રાજકુમારીની શોધમાં .


ચતુર રાણી કુંવરીની હજુ વધારે કસોટી કરવા ઈચ્છતા હતા. એટલે તે પાસેના મહેમાન માટેના શયનખંડમાં પહોંચી પલંગ પર બિછાવેલા બધા ગાદલા ગોદડા હટાવી દીધા. પછી તેણે એક કંતાનના કાપડના બે પડ વચ્ચે વટાણાનો થર પાથરી તેના પર નરમ રૂથી ભરેલા વીસ ગાદલા પાથરી દીધા.

એકવાર એક રાજ્યના રાજકુમારે લગ્ન કરવાનું નક્કી કરેલું. પરન્તુ તેની પસંદગી બહુ ઊંચી હતી. તેને એક એવી રાજકુંવરીની શોધ હતી જે બધાથી અનોખી હોય !

રાજકુમાર એવી રાજકુમારીની શોધ માટે દેશ દેશાવર ફરવા લાગ્યો, પણ તેની કલ્પનાની રાજકુંવરી ક્યાંય નજરે નહોતી પડતી. એવું પણ નહોતું કે રાજકુંવરીઓની ખોટ હતી, એકથી એક ચડિયાતી કુંવરીઓ જોઇ પણ હજુ તેનું મન માનતું ન હતું.

આખરે થાકી અને નિરાશ થઇ પોતાના રાજ્યમાં પરત ફર્યો. અહીં રાજા રાણી પણ આ બાબતે અત્યંત ચિંતાતુર હતા.

બનવાજોગ એક સાંજે રાજ્યમાં ભયંકર વાવાઝોડું ત્રાટક્યું. આકાશમાંથી ગાજવીજ સાથે વરસાદ તૂટી પડયો. વાતાવરણ ઘનઘોર અને બિહામણું બની ગયું.

એવા સમયે રાજાના મહેલને દરવાજે કોઇએ ટકોરા માર્યા. આવા કસમયે કોણ હશે તેવા આશ્ચર્ય સાથે રાજા ખુદ દરવાજો ખોલવા ગયા. રાણી પણ આતુરતાથી સાથે જોડાયા.

દરવાજો ખોલ્યો અને રાજાએ શું જોયું ? એક અતિ સ્વરૂપવાન રાજકુંવરી દરવાજામાં ઊભી હતી. - પણ આ શું ? તેણી બિલકુલ આખા શરીરે પલળી ગયેલી. તેના હીરા-માણેક ટાંકેલા, સોના રૂપાના તારથી ભરતકામ કરેલ કિનખાબના અતિ મૂલ્યવાન વસ્ત્રો પાણીથી લથપથ હતા, પરન્તુ તે અત્યંત આકર્ષક દેખાતી હતી.

તેણીએ હાથ જોડી પૂછ્યું, ''શું હું અંદર આવી શકું ?'' રાજા રાણીને થયું કોઇ મીઠડી કોયલ વા ની  મારી ભૂલી પડી ગઇ લાગે છે !

તુરત તેને આવકાર અપાયો. 'બહુ જ સરસ, તારૂં અમારા મહેલમાં સ્વાગત છે' રાણી એકદમ બોલી ઊઠયા. રાણીએ મનમાં વિચાર્યું કે આ જ રાજકુંવરી છે મારો દીકરો વર્ષોથી શોધી રહ્યો છે !

રાણી એકદમ તેને મહેલના એક કક્ષમાં દોરી ગઇ - અને ભીના કપડાં બદલવા અને રાત્રિ પોશાક માટે કિંમતી રેશમી વસ્ત્રો જે તેણે આવનારી કુંવરી માટે અગાઉથી જ બનાવી રાખ્યા હતા તે પહેરવા આપ્યા.

ચતુર રાણી કુંવરીની હજુ વધારે કસોટી કરવા ઈચ્છતા હતા. એટલે તે પાસેના મહેમાન માટેના શયનખંડમાં પહોંચી પલંગ પર બિછાવેલા બધા ગાદલા ગોદડા હટાવી દીધા. પછી તેણે એક કંતાનના કાપડના બે પડ વચ્ચે વટાણાનો થર પાથરી તેના પર નરમ રૂથી ભરેલા વીસ ગાદલા પાથરી દીધા. અને ગાદલા ઉપર પક્ષીઓના મુલાયમ પીંછાઓથી બનાવેલ વીસ રજાઇ બિછાવી દીધી. ત્યારબાદ રાજકુંવરીને શયનખંડમાં રાત્રિ પસાર કરવા લઇ ગયા.

રાત્રિ પસાર થઇ ગઇ. બીજી સવારે રાણી રાજકુંવરીના શયનખંડમાં ગયા અને પૂછ્યું, ''રાત્રિ કેવી પસાર થઇ ? સુખમય રહી ને ?''

કુંવરીએ કહ્યું, ''અરે ! રાત્રિ ખૂબ કષ્ટમય હતી. પૂરી રાત્રિ આંખ મીચી ન શકી. ખબર નહીં પણ મને એમ લાગતું હતું કે હું કોઇ કઠોર શૈયા પર સુતી છું અને મને કશુંક ખૂંચી રહ્યું છે !''

રાણી મનમાં મલકાતા હતા. તે ખૂબ ખુશ હતા તેને હવે થયું, આ એ જ રાજકુમારી છે જે આટલી ''કુમાસભરી લાગણીઓ''થી ભરેલી છે જેની મારા પુત્રને શોધ હતી.

આખરે રાજકુમારનું મિલન રાજકુંવરી સાથે કરાવવામાં આવ્યું. રાજકુમારે એક નજરે જ કહ્યું, ''મારી શોધ પૂરી થઇ'' અને ત્યારબાદ બન્નેના ધામધૂમથી લગ્ન લેવાયા.

તમારી જાણ માટે રાણીએ આ પ્રસંગની યાદગીરી માટે એક સોને મઢેલા પટારામાં તે વટાણા સંગ્રહી રાખેલા. મને ખબર નથી કે તે હજુ ત્યાં છે કે કોઇ ચોરી ગયું છે !

(''ધી પ્રિન્સેસ એન્ડ ધી પી'' પરથી રૂપાંતરિત)                 

-   જ્યોતિ ખીમાણી



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2IIbTI9
Previous
Next Post »