
નવરાત્રિ આવે એટલે કેટલાક ગીતગરબા રુમઝુમ કરતાં ચિત્તમાં ગુંજવા લાગે, પણ એમના કાવ્યતત્વના ગહેરા મર્મ તરફ ધ્યાન ગયું છે કે સંસ્કૃત શ્લોકોની જેમ એ ય 'બાઉન્સ' જાય છે?
ખેલૈયાઓને કદાચ ખબર નહિ હોય, પણ સાહિત્યરસિકોના વર્તુળમાં જાણીતી વાત છે. ગુજરાતી ભાષાના નોબેલ પ્રાઈઝ વિનર જ ગણી લેવાના એવા ખમતીધર કવિ રમેશ પારેખ ત્યારે અમરેલી રહેતા હતા. અને સંભવત: ૧૯૭૮ની સાલમાં ફેબ્રુઆરીમાં અમદાવાદ આવેલા. ત્યારે નાટયકર્મી મિત્ર નિમેષ દેસાઈ મળી ગયા.
એમનો પ્લાન ફિલ્મ બનાવવાનો. એ માટે સિચ્યુએશન સંભળાવી એક ગીત લખવાનું મિત્ર રમેશ પારેખને કહ્યા કરે. સર્જન કંઈ એમ ફરમાઈશ પર આવે નહિ, અંદરથી ધક્કો આવે ને તો આવે. નિમેષભાઈના સ્કૂટર પર રમેશભાઈ ફર્યા, અને એ એમને મુકવા અમદાવાદ બસ સ્ટેન્ડ આવ્યા.
ફેવરિટ તીસ નંબર બીડી પીતા પીતા અચાનક રમેશ પારેખના મનમાં મુખડું આવ્યું ને બાજુમાં ઉભેલા દિગ્દર્શક મિત્રને કહ્યું કે કાગળ લાવો, ગીત શરુ કરું. કાગળ બેમાંથી કોઈ પાસે નહિ. પણ નિમેષ દેસાઈએ ત્યાં રઝળતા મુસાફરોએ ફેંકેલી ટિકિટના ટુકડા ભેગા કરી આપ્યા. બાકીનું ગીત ઘેર જઈને મોકલાવું. એની ચબરખી બનાવી રમેશ પારેખે મુખડું લખ્યું : સાંવરિયો રે મારો સાંવરિયો, હું તો ખોબો માંગુ ને દઈ દે દરિયો....!
ગુજરાતી સુગમ સંગીત જ નહી, રાસના ગ્રાઉન્ડ પરનું સ્વાનસોંગ એવું બન્યું આ ગીત આજે! મન મોર બની થનગાટ કરે અને સાંવરિયો ગુજરાતની જનતાના કાન માટે જનગણમન ને વંદે માતરમ જેવું નેક ટુ નેક મહત્વ ધરાવે છે. આજે ય હજારો વોટની સાઉન્ડ સીસ્ટમ ધણધણે છે, એના તાલે! ત્યારે જો કે, ૧૯૮૨માં પરેશ રાવલ અને ગોપી દેસાઈની ફિલ્મ નસીબની બલિહારીમાં એ આવ્યું.
સાંભળ્યું છે કે એને કમ્પોઝ કરનાર ગૌરાંગ અવિનાશ વ્યાસને એ ગાયા બાદ બિનગુજરાતી એવા આશા ભોંસલેએ પૂછેલું કે આવા સુંદર શબ્દો કોણે લખ્યા છે? અને ગૌરાંગભાઈએ ર.પા.નો ભેટો કરાવેલો. ફિલ્મ ન ચાલી. ફિલ્મ કરતા અંતરાના ક્રમ જુદા એવી રીતે ગીત કવિના કાવ્યસંગ્રહમાં 'વ્હાલબાવરીનું ગીત' તરીકે સ્થાન પામ્યું. 'છબીલો મારો સાવ ભોળો ને બાંવરિયો' એ પંક્તિ ફિલ્મગીતમાં છે, કાવ્યસંગ્રહમાં નથી.
