મણિરત્નમ કૃત અને સીતાના પોંઈન્ટ ઓફ વ્યૂથી કહેવાયેલી 'રાવણ'


ફિલ્મમાં અભિનય કરવાની તક હોવા છતાં એ અવસરનો લાભ અભિષેક નથી ઉઠાવી શક્યો. બીજી તરફ સાઉથમાં વિક્રમે વિરાના કિરદારમાં એ તકને દોડતા ઘોડા પર ચડી ઉઠાવી લીધી હતી

મણિરત્નમની રાવણ રિલીઝ થઈ તેના બે અઠવાડિયા પહેલાં જ મહાભારત પર આધારિત રાજનીતિ રિલીઝ થઈ હતી. એક સેમી હિટ હતી બીજી ફ્લોપ હતી. રાવણનું વજન અને જોર એટલે વધારે હતું કારણ કે ફિલ્મના ડાયરેક્ટર મણિરત્નમ હતા. ઉપરથી ફિલ્મમાં ગુરૂની ત્રિવેણીએ એન્ટ્રી મારી હતી.

અભિષેક બચ્ચન, એશ્વર્યા રાય બચ્ચન અને સાઉથ સ્ટાર વિક્રમની ડેબ્યુ હિન્દી ફિલ્મ હતી. સાથે એ.આર.રહેમાનનું સંગીત અને ગુલઝારના શબ્દો. જે રીતે રસોયા ભેગા કર્યા હતા લાગતું હતું કે ફિલ્મને પરાજીત કરવી નામુમકીન છે. આમ છતાં રાવણ કેટલીક જગ્યાએ માત ખાઈ ગઈ. ફિલ્મને પડયા પર પાટુ ત્યારે જોરથી પડયું જ્યારે અભિષેક બચ્ચનનો અભિનય નાયક ફિલ્મના ગીત રૂખી સુખી રોટી જેવો લાગ્યો. આવું થવા પાછળનું કારણ પણ મણિરત્નમમાં જ છુપાયેલું પડયું હતું. 

મણિરત્નમે રાવણને બે અલગ રીતે બનાવી હતી. હિન્દી રાવણમાં જ્યાં રાવણ ઉર્ફે બિરા અભિષેક બચ્ચન બન્યો હતો. તો અભિષેકની સામે રામનું કેરેક્ટર પ્લે કરનાર વિક્રમ મૂળ તમિલમાં રાવણ બન્યો હતો. વિક્રમ સામે અભિષેકની એક્ટિંગનાં ચીથરા ઉડી ગયા. પરિણામે રાવણ તમિલ સંસ્કરણમાં હિટ રહી હિન્દીમાં ફ્લોપ થઈ.

તેજાબ જેવી ફિલ્મમાં પણ માધુરી દીક્ષિત અને અનિલ કપૂરના કેરેક્ટરને રામાયણ સાથે તાલમેલ લાવવાની કોશિષ કરવામાં આવી હતી, પણ તેમાં ઓડિયન્સને ખ્યાલ નહોતો આવ્યો કે ફિલ્મમાં રામાયણનો ટેકો લેવામાં આવ્યો છે. જ્યારે રાવણના એક એક સીનને જ્યારે રામાયણ સાથે જ ઉઠવું બેસવું હોય, તેમ કોઈ પણ વ્યક્તિ જેને રામાયણનો ઉપરછલ્લો પરિચય હોય તે પણ કહી દે તેટલું ઝીણવટભર્યું કોપીકેટાઈઝેશન હતું.  

કહાની
એક ઉંચી પહાડી પર એક કદાવર વ્યક્તિ ચડેલો છે. તે ત્યાંથી કૂદકો મારે છે અને વાર્તાની શરૂઆત થાય છે. નામ છે બીરા. બીરાએ લોકોને પરેશાન કરવામાં માસ્ટર ડિગ્રી લીધેલી છે. રોબિનહુડની ઈમેજ ધરાવતો બીરા પોતાના લોકોમાં સુપરહિરો તરીકે ઓળખાય છે. એસપી દેવ પ્રતાપ શર્માની પત્નીનું તે અપહરણ કરે છે. દેવ પ્રતાપ શર્મા પોતાની પત્નીને શોધવા માટે અને બીરાનો ખાત્મો બોલાવવા માટે જંગલમાં જાય છે. 

