બે જૂથો વચ્ચે રાયોટિંગની ઘટનામાં બન્ને પક્ષના આરોપીઓને કેદની સજા


નડિયાદ, તા. 10 ઓક્ટોમ્બર 2019, ગુરુવાર

સાડા ત્રણ વર્ષ અગાઉ નડિયાદ તાલુકાના જૂના  બિલોદરા ગામે પડોશમાં રહેતા ઇસમના ઘર આંગણે ગંદો કચરો નાંખવા બાબતે બોલાચાલી થઇ હતી. આ બનાવમાં નડિયાદ રૂરલ પોલીસ મથકે  સામસામી ફરિયાદો નોંધાઇ હતી. જેમાં પોલીસે આઠ અને ચાર ઇસમો સામે રાયોટીંગની ફરિયાદ  દાખલ કરી હતી. આ કેસ આજે નડિયાદની સેશન્સ  કોર્ટમાં ચાલી જતા કોર્ટે આઠ આરોપીઓને દશ વર્ષની સખત કેદની સજા અને દંડ ભરવાનો હૂકમ કરાયો છે. જ્યારે સામા પક્ષના પાંચ  આરોપીઓને ચાર વર્ષની સખત કેદની સજા જાહેર કરાઇ હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર નડિયાદ તાલુકાના જૂના બિલોદરા ગામે છેલ્લાં ઘણાં સમયથી બે કોમો વચ્ચેના રાયોટીંગના મામલે વારંવાર વાતાવરણ તંગ બને છે. ગત્ ૧લી મે ૨૦૧૬ના રોજ આવો જ એક રાયોટીંગનો બનાવ બન્યો હતો. જેની વિગતો એવી છે કે જૂના બિલોદરા ગામે રહેતા ફતાભાઇ અને લાલાભાઇ મોહનભાઇ ભરવાડાના મકાનો પાસે પાસે આવેલા છે. બંનેના ઘરોની વચ્ચે ફતાભાઇની ખાલી જગ્યા આવેલી છે. બે વર્ષ અગાઉ લાલાભાઇએ આ જમીન ઉપર ગેરકાયદેસર રીતે દબાણ કરી દિવાલ ચણી લીધી હતી. 

ઉપરાંત આ ખુલ્લી જમીનોમાં લાલાભાઇના ઘરના લોકો ગંદો કચરો નાંખતા હતા. આ બાબતે ફતાભાઇએ વારંવાર લાલાભાઇ અને તેમના પરિવારજનોને ટોક્યા હતા. પરંતુ આ મામલે લાલાભાઇ ભરવાડ, કેતનભાઇ લાલાભાઇ ભરવાડ, કમલેશ કાનજીભાઇ ભરવાડ, સુરજભાઇ રઘુભાઇ ભરવાડ,ધનાભાઇ ભવાનભાઇ, હીતેશભાઇ કાનજીભાઇ ભરવાડ, હરીશભાઇ ઉર્ફે હીરાભાઇ ભવાનભાઇ, દેવાભાઇ ઉર્ફે દેવકરણભાઇ ભવાનભાઇ ભરવાડ, તમામ રહે. જૂના બિલોદરાએ એકસંપ થઇ ગત્ ૧લી મે, ૨૦૧૬ના રોજ સાંજના સાડા આઠ વાગ્યાના સુમારે ફતાભાઇ અને તેમના પરિવારજનો પર લાકડીઓ લઇ હૂમલો કર્યો હતો.

આ હૂમલામાં આઠેય આરોપી ઇસમોએ ફતાભાઇ અને તેમના પરિવારજનોને જીવલેણ માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. વળી, ફતાભાઇએ હાથમાં પહેરેલી સોનાની વીંટી કિંમત રૂા. ૭૦૦૦ અને તેમના ખીસ્સામાંથી મોબાઇલના હપ્તાના ૧૫૦૦ રૂપિયા પણ લૂંટી લીધા હતા.આ બનાવ બાદ બંને કોમના ઇસમો સામસામે આવી ગયા હતા અને જૂના બિલોદરામાં તંગદીલી સર્જાઇ હતી. આ મામલે પોલીસ કાફલો ખડકાઇ ગયો હતો અને કર્ફ્યુ જેવી પરિસ્થિત ઉભીથઇ હતી.

આ  બાબતે  ફતભાઇએ આઠેય આરોપીઓ સામે નડિયાદ રૂરલ પોલીસ મથકે  ફરિયાદ નોંધાઇ હતી. જ્યારે સામા પક્ષે લાલાભાઇ ભરવાડે મફતભાઇ રાયસિંગભાઇ સોઢા, અશોકભાઇ ઉર્ફે લાલો રમેશભાઇ સોઢા, કલ્પેશભાઇ જયંતિભાઇ સોઢા, વસંતભાઇ મફતભાઇ સોઢા અને જયંતિભાઇ રાઇસીંગભાઇ સોઢા સામે ફરિયાદ નોંધાઇ હતી. આ મામલે પોલીસે રાયોટીંગનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

જે બાદ પોલીસે બધા આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી નડિયાદ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. આ કેસ આજે નડિયાદ સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલની દલીલો અને પુરાવાઓને ધ્યાને રાખી કોર્ટે આઠેય આરોપીઓને ઇપીકો કલમ ૧૪૭,૧૪૯ના ગુનામાં બે વર્ષની સખત કેદ, અને દરેકને રૂા.૨૦૦૦નો દંડ, ઇપીકો કલમ ૧૪૮ના ગુનામાં ત્રણ વર્ષની સખત કેદની સજા અને રૂા.૨૦૦૦નો દંડ, ઇપીકો કલમ ૩૯૫ના ગુનામાં ૧૦ વર્ષની સખત કેદની સજા અને રૂા,.૫૦૦૦નો દંડ તથા ઇપીકો કલમ ૩૯૭ના ગુનામાં સાત વર્ષની સખત કેદની સજા ઉપરાંત રૂા. ૫૦૦૦નો દંડ ફટકારતો હુકમ કર્યો છે. 

જ્યારે સામા પક્ષના પાંચેય આરોપીઓને વિવિધ કલમોના ગુના હેઠળ ત્રણ વર્ષની સખત કેદની સજા અને દંડ ભરવાનો હુકમ કરાયો છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2M7HtBk
Previous
Next Post »