નસીબની બલિહારી એ કે વર્ષો પછી એ જ કમ્પોઝિશને ટવીટર ને ટિન્ડરની જનરેશનને ડોલતી કરી મૂકી! બીજી ય ધૂનો એની બની પણ ફિલ્મવાળી જ જનતાના હૈયે અમર બની ગઈ. પણ ધ્યાનથી એના અંગ્રેજીમાં સ્ટાન્ઝા કહેવાય એ અંતરા સાંભળ્યા છે? એકદમ છલોછલ માદક ઉન્માદક રોમાન્સનું ગીત છે આ, કોઈ મોક્ષમાર્ગી મુમુક્ષુનું ભજન નથી. કોડભરી કન્યા શું કહે છે મદમાં રાતીચોળ થઈને એ તો જુઓ :
મને પૂછો કે ઘર મારું કેવડું
મારા વાલમજી બાથ ભરે એવડું
કોઈ હીરા જુવે તો કોઈ મોતી
મારી આંખો તો છેલજીને જોતી
જોતી રે રંગ કેસરિયો રે રંગ કેસરિયો
જાણે અત્તર ઢોળાયું રૂમાલમાં
એવી લથબથ ભીંજાણી હું વ્હાલમાં
મારા વાલમનું નામ મારું નાણું
મારા મનનું ગુલાલ જેવું ગાણું
જાણું કે એણે ખાલી ઘડામાં ટહુકો ભરીયો!
ભારતમાં ઈશારોં ઇશારોં મેં વાત કહેવાની સિમ્બોલિક સાહિત્યધારા તો સંસ્કૃત મહાકાવ્યોના સમયથી શિરસ્તો બની ગઈ છે. એટલે મોટા ભાગના લોકોને ખબર જ નથી પડતી, એવો ઉન્મત્ત પ્રણયશૃંગાર આ ગીતમાં ઝીલાયો છે. નારી નરના હગ યાને બાહુપાશમાં ભીંસાવા માટે તો ઘેલી છે એ સમજવું અઘરું નથી. પણ પછીની ઇરોટિકા અત્યંત કળાત્મક છે.
લવર્સ એકબીજામાં ઓગળીને ચૂરચૂર થાય છે અને એની પરાકાષ્ઠા ઉર્ફે ક્લાઈમેક્સનું વર્ણન કેવું મધુરું છે! રૂમાલમાં અત્તર ઢોળાય એમાં પ્રવાહી તો થોડાં ટીપાં જેટલું હોય પણ એને લીધે આખો રૂમાલ મઘમઘે, એમ પોતાના સાંવરિયા સંગ હનીમૂન નાઈટે સ્ત્રીનો આખો દેહ એ સમાધિમય અનુભવ પછી જાણે રૂંવે રૂંવે પ્રેમથી તરબતર થઇ ગયો છે! અત્યારે સુધી એ ભીતરે પોલાણ ધરાવતો ઘડો તો હતો, પણ હવે જાણે પિયામિલનથી એની એકલતામાં 'બેકલતા'ના યુગલટહુકા ભરાયા! રસિક રતિવર્ણન છતાં સપરિવાર ગાઈ શકાય એવી કવિતામાં ગૂંથેલું. પોએમ ઈઝ પઝલ ટુ!
એમ તો અનુભવી વડીલો પાસેથી જ સાંભળેલી આવી જ વાત છે. ઝટ તો મનમાં આવે જ નહી જો આ સંદર્ભો કોઈ સમજાવે નહિ તો. જૂના જમાનાનો એક ફેમસ ગરબો ય આવી જ રીતે છુપાવ્યા વગર બધું જ કહી દે છે, છતાં કશું જ ઉઘાડું કરતો નથી. એના સર્જક લગભગ પિનાકીન શાહ. એ ય ગુજરાતી ફિલ્મ માટે જ આશા ભોંસલેએ ગાયેલી રચના! ૧૯૭૮માં આવેલી 'ગાજરની પિપુડી' ફિલ્મ. પહેલા રિફ્રેશ કરી લો :
ઘમર ઘમર મારો ગરબો રે માથે ને
લટક મટક ચાલે ઢલકત ઢોલ,
હે લરફર લરફર સૈયર સંગે
રૂમક ઝુમક જાયે રૂપરંગ રે...
