
દેશમાં આ વર્ષે સામાન્ય કરતા વધુ વરસાદ થવાના લીધે કૃષી ઉત્પાદન સારા પ્રમાણમાં વધી જશે. અને આગળ ગ્રામીણ વિસ્તારની ખરીદી મોટા પાયે રહેશે. આમ તો છેલ્લા થોડા મહિનાથી અર્થતંત્રની મંદી, રૂ અને યાર્નના ભાવો નરમાઈ, કારમી નાણાભીડ, કાપડમાં ડીમાન્ડ કરતા વધારે થયેલ ઉત્પાદન, યુએસએ અને ચીન વચ્ચે વકરતું વેપાર યુદ્ધ સાઉદી અરેબિયાના તેલક્ષેત્રો પર થયેલ ડ્રોન હુમલા વચ્ચે કાપડ બજારનું મનોવૃત્તિ બગડવા પામેલ હતી.
તેમાં હવે આશાના કિરણમાં આ વર્ષે દેશમાં પડી રહેલ સારા વરસાદ અને ક્રુડ ઓઇલના ભાવમાં સ્ટેબીલીટી આવતા દેશનું અર્થતંત્ર પાયા ઉપર આવશે. વધુમાં નાણામંત્રીએ તાજેતરમાં કોર્પોરેટ ટેક્ષમાં ઘટાડેલ દરના લીધે બજારમાં મોટા પ્રમાણમાં લીક્વીડીટી આવશે તેવું અનુમાન કરી શકાય. જો કે તાત્કાલિક બજારમાં નાણાનો પ્રવાહ નહિ આવે. અને આના માટે ૪-૬ મહિનાની રાહ જોવી રહી.
પરંતુ દેશમાં જે રીતે વરસાદ થયેલ છે તેના લીધે આગળના મહિનામાં ફુગાવો હજુ વધારે ઘટી શકે. અને ફુગાવો ઘટતા રીઝર્વ બેન્ક વ્યાજના દરમાં ઘટાડો કરી શકે. જો કે વ્યાજના દરમાં ઘટાડો બેન્કો આગળ કેટલો પાસ કરશે તેના માટે અવઢવ છે. સરકારે કોર્પોરેટ ટેક્ષ ઘટાડેલ છે. પરંતુ જ્યાં સુધી કાપડ બજાર અને કાપડ ઉદ્યોગનો સવાલ છે ત્યાં સુધી કાપડના લગતા પ્રશ્નોનું નિરાકરણ ના આવે ત્યાં સુધી બજારમાં કોઈ લાંબી લેવાલી આવે તેવા સંજોગો ઓછા છે.
આવા સમયમાં કોટન ટેક્ષટાઈલ એક્ષપોર્ટ પ્રોમોશન, કોન્ફેડરેશન ઓફ ઇન્ડીયન ટેક્ષટાઈલ અને સધર્ન ઇન્ડીયા મિલ્સ એસોસીએશને ટેક્ષટાઈલ ઉદ્યોગ માટે સ્ટીમ્યુઅલ પેકેજ જાહેર કરવાની માગણી કરેલ છે. આની ડીમાન્ડમાં ટફ સબસિડી રકમ છુટી કરવાની, આરઓએસએલ અને આરઓએસસીટીએલની રકમ છૂટી કરવાની માગણી કરેલ છે.
અત્યારે કાપડ ઉદ્યોગ અને કાપડ બજાર કારમી નાણાભીડ અનુભવી રહેલ છે. આના મુખ્ય કારણમાં ટફ સબસીડીમાં રૂ ૧૧૦૦૦ કરોડ મળવાના બાકી છે. વધુમાં ૨૦૧૮-૧૯ની સીઝન માટે રૂ ના લઘુતમ ટેકાના ભાવ ૨૬ ટકા વધારી આપવામાં આવ્યા છે. આના પરિણામે ઇન્ટરનેશનલ ભાવ કરતા ભારતમાં રૂના ભાવ વધી ગયેલ છે.
