વઘાસીમાં દિયરે વિધવા ભાભીની કરપીણ હત્યા કરી


આણંદ,તા. 10 ઓક્ટોમ્બર 2019, ગુરુવાર

આણંદ નજીક વઘાસી ખાતે ગતરોજ રાત્રિ દરમ્યાન વિધવા મહિલાની તેના જ કુટુંબના દિયર દ્વારા ઘાતકી હત્યા કરી નાખવામાં આવતા સમગ્ર વઘાસી ગામે ભારે ચકચાર મચી જવા પામી છે. આ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ નજીક વઘાસી ખાતે આવેલ રામદેવ ચોકમાં રહેતા રૂપાબેન ડાહ્યાભાઈ પરમાર (ઉં.વ.૪૦)ના પતિ રાજુભાઈ ડાહ્યાભાઈ પરમારનું પાંચ વર્ષ પહેલા મૃત્યુ થઈ ગયું હતું. 

વિધવા રૂપાબેન પોતાના બે સંતાન સાથે પોતાનું ગુજરાન ચલાવતી હતી. રૂપાબેનના દિયર અલ્પેશ મનુભાઈ પરમારે ગતરોજ રાત્રિ દરમ્યાન રૂપાબેનના ઘરે આવી તેમની સાથે ઝઘડો કરી રૂપાબેનને અલ્પેશે માથામાં અને શરીરના અન્ય ભાગો ઉપર સીમેન્ટના થાંભલાનો ટુકડો તેમજ લાકડાના ડંડાથી માર માર્યો હતો. 

તે દરમ્યાન રૂપાબેને બુમાબુમ કરતા રૂપાબેનનો દિકરો કેવલ તેમજ આજુબાજુના રહીશો આવી જતા અલ્પેશ પરમાર ત્યાંથી નાસી છુટયો હતો તથા ગંભીર રીતે ઘવાયેલ રૂપાબેનને લોહીલુહાણ હાલતમાં આણંદની સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાથી વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં લઈ જતા ત્યાંના તબીબે રૂપાબેન પરમારને મૃત ઘોષિત કરતા આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.

ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી તથા અલ્પેશ મનુભાઈ પરમાર વિરૂધ્ધ ગુનો દાખલ કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરી ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હતો તથા મૃતક રૂપાબેનના મૃતદેહનો કબ્જો લઈ પી.એમ. માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે તથા આરોપી દ્વારા કયા કારણોસર હત્યા કરવામાં આવી તે સહિતની તમામ જાણકારી માટે આરોપીની પુછપરછ હાથ ધરેલ છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/33lJbEG
Previous
Next Post »