હે કેડમાં કંદોરો, ને કોટમાં છે દોરો,
સાંકરિયો સાદ, કંઠે કોયલીનો શોર,
હે મધુભર રસભર નૈન નચાવે
નાજુક નમણી નાગરવેલ...
હે દુધે તે ભરી તલાવડી ને
મોતીડે બાંધી પાળ રે,
જીલણ જીલવા ગ્યા'તા,
ગરબે ઘૂમવા ગ્યા'તા
હે વાટકી જેવડી વાવલડી ને
મંઈ ખોબલો પાણી માંઈ રે,
જીલણ જીલવા ગ્યા'તા,
ગરબે ઘૂમવા ગ્યા'તા...
હે દુધે તે ભરી...
ગરબો માથે કોરિયો માએ ઝબક
દીવડો થાય મારી માડી,
ગરબો રૂડો ડોલરીયો
એ તો ઘમ્મર ઘમ્મર ઘૂમે મારી માડી,
હે તાળીઓની રમઝટ પગ પડે
ને ત્યાં ધરણી ધમધમ થાય રે...
હળવે હલું તો કેર ચહી જાય,
હાલુ ઉતાવળે તો પગ લચકાય,
સાળુ સંકોરું તો વાયરે ઉડી જાય,
ધડકંતો છેડલો સરી સરી જાય...
હે પગને ઠેકે ધૂળની
ડમરી ગગનમાં છવાઈ રે...
જીલણ જીલવા ગ્યા'તા,
ગરબે ઘૂમવા ગ્યા'તા...
હે દુધે તે ભરી...
ચ્યમ જઉં ઘર આંગણીયે,
આજ ગરબો રંગે ચગ્યો મારા વ્હાલા...
થઈ જાઉં હું તો ઘેલી ઘેલી
હૈયા હિલોળાં ખાય મારા વ્હાલા...
હે સરખેસરખી સૈયર ટોળે
ઝટપટ ઝટપટ જાય રે...
હે દૂધે તે ભરી...
હવે આ જાણીતા ગરબામાં ઓઢણી ઓડું ઓડું તો ઉડી જાય જેવી અને મૂળ તો મીરાંબાઈની 'દૂર નગરી' જેવી સ્ત્રીસહજ મીઠી મૂંઝવણ પણ છે. ઝૂમવાની ઉતાવળ અંદર છે, પણ બહાર ધરાર ધીરજ રાખવી પડે છે એવી. એના માટે એ શિવ-પાર્વતીને અનુલક્ષીને કહે છે, એવી વાત પણ ચર્ચાય છે.
પણ એના મુખડાનો મૂળ સોર્સ ગુજરાતના ગીત માટે જાણીતા કવિ અરદેશર ખબરદારની જૂની કવિતા છે. એ મૂળ કવિતા ઊંડા આધ્યાત્મિક અર્થ વાળી કુલ આઠ સ્ટાન્ઝાની છે. જેમાં આત્મારૂપી હંસલા, લીલુડી શેવાળની વાતો છે. એ સ્વર્ગીય તળાવમાં ચટકતી ચંદા ય આવે ને તારલીઓ ય નહાવા આવે ને સુરજદાદાની દીકરી પણ આવે, આખી વાત આત્માની એમાં છે.

