
અમેરિકા જેવા દેશોએ ક્લાઈમેટ ચેન્જ મુદ્દે જોઈએ એવી લડત આપી નથી, પરંતુ બીજા ઘણા નાના-મોટા દેશો છે, જેમનું પર્યાવરણ સંરક્ષણ, ક્લિન એનર્જી ઉત્પાદન નોંધપાત્ર છે.
યુરોપના ઉત્તર છેડે આવેલો દેશ નોર્વે સમૃદ્ધ છે. દુનિયાના સર્વોત્તમ દેશોમાં તેનો સમાવેશ થતો રહે છે. એ દેશે પોતાની સંપત્તિ અને સ્થિર સરકારનો ઉપયોગ પર્યાવરણ સંરક્ષણ માટે કર્યો છે. કેવી રીતે? દેશમાં ૨૦૧૭માં જેટલી કાર વેચાઈ તેમાં અડધાથી વધારે ઈલેક્ટ્રિક અથવા હાયબ્રિડ (હાયબ્રિડ એટલે ઈલેક્ટ્રિક અને પરંપરાગત બળતણનું મિશ્રણ) પ્રકારની કાર હતી.
આ ગાડીઓ રસ્તા પર ચાલે ત્યારે પહેલા થતું હતું એટલું હવા પ્રદૂષણ થતું નથી. ઈલેક્ટ્રિક કારનું વેચાણ સતત વધી રહ્યું છે. આ વર્ષે ત્યાં વેચાયેલી ગાડીમાંથી ૬૦ ટકા ઈલેક્ટ્રિક હતી. ૨૦૨૫ સુધીમાં એ દેશની તમામ ગાડીઓ ઈલેક્ટ્રિક હોય એવી સરકારની ઈચ્છા છે. અલબત્ત, માત્ર ઈચ્છા નથી, એ માટે તડામાર કામગીરી શરૂ કરી દેવાઈ છે. જેમ કે ઈલેક્ટ્રિક ગાડી ખરીદે એમને સરકાર ટેક્સમાં મોટી રાહત આપે છે.
ખાનગી વાહનો ઉપરાંત જાહેર પરિવહનના સાધનો પણ ક્લિન એનર્જી પર ચાલે એ માટે સરકાર મોટે પાયે રોકાણ કરી ચૂકી છે. હવે સવાલ ઔદ્યોગિક અને અન્ય પ્રકારના પ્રદૂષણથી ફેલાતા કાર્બન પર કાબુ મેળવવાનો છે. એ કામ અઘરું છે, પણ અશક્ય નથી.
ન્યુયોર્કમાં રાષ્ટ્રસંઘનું વડું મથક આવેલું છે. ત્યાં વધુ એક પર્યાવરણીય બેઠક પૂરી થઈ, જેમાં કાર્બન ઉત્સર્જન કેમ ઘટાડવું તેની ડાહી ડાહી વાતો થઈ. આ વખતે જોકે રાષ્ટ્રસંઘના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે શરૂઆતમાં જ સ્પષ્ટતા કરી હતી કે આ બેઠકમાં આવનારા દેશો વાતો નહીં, વાસ્તવિકતા લઈને આવે. એટલે કે આમ કરીશું, તેમ કરીશું એવા વચનો નથી જોઈતા, અત્યાર સુધીમાં શું કર્યુ, આજે શું કરો છો, અહીંથી સ્વદેશ પરત જઈને શું કરશો એ કહો!
૨૦૧૫માં ફ્રાન્સના પેરિસ ખાતે આખી દુનિયાના વડાઓની મોટી પર્યાવરણ સભા મળી હતી. એ સભાનો ઉદ્દેશ 'ક્યોટો પ્રોટોકોલ' ખતમ થાય પછી લાગુ થનારી નવી પર્યાવરણીય સંધિ તૈયાર કરવાનો હતો. ઘાતક વાયુ કાર્બનનું ઉત્પાદન ઘટે તો દુનિયાની અનેક પળોજણો ઓછી થઈ જાય. એટલે માટે રાષ્ટ્રસંઘે ૧૯૯૨માં જ 'યુનાઈટેડ નેશન્સ ફ્રેમવર્ક્સ કન્વેન્શન ઓન ક્લાઈમેટ ચેન્જ'ની રચના કરી હતી.
