
છેલ્લા કેટલાક સમયથી સ્ટાર કલાકારોના સંતાનો ઝપાટાભેર રૂપેરી પડદે આવી રહ્યાં છે. આમાંના કેટલાંક ઝળક્યાં છે તો કેટલાંકને ધારી સફળતા નથી મળી. પરંતુ ઘણાં સ્ટાર કલાકારોના સંતાનોએ તો હજી બોલીવૂડમાં પદાર્પણ સુધ્ધાં નથી કર્યું. આમ છતાં તેમની ખ્યાતિ ફિલ્મોમાં સફળ થયેલા નવોદિતોને આંટી જાય એવી છે.
અલબત્ત, સોશ્યલ મીડિયા પર. વાસ્તવમાં આ યુવાપેઢી ઇન્સ્ટાગ્રામનો ઉપયોગં બખૂૂબી કરી જાણે છે. તેમણે પોતાના ખાવાપીવાના, ફરવાના, પરિવાર સાથેના તેમ જ અન્ય ફોટા ઇન્સ્ટાગ્રામ પર મૂકીને મોટો પ્રશંસક વર્ગ ઊભો કર્યો છે. આજે આપણે હિન્દી ફિલ્મોદ્યોગના અગ્રણી કલાકારોના આવાં કેટલાંક સંતાનોની વાત કરીએ.
સંજય દત્તની પહેલી પત્નીની પુત્રી ત્રિશલા દત્ત ઇન્સ્ટાગ્રામ પર છવાયેલી રહે છે. તેનું ઇન્સ્ટાબાયો છે 'સાઇકોથેરપિસ્ટ.ગ્લેમેઝોન.લાયનેસ' આ પ્લેટફોર્મ પર અઢી લાખથી પણ વધુ પ્રશંસકો ધરાવતી ત્રિશલાનું અકાઉન્ટ ખાણીપીણી અને પ્રવાસના ફોટાઓથી છલકાય છે. ક્યારેક ક્યારેક તે લાઇફ કોટ્સ પણ લખે છે. તેને તેના ચાહકો વોટર બેબી તરીકે ઓળખે છે.
તેના સ્વીમસુટના ફોટા અત્યંત વ્યવસ્થિત રીતે પાડેલા જોવા મળે છે. પિતા સંજય દત્ત સાથે પણ તેના ઘણાં ફોટા છે. જોકે તેની સાવકી માતા માન્યતા દત્ત અને સાવકા ભાઇબહેન શહરાન અને ઇકરા સાથેના તેના ફોટા મર્યાદિત છે. માન્યતા દત્ત સાથે ઇન્સ્ટાગ્રામ પર તેને સારી દોસ્તી છે. અને બંને એકમેકની પોસ્ટ પર સારી સારી કોમેન્ટ્સ પણ આપે છે.
જોકે ત્રિશલા તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર નેલ આર્ટના સુંદર ફોટા પોસ્ટ કરતી રહે છે. પરંતુ તે તેને ટ્રોલ કરનારાઓને જડબાતોડ જવાબ આપવામાં પણ પાવરધી છે. તેણે ફોરેન્સિક સાયન્સમાં સ્પેશ્યલાઇઝેશન કર્યું છે.અને તેમાં પ્રેક્ટિસ પણ કરે છે. આ દત્તપુત્રી દુનિયાભરમાં ઘૂમી છે.
જેકી શ્રોફની દીકરી કૃષ્ણા પણ ઇન્સ્ટાગ્રામ પર ખાસ્સી સક્રિય છે. ૨૫ વર્ષીય કૃષ્ણાનું ઇન્સ્ટા બાયો છે 'પેરાડિસમ'. ફોલોઅર્સની સંખ્યા બાબતે તેણે ત્રિશલાને પાછળ છોડી દીધી છે. તેના ફેન ફોલોઅર્સની સંખ્યા ત્રણ લાખ બાંસઠ હજાર છે. કૃષ્ણાને પોતાનું પરફેક્ટ ફિગર દર્શાવવાનો જબરો શોખ છે. તેથી તેણે પોતાના ગોવાથી કરીને ફૂકેટ અને મિયામી સુધીના સ્વીમસુટ પહેરેલા ફોટા પોસ્ટ કર્યાં છે.