પણ ફિલ્મગીતમાં આવતા આ જ મુખડા માટે કાઠિયાવાડમાં એક વેગળી દંતકથા છે. ના લીજેન્ડવાળી નહિ, પણ મોઢે એકબીજાને કાનમાં ગુસપુસ કહેવાતી હોય એવી 'દંતવાત'. લાગે છે કે કોઈ રસિક ફળદ્રુપ ભેજાંની ઉપજ હશે, પણ એની નોંધ છેક અમેરિકામાં સાહિત્યરસિક સન્નારીઓ દ્વારા ચાલતી વેબસાઈટ સુધી લેવાય છે, એટલે એવી કોઈ ગુપ્ત પણ નથી, ભલે ગોપનીય રહસ્ય છતું કરે છે! વાત જાણે એમ છે કે, દૂધથી ભરેલી તલાવડી હોય અને ફરતે મોતીડાની પાળ હોય... એ પ્રેક્ટિકલી તો પોસિબલ નથી. પણ યુવતી મા બનીને ધાવણા બાળકને જોડે લઇને ગરબા રમવા માટે રંગેઉમંગે જાય છે. સ્ત્રીનું માતૃસ્વરૂપ એ જ માતાજીનું ઘેર ઘેર પ્રાગટય. બાળક રડયું હશે અને એને પેટ ભરાવવા માએ વ્હાલથી છાતીએ વળગાડી તૃપ્ત કર્યું હશે.
હમણાં જ ઘણી સેલિબ્રિટી મોમની જેમ અભિનેત્રી એમી જેક્સને પોતાના તાજાં જન્મેલા દીકરાને બ્રેસ્ટ ફીડીંગ કરાવતો ફોટો શેર કરેલો (જેનો ભારપૂર્વક પ્રચાર તો બધા દેશોની સરકારો આરોગ્યના એંગલથી પણ કરે છે) એવો જ સીન. હવે રાસગરબે ઝૂમવાનું હોય કે ધવડાવવાનું - એમાં સ્ત્રીમાત્ર પોતાની બાહ્ય ઓળખ ભૂલી જાય. વસ્ત્રો અસ્તવ્યસ્ત છે કે નહિ, એ ય ભૂલી જાય.
એ બસ જાતને ભૂલીને અનન્ય આનંદમાં જ ખોવાઈ જાય! અને આવા કોઈ મનોરમ દ્રશ્યમાંથી ઘડામોઢે છલકતા સૌંદર્યને અંજલિ આપવા કવિતા રચાઈ હશે? કે દૂધે ભરેલ તલાવડી યાને ધાવણભર્યા બે અમૃતકુંભ સમાન વક્ષ અને એના પર સંસ્કૃતમાં કાલિદાસે વર્ણન કર્યું હોય એમ પડેલો વળ ખાતો ઉછળતો મોતીનો હાર... એ મોતીડે બાંધી પાળ!
કદાચ મૂળ ગરબામાં આ વાત અભિપ્રેત ન પણ હોય, તો ય આ સુંદર અર્થઘટન એને વધુ મનોહારી બનાવી દે છે. નવરાત્રિ બેઝિકલી ફિમેલ ફેસ્ટીવલ છે. પુરુષે તો એમાં સહચારી બનીને આભારી જ રહેવાનું છે. બાકી એ નાઈન નાઈટ્સનું પ્યોર ફેમિ-નાઈન સેલિબ્રેશન છે.
નારીત્વના અલગ અલગ રંગો જ આમ આપણે નવ નવ રાત સુધી ગાઈએ છીએ, એ ઉજવી એના માટે નાચીએ છીએ, એ જ તો છે આપણી શક્તિપૂજા! આપણા ગુજરાતી ખજાનાના રત્નો તો જુઓ કેવા રંગબેરંગી! પીળા પુખરાજથી લીલા પન્ના, વાદળી નીલમથી લાલ માણેક સુધીના! જેમ કે, સ્ત્રીનો એક જુદો જ આયામ ઉપસાવતો આ જાણીતો ગરબો:
સવા બશેરનું મારું દાતરડું લોલ
ઘડયું ઓલા લાલિયા લુહારે
મુંજા વાલમજી લોલ
હવે નહિ જાઉ વીડી વાઢવા રે લોલ
સાવ રે સોનાનું મારું દાતરડું લોલ
હીરનો બંધિયો છે એનો હાથ
મુંજા વાલમજી લોલ
હવે નહિ જાઉ વીડી વાઢવા રે લોલ
પરણ્યે વાઢયા છે પાંચ પૂળિયા રે લોલ