'યુએનએફસીસીસી' તરીકે ઓળખાતા એ સંગઠનની મહત્ત્વની બેઠક ૧૯૯૭માં જાપાનના ક્યોટો શહેરમાં મળી હતી. એ વખતે ઘણા દેશો કાર્બન ઉત્સર્જન-પ્રદુષણ ઘટાડવા રાજી થયા. માટે બંધનકર્તા સંધિ તૈયાર કરાઈ, જેના પર એ વખતે ૩૮ દેશોએ સહી કરી હતી. એ સંધિ ક્યોટો પ્રોટોકોલ તરીકે ઓળખાય છે.
૨૦૧૨માં એ ક્યોટો પ્રોટોકોલની મુદત પુરી થઈ. એ પછી શું? નવી સંધિ તૈયાર થાય એ પહેલા ક્યોટો પ્રોટોકલની મુદત જ ૨૦૨૦ સુધી વધારી દેવાઈ. પરંતુ હવે તેના સ્થાને નવી સંધિ અનિવાર્ય છે. એ માટે જ પેરિસમાં 'પેરિસ એકોર્ડ' કહેવાતી સંધિ કરવા ૧૯૬ દેશો એકઠા થયા હતા.
અમેરિકા-ચીન જેવા કાર્બનના મુખ્ય ઉત્પાદક દેશો સંધિના બંધનમાં બંધાવા માંગતા નથી. એટલે જગતનું કાર્બન ઉત્પાદન કેમ ઘટશે એ મોટો પ્રશ્ન આવી પડયો છે. બીજી તરફ દુનિયાના ઘણા એવા દેશો છે, જેણે પોતાની રીતે કાર્બન ઉત્પાદન ઘટે, ક્લાઈમેટ ચેન્જ કે ગ્લોબલ વૉર્મિંગ સામે મજબૂતીથી લડી શકાય એ માટે ધીમાં પરંતુ નક્કર પગલાં શરૂ કરી દીધા છે. શરૂઆતમાં એવા જ એક દેશ નોર્વેનો ઉલ્લેખ કર્યો. હવે એવા બીજા કેટલાક દેશોની વાત..
સૌથી નોંધપાત્ર કામ મધ્ય અમેરિકાના દેશ કોસ્ટા રિકાએ કરી દેખાડયું છે. આ વખતની ગ્લોબલ વૉર્મિંગ સમિટમાં કોસ્ટા રિકાને સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા 'ચેમ્પિયન્સ ઑફ ધ અર્થ' નામનું સન્માન મળ્યું. કોસ્ટા રિકાનું ક્ષેત્રફળ માંડ પચાસેક હજાર કિલોમીટર જ્યારે વસતી આપણા અમદાવાદથી ઓછી એટલે કે ૫૦ લાખ જેટલી છે. નાનું કદ અને ઓછી વસતીનો લાભ તો એ દેશને મળ્યો છે, પરંતુ સાથે સાથે દેશના સંચાલકો અને પ્રજાની ઈચ્છાશક્તિ વધારે બળવાન સાબિત થઈ છે.
૨૦૧૫માં પહેેલી વાર જગતનું ધ્યાન કોસ્ટા રિકા પર પડયું, જ્યારે એ દેશે સતત ૭૫ દિવસ સુધી ફોસિલ ફ્યુલ (કોલસો-પેટ્રોલિયમ વગેરે જમીનમાંથી મળતાં પરંપરાગત બળતણ)નો ઉપયોગ બંધ કરી દીધો. આપણા ઘરમાં આવતી વીજળી કોઈક પાવર પ્લાન્ટમાંથી આવતી હોય છે. એ પાવર પ્લાન્ટને ઊર્જા કોલસો પુરી પાડે છે. અથવા તો પેટ્રોલિયમ કે પછી નેચરલ ગેસનો વપરાશ થતો હોય છે. કોલસો-પેટ્રોલિયમ-ગેસ એ બધાનો જથ્થો મર્યાદિત છે અને દોઢ-બે સદીથી દુનિયા તેનો વપરાશ કરતી આવી છે. માટે એ પરંપરાગત બળતણ કહેવાય.