એક વખત તેણે લગભગ ટોપલેસ કહી શકાય એવા કેટલાંક ફોટા પોસ્ટ કરીને હલચલ મચાવી દીધી હતી. જોકે ધીમેે ધીમે તેણે આ બધા ફોટા ડીલીટ કરી નાખ્યાં છે. આ સિવાય તે તેના ભાઇ ટાઇગર અને પિતા જેકી શ્રોફ સાથેના ઘણાં પિક્ચર્સ પોસ્ટ કરતી રહે છે. મઝાની વાત એ છે કે તેણે તેની પાળેલી બિલાડી સાથેના ફોટા પણ ઇન્સ્ટાગ્રામ પર મૂક્યાં છે. આ સિવાય તેણે કેટલીક બેસ્ટ સેલ્ફી પોસ્ટ કરીને પોતાના ચાહકોને ખુશ કરી દીધાં છે.
કૃષ્ણા ટેટૂ આર્ટમાં પાવરધી છે. અને જેમને ટેટૂ આર્ટમાં રસ હોય તે તેના આ ફોટા અચૂક જૂએ છે. આ સિવાય તેફિલ્ટર્સ પસંદ કરવામાં પણ પારંગત છે. તેના ગોગલ્સ બાબતે એક જૂઓ અને બીજું ભૂલો જેવો તાલ સર્જાય છે.
કૃષ્ણાએ પોતાની કારકિર્દીનો આરંભ ડોક્યુમેન્ટરી ફિલ્મમેકર તરીકે કર્યો હતો. પણ હાલના તબક્કે તે બાસ્કેટબોલ કોચ છે.
પૂજા બેદીની પુત્રી આલિયા ઇબ્રાહિમ પણ પબ્લિસિટીમાં રહેવા ઇન્સ્ટાગ્રામનો ભરપૂર ઉપયોગ કરે છે. 'સો મચ લાઇફ ઇન વન લિટલ વર્લ્ડ' ઇન્સ્ટા બાયો ધરાવતી આ માત્ર ૨૦ વર્ષીય સુંદરીએ અત્યાર સુધી ત્રણ લાખ ત્રેપન હજાર ફોલોઅર્સ બનાવી લીધાં છે. ઇન્સ્ટાગ્રામ પર તે ફેશનિસ્ટ તરીકે જાણીતી છે. અને તેના મોટાભાગના ફોટા પ્રોફેશનલી પાડેલા હોવાથી એકદમ વ્યવસ્થિત હોય છે. તેને પિત્ઝા અને અન્ય જંક ફૂડ અત્યંત પ્રિય છે. તે પોતાની માતા અને ભાઇ ઓમર સાથેના ફોટા પણ પોસ્ટ કરતી રહે છે.
જે લોકોને ફેશન, ખાસ કરીને સ્ટાઇલિશ પોશાક વિશે જાણકારી જોઇતી હોય તે આલિયા ઇબ્રાહિમને અચૂક ફોલો કરે છે. મોટાભાગના લોકો તેના પરિધાન જોવા માટે જ તેનું અકાઉન્ટ ચેક કરતાં હોય છે એમ કહીએ તો તે વધારે પડતું નહીં ગણાય.
આલિયાએ ન્યુયોર્ક યુનિવર્સિટીમાં ફિલ્મ ડાયરેક્શનનો અને ન્યુયોર્ક ફિલ્મ એકેડેમીમાંથી અભિનયનો કોર્સ કર્યો છે. અને હવે તે બોલીવૂડમાં આવવાની તૈયારી કરી રહી છે.
ચંકી પાંડેનો ૨૦ વર્ષીય ભત્રીજો અહાન પાંડે ભલે ઇન્સ્ટાગ્રામ પર ઝાઝો સક્રિય નથી. આમ છતાં આ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ પર તેના પોણા બે લાખથી પણ વધુ ફોલોઅર્સ છે. 'ઇરીસ બસ્ટાન્ટે ક્યુરીયોસો' ઇનસ્ટા બાયો ધરાવતા અહાને ઇન્સ્ટાગ્રામ પર અત્યાર સુધી માંડ ૩૬ જેટલી પોસ્ટ જ મૂકી છે.આમ છતાં તેની બધી પોસ્ટ ખૂબ પસંદ કરવામાં આવી છે. ખાસ કરીને યુવાન છોકરા-છોકરીઓ તેની પોસ્ટ બહુ પસંદ કરે છે. તેના રેસિંગ કાર દોડાવતાં ફોટા યુવાપેઢીને બહુ ગમ્યાં છે.
