ટ્રાફિક જામ, ફ્રુટજામ કે મદિરાજામ - શેમાં છે વધુ મઝા !
- મહેશ માંકડ (અમદાવાદ)
- અમ તો ભઈ, 'અંજામ' પર નજર રાખનારા છીએ !
ધીરે ધીરે પરિચય વધતાં કોનું ઇન્વીટેશન સ્વીકારવું ? કુંવારીનું કે પરણેલીનું ?
- સંધ્યા ડી. પુરોહિત (અમદાવાદ)
- ઇન્વીટેશન પાછળનો હેતુ, પ્રકાર અને સમય જાણ્યા વગર તો અમે શું સલાહ આપીએ ?
ચંદ્ર પર જઇને પાણીનો કારબો ભરી લાવવો જોઇએ ?
- રસિક પઢિયાર (લાઠીસીટી)
- કારબો શું, ટેન્કર ભરી લાવોને, કોણ ના પાડે છે ?
પાડાના વાંકે પખાલીને ડામ ? કહેવત નેતા તથા જનતાને લાગુ પડે કે નહિ ?
- રાજેન્દ્ર કે. હાથી (વડોદરા)
- બસ આજવાત ચૂંટણી ટાણે ભૂલી જવાય છે ને મત આપી દેવાય છે ?
દિલ લગા ગધી સે પરી ક્યા ચીજ હૈ? આવું પુરુષ માટે કહેવાય છે તો સ્ત્રી માટે શું કહેવાય ?
- રક્ષિત વોરા 'ક્ષિતિજ' (ગાંધીનગર)
- પતિ મહેરબાન તો પત્ની પહેલવાન
- પત્ની નારાજ તો પતિતારાજ !
સરકારને સૌ પ્રથમ કર્મચારીઓની જ મોંઘવારી કેમ દેખાય છે ?
- ભાવસાર કનૈયાલાલ હરિભાઈ (વડનગર)
- કર્મચારીઓ રોજ એમનું કામ કરતા હોય છે. તમે તો પાંચ વર્ષે એકવાર કામ લાગો છો ?
અમેરિકામાં ૨૦૨૦માં પ્રેસીડેન્ટની ચૂંટણીમાં હિલેરીક્લીન્ટન ઊભા રહે અને સત્તા પર આવે તો ભારતને ફાયદો થાય કે નહીં ?
- કાંતિલાલ જેઠાલાલ ખખ્ખર (રાજકોટ)
- અમેરિકામાં કોઈ પણ પ્રેસિડેન્ટ સત્તા પર આવે, તે ભારતને ત્યારે જ ફાયદારૂપ બને, જેમાંથી અમેરિકાને કોઈ ફાયદો થવાનો હોય !
આ દેડકાં ચોમાસામાં જ કેમ ડ્રાઉં ડ્રાઉં કરતા હોય છે. ઉનાળા શિયાળામાં કેમ નહિ ?
- અમૃત કે. સોલંકી (બોટાદ)
- દેડકાઓના સમાજમાં ચોમાસામાં જ ચૂંટણી અને લગ્નગાળો એક સાથે આવે છે.
ભાજપનું કોંગ્રેસીકરણ થઇ રહ્યું છે કે કોંગ્રેસનું ભાજપીકરણ થઇ રહ્યું છે ?
- ધવલ સોની (ગોધરા)
- કોઈ કોઇનું કરણ કરતું નથી. માત્ર ચૂંટણી કરણ અને વેપારીકરણ થઇ રહ્યું છે. એમાં ભાજપ બાજી મારી ગયું છે. ભાજપે કોંગ્રેસ પાસેથી ગાંધીજી અને સરદાર પટેલ પડાવી લીધા પછી કોંગ્રેસના સભ્યો ખરીદી લેવામાં એમને અપ્રમાણિકતા આડે આવતી નથી.
સર્જિકલ સ્ટ્રાઇકમાં સવાલો પૂછવામાં અમદાવાદમાં પોસ્ટઓફિસમાં પોસ્ટકાર્ડ ખૂટી પડયા છે !
- અંબરિશ ડી. મહેતા (અમદાવાદ)
- તે ખૂટી જ પડે ને ? એક પ્રશ્નનો જવાબ મળે તે પહેલાં દસ દસ પત્રો લખી નાખતા હોય તો એમાં સર્જિકલ સ્ટ્રાઇકનો શો વાંક ?
અનીતિનું ધન દસકો ચાલે છે છતાં માનવ પોતાનું જીવન કેમ નીચોવી નાખે છે ?
- ડી.કે.માંડવિયા (પોરબંદર)
- અનીતિથી ધન કમાઈ લેનાર પોતાની જાતને નહિ, બીજાને નીચોવી નાખતા હોય છે !
લંકેશ (રાવણ) જેવો મહાજ્ઞાાની અને વિદ્વાન બ્રાહ્મણ આ જગતમાં કોઈ નથી છતાં આટલો બદનામ કેમ ?
- મણિબેન પટેલ (ઉંટડી-જિ. વલસાડ)
- રાવણની તમામ મહાનતા સામે સીતાહરણની નીચતા વધુ મહાન પુરવાર થઇ છે.