દુનિયાએ હવે ફોસિલનો વિકલ્પ શોધવાનો છે. ના, વિકલ્પ તો શોધાઈ ગયો છે, પરંતુ સરળ અને અસરકારક વિકલ્પ શોધવાનો છે, જે મેળવવો મુશ્કેલ છે. બાકી તો ફોસિલને બદલે જેને 'ક્લિન (ઓછામાં ઓછું કે નહીંવત પ્રદૂષણ ફેલાવતી) એનર્જી' અથવા 'રિન્યુએબલ એનર્જી (ફરી ફરીને વાપરી શકાય એવી, પુનઃપ્રાપ્ય)' કહેવામાં આવે એ વિન્ડ પાવર, સોલાર પાવર, ટાઈડલ પાવર, જિઓથર્મલ.. વગેરે પર કામગીરી ચાલે જ છે. પરંતુ ગરબડ એ વાતની છે કે આ બધી ઊર્જા મેળવવા માટે મોટું (અતી મોટું) રોકાણ કરવું પડે અને નવી ટેકનોલોજિ વિકસાવવી પડે. ઘણા ખમતીધર દેશો એ માટે કામ કરી રહ્યાં છે, પરંતુ બધા દેશો કરી ન શકે.
વળી જ્યાં સુધી કોલસો-પેટ્રોલિયમ મળી રહ્યાં છે, ત્યાં સુધી દુનિયાના દેશો મોંઘા અને અઘરા રિન્યુએબલ એનર્જીના વિકલ્પ કામ કરવા રાજી પણ નથી. તો પણ ઘણા દેશો છે, જેમણે ધૂંધળા ભવિષ્યને પારખીને મોટે પાયે ઊર્જા ટેકનોલોજિમાં રોકાણ શરૂ કરી દીધું છે. કોસ્ટા રિકાને એ મુદ્દે પહેલો નંબર આપવો પડે. કેમ કે ૨૦૧૫ની પહેલી તારીખથી સતત ૭૫ દિવસ સુધી એ દેશની તમામ ઊર્જા જરૂરિયાત રિન્યુએબલ સ્રોત દ્વારા પુરી પડાઈ હતી. બીજા શબ્દોમાં એ અઢી મહિના સુધી દેશના કોલસા આધારિત પાવર પ્લાન્ટ બંધ રહ્યાં હતાં!
૨૦૨૧ સુધીમાં કોસ્ટા રિકાની મોટા ભાગની ઊર્જા રિન્યુએબલ સ્રોતમાંથી આવે એ માટે દેશની સરકાર કામે લાગી ગઈ છે. એમ તો અગાઉ નેધરલેન્ડના કબજાના કેરેબિયન ટાપુ બોનોઈરે પણ ૧૦૦ ટકા ઊર્જા રિન્યુએબલ રીતે પેદા કરવામાં સફળતા મેળવી લીધી હતી. પરંતુ બોનોઈર દેશ નથી, દેશનો માત્ર નાનકડો પ્રદેશ છે. અત્યારે ત્યાંની ૫૦ ટકા ઊર્જા તો રિન્યુએબલ પ્લાન્ટ્સમાંથી જ આવે છે.
ગીરમાં આવેલા પ્રવાસન સ્થળ તુલસીશ્યામમાં ગરમ પાણીના કૂંડ છે. કૂંડના તળિયે વરાળ નીકળે છે. એ તો મર્યાદિત માત્રામાં નીકળતી વરાળ છે, પરંતુ જો જથ્થો મોટો હોય તો એમાંથી પણ વીજળી મળી શકે. એ ઊર્જાને 'જિઓથર્મલ (વરાળ-ઉષ્મા) એનર્જી' કહેવામાં આવે છે.
