બ્રિજ ઉપરથી મહિસાગરમાં મોતની છલાંગ લગાવી પ્રેમીપંખીડાનો આપઘાત


આણંદ, તા. 25 સપ્ટેમ્બર 2019, બુધવાર

આંકલાવ તાલુકાના ઉમેટા પાસેથી પસાર થતી મહીસાગર નદી ઉપર આવેલ બ્રીજ ઉપરથી ગતરોજ રાત્રિ દરમ્યાન પ્રેમી પંખીડાઓએ મોતની છલાંગ લગાવી હોવાના અહેવાલ પ્રાપ્ત થતા પોલીસ તંત્ર દોડતુ થઈ જવા પામ્યું છે ત્યારે પોલીસ દ્વારા ઘટના સ્થળે દોડી જઈ મહીસાગરમાં તરવૈયાઓની મદદથી નોધખોળ હાથ ધરવામાં આવેલ છે.

આ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર આંકલાવ તાલુકાના ઉમેટા પાસેથી પસાર થતી મહીસાગર નદીના બ્રીજ ઉપર ગત રાત્રિ દરમ્યાન પ્રેમી પંખીડાઓએ મોતની છલાંગ લગાવી હોવાની બાતમી મળતા આંકલાવ પોલીસ મહીસાગર નદી ખાતે દોડી ગઈ હતી તથા બ્રીજ ઉપરથી મોટરસાયકલ તથા ચપ્પલ અને જરૂરી દસ્તાવેજો મળી આવ્યા હતા. પોલીસે તરવૈયાઓની મદદથી મૃતદેહોને શોધી કાઢવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે ત્યારે પોલીસને પ્રાથમિક તબક્કે બંને યુવક-યુવતી વડોદરાના હોવાનું જાણવા મળેલ છે.

આંકલાવ તાલુકાના ઉમેટા પાસેથી પસાર થતી મહીસાગર નદીના ઉપર આવેલ ઉમેટા બ્રીજ ઉપરથી આત્મહત્યા કરવાના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે વડોદરા જિલ્લા તરફથી તેમજ આણંદ જિલ્લાના કેટલાક લોકો દ્વારા આત્મહત્યા માટે ઉમેટા ખાતેનો મહી  બ્રીજ પસંદ કરવામાં આવે છે. ઉમેટા બ્રીજ ઉપરથી અવાર-નવાર આપઘાત કરવાની ઘટનાઓ નિરંતર  બનતી રહે છે ત્યારે સ્થાનિક લોકો દ્વારા ઉમેટા બ્રીજ ઉપર રાત્રિ દરમ્યાન સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા  તકેદારી રાખી ઉમેટા બ્રીજ ઉપરથી પસાર થતા વાહનચાલકો સહિત બ્રીજ ઉપર ફરવા આવનાર લોકોની પુછપરછ સાથેના પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

મહીના ધસમસતા પ્રવાહમાં ગરકાવ થઈ જતા મૃતકો

આંકલાવ તાલુકાના ઉમેટા પાસેથી પસાર થતી મહિસાગર નદીમાં પાણીનો પ્રવાહ ખૂબ જ પ્રચંડ હોવાને કારણે અવાર-નવાર ઉમેટા બ્રીજ ઉપરથી આપઘાત કરનાર મૃતકોની લાશો ધસમસતા પાણીમાં દુર દુર સુધી નીકળી જતા સ્થાનિક તરવૈયાઓ સહિત ફાયરબ્રિગેડની ટીમ તથા પોલીસને મૃતકોની લાશો શોધવામાં ભારે કસમકસવાળી સ્થિતિમાંથી પસાર થવુ પડે છે. મહિસાગર નદીમાં ઝંપલાવેલ પ્રેમી પંખીડાઓએ ગત રાત્રિ દરમ્યાન ડુબકી લગાવેલ હોઈ રાત્રિ તેમજ દિવસના સમય દરમ્યાન ધસમસતા પ્રવાહમાં સંપૂર્ણ દિવસ દરમ્યાન પોલીસે ખાસ તરવૈયાઓ દ્વારા બંને મૃતકોની શોધખોળ હાથ ધરવા છતાં તેમનો મોડી સાંજ સુધી ક્યાંય  પત્તો લાગ્યો ન હોવાનું આંકલાવ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2mLcAZb
Previous
Next Post »