
અમેરિકામાં પીએમ મોદીને રેડ કાર્પેટ અને પાક. પીએમ ઈમરાનને ડોરમેટ - એ મુદ્દે સોશિયલ મીડિયામાં ભારે રમૂજો થઈ. એ બધા વચ્ચે રેડ કાર્પેટ યાને લાલ જાજમ વિશે ય થોડું જાણીએ..
એ સમય હતો ઈ.સ. પૂર્વે પાંચમી સદી આસપાસનો. એ અરસામાં ગ્રીક નાટયકાર એસ્કિલસે રાજા અગામેમનોનના જીવનપ્રસંગો પરથી પ્રેરિત થઈને અગામેમનોન નામનું નાટક રચ્યું. એ નાટકમાં એસ્કિલસે કાર્પેટનો ઉલ્લેખ કરતા પ્રસંગ ટાંક્યો છેઃ
રાજા અગામેમનોન ટ્રોજન વોરમાંથી પાછો ફરે છે. લાંબાં સમયે પાછા ફરી રહેલા રાજાના સ્વાગત માટે રાણી ક્લિટ્રેમેસ્ટ્રાએ ખાસ પ્રકારના કાપડમાંથી બનાવેલી જાજમ પાથરી. રાજાને સંબોધીને રાણી કહે છે: મારા વહાલા રાજા! હવે તમે રથમાંથી નીચે ઉતરીને તમારા પગ આ પાથરણાં ઉપર પાડો અને તમારા વગર સૂના થઈ ગયેલા રાજમહેલને પાવન કરો.
આ સાંભળીને રાજાએ પહેલાં તો કાર્પેટ ઉપર ચાલવાનો ઈનકાર કર્યો. એ વખતે એવી માન્યતા હતી કે કાર્પેટ જેવી ભવ્ય બિછાત ઉપર માત્ર દેવો જ ચાલી શકે. એ કહે છે, હું નાશવંત મનુષ્ય છું. ભવ્ય બિછાત ઉપર ચાલવાનો મારો અધિકાર નથી, છતાં ઈશ્વરની ક્ષમા સાથે હું એ ગુસ્તાખી કરી રહ્યો છું.
આટલાં સંવાદો પછી રાજા અગામેમનોને કાર્પેટ ઉપર ડગલાં ભર્યા અને તે સાથે જ કાર્પેટ સ્વાગતની પરંપરાનો આરંભ થયો. કાર્પેટ ઉપર ચાલવાનો આ સૌથી જૂનો રેફરન્સ છે. એ પહેલાં કોઈના સ્વાગતમાં કાર્પેટ બિછાવાઈ હોય એવાં ઐતિહાસિક-સાહિત્યિક ઉલ્લેખો મળતાં નથી.
લાલ રંગ પ્રતિષ્ઠા, કુલીનતાનો રંગ ગણાતો હતો. રાજા-રજાવાડામાં લાલ રંગની અનોખી પરંપરા દુનિયાભરમાં હતી. લાલ શૌર્યનો પણ રંગ છે. યુદ્ધભૂમિમાં શૌર્યગાથા સર્જીને આવેલા વીરોના પથ ઉપર લાલ ફૂલ બિછાવીને સ્વાગત થતું હતું. એ લાલ રંગ પછી કાર્પેટમાં પણ લાગી ગયો! ભવ્યતા અને શાન સાથે જોડાયેલો લાલ રંગ કાળક્રમે કાર્પેટનો અભિન્ન હિસ્સો બની ગયો.
