ગુજરાત અને MPના મોટા ગુ્રપોની એરંડામાં સટ્ટાની આશંકા


કોમોડિટી વાયદાના વેપારમાં આજકાલ એરંડા, ધાણા, ખોળ જેવી ચીજોમાં વધારે પ્રમાણમાં વધઘટના કારણે સેલર સરકીટોના પ્રેશરથી બજારમાં ભારે અફડાતફડીનો માહોલ ઉભો થયો છે. એરંડાના વેપારમાં NCDEX  દ્વારા બીજીવાર ઢીલી નીતિ બહાર આવતાં એક્સચેન્જની વિશ્વસનીયતા પર અનેક પ્રશ્નો ઉભા થતા કારોબારમાં શિથિલતા જોવા મળી છે. એરંડા ધાણાના વાયદામાં સટ્ટો ગુંથાઈ રહ્યો હોવાની આશંકાને બળ મળી રહ્યું છે એરંડામાં છેલ્લા છ મહિનાથી આશંકા ધરાવતી પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાની ચર્ચા જોતાં NCDEX દ્વારા કેમ સમયસર પગલાં લેવામાં આવ્યા નહિ તે પ્રશ્નાર્થ બન્યું છે.

આ વર્ષે એરંડા ઉત્પાદિત ગુજરાત તથા રાજસ્થાનમાં સારા વરસાદ હોવાને કારણે કારોબારમાં સતત સાતત્ય જળવાઈ રહે તેની ઉપર વોચ રાખવી અને એડિશનલ માર્જિન સમયસર લાદવામાં કેમ વિલંબ થયો ? તે તપાસનો વિષય છે. એરંડામાં ગયા અઠવાડિયામાં સતત ત્રણ- ચાર દિવસ જે સેલર સરકિટ લાગતા ૧૨ ટકા મંદી છવાતા મીલરોવાળાઓને જાણે કે તડાકો પડી ગયો હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે.

વાયદા અને હાજર બજારો વચ્ચે બદલા વધી જતાં સાતત્ય તૂટી જવાની ભીતિ ઉભી છે. સમયસર પ્રિકોશનના પગલા લેવામાં NCDEX એક્સચેન્જે જાણે થાપ ખાધી હોય તેવી બજારમાં ચર્ચા છે. એરંડા વાયદામાં મધ્યપ્રદેશનું જાણીતું ગુ્રપ અને ગુજરાતના જાણીતા ગુ્રપનો દબદબો ભારે હોવાનું કહેવાય છે.

વર્ષ ૨૦૦૯થી શરૂ થયેલા એરંડા વાયદાનો પ્રથમ અધ્યાય વર્ષ ૨૦૧૬ની શરૂઆતમાં પૂર્ણ થયો હતો. વર્ષ ૨૦૧૬ના પ્રારંભે NCDEX  પહેલીવાર એરંડાના વિવાદમાં સપડાયું હતું. જેમાં NCDEX ના પ્લેટફોર્મ ઉપર સૌથી મોટો કારોબાર ધરાવતા એરંડાને વાયદામાંથી ડી-લીસ્ટ કરતા વેપાર જગતમાં જે તે સમયે મોટો ભૂકંપ આવ્યો હતો.

વાયદાના સોદાઓને સેટ કરવાની એક પણ તક આપ્યા વિના રાતોરાત વાયદો બંધ કરવાનો NCDEX એ મહત્ત્વનો નિર્ણય લેતાં સેબી પણ આંચકો ખાઈ ગયું હતું. જે લઈને અનેક પ્રશ્નો ઉભા થયા હતા. ઘણી રજૂઆતો બાદ તોફાન શાંત થયું હતું અને છ- આઠ મહિના બાદ ફરીથી એરંડા વાયદો NCDEX પર શરૂ કરાયો હતો.

ગયા અઠવાડિયે NCDEX ફરીથી વાયદાના વિવાદમાં ફસાયું છે. સવાથી દોઢેક લાખ ટનની ઉંચી પોઝીશન છતાં રિસ્ક મેનેજમેન્ટ બાબતે કડકાઈભર્યા પગલાના અભાવે ફરીથી ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ સર્જાયો હોવાનું વેપારી આલમમાં ચર્ચાસ્પદ બન્યું છે. એરંડાની સમાંતર ધાણામાં સતત ત્રણ દિવસે ચાર ટકાની સેલર સરકિટના કારણે ભાવો ૬૧૦૦ની આસપાસથી તૂટીને ૫૪૦૦ આસપાસ આવી જતાં ટૂંકા ગાળામાં ૬૦૦ રૂપિયાનું ગાબડું પડયું છે.