મેં રે વાઢયા છે દશ-વીશ
મુંજા વાલમજી લોલ
હવે નહિ જાઉ વીડી વાઢવા રે લોલ
પરણ્યાનો ભારો મેં ચડાવિયો રે લોલ
હું રે ઊભી'તી વનવાટ
વાટે નીકળ્યો વટેમારગુ રે લોલ
વીરા મુને ભારો ચડાવ્ય રે
પરણ્યાને આવી પાલી જારડી રે લોલ
મારે આવેલ માણું ઘઉં
પરણ્યે ભર્યું છે એનું પેટડું રે લોલ
મેં રે જમાડયો મારો વીરો
મુંજા વાલમજી લોલ
હવે નહિ જાઉ વીડી વાઢવા રે લોલ
આના કવિની ભાળ તો નથી મળતી, પણ હેમુ ગઢવી અને પ્રફુલ્લ દવે જેવા બે ઘેઘુર પુરુષસ્વરે અમર બનાવેલા આ ગીતમાં ચોખ્ખીચટ્ટ વાત તો વિમેન એમ્પાવરમેન્ટની, ફેમિનિસ્ટ ક્રાંતિની છે. વટથી વહુ વર કરતાં પોતે ચડિયાતી છે, એની પાછળ ઘૂમટો તાણીને ફરતું પાલતુ પગલૂછણિયું નથી, એનો હુંકાર એમાં છે.
પોતે કામ કરવામાં ય પુરુષથી વધુ મહેનતુ છે, વધુ હોશિયાર છે. પતિના વાઢેલા ઘાસનો ભારો પોતે ચડાવે છે, પણ પતિ એને વળતી મદદ કરવા રોકાતો નથી ને કોઈ અજાણ્યો મુસાફર એ બોજ ઉપાડવામાં મદદ કરે છે, એ વાત સોઈઝાટકીને કહેવામાં આવી છે. તેજસ્વી પત્ની/પ્રિયાને ટેકન ફોર ગ્રાન્ટેડ લેતા પતિ/પિયુને આમાં છણકા નહિ પણ મક્કમ રણકા સંભળાવા જોઈએ.
ખુદની સશક્ત આવડત અને પોતાના પિયરની જાહોજલાલીનો ખુમાર લાલિયાએ ઘડેલા સવાબશેરના સોનાના દાતરડામાં ચમકે છે. પાલી જારડી ને મણ ઘઉં એ ભેદ માત્ર ક્વોન્ટિટી યાને જથ્થા કે ક્વોલિટી (જુવાર કરતા ઘઉં મોંઘુ ને ઊંચું ધાન ગણાય) એ નથી. એ છે ટેલન્ટનો ભેદ. આજે વધુ ભણતી ને વધુ મુક્ત બનતી
યૌવનાઓ એમનાથી પાછળ રહી જતાં ને એમને 'બૈરાં' ગણીને તો ય સામાજિક રોફ ઝાડતા ભાયડાઓને આ સાંડ કી આંખ વીંધીને બતાવી શકે છે. તેજતર્રાર અને જોરદાર માનુનીઓનું આ ગરબારૂપી જ્યોતિપુંજનું ગર્વગીત છે!
નારીસન્માનનો અર્થ એવો ય નહીં કે સ્ત્રી સાવ શુષ્ક ને કડક સ્વભાવની બની જાય, અને જુ પ્રણયમસ્ત ન રહે. મણિલાલ દેસાઈની કવિથી ય વિખ્યાત બનેલી આ રચના સાંભળો તો એમાં ગમતા કાળા કાન માટે ઘેલી થતી ગોરી રાધાના ચિત્રો સજીવન થશે.
ઊંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના,
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વાલમના.
ગામને પાદર ઘૂઘરા વાગે,
ઊંઘમાંથી મારાં સપનાં જાગે,
સપનાં રે લોલ વાલમનાં.
ઊંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના.
કાલ તો હવે વડલાડાળે ઝૂલશું લોલ,
કાલ તો હવે મોરલા સાથે કૂદશું લોલ,
ઝૂલતાં ઝોકો લાગશે મને,
કૂદતાં કાંટો વાગશે મને,
વાગશે રે બોલ વાલમના.