૧૪મીથી ૧૬મી સદી દરમિયાન નવજાગૃતિની અસર હેઠળ સર્જાયેલાં પેઈન્ટિંગ્સમાં લાલ રંગની રંગપૂરણી વધારે જોવા મળતી. એ જ અરસામાં સર્જાયેલા ચિત્રોમાં રેડ કાર્પેટની હાજરી ય વિશેષ રીતે જોવા મળી છે. આજે રેડ કાર્પેટનો લાંબો પટ્ટો જોવા મળે છે એવો પટ્ટો એ ચિત્રોમાં નથી, પરંતુ ડોરમેટની સાઈઝની લાલ જાજમ ૧૪મી સદીથી ૧૭મી સદી આસપાસના ચિત્રોમાં સ્હેજેય નજરે ચડી જાય છે. એનો અર્થ સંશોધકો એવો તારવે છે કે એ સમયગાળામાં રાજ દરબારોમાં, મહત્વના રજવાડી પ્રસંગોમાં લાલ જાજમ બિછાવવાની પરંપરા શરૂ થઈ ચૂકી હશે. અને તેની અસર ચિત્રોમાં જોવા મળી હશે.
રેડ કાર્પેટનો મોર્ડન કહેવાય એવો ઈતિહાસ અમેરિકામાં દર્જ થયો છે. ૧૮૨૧માં અમેરિકાના પ્રમુખ જેમ્સ મોરોસ સાઉથ કેરોલિનાની મુલાકાતે પહોંચ્યા હતા. સાઉથ કેરોલિનામાં પ્રમુખનું સ્વાગત રેડ કાર્પેટ પાથરીને થયું હતું. તેમની બોટથી જ્યાં ઉતારો અપાયો હતો એ ઈમારત સુધી રેડ કાર્પેટ બિછાવાઈ હતી. એ ઘટના પછી ૧૯મી સદીની મહત્વની વેલકમ ઈવેન્ટ્સમાં રેડ કાર્પેટ પાથરવાનું શરૂ થયું હતું.
૨૦મી સદીની શરૂઆતમાં રેડ કાર્પેટ રાજકીય સિવાયના ક્ષેત્રોની ઈવેન્ટ્સમાં પણ સામેલ થઈ ગઈ! ધાર્મિક મેળાવડાઓ, રમત-ગમતના પ્રસંગો, લશ્કરી કાર્યક્રમો, થિયેટરોમાં યોજાતા કલાકારોના સન્માન સમારોહોમાં રેડ કાર્પેટને સ્થાન મળ્યું. એ દશકાઓમાં બનેલા થિયેટરોમાં ય ભવ્ય દેખાવ માટે લાલ જાજમ બિછાવાતી. રોયલ આલબર્ટ હોલ વગેરે થિયેટરોમાં રેડ કાર્પેટને સ્થાન મળ્યું હતું.
એ પછી મહાનુભાવો ઉપરાંત સામાન્ય નાગરિકો માટે ય લાલ જાજમ બિછાવવાનું શરૂ થયું. એનું ઉદાહરણ ૧૯૦૨માં રેલવેએ પૂરું પાડયું. ન્યૂયોર્ક સેન્ટ્રલ રેલબોર્ડની એક્સપ્રેસ પેસેન્જર ટ્રેન પ્રથમ વખત દોડી ત્યારે એક્સપ્રેસ ટ્રેનના મુસાફરો માટે રેલવેતંત્રએ લાલ જાજમ પાથરી હતી. એનું એક કારણ એ હતું કે વધારે રકમ ખર્ચીને એક્સપ્રેસ ટ્રેનની મુસાફરી કરતા યાત્રાળુઓને સ્પેશિયલ ફીલ થાય અને બીજું કારણ એ હતું કે એક્સપ્રેસ ટ્રેન માટે આવતા મુસાફરો લાલ જાજમ પર ચાલ્યા જાય તો સીધા એ ટ્રેન સુધી પહોંચી જાય, કોઈને ય પૂછવાની જરૂર ન રહે.