રાગિણી ભાગવાની ખૂબ કોશિષ કરે છે પણ બીરાની ચુંગાલમાંથી ભાગવું સહેલું નથી. તે ગમે તેમ કરી તેને પકડી રાખે છે. તેને મારવા ઈચ્છે છે પણ રાગિણીની આંખમાં ડર નથી. જેથી ડર પેદા કરી રાગિણીને મારવાની બીરા યુક્તિઓ ઘડવા માંડે છે. બીજી તરફ રાગિણી જે પહેલા માનતી હોય છે કે બીરા દ્રુષ્ટ વ્યક્તિ છે તે બાદમાં તેને સાચો માનવા લાગે છે. આખરે દેવને પત્ની તો મળી જાય છે પણ તે તેના ચારિત્ર્ય પર શંકા કરી ફરી તેને બીરાની પાસે મોકલે છે. બીરા પાસે રાગિણી જાય છે અને ત્યાં જ દેવપ્રતાપ બીરાનું એન્કાઉન્ટર કરી કહાનીનો ધ એન્ડ લાવી દે છે. 

સીતાના પોંઈન્ટ ઓફ વ્યૂથી
રામાયણના આ પ્રસંગને મણિરત્નમે સીતાના પોંઈન્ટ ઓફ વ્યૂથી દર્શાવ્યો છે. અંગ્રેજીમાં રાવણના એંગલથી રામાયણ અને ભીમના એંગલથી મહાભારત વાંચી ચૂક્યા છીએ. પણ માર્કેટમાં ઈંગ્લીશ નવલકથાઓ આવી તે પહેલા કાઢવામાં આવેલો આ સારામાં સારો એંગલ હતો. આ પહેલી વખત હતું કે રામાયણ સીતાની આંખોથી જોવાનું હતું.

ઓરિજનલી રામાયણમાં ૧૪ વર્ષના વનવાસની વાત હતી જ્યારે અહીં ૧૪ દિવસ બીરા સાથે રહ્યા બાદ રાગિણીને લાગે છે કે તે રાવણ નહીં પણ રોબિનહુડ છે. પરિણામે સત્ય અને અસત્ય વચ્ચેની લાઈન કેવી રીતે ધૂંધળી દેખાય તે અને તેની સાથે જોડાયેલા પ્રસંગોને દેખાડવામાં મણિરત્નમ ફુસ્સ થઈ ગયા.

રાગિણીનું બીરા અપહરણ શું કામે કરે છે  ? કારણ કે બીરાની બહેનના લગ્નના દિવસે જ પોલીસ તેને પકડવા આવે છે. બીરા તો ભાગી જાય છે પણ રહી બહેન, તો બહેનને પોલીસ ઉઠાવી જાય છે અને બળાત્કાર કરવાની કોશિષ કરે છે. બચવા માટે બહેને આત્મહત્યા કરી લે છે અને બીરા રિવેન્જની આગમાં તડપવા લાગે છે.

બીરાની બહેન પર જેટલા પણ સીતમ ગુજારવામાં આવ્યા હોય પણ બીરા પણ કંઈ દૂધે ધોયેલો નથી. કારણ કે બીરાએ પણ કંઈ કેટલાય પોલીસ ઓફિસરોનું ઢીમ ઢાળી દીધેલું હોય છે. ફિલ્મ ફસ્ટ હાફ સુધી પહોંચે ત્યાં સુધી રાગિણીના મનમાં બીરા એક વિલન છે બાદમાં તે હિરો બની જાય છે. હવે વિલન તેનો પતિ દેવ બને છે. જે ફસ્ટહાફમાં હિરો છે. મણિરત્નમે અહીં પાત્રોનું ઉર્ધ્વીકરણ કરી દર્શાવ્યું છે. સીતા બનતી રાગિણીનું અહીં પોલિગ્રાફ ટેસ્ટ એટલે મૂળ તો અગ્નિપરિક્ષા સમજવાની તે કરવામાં આવે છે.સ્ટોરી અને સ્ક્રિનપ્લે સિવાય રાવણ સિનેમેટોગ્રાફીમાં પણ એક અવ્વલ દરજ્જાની ફિલ્મ છે.

