આણંદ,તા.09 ઓક્ટોમ્બર 2019, બુધવાર
આણંદ જિલ્લાની ઓડ નગરપાલિકાના પ્રમુખ ચૂંટણી અંગે હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલ સ્ટે ઉઠાવી લેવામાં આવતા જિલ્લા કલેક્ટરે આગામી તા.૧૪ ઓક્ટોબરના રોજ ચૂંટણી યોજવાનું જાહેરનામુ બહાર પાડતા જ ઓડ ગામે રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો છે. જો કે નગરપાલિકાના કેટલાક સભ્યો સહેલગાહે ઉપડી ગયા હોવાની ચર્ચાઓએ પણ જોર પકડતા પાલિકાની સત્તામાં નવા-જૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.
ઓડ નગરપાલિકાના કોંગ્રેસના પ્રમુખ પ્રશાંતભાઈ પટેલે ગત તા.૨૬ના રોજ જિલ્લા કલેક્ટરને પોતાના પદ પરથી રાજીનામું આપ્યુ હતુ. જે અંતર્ગત જિલ્લા કલેક્ટરે સત્તાની રૂએ ત્રીજી તારીખના રોજ ચૂંટણી યોજવાની જાહેરાત કરી હતી. જેને લઈ કોંગ્રેસ દ્વારા હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવતા હાઈકોર્ટે તા.૯મી સુધી કામચલાઉ સ્ટે આપી વધુ સુનાવણી રાખી હતી. જો કે ગત તા.૪ના રોજ હસમુખભાઈ મકવાણાએ હાઈકોર્ટમાં પીટીશન કરતા તેની સુનવણી હાથ ધરાઈ હતી.
જેમાં ગત તા.૭મી ઓક્ટોબરના રોજ હાઈકોર્ટ દ્વારા પાલિકા પ્રમુખની ચૂંટણી અંગેનો સ્ટે ઉઠાવી લેવામાં આવ્યો હતો. ચૂંટણી અંગેનો સ્ટે ઉઠાવી લેવાતા હવે જિલ્લા કલેક્ટરે આગામી તા.૧૪મી ઓક્ટોબરના રોજ બપોરના ૧૨:૦૦ કલાકે ઓડ નગરપાલિકાના સભાખંડ ખાતે પાલિકા પ્રમુખની ચૂંટણી યોજવાનું જાહેરનામુ બહાર પાડતા જ ઓડ ગામે રાજકારણ ગરમાયું છે.
આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પ્રમુખપદેથી રાજીનામું આપનાર પ્રશાંતભાઈ પટેલ પોતાના કેટલાક સાથી સભ્યો સાથે કેસરીયો ધારણ કરવાના મૂડમાં હોવાનું જણાઈ રહ્યું છે. તો બીજી તરફ ભાજપના આઠ સભ્યો સહિત કુલ ૧૩ સભ્યો હાલ સહેલગાહે ઉપડી ગયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ યોજાયેલ ઓડ પાલિકાની ચૂંટણીમાં ૨૪ બેઠકોમાંથી ૮ સભ્યો ભાજપના ચૂંટાયા હતા. જ્યારે ૧૬ સભ્યો કોંગ્રેસના ચૂંટાતા અઢી વર્ષ માટે કોંગ્રેસના પ્રશાંતભાઈ પટેલ પ્રમુખપદે તથા જગદીશભાઈ ઠાકોર ઉપપ્રમુખપદે ચૂંટાયા હતા. જો કે ત્યારબાદ અચાનક ઓડના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. બીજી તરફ કોંગ્રેસ દ્વારા ઓડ પાલિકામાં પોતાની સત્તા ટકાવી રાખવા મરણીયા પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાની માહિતી પણ પ્રાપ્ત થઈ છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VrTt3u
ConversionConversion EmoticonEmoticon