૧૯૨૦ પછી થિયેટર અને સિનેમાએ નવી ઓળખ બનાવવાનું શરૂ કર્યું. હોલિવૂડની પાર્ટીઝ વખતે કાર્પેટ પાથરીને કલાકારોનું સ્વાગત થતું. નવીનતા માટે રેડ કાર્પેટ ઉપરાંત બ્લ્યુ, પિંક, ગ્રીન, યેલ્લો કાર્પેટ પણ બિછાવાતી. અમેરિકામાં શો-મેન તરીકે જાણીતા થયેલા સિડ ગ્રોમેને ૧૯૨૨માં ઈજિપ્શિયન થિયેટર બનાવ્યું હતું.
એ થિયેટરમાં પ્રથમ વખત યોજાયેલા પ્રીમિયરમાં ફિલ્મ કલાકારો માટે રેડ કાર્પેટ બિછાવીને સિડ ગ્રોમેને નવો ટ્રેન્ડ સેટ કર્યો હોવાનું અમેરિકાના સાંસ્કૃતિક ઈતિહાસકાર એમી હેન્ડર્સને નોંધ્યું છે. તેના કહેવા પ્રમાણે ગ્લેમરવર્લ્ડને ચળકાટ જોઈતો હતો અને લાલ જાજમ એમાં બરાબર કામ આવે એમ હતી. કાર્પેટનો પ્રભાવશાળી લાલ રંગ સાંજ-રાતની ઈવેન્ટ્સમાં શોભા વધારતો હતો અને તેનાથી એક અલગ આભા સર્જાતી હતી.
ધીમે ધીમે રેડ કાર્પેટનું વર્ચસ્વ વધ્યું. બીજા વિશ્વયુદ્ધ પછી મનોરંજને ઈન્ડસ્ટ્રીનું સ્વરૂપ લીધું. સિનેમાએ લોકહૃદયમાં ખૂબ ચાહના મેળવી અને તેના કારણે સેલિબ્રિટી કલ્ચર વિકસ્યું. વિવિધ એવોર્ડ ફંક્શન્સ શરૂ થયા, એમાં ય રેડ કાર્પેટનો દબદબો વધ્યો. રેડ કાર્પેટ ઉપર ચાલતા અભિનેતા-અભિનેત્રીઓને જોવા માટે ચાહકો પડાપડી કરતા. એ જમાનામાં ફિલ્મો સિવાય સ્ટાર્સની ઝલક આ રીતે જ માંડ મળતી એટલે રેડ કાર્પેટે કરિશ્માઈ અસર કરી!
સમયાંતરે સ્થિતિ એવી આવી કે ઓસ્કર, ગોલ્ડન ગ્લોબ, ગ્રેમી, બાફ્ટા વગેરે અનેકાનેક એવોર્ડ્સ સેરેમનીમાં રેડ કાર્પેટ ઉપર વૉક કરવા મળે તે સન્માન લેખાવા લાગ્યું. સિનેજર્નલિસ્ટ્સ માટે રેડકાર્પેટ ફેશન એ આખો અલગ વિષય બનીને ઉભરી આવ્યો!
ભારતમાં રેડ કાર્પેટની શરૂઆત અંગે અધિકૃત ઈતિહાસ પ્રાપ્ત નથી, પરંતુ એવું કહેવાય છે કે ૧૯૧૧માં કિંગ જ્યોર્જ પાંચમો અને ક્વિન મેરી ભારત આવ્યાં ત્યારે વાઇસરોય ચાર્લ્સ હાર્ડિંગે દિલ્હી દરબારમાં રેડ કાર્પેટ બિછાવીને સ્વાગત કરાવ્યું હતું.
હવે તો ભારતમાં નાની-મોટી ઈવેન્ટ્સમાં લાલ જાજમ બિછાવવાનું સામાન્ય થતું જાય છે. ગ્લેમરસ ઈવેન્ટ્સ રેડ કાર્પેટ વગર જાણે અધૂરી લાગે છે! આપણે ત્યાં પણ નાના-મોટા એવોર્ડ્સ ફંક્શનમાં રેડ કાર્પેટ સ્ટાઈલ ચર્ચાનો વિષય બને છે. દાવો તો એવો ય થાય છે કે વિશ્વના કુલ રેડ કાર્પેટના ઉત્પાદનમાંથી ૭૦ ટકાનું ઉત્પાદન ભારતમાં થાય છે.