અહાને તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ૨૦ વર્ષની વયમાં ટક્સેડો સાથે બૉ ટાઇ કેવી રીતે પહેરાય તે પોતાના ફોલોઅર્સને સરસ રીતે બતાવ્યું છે. જોકે તે હજી કોલેજમાં અભ્યાસ કરે છે. સાથે સાથે મોડેલિંગ પણ કરે છે.
પાલોમા ઠકેરિયા ઢિલ્લન, એટલે કે પુનમ ઢિલ્લનની પુત્રી પણ ઇન્સ્ટાગ્રામ પર 'નન' ઇનસ્ટા બાયો સાથે છવાયેલી રહે છે. માત્ર ૨૨ વર્ષની ઉંમરે ૨૭.૫૦૦૦ ફોલોઅર્સ બનાવનાર પાલોમા ફિટનેસ ફ્રીક, ડોગ લવર, બેકપપેકર, યોગા એન્થુસિસ્ટ, ડાન્સર ઇત્યાદિ તરીકે જાણીતી છે. તે પોતાની માતા તેમ જ પાળતૂ શ્વાન સાથેના ઘણાં ફોટા આ સાઇટ પર મૂકતી રહે છે.
ચરબી ઘટાડવા માટેના ઉપાય જોવા હોય તો તેના ઇન્સ્ટગ્રામ અકાઉન્ટને ફોલો કરી શકાય. પાલોમા બોલીવૂડમાં આવવાની તૈયારી કરી રહી છે.
ગોવિંદાના પુત્ર યશવર્ધન આહુજાને ઇન્સ્ટાગ્રામ પર જૂઓ એટલે સહેજે થાય કે મોરના ઇંડા ચિતરવા ન પડે. ૨૧ વર્ષના સ્માર્ટ યશવર્ધને પોતાનું ઇન્સ્ટા બાયો રાખ્યું છે,'જજ ધ બુક બાય ઇટ્સ કવર'.
સામાન્ય રીતે યશ તરીકે ઓળખાતો ગોવિંદાપુત્ર પર્વતપ્રેમી છે. અલબત્ત, તે પરિવારપ્રેમી પણ છે. અને પોતાના માતા-પિતા-બહેન સાથેના ફોટા પોસ્ટ કરતો રહે છે. મઝાની વાત એ છે કે તે રિપ્ડ ડેનિમ જેટલી સહજતાથી ટક્સ પહેરી શકે છે. તેના પ્રશંસકોમાં છોકરાઓ કરતાં છોકરીઓ વધુ છે.
યશ હમણાં આસિસ્ટંટ ડાયરેક્ટર તરીકે કામ કરે છે. અને અભિનેતા બનવાની તક શોધી રહ્યો છે. તેને ઇમ્તિયાઝ અલી એને ડેવિડ ધવન જેવા ફિલ્મ સર્જકો સાથે કામ કરવું છે.
ફિલ્મી દુનિયા સાથે સંકળાયેલા લોકોના ઇન્સ્ટાગ્રામ પર સક્રિય સંતાનોમાં અનુરાગ કશ્યપની પુત્રી આલિયા કશ્યપ કદાચ સૌથી નાની છે. હજી શાળામાં અભ્યાસ કરતી માત્ર ૧૭ વર્ષની આલિયાએ 'નન' ઇન્સ્ટા બાયો હેઠળ એક લાખ બાર હજાર જેટલાં ફોલોઅર્સ ઊભા કરી લીધાં છે.
સેલ્ફી લેવામાં પાવરધી આલિયા તેના આ અકાઉન્ટ પર લખે છે કે સેલ્ફી લેવા માટે પુષ્કળ તડકો બેસ્ટ ગણાય. તેણે તેના પિતા સાથેના ક્રીક હોલીડેના ઘણાં ફોટા ઇન્સ્ટાગ્રામ પર મૂક્યાં છે. તેને પાર્ટીઓમાં જવાનો અને ફરવાનો ભારે શોખ છે. ફિલ્મોદ્યોગમાંથી સૈફ અલી ખાનના પુત્ર ઇબ્રાહિમ, શ્રીદેવીની નાની પુત્રી ખુશી સાથે તેને સારી મૈત્રી છે. વિંગ્ડ આઇલાઇનર બનાવવામાં પાવરધી આ સગીરાએ સનસેટના કેટલાંક ફોટા પોસ્ટ કરીને પોતાની ફોટોગ્રાફીનો પરિચય પણ આપ્યો છે. તે શાળામાં અભ્યાસ કરવા સાથે મોડેલિંગ પણ કરે છે.
