સરકાર આખી જિંદગી ટેક્સ ભરનારા નાગરિકોને પણ સોશિયલ સિક્યોરીટી આપી શકતી નથી. સરકારી નોકરી કરનારાઓને પેન્શનની જોગવાઈ છે. હવે તેમના નાણાં એનપીએસ-નેશનલ પેન્શન સ્કીમમાં ડાયવર્ટ કરીને સરકાર પેન્શનની ચૂકવણીની પોતાની જવાબદારી ઓછી કરવા સક્રિય બની છે. પરંતુ ખાનગી કંપનીઓમાં નોકરી કરનારાઓને સમખાવા પૂરતુંય પેન્શન મળતું નથી. રૂા.૧૫૦૦થી ૩૦૦૦નું માસિક પેન્શન મળે છે. ઘરખર્ચ, લાઈટ બિલ, દવાના ખર્ચા,મેડિક્લેઈમના પ્રીમિયમના ખર્ચાઓ વચ્ચે અસ્તિત્વ ટકાવવું સિનિયર સિટીઝન માટે મુશ્કેલ બની ગયું છે.
જોકે સરકારે સિનિયર સિટીઝનની જરાય દરકાર કરી નથી તેવું નથી. પોસ્ટ ઑફિસની સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં રોકાણ કરનારાઓને વાર્ષિક ૮.૬ ટકાના દરે વ્યાજ આપતી આ સ્કીમમાં સિંગલ સિનિયર સિટીઝન પોતાનો સામાન્ય નિભાવ કરી શકે છે. પરંતુ પોતે એકલા હોય અને ઘરનું મેઈન્ટેનન્સ કે પછી લાઈટ બિલ સહિતના ઇતર ખર્ચાઓનો બોજ આવે ત્યારે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમના વ્યાજની રૂા.૧.૨૯ લાખની વાર્ષિક આવક પણ ઓછી પડે છે.
તેમને પરંતુ વધતી વય સાથે પ્રીમિયમના ઊંચા જતાં દર તેમના દરેક ગણિતોને ખોરવી નાખે છે. તેમને માટે સરકારે બીજી વ્યવસ્થા પણ કરી છે. વડીલ વય વંદના યોજના હેઠળ જીવન વીમા નિગમમાં રૂા.૧૫ લાખનું રોકાણ કરનારા નાગરિકોને બાર મહિને બાર મહિને રૂા.૧.૨૦ લાખ મળે તેવી વ્યવસ્થા કરી આપી છે.
પરંતુ જેમની પાસે રૂા.૧૫-૧૫ લાખના રોકાણો કરવાની તાકાત નથી અને રૂા.૧૦-૧૨ લાખની સિલક પર મળતા વ્યાજની આવક પર નભનારાઓની સ્થિતિ હેન્ડ ટુ માઉથ જેવી છે. તેમાંય બૅન્કના વ્યાજના દર ઘટીને ૬.૭૫થી ૭.૨૫ની રેન્જમાં આવી ગયા હોવાથી તેમની આવકમાં પડી રહેલા ગાબડાં તેમની હાલાકીમાં વધારો કરી રહ્યા છે.
બચત ખાતામાં પડી રહેલી રકમ પર પણ પહેલા જે ૩.૫ ટકા વ્યાજ મળતું હતું તે ઘટાડીને સ્ટેટ બેન્કે ૩.૨૫ ટકા કરી દીધું છે. તદુપરાંત બૅન્કો દ્વારા બેલેન્સ ઓછું હોવાને નામે, ચૅક રિટર્ન થવાને નામે કે પછી અન્ય કારણોસર કરવામાં આવતી પેનલ્ટી માત્ર સિનિયર સિટીઝનને જ નહિ, દરેક ખાતેદારને તોડી રહી છે.