આના પરિણામે એક્ષપોર્ટ બજારમાં કોટન અને ટેક્ષટાઈલ ઉત્પાદનો હરિફાઈનું સામર્થ્ય ગુમાવી રહેલ છે. આના લીધે રૂની નોંધપાત્ર આયાત થયેલ છે. કપાસમાં આયાત વધતા અને નિકાસમાં ઘટાડો થતા રૂ નો ક્લોઝીંગ સ્ટોક ૫૦ લાખ ગાંસડીથી વધુનો થયેલ છે. આગળ રૂ નો વિપુલ પાક આવે તેવા સંજોગો જોવા મળી રહેલ છે.
અને તેના લીધે રૂના ભાવ ઘટીને રૂ ૪૦,૦૦૦ની આસપાસ આવી શકે. તમામ ઉત્પાદક મથકોએ સારો વરસાદ પડયા પછી કપાસનું ઉત્પાદન ચિત્ર સુધર્યું છે. ખેડૂતો મબલક કપાસની પાકની ગણત્રી મુકી રહેલ છે. એક અંદાજ પ્રમાણે કપાસનો પાક ૪૦૦ લાખ ગાંસડીનો મૂકી રહેલ છે.
આગળ સળંગ તહેવારોમાં પૂજા, ઓનમ, નવરાત્રિ, દિવાળી અને પછી ક્રીસમસ જેવા ધરખમ તહેવારોના લીધે વેપારી વર્ગ સાદી ઘરાકી માટે આશા રાખીને બેઠા છે. વધુમાં આ વર્ષે દેશમાં સારા વરસાદ પાણીના લીધે ગ્રામીણ વિસ્તારોની દિવાળીની ઘરાકી સારી રહેવાની ધારણા છે. ફુગાવો ઘટશે અને લોકોના હાથમાં વધારે નાણા આવતા સારી લેવાલીનો આશાવાદ વધેલ છે. જો કે કાપડ બજારમાં નાણાભીડ કાયમની થયેલ છે. અને વેપારી વર્ગ પોતાના કમીટમેન્ટ નાણાભીડના લીધે સાચવી શક્તા નથી. ઉત્પાદન વધુ અને ડીમાન્ડ ઘટેલ છે.
કમ્પોઝીટ મિલોના સ્ટોક વધવા પામેલ છે જ્યારે પાવરલુમ ફેકટરીઓમાં આગળ કયા માલો બનાવવા તે માટે મૂંઝવણ વધેલ છે. પ્રોસેસના કારખાના પાસે કામકાજના અભાવે અઠવાડીયામાં ૨થી ૩ દિવસ બંધ કરવા પડેલ છે. જ્યારે ગારમેન્ટના કારખાના પાસે સ્કીલ લેબરની શોર્ટેજના લીધે ગારમેન્ટનું ઉત્પાદન ઘટવા પામેલ છે. વધુમાં ઓક્ટોમ્બર મહિનામાં બેન્કોની વધારે પડતી રજાઓના લીધે નાણાકીય વ્યવહારના દિવસો ઘટી જશે.
કાપડના ભાવ: એરજેટના માલોમાં ટવીલ ૬૩ પનો ૩૦/૩૦ ૧૨૪/૬૪ ક્વોલીટી રૂ ૬૮માં સોદા થયેલ છે. ૬૩ પનો ૨૦/૨૦ ૧૦૮/૫૬ ક્વોલીટી રૂ ૬૦માં માલો વેચાય છે. એરજેટ ટ્વીલ ૪૦/૪૦ ૧૩૨/૭૨ ક્વોલીટી મિલોના ભાવ રૂ ૬૨ થયેલ છે. એરજેટ ૬૩ પનો ૪૫ પીસી બાય ૪૫ પીસી ૯૨/૭૬ ક્વોલીટી રૂ ૪૮માં માલો મલે છે. એરજેટ ૪૦ પીસી બાય ૪૦ પીસી ૧૦૮/૫૬ રૂ ૫૮માં માલો વેચાય છે. કોટન પોપલીન ૬૩ પનો ૪૦/૪૦ ૧૨૦/૧૦૦ ક્વોલીટી રૂ ૭૮માં માલો મલે છે. ડેનિમમાં ઉત્પાદન ઘણુ છે. એરજેટ ડેનિમ ૩૦/૩૦ રૂ ૧૦૫માં માલો વેચાય છે. ડેનિમ પોલિયેસ્ટર કોટન ૩૦/૩૦ રૂ ૯૦માં માલો વેચાય છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2nNGyfl
ConversionConversion EmoticonEmoticon