આજની જુદાઇ ગોફણ ઘાલી વીંઝશું લોલ,
વાડને વેલે વાલોળપાપડી વીણશું લોલ.
વીંઝતાં પવન અડશે મને,
વીણતાં ગવન નડશે મને,
નડશે રે બોલ વાલમના.
ઊંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના.
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વાલમના.
હવે તો ગવન એટલે છાપેલી પ્રિન્ટવાળો કોટનનો રેડ સાડલો એવું સમજાવવું પડે એ સમય આવી ગયો છે. શબ્દો સાવ સરળ છે. પણ એનું ય મુખડું જ સાંભળતા સાંભળતા આખો રોમાન્સરાસ રચાઈ જાય છે. જે ગમે, એના અવાજના ભણકારા એમ જ એકલા હોઈએ ત્યારે સંભળાય! પહેલી કડીમાં પ્રતીક્ષા સ્પષ્ટ છે.
બહાર ઉભા ઉભા દરવાજે. પણ જયારે આરામથી લંબાવી દીધું એવું લાગે ત્યારે ય તન સૂતું છે. મન તો વિરહના ઉચાટમાં જાગતું રહે છે, સપના જોતું! આવતીકાલના મિલનસુખની કલ્પના દ્રશ્યો એમાં છે. ગામને પાદર ને વડલાડાળ ઓલ્ડ થયું હોય તો ગોલ્ડ પાસ લઈને એ આવશે ને બાઈક પર બેસાડી લઇ જશે ને પછી વાલોળપાપડી ખેતરે વીણવાને બદલે મોલમાં શોપિંગ કરવા જવાની વાત પણ વિચારી શકાય.
સરસ વાત એ છે કે નાયિકાને અહીં વાલમના બોલ એટલે કે યાદ માત્ર આવનારી કલ્પનામાં જ નથી સંભળાતી. મિલન મળે ત્યારે ગોફણની જેમ જુદાઈનો થ્રો કરવામાં પવન લાગે એવા નડતરમાં ય એની રીસ, એનો ગુસ્સો પોતાના ગણ્યા હોય એના ઉપર એટલે વાલમ યાને વ્હાલમ યાને ડાલગ પર જ ઉતરે છે! બૂમબરાડા ય ફ્રસ્ટ્રેશનમાં પોતાના ગણ્યા હોય એના પર જ થાય ને. સારાખરાબ બધામાં ગેલથી માથું ઢાળવા માટે ને મુઠ્ઠી પછાડી ખીજ ઉતારવા માટે વાંસો વાલમનો જ!
ને જૂની ગરબીઓમાં હજુ ય જે ચલતીના સૂરમાં સંભળાય ને કોઈ રહેમાન જેવાના તાલમાં જે સ્ટેડિયમ આખું ધ્રુજાવી શકે એવો એકે છંદે બીજે છંદે વાળો સૂર્યપૂજા યાને રાંદલમાનો ગરબો સાંભળો તો એવો જ એક પ્રાચીન ગરબો યાદ આવ્યા વિના રહે નહિ. આ રહ્યો એ, રિપીટેશન ટૂંકાવીને:
ઘોર અંધારી રે રાતલડીમાં
નીકળ્યા ચાર અસવાર
લીલે ઘોડે રે કોણ ચડે
મા રાંદલનો અસવાર
રાંદલ માવડી રે રણે ચડયાં
મા સોળ સજી શણગાર
સવા મણનું રે સુખલડું મા
અધમણની કુલેર
રમજો રમજો રે ગોરણિયું
તમે રમજો સારી રાત
ઘોર અંધારી રે રાતલડીમાં
નીકળ્યા ચાર અસવાર
કાળે ઘોડે રે કોણ ચડે
મા કાળકાનો અસવાર
ધોળે ઘોડે રે કોણ ચડે મા
બહુચરનો અસવાર
રાતે ઘોડે રે કોણ ચડે
મા હર્ષદનો અસવાર
સવા મણનું રે સુખલડું મા