એરંડામાં પણ સ્ટોક માપનો હતો અને ઘરાકી પણ સારી હોવા છતાં સેલર સરકીટોના કારણે ત્રણ દિવસમાં ૧૨ ટકા બજાર તૂટી જતાં સ્ટોકિસ્ટો વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં આવી ગયા છે. હાલમાં ભાવો પ્રતિ મણે ૧૦૦૦ રૂપિયાની આસપાસ આવી જતાં એરંડામાં વેચવાલી જાણે અટકી ગઈ હોય તેવી સ્થિતિ છે. NCDEX  ઉપર એરંડાના થયેલા વિવાદને કારણે ફરીથી એરંડા વાયદો બંધ થશે કે કેમ ? તેવી અનેક અટકળો બજારમાં પ્રવર્તી રહી છે. સટોડિયા વર્ગની છ માસથી સતત લાખો ટનની લેવાલી છતાં એક્સચેન્જે માર્જિન નાખવા સહિતના કોઈ પણ પગલાં નહિ લેતા અનેક પ્રશ્નો ઉભા થતા સમગ્ર મામલો ભારે ગરમી પકડી રહ્યો છે.

આ અગાઉ પણ NCDEX એક્સચેન્જને બીજી કોમોડિટીઝમાં પણ વિવાદોનો સામનો કરવો પડી રહ્યો હતો જેમાં પ્રતિષ્ઠા તથા વિશ્વસનીયતા ખરડાઈ હતી. જાન્યુઆરી ૨૦૦૬માં દાળોના વિવાદમાં ખાસ કરીને ચણા/ અડદમાં ટ્રેડિંગ સેટલમેન્ટની પ્રક્રિયામાં ઇરાદાપૂર્વક ફેરફારો કર્યા હોવાની ફરિયાદોના પગલે તત્કાલીન જવાબદાર અધિકારને વાયદા પંચે પદ ઉપરથી હટાવી લીધા હતા અને એક્સચેન્જ ઉપર ચાલતા તમામ દાળોના વાયદા વેપાર ઉપર પ્રતિબંધ લાદી મામલો શાંત પાડયો હતો. જેમાંથી ચણાના વાયદાને પાછળથી લીસ્ટીંગ કરી ચાલુ કર્યો હતો.

ત્યારબાદ ઓક્ટોબર- ૨૦૦૭માં NCDEX ને જીરાની ક્વોલીટી બાબતે પણ વિવાદનો સામનો કરવો પડયો હતો. ઊંઝા તેમજ જોધપુરના વેપારીઓને અત્યંત ખરાબ ક્વોલિટીનું જીરૂ એક્સચેન્જના પ્લેટફોર્મ ઉપરથી પધરાવી દીધાની રાવ ઉઠી હતી. જો કે સમય જતાં મામલો શાંત પડયો હતો. આ ઉપરાંત માર્ચ- ૨૦૧૨માં NCDEX ઉપર ગવારના મામલે પણ ભારે ગરમાવાનો સામનો કરવો પડયો હતો. ગવારનો પ્રશ્ન સંસદ સુધી પહોંચતા NCDEX એક્સચેન્જે ગવાર વાયદો તાત્કાલીક પ્રતિબંધ કરી બ્રેક મારી હતી.

ગવારમાં ભારે સટ્ટાબાજી થવાના કારણે ગવાર સીડના ભાવો પ્રતિ ક્વિન્ટલે ૩૦,૦૦૦/- અને ગવાર ગમના ભાવો એક લાખ રૂપિયા ઉપરંાત ઐતિહાસિક સ્તરે લાલચોળ તેજી થઈ હતી જેને કંટ્રોલ કરવામાં NCDEX સરિયામ નિષ્ફળ નીવડયું હતું. જેમાં અંતે ગવાર વાયદો સસ્પેન્ડ કરવો પડયો હતો. ગવાર વાયદો બંધ થતા જ બજાર ઉંધા માથે પછડાયું હતું. જેમાં ગવાર સીડના ભાવો ૩૦૦૦ અને ગમના ભાવો ૫૬૦૦ની ૫૬ મહિનાની નીચી સપાટીએ આવ્યા હતા. જો કે, અનેક રજૂઆતો બાદ ગવાર વાયદો શરૂ કરાયો હતો પરંતુ આજદિન સુધી ગવાર વાયદામાં કોઈ રોનક આવી નથી.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2mSr7Cw
Previous
Next Post »