આ વખતે રેડ કાર્પેટની રાતી-ચોળ ચર્ચા સોશિયલ મીડિયામાં જરા જુદા કારણથી શરૂ થઈ. યુએન મહાસભામાં ભાગ લેવા અમેરિકા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગતમાં અમેરિકાએ રેડ કાર્પેટ બિછાવી. પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને ડોરમેટથી કામ ચલાવવું પડયું, એમાં પાકિસ્તાનીઓને લાગી આવ્યું! પાકિસ્તાની યુઝર્સના ગળે એ વાત કેમેય કરીને ઉતરતી નહોતી કે જે દેશનું જેવું કદ અને પ્રતિષ્ઠા હોય એવું સન્માન એના નેતાને મળે!
ખેર, રેડ કાર્પેટના આ પ્રકારના વિવાદો અગાઉ પણ થયા છે. અમુક દુર્ઘટના વખતે ભવ્ય રેડ કાર્પેટ પાથરીને નેતાઓનું સ્વાગત થયું હોય એવાં કિસ્સાઓમાં પણ વિવાદો થઈ ચૂક્યા છે.
એ હકીકત છે કે રેડ કાર્પેટ હવે નામ નથી, સર્વનામ છે! કોઈપણ પ્રકારની કાર્પેટ માટે 'રેડ કાર્પેટ' શબ્દ વપરાતો થયો છે. ઈનફેક્ટ, કોઈના ઉષ્માભર્યા આમંત્રણ માટે ય 'રેડ કાર્પેટ' શબ્દ પર્યાય બની ગયો છે.
રેડ કાર્પેટ સ્ટાઈલ
૧૯૯૦ પછી 'રેડ કાર્પેટ ફેશન' એ સિનેમાના પત્રકારો, કટારલેખકો માટે અલગ વિષય બની ગયો. ઓસ્કર, ગોલ્ડન ગ્લોબ જેવા ફંક્શનમાં બિછાવાતા રેડ કાર્પેટ ઉપર ચાલતાં કલાકારોની તસવીરો ખેંચવા માટે દુનિયાભરના ફોટોગ્રાફર્સ તૈયાર રહેતા. એના કારણે રેડ કાર્પેટ ઉપર પોઝ આપવાની પરંપરા શરૂ થઈ અને તે સાથે જ સિનેમાની દુનિયાને મળ્યો 'રેડ કાર્પેટ ફેશન' નામનો નવો વિષય.
જોઆન અને મેલિસા રીવર્સ નામની અભિનેત્રી-ટેલિવિઝન હોસ્ટ માતા-પુત્રીને તો અમેરિકાની એન્ટરટેઈનમેન્ટ ચેનલ 'ઈ'એ ૧૯૯૦ પછી ખાસ રેડ કાર્પેટ ફેશનના વિશ્લેષણ માટે રોકીને એનો ભરપૂર પ્રચાર પણ કર્યો હતો. એવોર્ડ ફંક્શનના રેડ કાર્પેટ ઉપર કઈ અભિનેત્રીએ કેવી સ્ટાઈલથી એન્ટ્રી મારી, કઈ અભિનેત્રીની ડ્રેસિંગ સેન્સ સૌથી સારી હતી, કઈ અભિનેત્રી-અભિનેતાએ કપડાં પહેરવામાં વેઠ ઉતારી છે, તેની હાસ્ય-વ્યંગ સાથે લાઈવ ચર્ચા કરીને આ મધર-ડોટર ચેનલને સારી એવી વ્યૂઅરશીપ મેળવી આપતી!
