આણંદ જિલ્લામાં વરસાદના હળવાથી મધ્યમ ઝાપટાં વરસતા વાતાવરણ ઠંડુ


આણંદ, તા. 25 સપ્ટેમ્બર 2019, બુધવાર

છેલ્લા બે દિવસથી સમગ્ર આણંદ જિલ્લામાં મેઘરાજાએ વિરામ ફરમાવ્યા બાદ આજે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. કાળાડીબાંગ વાદળોથી આકાશ ઘેરાઈ ગયું હતુ અને થોડી જ મિનિટોમાં મેઘરાજાની એન્ટ્રી થઈ હતી.

આણંદ શહેર સહિત જિલ્લાભરમાં ઠેર-ઠેર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા વરસ્યા હોવાના અહેવાલ સાંપડયા છે. આગામી બે દિવસ દરમ્યાન વરસાદી ઝાપટા વરસવાનું ચાલુ રહેશે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.ગત સપ્તાહ દરમ્યાન સમગ્ર આણંદ જિલ્લામાં મેઘરાજાની પધરામણી થતા વરસાદી માહોલ જામ્યો હતો. જો કે છેલ્લા બે દિવસથી આણંદ જિલ્લામાં મેઘરાજાએ વિરામ ફરમાવતા ઉઘાડ નીકળ્યો હતો. બુધવાર સવારના સુમારે પણ સૂર્યદેવતાએ દર્શન દીધા હતા. સાથે સાથે મહત્તમ તાપમાનનો પારો પણ ૩૩ ડી.સે. સુધી પહોંચતા અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ રહેતા જિલ્લાવાસીઓએ બાફ અને ઉકળાટનો સામનો કર્યો હતો. 

જો કે બપોરના સુમારે સમગ્ર જિલ્લાના વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો. બપોરના ૨:૩૦ કલાકના આસપાસના સુમારે આકાશમાં કાળાડીબાંગ વાદળો છવાઈ ગયા હતા અને તેજ પવનો સાથે થોડી જ મિનિટોમાં મેઘરાજાએ પધરામણી કરી હતી. આણંદ શહેરમાં બપોરના સુમારે જોરદાર વરસાદી ઝાપટુ વરસતા શહેરના કેટલાક રાજમાર્ગો ઉપર પાણી ભરાઈ ગયા હતા સાથે સાથે નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાતા સ્થાનિકોને હેરાનગતિ ભોગવવી પડી હતી.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2lgM8Gs
Previous
Next Post »