યુરોપિયન દેશ આઈસલેન્ડ પર કુદરતની જાણે મહેર છે, કેમ કે તેની ધરામાંથી ઠેર ઠેર વરાળ-ગરમ પાણીના ફૂવારા (ભલે નામ આઈસલેન્ડ છે તો પણ!) નીકળે છે. માટે એ દેશે થર્મલ એનર્જી પર ધ્યાન આપ્યું અને આજે આખા જગતમાં થર્મલ ઊર્જા ક્ષેત્રે આઈસલેન્ડની બોલબાલા છે. સામાન્ય રીતે દુનિયાના દેશો ઊર્જા પેદા કરતી વખતે ધૂમાડો હવામાં ઠાલવતા હોય છે, પણ આ દેશ જમીનમાંથી નીકળતા ધૂમાડામાંથી ઊર્જા બનાવી રહ્યો છે.
૨૦મી સદીના આરંભે આઈસલેન્ડની ગણતરી અતી ગરીબ દેશ તરીકે થતી હતી. પરંતુ આજે સ્થિતિ બદલી ચૂકી છે. આજે દેશ તો સમૃદ્ધ છે, સાથે સાથે દેશની કુલ ઈલેક્ટ્રિસિટી ઉત્પાદનમાંથી ૨૫ ટકા કરતાં વધુ ઊર્જા જમીનમાંથી એટલે કે જિઓથર્મલ દ્વારા આવે છે. આઈસલેન્ડની ઓળખ હવે 'હૉટેસ્ટ નેશન ઓન ધ અર્થ' તરીકે થાય છે.
એ દેશમાં ૨૫ જેટલા સક્રિય જ્વાળામુખી છે. સક્રિય ન હોય એવા ગણીએ તો જ્વાળામુખી ૨૦૦ છે, જ્યારે ગરમ પાણીના મોટા કહી શકાય એવા ફૂવારાની સંખ્યા આખા દેશમાં ૬૦૦થી વધારે છે. જ્વાળામુખીની આસપાસના વિસ્તારમાં જ્યાં તીરાડ હોય ત્યાંથી સતત વરાળ નીકળતી રહે. આઈસલેન્ડ એ વરાળનો બખૂબી ઉપયોગ કરી રહ્યો છે.
દરિયા કાંઠે અથડાતાં મોઝામાં પ્રચંડ ઊર્જા સમાયેલી હોય છે. પણ ઊર્જાને આપણા ઉપયોગમાં લઈ શકાય એવા સ્વરૂપમાં ફેરવવાનું કામ કપરું છે. ઘણા દેશોએ એ કપરાં કામ પર હાથ અજમાવ્યો છે. ભરતી-ઓટથી પેદા થતી આવી ઊર્જા 'ટાઈડલ એનર્જી' તરીકે ઓળખાય છે. જ્યાં દરિયો અનુકૂળ હોય ત્યાં પાણીમાં ટર્બાઈન ગોઠવી દેવામાં આવે છે. ટર્બાઈન ફરતાં રહે એમ ઊર્જા પેદા થતી રહે. ચીન, ફ્રાન્સ, બ્રિટન, કેનેડા વગેરે દેશો એવા છે, જેમણે પાણીમાંથી પોરાને બદલે ઊર્જા કાઢવાની શરૂઆત કરી દીધી છે.
એમાં વળી સૌથી આગળ ચીન છે. ચીનના ઝેન્ઝિંગ પ્રાંતમાં સ્થપાયેલા એક પ્લાન્ટમાંથી તો વર્ષે ૮૦૦ મેગાવોટ વીજળી પેદા થઈ હતી જે વિશ્વવિક્રમ છે. બીજી તરફ બ્રિટિશ કંપની 'સિમેક એટલાન્ટિસ એનર્જી'એ સ્કોટલેન્ડના કાંઠે દુનિયાનું સૌથી મોટું ટાઈડલ એનર્જી નેટવર્ક સ્થાપ્યું છે.
એટલે કે ભરતી-ઓટની હેરાફેરીની મદદથી ઊર્જા મેળવવા માટે દરિયામાં અનેક ટર્બાઈન, પાઈપલાઈન, પાવર સ્ટેશન ખડાં કરી દીધા છે. ગુજરાતના કાંઠે દક્ષિણ એશિયાનું પ્રથમ ટાઈડલ પાવર સ્ટેશન સ્થાપવાની સરકારે કેટલાક વર્ષો અગાઉ ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ એ ઈચ્છા હજુ સુધી ઈચ્છા શક્તિમાં ફેરવાઈ નથી.