અધમણની કુલેર
રમજો રમજો રે ગોરણિયું
તમે રમજો સારી રાત
ઘોર અંધારી રે રાતલડીમાં
નીકળ્યા ચાર અસવાર
હવે આમાં કાવ્યતત્વ ક્યાં એવું કોઈ ઘોરખોદિયાને પૂછવાનું મન થાય તો એના જવાબ માટે પશ્ચિમ જવું પડે. ખ્રિસ્તી ધર્મમાં બાઇબલમાં પૃથ્વી પર પ્રલય માટે કયામત યાને જજમેન્ટ ડે અગાઉ ઈશ્વરના 'ફોર હોર્સમેન' નીકળશે એવી વાત છે! એપોકલીપ્સ યાને વિસર્જનના ઘોડેસવાર! લિબિયાના ગદ્દાફીના ત્રાસવાદ પરની થીમવાળી એક નવલકથાનું નામ 'ફિફ્થ હોર્સમેન' હતું. ધોળા, રાતા, કાળા ને ભૂખરા અશ્વે ચાર દૂતો આવશે કાળ બનીને. કહેવાય છે. રોગ, દુકાળ, યુદ્ધ અને મૃત્યુ એ ચાર અસવાર લઈ આવશે! પછી સર્વનાશના સેવન સીલ ખુલશે, પૃથ્વી પર. આર્માગેડન, એપોક્લીપ્સ,પ્રલય!
લોકપરંપરા અલગ અલગ સંસ્કૃતિમાં ય કેવો એક સૂર સનાતન પ્રસરાવે એ માણવાની જો અભ્યાસુચક્ષુ રાખો તો લિજ્જત આવે! આપણા માતાજીના અસવારો જો કે નેગેટિવ નહિ,પણ પોઝિટિવ છે. વળી ભક્ષકને બદલે રક્ષક પણ ખરા. લાલ, સફેદ, કાળા ઘોડા તો હોય પણ આમાં ફેન્ટેસી આર્ટની જેમ એક ઘોડો લીલો ને પાછું સવામણનું સુખલડું! (આ કુલેર પણ બહુ ટેસ્ટી લાગે હો માના હાથની!) હવે રોજ નોટ સો ઘોર એવી અંધારી રાતલડીએ જે ચાર અસવાર નીકળે એ ઈન્ટરનેટના ડિજિટલ હોય. ફેસબૂક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ ને વોટ્સએપ (યંગપીપલ માટે સ્નેપચેટ) હોય! ને એ બધામાં શેર થાય લહેરાતી ફરફરતી યુટયુબની ધજા!
આપણી ગુજરાતી ફિલ્મોમાં, આપણા સાહિત્યસર્જનમાં અને આપણા લોકજીવનમાં આવા તો બેસુમાર રાસગરબા પડઘાય છે. નાચવા સિવાય વાંચવા જેવા! 'એ કે લાલ દરવાજે તંબૂ તાણિયા'થી લઈને 'વાંકી વળું તો મારી કેડ' સુધીના. 'લે જો રસિયા રે રૂમાલ'થી 'અદલ સોનારણ, બદલ સોનારણ' સુધીના. ઇંધણા વીણવા ગઈ'તી મોરી સૈયર એ ફાલ્ગુની પાઠકનું લખેલું ગીત છે એવું કેટલાક સોનાક્ષી સિંહાના ભાઈબહેનો માનતા હોય છે! એ જ્ઞાાનપીઠ એવોર્ડ વિજેતા કવિ સ્વ. રાજેન્દ્ર શાહનું ગીત છે! એમાં ય કેવી મજાની વાત આવે છે? પોતાના પ્રિયતમ વિના જીવન સાવ ચૈત્ર મહિનાના ઉનાળુ બપોર જેવું છે. દાહક ગરમ અને વેરાન સૂમસામ. એમાં વ્હાલાની વધામણી જાણે અંબોડામાં ફૂલની જેમ શોભે ને પછી જે આનંદ આવે મેસેજમાં બે બ્લુ ટિક થઈને રેડ હાર્ટ વિથ લિપ્સ આવ્યાનો એમાં વાત્રક નદીમાં ન્હાઈ લીધા જેવી ઠંડકની રાહત થાય!