કાયદેસર લગ્ન થયા હોવા છતાં છૂટાછેડાનો પ્રસંગ કેમ આવે છે ?
- રામભાઈ ડી. મહેતા (ભાવનગર)
- એ માટે કાયદેસર લગ્ન સંબંધમાં ગેરકાયદે થતી વર્તણૂક જવાબદાર છે !
ઉઠમણા બેસણામાં કે પ્રાર્થના સભાઓમાં જેમ વધુ માણસો આવે એ મુજબ માણસ ઉમદા અને ઉપયોગી અથવા લોકપ્રિય ગણી શકાય ?
- વંદિતા નાણાવટી (રાજકોટ)
- આમાં મરનારની લોકપ્રિયતા ઉપરાંત મરનાર પાછળ જીવનાર સ્વજનો સાથેનાં સંબંધો પણ કામ કરતા હોય છે !
અધમ કાર્ય કરનાર અથવા મજદૂરને એની મજદૂરીના પૈસા ન આપ્યા હોય તો કૂતરા ગધેડાનાં અવતાર મળે ! જો એ સાચુ હોય તો એવા પશુઓની વસ્તી વધતી કેમ નથી ?
- ખુશબૂ માલવ મારૂ (રાજકોટ)
- કૂતરાઓની વધતી જતી સંખ્યાને નાથવા સરકારને કાયદા ઘડવા પડે છે અને તમે કહો છો વસ્તી વધતી નથી ! રાજકોટના કયા વિસ્તારમાં કૂતરા નથી ?
સાહેબ ! તમે કર્નલ થવાને બદલે કવિ થયા હોત તો ?
- હર્ષા જયદેવ બ્રહ્મભટ્ટ (મહેસાણા)
- થવું તો હતું ! શાયરી કરવાનાં અભરખા જાગે એવી ઉંમરમાંથી પસાર થવાનું થયું ત્યારે કોશિશ કરી જોઈ હતી ! આમેય તોપ ફોડવા મેદાન જોઇએ મુશાયરો નહિ ?
પ્રેમની ખરી વ્યાખ્યા શું ?
- અશોક કે. દરબાર (જૂનાગઢ)
- પ્રેમને પ્રેમ જ રહેવા દો, વ્યાખ્યાઓ પ્રેમને ચૂંથી નાખશે !
વરસાદ ચોમાસામાં જ વરસે એવું જ થોડું છે. એ તો શિયાળા અને ઉનાળામાં પણ વરસી જતો હોય છે.
- મકબૂલ ફિદાઅલી (મુંબઇ)
- શિયાળા-ઉનાળામાં વરસે એને વરસાદ ના કહેવાય. માવઠું કહેવાય !
દેશમાં ભયંકર મંદી હોવાની વાતો થાય છે તો પછી એની બૂમ કેમ સંભળાતી નથી ?
- ભદ્રેશ કે. ભટ્ટ (વડોદરા)
- તમે એ કેમ ભૂલી જાવ છો કે આપણે ભારતના નાગરિક છીએ. આપણને સહન કરતાં આવડે છે. બૂમ પાડવાની આદત નથી !
આજકાલ દેશમાં અઘોષિત કટોકટી હોવાનું કહેવાય છે. એ સાચી વાત ?
- મયૂર બી. રાયચંદાણી (રાજકોટ)
- ધીરે બોલો ! કોઈ સાંભળી જશે તો દેશદ્રોહનો થપ્પો લમણે લાગી જશે !
તમે બહુ સાચા જવાબો આપો છો. ઉડાઉ જવાબ નથી આપતા, તમે સુધરી ગયા હોય એમ લાગે છે !
- કૌશિક જે.પંડયા (ગોધરા)
- અમે તો એના એજ છીએ. આ વિભાગના વાચકો સુધરી ગયા છે. ઉડાઉ પ્રશ્ન હશે તો ઉડાઉ જવાબ મળશે.
પ્રેમ એક મહાન તત્ત્વ છે. જગતમાં પ્રેમનું જ મહત્ત્વ છે. તો પછી પ્રેમ કરનારને લોકો વગોવે શું કામ ? પ્રેમ કરવો શું ગુનો છે ?
- જયેન્દ્ર ચંદારાણા (અમરેલી)
- પ્રેમના અનેક પ્રકાર છે. તમે કયા પ્રકારનો પ્રેમ કરો છો એના પર બધો આધાર છે ! પ્રેમ કરનાર બધા વગોવાઈ જતા નથી. મોટાભાગે પરણી જતા હોય છે !
સર્જિકલ સ્ટ્રાઇક
વાચકો (માત્ર) સાદા પોસ્ટકાર્ડ પર સવાલ મોકલાવી શકશે. એમાં પોતાનું નામ, સરનામું અને મોબાઇલ નંબર લખવાનો રહેશે.
સવાલ પૂછવા માટેનું સરનામું :
'સર્જિકલ સ્ટ્રાઇક વિભાગ', ગુજરાત સમાચાર, ખાનપુર, અમદાવાદ- ૩૮૦૦૦૧.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2lVoGyE
ConversionConversion EmoticonEmoticon