વિવિધ પ્રકારની રિન્યુએબલ એનર્જીમાં સૌથી સરળ હોય તો એ પવન ઊર્જા અને સૌર ઊર્જા છે. પવનની બાબતમાં પણ ચીન આગળ નીકળી ગયું છે. દુનિયામાં જેટલી પવન ઊર્જા પેદા થાય છે, એમાંથી ત્રીજા ભાગની ચીન પેદા કરે છે. એ પછી અમેરિકા, જર્મની, ભારત સહિતના દેશો આવે છે. ભારતની બાબતમાં નોંધપાત્ર વાત એ છે કે એશિયાનો એ ચીન પછીનો બીજો દેશ છે, જેનો સમાવેશ સૌથી વધુ પવન ઊર્જા પેદા કરનારા પ્રથમ દસ દેશોમાં થાય છે.
૨૦૨૦ સુધીમાં ચીનની ઈચ્છા ૨૧૦ ગીગાવૉટ વિન્ડ પાવર પેદા કરવાની છે, જે દુનિયાના કુલ ઉત્પાદનનો ૪૫ ટકાથી વધારે હિસ્સો થાય છે. સૌથી વધુ પવન ઊર્જા પેદા કરનારો બીજો દેશ અમેરિકા છે, પરંતુ તેની વાર્ષિક ક્ષમતા અત્યારે તો ૯૦ ગિગાવોટ જેટલી જ છે. એટલે કે ચીન કરતાં અમેરિકા ક્યાંય પાછળ છે. ચીનની આગેકૂચનું લેટેસ્ટ ઉદાહરણ છે કે એપલે ચીનની વિન્ડ એનર્જીમાં મોટે પાયે રોકાણ કરવાની તૈયારી કરી લીધી છે. ચીન અત્યારે દુનિયાનો સૌથી મોટો કાર્બન ઉત્પાદક-પ્રદૂષક દેશ છે. માટે એ દેશ જેટલું રોકાણ કરે એટલું ઓછું છે.
ભારતમાં ક્યાંય સોલાર ઊર્જા પેદા કરવા પ્લાન્ટ સ્થાપવા હોય તો ગુજરાત-રાજસ્થાન સૌથી ઉત્તમ જગ્યા છે કેમ કે ત્યાં વર્ષ દરમિયાન સૂર્યના કિરણો મહત્તમ સમય મળી રહે છે. માટે આ વિસ્તારમાં મોટે પાયે પ્લાન્ટ સ્થપાઈ પણ રહ્યાં છે. જોકે સોલાર એનર્જીમાં વૈશ્વિક ધોરણે જર્મની અને પછી ચીન માંધાતા તરીકે સ્થાપિત થઈ ચૂક્યા છે. માર્ચ ૨૦૧૯ના આંકડા પ્રમાણે જર્મનીએ પોતાની કુલ જરૂરિયાતની સવા સાત ટકા ઊર્જા સોલાર દ્વારા પેદા કરી હતી.
એક દેશ એવો છે, જેની વસતી વધારે છે, પરંતુ સાથે સાથે પર્યાવરણ સંરક્ષણની કામગીરીય ચાલુ છે. એ દેશે જળ-સંચયન નીતિ અપનાવી છે, લાકડા બાળીને પ્રગટાવાતા ચૂલાના બદલે ગેસ કનેક્શન પૂરા પાડવાની શરૂઆત કરી છે, જ્યાં શક્ય છે ત્યાં ગેસ પણ પાઈપલાઈન દ્વારા પહોંચાડાય છે. પ્લાસ્ટીકનો ઉપયોગ ઓછો થાય એ માટે પ્રયત્નશીલ છે. એ દેશ રિન્યુએબલ અનર્જીના હબ તરીકે વિકસી રહ્યો છે અને ૨૦૩૦ સુધીમાં ૪૦ ટકા ઊર્જા રિન્યુએબલ હોય એવો તેનો લક્ષ્યાંક છે.
એ દેશનું નામ ભારત!
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2mydNDt
ConversionConversion EmoticonEmoticon