જાવેદ જાફરીની દીકરી અલવિયા જાફરી પણ 'નન' ઇન્સ્ટા બાયો ધરાવે છે. સવા લાખ જેટલા ફોલોઅર્સ ધરાવતી અલવિયા પોતાને જાહ્નવી કપૂરની સખી ગણાવે છે. ફોટા માટે પોઝ આપવામાં પારંગત અલવિયા સેલ્ફી લેવામાં પણ એટલી જ હોંશિયાર છે. તેણે પોતાની ઢગલાબંધ સેલ્ફીઝ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર મૂકી છે.
અ સુંદરીને વેસ્ટર્ન અને ભારતીય બંને પોશાક પહેરવાની સારી ફાવટ છે. તે ન્યુયોર્કની પારસન્સ સ્કુલ ઓફ ડિઝાઇનમાં ભણે છે. અલવિયાને પિતાનો ડાન્સનો વારસો મળ્યો છે એમ કહીએ તો તે વધારે પડતું નહીં ગણાય.
દીપક તિજોરીની દીકરી સમારા તિજોરીએ પણ અન્ય ઘણી સુંદરીઓની જેમ પોતાનું ઇન્સ્ટા બાયો 'નન' જ રાખ્યું છે. ૨૨ વર્ષની સમારાને આ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ પર એક લાખ તેર હજાર લોકો ફોલો કરે છે. તેણે પોતાના અકાઉન્ટ પર સોકર રમતાં પુષ્કળ ફોટા પોસ્ટ કર્યાં છે.
એક જ સેલ્ફી અલગ અલગ રીતે પાડીને કેટલા સારા ફોટા મેળવી શકાય તે તેની પાસેથી શીખવા જેવું છે. બોલીવૂડમાં આવવાથી પહેલા તે એક્ટિંગ ક્લાસમાં અભિનયની તાલીમ લઇ રહી છે.
સુનિલ શેટ્ટીનો ૨૨ વર્ષીય પુત્ર આહન પણ આશ્ચર્યજનક રીતે 'નન' ઇન્સ્ટા બાયો ધરાવે છે. પોતાના પિતા જેવો બાવડેબાજ આહન ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ડોગ લવર અને બીચ બમ તરીકે જાણીતો છે. એક લાખ બે હજાર જેટલા ફોલોઅર્સ ધરાવતો આહન તેના ક્રિકેટથી લઇને ફૂટબોલ સુધીના સ્પોર્ટ્સ પ્રેમ , પ્રકૃતિપ્રેમ અને સંગીત પ્રત્યેના લગાવ માટે જાણીતો છે.
મહત્વની વાત એ છે કે તે બાવડેબાજ હોવા છતાં પોતાની વય કરતાં મોટો ન દેખાય તેને માટે સાવધાન છે. અમેરિકામાં અભ્યાસ કરનાર આહન હવે પોતાની બોલીવૂડ કરીઅરનો આરંભ કરવાની તૈયારી કરી રહ્યો છે. એમ કહેવાય છે કે તે ટૂંક સમયમાંંએક એક્શન ફિલ્મ સાઇન કરવાનો છે.
જોકે ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડેએ કરણ જોહરની ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર-૨' દ્વારા બોલીવૂડમાં પદાર્પણ કરી લીધું છે. માત્ર ૧૯ વર્ષની આ સુંદરીએ પોતાનો ઇન્સ્ટા બાયો 'ટેલ મી આઇ કાન્ટ ડુ સમથીંગ એન્ડ આઇ વિલ ડુ ઇટ ટ્વાઇસ' રાખીને પોતાના આત્મવિશ્વાસનો પરિચય આપ્યો છે. અને આટલી નાની વયમાં લગભગ ચાર લાખ જેટલાં પ્રશંસકોની ફોજ ઊભી કરી દીધી છે. તે પોતાના જિમમાં કસરત કરતાં ફોટા પોસ્ટ કરતી રહે છે.સ્ટાર કિડ્સમાં તેને સુહાના ખાન અને સનાયા કપૂર સાથે સારી મૈત્રી છે. તેવી જ રીતે તેનો પિતરાઇ અહાન પાંડે તેના ફોટામાં જોવા મળે છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2lUMXoJ
ConversionConversion EmoticonEmoticon