ડાકોર પાલિકાના સફાઈ કામદારોનું સેનેટરી ઇન્સ્પેકટર સામે આવેદન


નડિયાદ,તા. 25 સપ્ટેમ્બર 2019, બુધવાર

ડાકોર નગરપાલિકામાં સફાઇ કર્મચારીઓની હાજરી પુરવા છતા એ.એસ.આઇ દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોવાની ફરિયાદ સાથે નગરપાલિકાના ટપાલ વિભાગમાં આવેદનપત્ર આપવામાં આવ્યુ છે. તો સામા પક્ષે પાલિકાના એ.એસ.આઇએ. સફાઇ કામદાર શ્રીકાંતભાઇ વિરુદ્ધ ડાકોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

અખિલ ભારતીય સફાઇ કામદાર સંઘ દ્વારા ડાકોર પાલિકામાં સફાઇ કામદારના પ્રશ્ને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.જેમાં જણાવ્યુ છે કે પાલિકાના એ.એસ. આઇ તરીકે ફરજ બજાવતા કમલેશભાઇ સેવક  સફાઇ કર્મચારીઓ પ્રત્યે અણછાજતુ વર્તન કરતા હોવાનું ઉપરાંત જાતિવિષયક શબ્દો તથા મનફાવે તેમ ગાળો છાશવારે બોલે છે.તેમજ સફાઇ કર્મચારીઓની હાજરી પૂરવા બાબતે તેમને દબાણમાં રાખવામાં આવે છે.આ એ.એસ.આઇ વિરુધ્ધ કોઇ કર્મચારી બોલી શકતો નથી. વળી સફાઇ કામદારોની હાજરી પુરવા માટે પૈસાની માંગણી કરતા હોવાનો પણ આક્ષેપ કર્યો છે.આવા કૃત્યોથી કંટાળેલા સફાઇ કામદારો પાલિકામાં આવેદનપત્ર આપવા ગયા હતા. 

પરંતુ ચીફ ઓફિસર ગેરહાજર હોવાથી પાલિકાના ટપાલ વિભાગમાં આવેદનપત્ર આપ્યું છે. જેમાં પાલિકાના એ.એસ.આઇ ને ફરજ પરથી દુર કરવાની માંગ કરી છે.ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ એ.એસ.આઇને ફરજ પરથી દુર કરાયા હતા.અને તેમનુ રાજીનામુ મંજૂર કરાયું હતુ.

સામા પક્ષે ડાકોર પાલિકાના એ.એસ.આઇ. કમલેશભાઇ સેવકે ડાકોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.જેમાં કમલેશભાઇ પાલિકામાં સેનેટરી ઇન્સપેકટર તરીકે ફરજ બજાવે છે.ગત્ તા.૨૩-૯-૧૯ ના રોજ  અમદાવાદ ખાતે સ્વચ્છતા અંગેની મીટીંગ હોવાથી તેઓ અમદાવાદ ગયા હતા.ત્યારે બપોરના ૧:૦૦ વાગ્યાના સુમારે પાલિકામાંથી કમલેશભાઇ પર ફોન આવ્યો હતો.અને જણાવ્યુ હતુ કે કર્મચારીઓની હાજરી પુરવા માટે જે બાયોમેટ્રીક મશીન લગાવ્યુ હતુ તે સફાઇ કામદાર શ્રીકાંતભાઇ ચીમનભાઇ હરિજન દ્વારા તોડી નાખવામાં આવ્યું  છે.જેથી કમલેશભાઇએ શ્રીકાંતભાઇ પર કાયદેસરની કાર્યવાહી કરવા અનુરોધ કર્યો છે.જ્યારે ડાકોર પોલીસે ફરિયાદ લઇ કાર્યવાહી હાથ ધરી છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2lOkil2
Previous
Next Post »