
આણંદ, તા. 25 સપ્ટેમ્બર 2019, બુધવાર
આણંદ નગરપાલિકા દ્વારા પાલિકા વિસ્તારમાં કરાયેલ વિકાસના કામો અને પ્રતિમાના અનાવરણ તથા ખાતમુહુર્ત અને લોકાર્પણ સમારોહ પ્રસંગે ઉપસ્થિત રહેલા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સમગ્ર ભારત વિશ્વમાં રોલ મોડલ બને તે હેતુથી આણંદ જિલ્લાના દરેક ઘેર નલ સે જલ યોજના અંતર્ગત પાણી પહોંચે અને સમગ્ર ગટરોના પાણી એકત્ર કરી શુધ્ધીકરણ બાદ ઉદ્યોગ તેમજ ખેતીના કામમાં ઉપયોગમાં લેવામાં આવે તેમજ પાણીના એક-એક ટીપાનો સદ્ઉપયોગ થાય તેમ જણાવી આણંદ જિલ્લો આ કામગીરીમાં અગ્રેસર રહે તેવી આશા વ્યક્ત કરી હતી.
આણંદ નગરપાલિકા દ્વારા ભારતરત્ન અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઈની પૂર્ણ કદ પ્રતિમા લોટેશ્વર તળાવ ખાતે પ્રસ્થાપિત કરવામાં આવનાર છે. જેના ખાતમુહુર્ત તેમજ પંડિત દિનદયાલજીની પ્રતિમાનું અનાવરણ બાકરોલ ખાતે નવનિર્મિત ગોયા તળાવનું લોકાર્પણ તથા અમૂલ ડેરી રોડ સ્ટ્રોમ વોટર ડ્રેઈન તથા ફૂટપાથના ખાતમુહુર્ત સહિતના વિકાસના કામો પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી બુધવાર બપોરના સુમારે વેટરનરી કોલેજના મેદાન ખાતેના હેલીપેડ ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાંથી તેઓ આણંદ શહેરના વ્યાયમશાળા મેદાન નજીક આવેલ લોટેશ્વર તળાવ ખાતે પહોંચ્યા હતા અને ભારતરત્ન અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઈની પ્રતિમાનું ખાતમુહુર્ત કર્યું હતું. જ્યાંથી મુખ્યમંત્રી આણંદ નગરપાલિકા ખાતે પંડિત દિનદયાલ ઉપાધ્યાયની પ્રતિમાના અનાવરણ માટે આવી પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓએ આણંદની એમ.બી.પટેલ સાયન્સ કોલેજ ખાતે જાહેર સભાને સંબોધી હતી.
આણંદ નગરપાલિકાના જુદા જુદા વિકાસ કાર્યોના ખાતમુહુર્ત તેમજ અનાવરણ બાદ આણંદની એમ.બી.સાયન્સ કોલેજ ખાતે યોજાયેલ જાહેર સભાને સંબોધતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આણંદ નગરપાલિકાના વિકાસ કાર્યો અંગે આણંદ નગરપાલિકાના પ્રમુખ સહિત કાઉન્સીલરોને અભિનંદન આપ્યા હતા તથા જિલ્લા કલેક્ટર દ્વારા આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના પછાત વિસ્તારોના ગામડાઓના વિકાસ માટેની ઝુંબેશ હાથ ધરવા મામલે પણ જિલ્લા કલેક્ટરની કામગીરીને બિરદાવી હતી. ત્યારબાદ સરકાર દ્વારા કરવામાં આવેલ સમગ્ર રાજ્યના વિકાસ અંગેની રજૂઆત કરી હતી તેમજ પર્યાવરણની ચિંતા, પાણીની ચિંતા રાખી વિવિધ યોજનાઓ અંતર્ગત વરસાદી પાણીના બચાવ સહિત પર્યાવરણની જાળવણી માટેની પણ યોજનાઓ અમલમાં લેવામાં આવી હોવાનું જણાવી સરકાર દ્વારા રાજ્યના ૧૨ હજાર જેટલા તળાવોને ઉંડા કરી જમીનના ભૂસ્તરમાંથી પાણીના સ્તરને ઉંચુ લાવવાની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી છે.
