગઇ છે. એના કારણે બાળકો એ રડવાનું બંધ કર્યું ઘરના સભ્યો મોબાઈલમાં વ્યસ્ત થઇ જતાં કજિયો કંકાસ બંધ થયા. કૌટુમ્બિક સમસ્યાઓ ઘટે છે અને...!
- સાધના નાણાવટી (ગાંધીનગર)
- મોબાઈલ અત્યંત મૂલ્યવાન સાધન છે. એ દૂરના લોકોને આપણી સાથે બોલતા કરવા માટે. નજીકના માણસોનાં મોઢાં બંધ કરી દેવા માટે નહિ !
શેરના માથે સવાશેર તો પછી સવાશેરના માથે કોણ ?
- ધવલ જે. સોની (ગોધરા)
- એ હું કહીશ તો પાછા તમે પૂછશો કે એના માથે કોણ ? આવી વાતનો પાર ન આવે હોં ભાઈ !
પત્ની ગુસ્સો કરે તો પતિદેવે શું કરવું જોઇએ ?
- ઘનશ્યામ એચ. ભરૂચા (મુંબઇ)
- એક વરસથી હું જોઉં છું કે તમારા પતિ પત્ની વચ્ચે આવું કાયમનું થઇ પડયું છે.
માવડિયા કે બાપવડિયા બનવામાં ખુમારી નથી તો પત્નીના કહ્યાગરા કંથ બનવામાં ય ખુમારી નથી. આમાં સારું શું છે ?
- સંધ્યા ડી. પુરોહિત (અમદાવાદ)
- સાચી ખુમારી તો માબાપ અને પત્ની વચ્ચે સંતુલન જાળવવામાં છે !
ભગવાન અજય અમર અને અવિનાશી હોવા છતાં જન્મતા સાથે જ મથુરા છોડી ગોકુળમાં ભાગવું પડયું કોની બીકે ?
- મણિબેન પટેલ
(ઊંટડી, જિ. વલસાડ)
- તમે જન્મ લીધો છે તો દુનિયામાં આવું બધું વેઠવું પડશે એ કહેવા એમણે વેઠીને દેખાડયું!
મૌનવાર હોય છે જેમાં બોલવાનું નહિ. તો સાંભળવાનો વાર કેમ નહીં.
- રાજેન્દ્ર કે. હાથી (વડોદરા)
- ન સાંભળવું તો કાયમને માટે છે ? સરકાર સાંભળે છે ? આપણા સંતાનો આપણું સાંભળતા નથી ! તો પછી ન સાંભળવાના વારની શી જરૂર છે ?
દેશમાં માનવીને ધાર્મિકતાના નામે ડરાવી અંધશ્રધ્ધા ફેલાવવામાં આવે છે તો માણસ રેશનલ કેમ નથી બનતો ?
- ચંદ્રકાંત રાણા (સૂરત)
- સ્વાર્થ ખાતર ધર્મનો ઉપયોગ સફળ થતો હોવાથી ધર્મની માવજત થતી રહેશે. આમ તો બધા રેશનલ જ છે. કોઇને ધર્મની પડી નથી ! ધર્મનો અતિરેક જ ધર્મને ખતમ કરી નાખશે!
જાનવરો તમાકુને સૂંઘતા પણ નથી. છતાં માણસ કેમ પ્રેમથી ચાવે છે ?
- ભાવસાર કનૈયાલાલ હરિભાઈ (વડનગર)
- જાનવરો તો લગ્ન પણ નથી કરતા !
મા પોતાની દીકરીને દીકરી તરીકે સ્વીકારે છે. વહૂને કેમ નહિ ?
- કૃષ્ણકાન્ત સોનેજી (ધોરાજી)
- મા એ વાત ભૂલી જાય છે કે મારી દીકરી પણ કોઇની વહૂ બનીને સાસરે ગઇ છે !
જમાઈને દસમો ગ્રહ કહેવાય તો વહુને કયો ગ્રહ કહેવાય ?
- મુકેશ ટી. ચંદારાણા (મીઠાપુર)
- કેટલીક સાસુ માટે વહુ વિગ્રહ કહેવાય.
સરકારી સૂત્રો મુજબ ભારતમાં મોટર વ્હીકલ એક્ટ કેનેડા, બ્રિટન, કેલિફોર્નિયા અને આર્જેન્ટિના કાયદાનો અભ્યાસ કરીને બનાવ્યો છે ! તો ત્યાંના રસ્તાઓનો અભ્યાસ કરી ત્યાંના જેવા રસ્તા કેમ બનાવવામાં આવતા નથી ?
- એડ્વોકેટ ઠાકોરલાલ વી. બારીઆ (વડોદરા)
- તંત્રનું ગળું પકડે એવા ત્યાંના જેવા નાગરિકો પણ આપણે ત્યાં ક્યાં છે? આપણે બધા તો તંત્રના પૂજારી છીએ.
સુથારનું મન બાવળિયે, આપનો શો અભિપ્રાય છે ?
- અનિલ દેસાઈ
(નિયોલ જિ. સુરત)
- એમાંથી એનો ધંધો ચાલે છે. ખેતીના ઓજારો અને બળદગાડુ વગેરે બાવળના જ લાકડામાંથી બને છે ! અને એ સુથારનો ધંધો છે. એને એ બાવળના ઝાડમાં કેટકેટલા ઓજારો દેખાતા હશે. જમીન દલાલનું ધ્યાન જમીનમાં જ હોય ?
તમારા સર્જિકલ સ્ટ્રાઇકમાં જેમના સવાલો છપાતા હોય એ માટે તમારું નિરીક્ષણ શું છે?
- મનોજ એમ. ઝાલા (નવાગામ, ગાયકવાડ)
- સામાજિક, કૌટુમ્બિક અને રાજકીય પ્રશ્નોમાં કેટલાક પ્રશ્નો અર્થપૂર્ણ હોય છે. ગમે છે. નામ છપાય એ હેતુ પણ ખરો !
સર્જિકલ સ્ટ્રાઇક
વાચકો (માત્ર) સાદા પોસ્ટકાર્ડ પર સવાલ મોકલાવી શકશે. એમાં પોતાનું નામ, સરનામું અને મોબાઇલ નંબર લખવાનો રહેશે.
સવાલ પૂછવા માટેનું સરનામું :
'સર્જિકલ સ્ટ્રાઇક વિભાગ', ગુજરાત સમાચાર, ખાનપુર, અમદાવાદ- ૩૮૦૦૦૧.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OGR4k1
ConversionConversion EmoticonEmoticon