આણંદ જિલ્લા કોંગ્રેસે સમિતિના પૂર્વ પ્રમુખ ભાજપમાં ભળતા તર્ક-વિતર્ક


આણંદ, તા.15 ઓક્ટોમ્બર 2019, મંગળવાર

આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખને સસ્પેન્ડ કરવાની વાત તેમજ તેઓના રાજીનામા અંગેની અટકળોને લઈ આણંદ જિલ્લાનું રાજકારણ ગરમાઈ જવા પામ્યું છે. આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતના પૂર્વ પ્રમુખ વિનુભાઈ ઠાકોર ઉપર નાણાંકીય ગોલમાલ સંદર્ભે આક્ષેપ કરાતા તેઓએ બાંયો ચઢાવી કોંગ્રેસ સાથે છેડો ફાડી નાખી ભાજપનો ભગવો ધારણ કરી લેતા ગોલમાલ અંગેના આક્ષેપોને લઈ પૂર્વ પ્રમુખે રાજીનામું આપ્યું કે પછી કોંગ્રેસની અંદરોઅંદરની લડાઈથી પદ છોડયું તે અંગે રાજકીય તજજ્ઞાોમાં અનેક પ્રકારની અટકળોએ જોર પકડયું છે.

આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખને પ્રદેશ પ્રમુખ દ્વારા તા.૧૧ના રોજ સ્થાનિક સહકારી મંડળીમાં નાણાંકીય ઉચાપતની ફરિયાદો તેમજ જિલ્લા કોંગ્રેસ સમિતિના નામે ગેરરીતિપૂર્ણ આર્થિક લેવડ-દેવડ અને ગોલમાલની રજૂઆતોને લઈ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવતા આણંદ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી જવા પામ્યો હતો. 

જો કે તા.૧૨ના રોજ તેઓ દ્વારા પોતે છેલ્લા ઘણાં સમયથી પક્ષમાં ગૂંગળામણ અનુભવતા હોઈ તેમજ પક્ષની નીતિરીતિ અને પક્ષની કાર્યપધ્ધતિ યોગ્ય લાગતી ન હોઈ અને આણંદ લોકસભા બેઠકની હાર બાદ સંગઠનની કામગીરીમાં અવરોધ અને સ્થાનિક આગેવાનો દ્વારા ગેરવર્તણુક જેવી બાબતોથી દુઃખી હોઈ મારૂ રાજીનામું આપુ છુ તેવો પત્ર પ્રદેશ પ્રમુખને આપ્યો હતો. 

કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખે તા.૧૨ના રોજ મહીસાગર જિલ્લાના વરધરી ખાતે યોજાયેલ ભાજપની એક બેઠકમાં સાંજના ૫ઃ૦૦ કલાકે ભાજપ સાથે ગઠબંધન કરી કેસરીયો ધારણ કર્યો હતો. જો કે તેઓના સસ્પેન્શન અને રાજીનામાં અંગે અનેક પ્રકારના તર્ક-વિતર્કો ટોક ઓફ ધી ટાઉન બન્યા છે. તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા કે તેઓએ પહેલા રાજીનામું આપ્યું તે બાબતે હજી અસમંજસતા જોવા મળી રહી છે. સસ્પેન્શન અને રાજીનામા બાબતે બંને પક્ષો દ્વારા વિરોધાભાસી નિવેદનો કરવામાં આવી રહ્યા છે.

પ્રદેશ પ્રમુખ દ્વારા કરાયેલા આક્ષેપો પાયાવિહોણા : વિનુભાઈ ઠાકોર

આ અંગે વિનુભાઈ ઠાકોરનચા જણાવ્યા મુજબ તા.૧૨ના રોજ સાંજે ૫ઃ૦૦ કલાકે ભાજપ સાથે ગઠબંધન કરવા પૂર્વે આગળના દિવસે રાત્રિએ તેઓને પક્ષ સાથે અંદરોઅંદર માથાકૂટ થઈ હતી. જેને લઈ તેઓએ ભાજપ સાથે નાતો જોડવાનો નિર્ણય લીધો હતો. પરંતુ જો આગલા દિવસે રાત્રીએ માથાકૂટ થઈ હોય તો બીજા દિવસે સાંજે ૫ઃ૦૦ વાગ્યા સુધી રાજીનામુ આપવાની રાહ કેમ જોઈ તે પ્રશ્ન રાજકીય વર્તુળોમાં ચર્ચાની એરણે ચઢ્યો છે. જો કે વધુમાં તેઓને પૃચ્છા કરતા તેઓએ જણાવ્યું હતું કે પ્રદેશ પ્રમુખ દ્વારા કરાયેલ આક્ષેપો તદ્દન પાયાવિહોણા છે આ અંગે તેઓ સ્પષ્ટતા નહી કરે તો કોર્ટમાં બદનક્ષીના દાવાની કાર્યવાહી કરવામાં આવશે.

નાણાકીંય ગોલમાલથી પદ પરથી દૂર કરાયા : ધારાસભ્ય

આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખના સસ્પેન્શન અંગે આણંદના ધારાસભ્ય કાંતિભાઈ સોઢાપરમારને પૃચ્છા કરતા તેઓએ જણાવ્યું હતું કે સસ્પેન્શન ઓર્ડર તા.૧૧ના રોજ જ કરી દેવામાં આવ્યો હતો. વિનુભાઈ ઠાકોર જુઠુ બોલી રહ્યા છે. ઉપરાંત તેઓ વિરૂધ્ધ કરાયેલ નાણાંકીય ગોલમાલના આક્ષેપો તદ્દન સાચા છે, જેના કારણે જ તેઓને પદ પરથી દુર કરવામાં આવ્યા હોવાનું ઉમેર્યું હતું.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2BdMeTp
Previous
Next Post »