આણંદ નગરપાલિકા દ્વારા ૧૦૦ ટકા ઘેર-ઘેર નલ સે જલ યોજના અંતર્ગત ઘેર-ઘેર પાણી પહોંચાડવાનું હું લક્ષ્ય આપું છું. તદઉપરાંત એસટીપી પ્લાન્ટ જલ્દીમાં જલ્દી પુરો કરી ગટરોનું પાણી શુધ્ધ કરી ઉદ્યોગો તથા ખેતવપરાશમાં લેવાનું આયોજન કરવામાં આવે અને આ કામગીરીમાં આણંદ સૌથી અગ્રેસર રહે તેવું હું આણંદ નગરપાલિકાને લક્ષ આપું છું.
વરસાદના કારણે કાર્યક્રમમાં અવ્યવસ્થા સર્જાઈ
આણંદ ખાતે વિકાસના કામોના લોકાર્પણ સમારોહ અને ખાતમુહુર્ત પ્રસંગે આવનાર મુખ્યમંત્રીના આગમનની થોડી મિનિટો પહેલા જ મેઘરાજાનું આગમન થતા કાર્યક્રમના સ્થળોએ થોડી મિનિટો માટે અવ્યવસ્થા સર્જાઈ હતી. શહેરના લોટેશ્વર તળાવ તેમજ એમ.બી.સાયન્સ કોલેજ જાહેર સભાના સ્થળે વરસાદી પાણી ભરાતા પ્રજાજનોને અનેક તકલીફોનો સામનો કરવો પડયો હતો. લોટેશ્વર તળાવ ખાતે ઉભા કરાયેલ ટેન્ટની આસપાસમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જોરદાર પવન ફુંકાવાના કારણે ટેન્ટ પણ તુટુ તુટુ થઈ ગયો હતો. જો કે સદ્નસીબે મેઘરાજાએ થોડા જ સમયમાં ખમૈયા કરતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
મુખ્યમંત્રીના આગમન પૂર્વે એક પણ ઢોર ન દેખાયા
છેલ્લા ઘણાં સમયથી આણંદ શહેરના રાજમાર્ગો ઉપર રખડતા પશુઓની સમસ્યા શિરદર્દ સમાન બની છે જેને લઈ અવાર-નવાર મીડીયામાં પણ અહેવાલો પ્રસિધ્ધ થયા છે પરંતુ પાલિકા સત્તાધીશોના પેટનું પાણી પણ આ મુદ્દે હાલતુ ન હોવાનો રોષ જાગૃતોએ વ્યક્ત કર્યો છે ત્યારે આજે મુખ્યમંત્રીની આણંદ મુલાકાત ટાંણે શહેરમાં રખડતા પશુઓની સમસ્યા ન સર્જાય તે માટે પાલિકાની ટીમ દ્વારા તાત્કાલિક ઢોર પકડો અભિયાન વેગવંતુ બનાવ્યું હતું. ખાસ કરીને શહેરના લોટીયા ભાગોળ વિસ્તારમાં રખડતા પશુઓનો ત્રાસ બેફામ છે ત્યારે આ વિસ્તારમાં જ ખાતમુહુર્ત કરવા માટે મુખ્યમંત્રી આવનાર હોઈ પાલિકાના સત્તાધીશો સફાળા જાગ્યા હતા અને ગણતરીની ગાયો પકડી આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવ્યા હોવાનો ડોળ કર્યો હતો.