બૅન્કના અધિકારીઓ ઉદ્યોગપતિઓ સાથેની મિલીભગતમાં ધિરાણ લઈને પૈસા ન ચૂકવે અને તે ફસાયેલી મૂડી કાઢવા માટે સામાન્ય ખાતેદારો પર જુદાં જુદાં ચાર્જને નામે બોજ વધારવામાં આવી રહ્યો છે. થાપણદારોની સલામતીની ચિંતા તો રિઝર્વ બૅન્કને પણ ન હોય તેવી સ્થિતિ છે. થાપણદારોના પૈસાને વધુ સલામત કરવા માટે વીમા સુરક્ષિત રકમ રૂા.૧ લાખથી વધારીને રૂા.૧૦ લાખ કરી આપવી એ સમયની માગ છે. પરંતુ રિઝર્વ બૅન્કને થાપણદારોની જરાય દરકાર જ નથી.
અત્યારે પંજાબ મહારાષ્ટ્ર કોઓપરેટીવ બૅન્કની માફક કોઈપણ રાષ્ટ્રીયકૃત બૅન્ક નબળી પડે અને તેમાં તમારી નિવૃત્તિ કાળની તમામ મૂડી પડી હોય એટલે કે રૂા.૫૦ લાખ પડયા હોય તો બૅન્ક તમને માત્ર રૂા.૧ લાખ ચૂકવી દઈને હાથ ઊંચા કરી શકે છે. બાકીની રકમ બૅન્ક ડિફોલ્ટર પાસેથી રિકવરી લાવી શકે તો તમને અન્ય થાપણદારો સાથે સમપ્રમાણ વિભાજિત કરીને નાણાં આપી શકે છે.
આ સંજોગોમાં રાષ્ટ્રીયકૃત બૅન્કો કરતાંય પોસ્ટઑફિસ અને જીવન વીમાના રોકાણો વધુ સલામત છે. પંજાબ મહારાષ્ટ્ર કોઓપરેટીવ બૅન્ક નબળી પડવાના અહેવાલથી હજારો થાપણદારો હચમચી ગયા હતા. તેમ છતાંય તેમની સુરક્ષા માટે કોઈ જ પગલાં લેવા રિઝર્વ બૅન્ક તૈયાર નથી. જેના પૈસા થકી બૅન્કનો વહેવાર ચાલે છે તે મૂળ વ્યક્તિ થાપણદારોનો જ ભારતની વર્તમાન બૅન્કિંગ સિસ્ટમમાં અનાદર કરવામાં આવી રહ્યો છે.
આ સંજોગોમાં રૂા.૧૦થી ૧૫ લાખની સિલક લઈને નોકરીમાંથી નિવૃત્ત થયેલા લોકોને નિવૃત્તિ પછીની પ્રવૃત્તિ એટલે કે આવક ઊભી કરવાની જફા કરવી પડી રહી છે. તેમની પાસે અનુભવ હોવા છતાંય ઓછી રકમ ચૂકવીને તેમની સેવા લેવામાં આવે છે. તેની સીધી અસર હેઠળ યુવાનોને રોજગારી ઓછી મળે છે. આ સંજોગોમાં સરકાર પાસે સંગીન સોશિયલ સિક્યોરીટીની યોજના હોવી જરૂરી છે. પરંતુ ભારત સરકાર આ દિશામાં નક્કર આયોજન કરીને અમલ કરવામાં અપેક્ષા મુજબની સફળતા મેળવી શકી નથી.
રિઝર્વ બૅન્કની મોનેટરી પોલીસમાં રેટ કટ કરવામાં આવે તેની સીધી અસર થાપણદારોની થાપણ પર આપવામાં આવતા વ્યાજના દર પર જોવા મળે છે. આ રેટ કટ આવે એટલે જીવન નિભાવવા માટેના લઘુત્તમ ખર્ચાઓ કાઢવા માટે સિનિયર સિટીઝને તેમની પાસેના પ્રોવિડન્ટ ફંડ, ગ્રેજ્યુઈટી અને બચતના નાણાં મ્યુચ્યુઅલ ફંડ થકી થતી નિશ્ચિત આવકના વિકલ્પ તરફ ધકેલવા પડી રહ્યા છે. તેમાં બહુ નહિ તોય થોડું જોખમ તો રહેલું જ છે. કારણ કે તેની તમામ સ્કીમમાં સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્કની શરત ફૂદડી કરીને મૂકી દેવામાં આવે છે. આ માર્કેટ રિસ્ક સિનિયર સિટીઝનના ભાવિ આયોજનો માટે જોખમી બની જાય છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2MwDz3C
ConversionConversion EmoticonEmoticon