આ તો હજુ ય જાણીતું છે. પણ નવ નવ રાત સુધી લગભગ બધા જ ગ્રાઉન્ડ પર જેનાથી સમૂહ નૃત્યોત્સવનો આરંભ થશે એ 'તારા વિના શ્યામ મને એકલડું લાગે, રાસ રમવાને વહેલો આવજે..' ના કવિ કોણ છે? વડોદરાના રિષભ ગૃપ/ અતુલ પુરોહિતથી એ પ્રસિદ્ધ થયું, પણ આખા ગુજરાતને ડોલાવતા આ ગીતના સર્જક તામિલનાડુના છે! એમનું નામ વિનોદ અયંગર. ઇન્સ્યોરન્સ કંપનીમાં કામ કરતા અને ગુજરાતમાં રહેતા એમણે નંદિની ત્રિવેદીને આપેલી મુલાકાતમાં કહેલું કે 'પૂછો ના કૈસે મૈંને રૈન બીતાઈવાળું મન્નાડેનું રાગ અહીર ભૈરવનું ગીત સાંભળતા સાંભળતા ચાર દસકા પહેલા એમને વાયોલીન પર આ ધૂન બનાવી અને ધીરે ધીરે એમાં શબ્દો પ્રગટયા!'
આ તો ખબર પડી, પણ પેથલપુરમાં પાવો વાગે ને સૂતો સોનીડો જાગે એમાં ભમ્મરિયો રંગ ક્યાં ફિટ થાય એ કોયડો સાત કરોડનો સવાલ છે! એ ય કેટલાને યાદ હશે કે 'લાંબો ડગલો, મૂછો વાંકડી, શિરે પાઘડી રાતી / બોલ બોલતો તોળી તોળી છેલછબીલો ગુજરાતી/ હે.. તન છોટુ પણ મન મોટું, છે ખમીરવંતી જાતી/ ભલે લાગતો ભોળો, હું છેલછબીલો ગુજરાતી' એ જે દર ત્રીજા ગુજરાતી કાર્યક્રમોમાં સ્ટેજ પરથી બોલાય છે.
એ આંધળી માના ઈમોશનલ કાગળથી પ્રસિદ્ધ ઇન્દુલાલ ગાંધીનો ગરબો છે. અવિનાશ વ્યાસે સ્વરબદ્ધ કરેલો ૧૯૬૦નો ફિલ્મી ગરબો 'મેંદી તે વાવી માળવે, એનો રંગ ગયો ગુજરાત રે!' એના હિસ્સા રૂપે આ ગુજરાતીની ઓળખ આપતી વાત આવે છે. 'તન છે રૂપનું હાલરડું ને આંખે મદનો ભાર/ ઘૂંઘટમાં જોબનની જ્વાળા, ઝાંઝરનો ઝમકાર/ લાંબો છેડો છાયલનો, ને ગજરો ભારોભાર/ લટકમટકની ચાલ ચાલતી જુઓ ગુર્જરી નાર...'
આહ..શું રોયલ સેલ્યુટ છે ગરવી ગુજરાતણ ને! જે દેવીઓ થકી જ આજથી નવ નવ રાત રાસના રસનો ઉત્સવ!
(શીર્ષક : નરસિંહ મહેતા )
ફાસ્ટ ફોરવર્ડ
તું ઘાટી વનરાઈ અને હું ખાલી ખેતર,
તું છલકાતું સરવર ને હું તરસ્યું તેતર,
હું પાણો ખરબચડો ને તું રેશમ રેશમ,
હું મેળો ભવનાથ- તળેટી, તું તરણેતર.
કાયા કૂણી કાતળી, અડતાં રેશમ અંગ,
વળ ખાતી જ્યૂં વેલડી, રેલાતા રસ-રંગ.
- અરવિંદ બારોટ
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2m3E1xm
ConversionConversion EmoticonEmoticon