સંતોષ સિવનની સિનેમેટોગ્રાફીનો દરેક એંગલ સોઈમાં દોરો પરોવાય અને ચૂકી ન જવાય તે રીતે આંખોને ટાઢક આપે છે. સિનેમેટોગ્રાફી બાદ બીજી મોટી વાત કે મણિરત્નમનું લોકેશન પાવરફુલ છે. રાવણના અસુર યુગમાં જ પહોંચી ગયા હોઈએ તેવું લાગે. રામાયણની પૃષ્ઠભૂમિ દક્ષિણ જ છે એટલે અહીં કર્ણાટકનું તુમકુર, કેરળનો એથિરપીલ્લી ફોલ, ઉંટી, ધર્મપુરી, કોલકત્તા, ઝાંસી, મહાબળેશ્વર, મહારાષ્ટ્રનો માલસેજ ઘાટ લેવામાં આવ્યા છે. એક રીતે જ્યાં જ્યાં ઘનઘોર જંગલ હતું ત્યાં ત્યાં રાવણ પહોંચ્યો છે. ફિલ્મને શૂટ કરવામાં વાર પણ એટલા માટે લાગી કે જંગલના મચ્છરો મણિરત્નમને કરડી જતા તેઓ લાંબા સમય સુધી બીમાર પડી ગયા હતા.

મણિરત્નમને વરસાદ સાથે જૂનો નાતો છે. ગુરૂમાં બરસો રે મેઘા મેઘા જ્યાં શૂટ થયું હતું એ જ લોકેશનને તેઓ રાવણમાં ફરી લાવ્યા છે. મોનસૂન ગીત શૂટ કરવાની વાત બાજુમાં રહી પણ મણિરત્નમે તો આખે આખી ફિલ્મ જ ચોમાસામાં શૂટ કરી લીધી છે. 

અભિનય
એક સારી ફિલ્મમાં અભિનય કરવાની તક હોવા છતાં એ અવસરનો લાભ અભિષેક બચ્ચન નથી ઉઠાવી શક્યો. બીજી તરફ સાઉથમાં વિક્રમે વિરાના કિરદારમાં એ તકને દોડતા ઘોડા પર ચડી ઉઠાવી લીધી હતી. ફિલ્મના પહેલા સીનમાં જ્યાં અભિષેકની રોષ ભરેલી ઈમેજનો ઓડિયન્સને પરચો મળવો જોઈએ તે નથી મળતો. તેની તુલનાએ સામે વિક્રમનો રાવનનમાં અભિનય જોશો તો સવાલ પૂછવાનું મન થશે કે રાવણનો રોલ પ્લે કરવા માટે વિક્રમે કયુ ઈન્જેક્શન પોતાની ચામડીમાં ભરાવ્યું ? ગોવિંદા હનુમાનના કિરદારમાં ફની લાગે છે. 

ફોરેસ્ટ ઓફિસર તરીકે તેના પાત્રનું એડેપ્શન કરવું તે પણ ગમી જાય છે. પણ ગોવિંદાને આટલા ઉંચા કુદકા મરાવવાની જરૂર નહોતી. એશ્વર્યા મેકઅપ અને અભિનય બન્નેમાં છલકે છે. ઉપરના તમામ અભિનેતાઓ કરતાં પણ જેના માટે વાહ કહેવાનું મન થઈ જાય તે રવિ કિશન છે. એક સબળા સાઈડ વિલનના પાત્રમાં રવિ કિશન એક્ટિંગ શીખવી જાય છે. મૂળ તો ફિલ્મ આખી જેના ખભા પર હતી તે અભિષેક બચ્ચને જ દાંટ વાળી દીધેલો પરિણામે રાવણ કથાથી સારી હોવા છતાં અભિનયમાં ઝીરો પૂરવાર થઈ ગઈ.

મયૂર ખાવડુ 



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2mXY1Bv
Previous
Next Post »