બિનસચિવાલય કલાર્કની પરીક્ષા રદ થતા આમઆદમી પાર્ટીની રજૂઆત


આણંદ,તા.15 ઓક્ટોમ્બર 2019, મંગળવાર

બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ કરવા તથા લાયકાત બદલવા મુદ્દે સમગ્ર રાજ્ય સહિત આણંદ જિલ્લાના પરીક્ષામાં બેસનાર ઉમેદવારોમાં ભારે રોષની લાગણી ફેલાઈ જવા પામી છે ત્યારે આ બાબતે આમ આદમી પાર્ટી દ્વારા આણંદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી મુખ્યમંત્રી સહિત શિક્ષણ મંત્રીને રાજીનામું આપવાની માંગ કરવામાં આવી છે.

આ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ગત તા.૯ ઓક્ટોબરના રોજ બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ૧૦ લાખથી વધુ ઉમેદવારો બેસવાના હતા. ૨૦૧૮માં ધો.૧૨ની લાયકાત સાથે પરીક્ષા લેવામાં આવશે એવી સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. જેના પગલે લાખો વિદ્યાર્થીઓએ ફોર્મ ભરી પરીક્ષામાં ઉમેદવારી નોંધાવી હતી તથા ઉમેદવારોએ આ પરીક્ષા માટે તનતોડ મહેનત કરી હતી. સતત ૧૫ મહિનાની મહેનત બાદ સરકારે ૧૦ ટકા અનામત વધારી દેવામાં આવતા ફરી ફોર્મ ભરવામાં આવ્યા તથા ત્રણ મહિના પરીક્ષા પાછી ખેંચાઈ તેમ છતા ઉમેદવારોએ મહેનત શરૂ રાખી હતી. 

આગામી તા.૨૦ ઓક્ટોબરના રોજ આ પરીક્ષા યોજવાનું આયોજન હતું ત્યારે અચાનક સરકારે પરીક્ષાને રદ કરી લાખ્ખો બેરોજગાર યુવાનોનું ભવિષ્ય દાવ ઉપર લગાવી દીધુ તથા સેંકડો યુવાનોને બેરોજગારની દોજખમાં ધકેલી દેવાનું કૃત્ય કરી નાખ્યું. સાથે સાથે સરકારે પરીક્ષાની લાયકાત પણ બદલી નાખતા સમગ્ર ઉમેદવારોમાં સરકાર દ્વારા લાખો બેરોજગાર યુવાનો સાથે છેતરપીંડી કરી હોવાનું રોષ ફેલાઈ જવા પામ્યો છે.

આ મુદ્દાને લઈ આણંદ જિલ્લા આમઆદમી પાર્ટી દ્વારા સરકાર દ્વારા લેવાયેલ નિર્ણયને પાછો ખેંચવામાં આવે તથા તમામ ઉમેદવારોને કમ્પનસેટ કરવામાં આવે તથા જવાબદાર લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની સાથે સાથે શિક્ષણમંત્રી સહિત મુખ્યમંત્રી દ્વારા આ ગંભીર ભૂલના કારણે રાજીનામું આપવામાં આવે તેવા લેખિત આવેદનપત્ર સાથે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2qjD8Cz
Previous
Next Post »