સંસારીઓનો કર્મયોગઃ કાપવું-લણવું-ફોલવું-વણવું


આજે શહેરના માણસો રજાના દિવસે જે અર્થમાં સાવ ફ્રી હોય છે એ અર્થમાં ગામડાનો માણસ ક્યારેય નવરો નહોતો દેખાતો.

આજે યાંત્રિકતાએ કામ ઝડપથી ભલે બનાવ્યું પણ પેલા ગામના જરૂરિયાતવાળાઓનો ખ્યાલ ના કર્યો. એમને જે સહકાર મળતો હતો... ગામના પૈસા જે ગામમાં જ રહેતા હતા...

કાપવું-લણવું-વણવું-ફોલવું એ ગ્રામજીવનનાં જીવંત ક્રિયારૂપો. ત્યારે આ ત્રણેય ક્રિયારૂપોથી ગ્રામજનોનું જીવન ઝગમગતું હતું, આજે શહેરના માણસો રજાના દિવસે જે અર્થમાં સાવ નવરા હોય છે એ અર્થમાં ગામડાનો માણસ ક્યારેય નવરો નહોતો દેખાતો. એ કાં તો લણતો હોય, વણતો હોય, કે કંઈકનું કંઈક ફોલતો હોય, આવાં કામોને એ નવરાશનાં કામ ગણે અને કઠોર પરિશ્રમને મજૂરી માને.

જેમને જમીન ઓછી હોય, રોકડ રકમ ઘરમાં ખાસ નિયમિત રીતે આવતી ના હોય એવા માણસો ગામમાંથી કામ મેળવે. મોટા ખેડૂતો પાસે આ પ્રકારનાં કામો હોય... બાજરી, જુવાર કપાઈ ગયાં હોય, વઢાઈ ગયાં હોય એના પૂળા બંધાઈ ગયા હોય પછી એનાં બાજરિયા છૂટાં પાડવાની ક્રિયાને લણવું કહેવાય, પૂળા ઢોર માટે અલગ કરાય અને બાજરિયા ખળે ઢગલો થાય. બાજરી, જુવાર આ રીતે લણાતી... વીસ પૂળા લણો એટલે એક બાજરિયાાળો પૂળો તમને મળે... દિવસના પાંચ-સાત પૂળા એક માણસ ઘરે લઈ જાય. આ રીતે ગામનું ધાન ગામમાં રહેતું ગામમાંથી મજૂરી મળી રહેતી  સહકાર પણ આ રીતે અપાતો. બંનેનું કામ થાય.

જરૂરિયાતવાળાને પેટ જોગું મળી રહેતું અને કામ કરવાવાળાનું કામ થઈ જતું આજે તો યાંત્રિકતાએ કામ ઝડપથી ભલે બનાવ્યું પણ પેલા ગામના જરૂરિયાતવાળાઓનો ખ્યાલ ના કર્યો. એમને જે સહકાર મળતો હતો... ગામના પૈસા જે ગામમાં જ રહેતા હતા... તે ભાવના નષ્ટ થઈ ગઈ એટલે ગામનો મજૂર ગામમાં રહીને કરે શું ? કામ નથી ખાવું શું ? એને ગામ છોડવાની નોબત આવે.

ખેતરમાં કે વાડામાં છાંયે બેસી બાજરી, જુવારના પૂળા લણતાં લણતાં સુખદુઃખની જે વાતો થતી એમાં ગામનો મોભો હતો. સમૃદ્ધિ હતી. આજે એ ભાવના વગરનું ગામ થઈ ગયું છે એમ કહીએ કે એ ભાવના ઉપર... ફરી વળ્યું કે શું ? બાજરી કાપવી, ઘાસ કાપવું, લાકડાં કાપવાં જેવાં કામો.

ઉપરાંત કપાસનાં કાલા ફોલવા, મગફળી ફોલવી અને શાક માટે તુવેર ફોલવી આવાં ફોલવાનાં કામો ઘરે ઘરે હોય, બેનો નવરી પડે એટલે દિવાળી ટાણે, પ્રસંગ ટાણે વડી, પાપડ, સુવાળી વણે... ભેગાં થઈને વણે એટલે થાકી ન જાય અને બાજરી, જુવારના ડૂંડાં છૂટાં પાડે એટલે લણવાનું કામ કરે... પચાસ વરસ પૂરવે ગામડાની આ પ્રવૃત્તિ ઝગારા મારે. ગ્રામજીવનની રોજિંદી ઘટનાઓ... જમીનવાળાને ત્યાં અને જમીન વગરનાંને ત્યાં આ પ્રવૃત્તિઓ વધતે અંશે ચાલતી હોય.

માથોડા ઊંડા નેળિયામાંથી માથે ભારો લઈ આવતા જતા માણસો ઉકરડાના ખાતરથી અવરજવર કરતાં ગાડાં, હળ, ચાવેત, સમાર હાંકતા બળદો અને ખેડૂતો, ફૂલો-કોસનાં ચિત્રો દેખાતાં બંધ થઈ ગયાં છે. છાણિયા ખાતર ખેતરમાં ઠલવાતાં હોય એના નજીક નજીક પૂંજા પડે. એ પૂંજે પૂંજે સોનું પાથર્યું હોય જાણે બળદો ધીરે ધીરે ચાલે, પાવડે પાવડે પૂંજા પડે, વરસાદ પડે એટલે હળોતરા થાય... કંકુના ચાંલ્લાથી બળદો શણગારાય, ઓજારોની પૂજા થાય, ખેડૂતને તિલક થાય. સીમનો ચહેરો ચમકવાળો થઈ જાય. લીલુડી ધરતી સજીવન થાય, સીમ વાજતે ગાજતે વરસાદને અને ખેડૂતને વધાવે, બાજરી, તલ, ગુવાર, તુવેર એમ સાત ધાનનાં વાવેતર થાય.

ભાદરેડમાં કપાસ, એરંડા, જુવાર થાય ઢોર માટે ઘાસ પણ વવાય, વળી કપાસને ગાંગડુ કહે એની કેરી ફાટે એટલે એમાંથી કાલા ફાટયા એમ કહેવાય. એ કાલાં વીણવાના હોય. એ કાલાં ફોલાવવા પડે એમાંથી રૂ નીકળે, મજૂરી મળે, તો કાલાં ફોલે, ગામની ડોસીઓ પણ લઈ જાય .નવરાં કહેવાતાં ગામલોકો કાલા ફોલે. વજન દીઠ મજૂરી મળે ગામલોકોને રોજી રોટી મળી રહે. ખેડૂતનું કામ થાય.

જેમ લણવાનું એમ વડી, પાપડ, સુવાળી, અવસર ટાણે ક્યારેક પૂરી વણવાનો પ્રસંગ પણ આવે. એ બધામાં સહકાર મહત્ત્વનો બની રહેતો. વણવાનું કામ પણ વરસભર ચાલ્યા જ કરે. માણસો વાતો કરે પણ એમના હાથ ચાલતા જ હોય... હાથ ચાલ્યા કરે અને વાતો થયા કરે એવી આ પ્રવૃત્તિઓ જેનાથી ગ્રામજનો ગૂંથાયેલા રહેતાં. કેટલો બધો સહકાર !! પરસ્પરના સંવાદમાંથી આખું જીવન સંધાયેલું રહેતું. ખેતર અને ખેતી કેટકેટલા જીવોનો આધાર હતાં !

આવી પ્રવૃત્તિ જ નિરાળો કર્મયોગ બની રહેતી અને સંસારચક્ર ચાલ્યા કરતું.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2nwWX7V
Previous
Next Post »