૨૦૦૦ના વર્ષની ગોલ્ડન ગ્લોબ સેરેમનીમાં હેલી બેરી વેલેન્ટિનો ડ્રેસમાં આવી, એ ઘટનાએ રેડ કાર્પેટ સ્ટાઈલને બળ આપ્યું એવું રેડ કાર્પેટ સ્ટાઈલ એક્સપર્ટ લોરેન્ઝો માર્કિઝે નોંધ્યું હતું. એ દશકામાં અભિનેત્રીઓ વચ્ચે રેડ કાર્પેટ ઉપર તરેહ તરેહના નવા ડ્રેસમાં ચાલીને ચડિયાતા થવાની હોડ શરૂ થઈ હતી. જે હવે નવી ઊંચાઈએ પહોંચી છે!
રેડ કાર્પેટ ફેશનની હવે એવી ય ટીકા થાય છે કે અભિનેત્રીઓની એકસરખી સ્ટાઈલના કારણે એમાં ખાસ નવીનતા રહી નથી. રેડ કાર્પેટ સ્ટાઈલે બે દશકાની જ્હોનલાલી પછી હવે ચાર્મ ગુમાવી દીધો છે એવી ફરિયાદ ફેશન એક્સપર્ટ કરતા થયાં છે.
ઓસ્કર અને રેડ કાર્પેટ
ઓસ્કર અને રેડ કાર્પેટનો અનોખો ઈતિહાસ છે. ઓસ્કર એવોર્ડ સેરેમનીમાં લાલ જાજમ બિછાવવાની શરૂઆત ૧૯૬૧થી થઈ હતી. અન્ય ગ્લેમરસ ઈવેન્ટ્સમાં રેડ કાર્પેટનું ચલણ વધ્યું હતું એ જોઈને ઓસ્કર સમારોહમાં પણ રેડ કાર્પેટને સ્થાન અપાયું હતું. ઓસ્કરમાં જે રેડ કાર્પેટ બિછાવાય છે તે થોડાં અલગ લાલ રંગની હોય છે.
ઓસ્કર એવોર્ડ માટે ડોલ્બી થિયેટરમાં ૯૦૦ ફૂટ લાંબી અને ૩૩ ફૂટ પહોળી લાલ જાજમ પાથરવામાં આવે છે. આ રેડ કાર્પેટ બિછાવવા માટે ઓછામાં ઓછાં બે દિવસનો સમય લાગે છે. સુરક્ષાના કારણો ય એમાં ભળ્યા છે એટલે ઓસ્કર એવોર્ડ પહેલાં રેડ કાર્પેટ બિછાવવાનું કામ સૌથી મહત્વનું મેનેજમેન્ટ ગણાય છે.
૧૯૬૯ પછી એકેડમી એવોર્ડ્સનું ટેલિવિઝન પ્રસારણ શરૂ થયું એટલે રેડ કાર્પેટનું મહત્વ વધી ગયું. ભલે દુનિયાભરમાં કલર ટીવીનો ટ્રેન્ડ શરૂ થયો ન હતો, પરંતુ એ કાર્પેટથી એક અલગ ભવ્યતાના દર્શન કરાવી શકાતા હતા. પછી તો કલર ટીવીનો જમાનો આવ્યો અને એ જ સમયગાળામાં રેડ કાર્પેટ સ્ટાઈલની ય શરૂઆત થઈ. ઓસ્કર સર્વશ્રેષ્ઠ એવોર્ડ છે અને તેનું ઐતિહાસિક મૂલ્ય છે. તેનો પ્રભાવ દુનિયાભરની ગ્લેમરસ ઈવેન્ટ્સ ઉપર પડયો. પરિણામ એ આવ્યું કે એવોર્ડ સેરેમનીમાં રેડ કાર્પેટ અનિવાર્ય થઈ ગઈ.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2mxxOKo
ConversionConversion EmoticonEmoticon