ચા અને કોફી બજારમાં તાજેતરમાં બહાર આવેલા નિર્દેશો નિરુત્સાહી જણાયા છે. ભારતમાં પરંપરાગત પીણા તરીકે ચાનો વપરાશ થતો આવ્યો છે અને દક્ષિણ ભારતમાં જોકે વિશેષરૂપે કોફી વધુ પીવાતી રહી છે. જો કે હવે દેશના અન્ય રાજ્યોમાં ખાસ કરીને મોટા શહેરોમાં કોફીનો વપરાશ પણ યુવા વર્ગમાં વધ્યાના વાવડ મળ્યા છે. દરમિયાન, નિકાસ બજારમાં પણ હવામાન ખાસ ઉત્સાહપ્રેકરક જણાયું નથી.
ભારતથી ચાની નિકાસ ૨૦૧૯ના વર્તમાન વર્ષમાં પ્રથમ ૮ મહિનાના ગાળામાં ખાસ વધી નથી એવા આંકડા બહાર આવ્યા છે. ભારત સરકાર હસ્તકના ટી-બોર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ આ ૮ મહિનાના ગાળામાં દેશમાંથી ચાની નિકાસ આશરે ૧૬૨૧થી ૧૬૨૨ લાખ કિલો જેટલી થઈ છે. ૨૦૧૮માં પણ આ ગાળામાં ચાની નિકાસ આ સ્તરની આસપાસ જ નોંધાઈ હતી. આમ આ વર્ષે ચાની નિકાસ ઊંચી જવાની જે આશા હતી તે ઠગારી નિવડી હોવાનું જાણકારો જણાવી રહ્યા છે. ભારતથી ચાની નિકાસ ખાસ કરીને સીઆઈએસ દેશોમાં વિશેષ થતી હોય છે.
આ દેશોમાં પાછલા વર્ષે આ ગાળામાં ચાની નિકાસ આશરે ૪૧૩થી ૪૧૪ લાખ કિલો જેટલી થઈ હતી તેની સામે ચાલુ વર્ષે આ ગાળામાં આવી નિકાસ ઘટી આશરે ૩૬૬થી ૩૬૭ લાખ કિલો જેટલી થયાનું સૂત્રોએ જણાવ્યું હતું. જોકે આ દરમિયાન ભારતની ચામાં ઈરાનની માગમાં નોંધપાત્ર વૃદ્ધી નોંધાઈ છે જેથી તેટલા પ્રમાણમાં ચા બજાર તથા ઉદ્યોગ જગતને રાહત થઈ હોવાનું જાણકારોએ જણાવ્યું હતું.
ભારતથી ઈરાન તરફ ચાની નિકાસ ૨૦૧૮માં પ્રથમ ૮ મહિનામાં આશરે ૧૭૯થી ૧૮૦ લાખ કિલો જેટલી થઈ હતી તે આ વર્ષે આ ગાળામાં ઝડપી વધી ૪૦૯થી ૪૧૦ લાખ કિલો થયાના વાવડ મળ્યા છે. આ દરમિયાન ભારતથી પાકિસ્તાન તરફ ઓગસ્ટ સુધીમાં આવી નિકાસ૧૦૩થી ૧૦૪ લાખ કિલોથી ઘટી ૬૦થી ૬૧ લાખ કિલો જેટલી જ થઈ છે.
આ દરમિયાન ભારત તથા પાકિસ્તાન વચ્ચે સંબંધો વણસતાં ભારતથી પાકિસ્તાન તરફ વધુ નિકાસ રુંધાઈ છે. ચીન તરફ આ ગાળામાં ભારતની ચાની નિકાસ આશરે ૬૨થી ૬૩ લાખ કિલો જેટલી થઈ છે જે પાછલા વર્ષે પણ આ ગાળામાં આશરે આજ મથાળે નોંધાઈ હતી.
ભારતથી ચાની કુલ નિકાસ ૨૦૧૮ના વર્ષમાં આશરે ૨૪૯૧થી ૨૪૯૨ કિલો જેટલી થઈ હતી. તથા ૨૦૧૮માં નિકાસ બજારમાં ભારતને ચાના સરેરાશ કિલોદીઠ ભાવ રૂ.૨૦૦થી ૨૦૧ આસપાસ ઉપજ્યા હતા. ૨૦૧૯ના ચાલુ વર્ષે નિકાસ ધીમી રહી છે પરંતુ આ દરમિયાન નિકાસ બજારમાં ભારતને આવા ભાવ રૂ.૨૨૭થી ૨૨૮ જેટલા ઉપજ્યા હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.
દરમિયાન ૨૦૧૯-૨૦ના વર્તમાન નાણાં વર્ષમાં પ્રથમ પાંચ મહિનામાં ઈરાનની માગ વધતાં દેશમાં ખાસ કરીને ઓર્થોડોક્સ ચા ના ભાવ ૧૪થી ૧૫ ટકા ઉંચા ગયા છે. જોકે એક બાજુ ઓર્થોડોક્સ ચાના ભાવ વધી રહ્યા હતા ત્યારે બીજી બાજુ સીટીસી ચાના ભાવ દબાણ હેઠળ રહ્યા હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. બોટ-લીફ ફેકટરીઝમાં બનતી સીટીસી ચાના ભાવ આ ગાળામાં આશરે ૮થી ૧૦ ટકા નીચા ઉતર્યા છે.
જોકે આની સામે ટી-એસ્ટેટમાં બનતી સીટીસી ચાના ભાવમાં ઘટાડો મર્યાદિત જોવા મળ્યો છે. ઉત્તર-ભારતમાં બજારભાવમાં સૂસ્તાઈ દેખાઈ છે. ભારતમાં ચાના થતા કુલ ઉત્પાદનમાં ઓર્થોડોક્સ ચાનો હિસ્સો ઓછો જ્યારે સીટીસીનો વધુ રહ્યો છે.
વિશ્વ બજારમાં કેન્યાની સીટીસી ચાનો પુરવઠો વધુ ઠલવાતાં તથા કેન્યાની ચાના ભાવ નીચા રહેતાં ભારતના માલોને ફટકો પડતો જોવા મળ્યો છે. ઘરઆંગણે નોર્થ ઈન્ડિયાના સીટીસી ચાનું ઉત્પાદન પણ આ વર્ષે વધ્યું છે. ટી બોર્ડ દ્વારા ગયા વર્ષે ચાના બગીચામાં ઉત્પાદન વહેલું બંધ કરાવી નબળી ચાનો પુરવઠો જે બજારમાં આવતો હોય છે તેવા પુરવઠા પર અંકુશ મૂકવા પ્રયત્નો કર્યા હતા.
આ વર્ષે હવે આવા પ્રયત્નો કેટલી સક્રિયતાથી કરવામાં આવે છે તેના પર પણ ચા બજારના ખેલાડીઓની નજર રહી છે. આમ થશે તો આવી ૨૫૦ લાખ કિલો જેટલી નબળી ચા બજારમાં આવતી અટકશે અને ભાવ પર તેની પોઝીટીવ અસર પડશે એવી પણ શક્યતા જાણકારો બતાવી રહ્યા છે. દરમિયાન, વિશ્વ બજારમાં કોફીના ભાવ ગબડી નવ વર્ષના તળિયે ઉતરી ગયાના વાવડ વહેતા થયા છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31dJvnJ
ConversionConversion EmoticonEmoticon