ખાતમુર્હુતના સ્થળે પાણી ભરાતા તંત્ર ઉંધા માથે કામ લાગ્યું
મુખ્યમંત્રીના આગમન પૂર્વે મેઘરાજાનું આગમન થતા આણંદ શહેરમાં જોરદાર વરસાદી ઝાપટુ વરસ્યું હતું. જેને લઈ તંત્ર પણ વિમાસણમાં મુકાયુ હતું. જોરદાર વરસાદી ઝાપટુ વરસતા લોટેશ્વર તળાવ ખાતે ખાતમુહુર્ત કરવાના સ્થળની આસપાસ વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જો કે થોડી જ મિનિટોમાં વરસાદે વિરામ લેતા પાલિકાના સત્તાધીશો તુરંત જ કામે લાગી ગયા હતા અને સફાઈ કર્મીઓને તાત્કાલિક ઘટના સ્થળે બોલાવી ભરાયેલ પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેને લઈ હાજર લોકોમાંં આગ લાગે ત્યારે કૂવો ખોદવાની નગરપાલિકાની નીતિ અંગે રમૂજ વહેતી થઈ હતી.
મુખ્યમંત્રીના આગમન પૂર્વે ગંદકી ઢાંકવા તંત્રએ પડદા લગાવ્યા
''પરદે કે પીછે ક્યા હે...'' આણંદ મુકામે રાજ્યના મુખ્યમંત્રી વિકાસના કામોના લોકાર્પણ તથા ખાતમુહુર્ત પ્રસંગે હાજર રહેનાર હોઈ છેલ્લા બે દિવસથી પાલિકા તંત્ર કામે લાગી ગયું હતું. જો કે આણંદ શહેરમાં ઠેર-ઠેર સ્વચ્છ ભારત અભિયાનનું સુરસુરીયું સામાન્ય દિવસોમાં જોવા મળે છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રીને ગંદકી જોવા ન મળે તે હેતુથી શહેરના વ્યાયમ શાળા નજીકથી પસાર થતાં કાંસ પાસે ખડકાયેલ ગંદકીને ઢાંકવા માટે તંત્ર દ્વારા પડદો મારી દેવામાં આવ્યો હતો. સાથે સાથે મુખ્યમંત્રી જે વિસ્તારમાંથી પસાર થવાના હતા તે વિસ્તારોમાં પણ કેટલાક સ્થળે ગંદકી ખડકાયેલ હોય તેને ઢાંકવા માટે પણ આ જ યોજનાનો ઉપયોગ કરી પાલિકાના સત્તાધીશોએ સ્વચ્છ ભારત અંતર્ગત આણંદમાં સ્વચ્છતા પરાકાષ્ઠાએ હોવાના દર્શન મુખ્યમંત્રીને કરાવતા નગરજનો પણ નગરપાલિકાની આ કામગીરીથી આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
150 ટકા વરસાદ છતાં લોટેશ્વર તળાવ ન ભરાતા સત્તાધિશોને ટકોર
ભારતરત્ન અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઈની પ્રતિમાનું ખાતમુહુર્ત કરવા પધારેલ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખાતમુહુર્ત કર્યા બાદ લોટેશ્વર તળાવનું નિરીક્ષણ કર્યું હતું અને તળાવમાં પાણી ન હોવા મામલે પાલિકા પ્રમુખ સહિતના સત્તાધીશોને ટકોર કરી હતી. જો કે ચાલુ વર્ષે આણંદ તાલુકામાં લગભગ મોસમનો લગભગ ૧૫૦ ટકા જેટલો વરસાદ વરસી ચુક્યો હોવા છતાં તળાવમાં પાણી ન હોવાથી મુખ્યમંત્રીને આશ્ચર્ય થયું હતું. જે અંગે તળાવમાંથી અન્ય સ્થળે પાણી છોડવામાં આવ્યું હોવાનંમ પાલિકા સત્તાધીશોએ મુખ્યમંત્રી સમક્ષ ગાણુ ગાયું હતું.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2nmthKR
ConversionConversion EmoticonEmoticon