
ગયા વર્ષે સાહસિક રીઆલિટી શો 'ખતરોં કે ખિલાડી'માં સહસ્પર્ધક રહેલા જસ્મિન ભસીન અને અલી ગોની પ્રેમમાં છે એવી વાતો વહેતી થયેલી. તેમાં વળી થોડા સમય પહેલા જસ્મિને એક રીઆલિટી શોના સેટ પર કહ્યું હતું કે તે અલી ગોનીને બિનશરતી પ્રેમ કરે છે. બસ, થઇ રહ્યું. લોકોએ તેની વાત પકડી લીધી અને તેમના પ્રેમમાં હોવાની વાતોને હવા મળી.
પરંતુ તાજેતરમાંં જસ્મિને એવો ખુલાસો કર્યો હતો કે તે અને અલી બહુ સારા મિત્રો છે. તે અલીના પ્રેમમાં નથી. તેણે વધુમાં કહ્યું હતું કે શો સર્જકોએ એ ભાગ એડિટ કરી નાખ્યો હતો જેમાં મેં કહ્યું હતું કે અમે બહુ સારા મિત્રો છીએ. અને મેં એ વાત ક્યારેય નથી સંતાડી કે અમે ખૂબ સારા મિત્રો છીએ. અલી બહુ મીઠડો છે. પરંતુ અમારી મૈત્રી રોમાંટિક નથી.
હું નથી માનતી કે આજની તારીખમાં સ્ત્રી-પુરુષની મિત્રતાને માત્ર એક જ નજરે જોવામાં આવે. કોઇપણ સ્ત્રી-પુરુષ રોમાંસ કર્યા વિના પણ સારા મિત્રો હોઇ શકે. વળી અમે બંને કલાકારો છીએ એટલે અમારી વાતને તુરંત હવા મળી. પરંતુ તમે તમારા રોમાંટિક પાર્ટનર સિવાય અન્ય કોઇને જે રીતે ચાહો એ રીતે જ અમે એકમેકને ચાહીએ છીએ. અમારી વચ્ચે પ્રેમ સંબંધ નથી. અને જે દિવસે હું કોઇના પ્રેમમાં પડીશ તે વખતે હું સ્વયં દુનિયાને તેની જાણ કરીશ. મને તેમાં સંતાડવા જેવું કાંઇ નથી લાગતું.
ચુંબન દ્રશ્યમાં ગભરામણ થઈ રવિ દુબેને
ધારાવાહિક 'જમાઇ રાજા'માં સાથે કામ કર્યા પછી નિઆ શર્મા અને રવિ દુબેને ફરી એક વખત સાથે કામ કરવાની તક મળી છે. અલબત્ત, એક વેબ સીરિઝમાં . કહાણીમાં વળાંક ત્યારે આવ્યો જ્યારે તેમાં ચુંબન દ્રશ્ય આપવાનું હતું. રવિને ચુંબન દ્રશ્ય આપવામાં એટલો બધો સંકોચ અને ગભરામણ થતાં હતાં કે તેણે કિસિંગ સીન કરવાની જ ના પાડી દીધી. શો સર્જકો પણ મુશ્કેલીમાં મૂકાઇ ગયા. છેવટે તેમણે રવિની પત્ની સરગુન મહેતાને બોલાવવાનો નિર્ણય કયો જેથી તે તેને આ સીન આપવા સમજાવે.
રવિએ આ બાબતે કહ્યું હતું કે મેં મારી દોઢ દશકની કારકિર્દીમાં ક્યારેય આવું દ્રશ્ય નથી આપ્યું. તેથી મને કેમેરા સામે ચુંબન કરતાં બહુ ગભરામણ થતી હતી. જોકે સરગુન ક્યારેય આવો સંકોચ નથી અનુભવતી. તેણે મને પણ આવા દ્રશ્યો આપતાં ક્યારેય રોક્યો નથી. મેં સરગુન ઉપરાંત મારી મમ્મી અને સાસુને પણ કહ્યું હતું કે મારે વેબ સીરિઝમાં કિસિંગ સીન આપવાનું છે.
જોકે હું આ દ્રશ્ય આપી શક્યો તેનો સઘળો યશ મારી સહઅભિનેત્રી નિઆ શર્માને ફાળે જાય છે. તેણે મને કમ્ફર્ટેબલ બનાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. તેની કામ પ્રત્યેની કટિબધ્ધતાને હું સલામ કરું છું. તેણે વધુમાં કહ્યું હતું કે પછીથી જ્યારે મેં ટ્રેલરમાં એ દ્રશ્ય જોયું ત્યારે મને એમ થયું કે સીરિઝ માટે તે જરૂરી હતું.અને નિઆની મદદ વિના હું તે ક્યારેય ન આપી શક્યો હોત.
ટીવી પર કામ કરવું અઘરું છે: અનિરુધ્ધ દવે
'વો રહનેવાલી મહલોં કી', 'મેરા નામ કરેગી રોશન' જેવી ઘણી ધારાવાહિકોમાં જોવા મળેલો અનિરુધ્ધ દવે એકદમ સિધ્ધાંતવાદી છે.ખાસ કરીને કામ બાબતે તે કોઇ બાંધછોડ નથી કરતો. તે કહે છે કે ટચૂકડા પડદે કામ કરવું સહેલું નથી. તેના માટે તમારે દિવસ-રાત એક કરવા પડે છે. અને આ વાત અમિતાભ બચ્ચન પણ માને છે. તેમણે 'યુધ્ધ' શો કર્યો હતોતેથી તેઓ ટી.વી.ના સમયપત્રકથી સુપેરે વાકેફ છે. તેમણે મને કહ્યું હતું કે હું બહુ સારું કામ કરું છું.
અભિનેતા વધુમાં કહે છે કે ટચૂકડા પડદાના ઘણાં કલાકારો માત્ર નામ-દામ માટે જ કામ કરે છે. અને જે લોકો કિર્તી-કલદાર માટે જ કામ કરે છે તેમને હું કલાકારો જ નથી માનતો. તમને તમારા કામ પ્રત્યે ખરા હૃદયથી લગાવ હોવો જોઇએ. અત્રે ઉલ્લેખનીય છે કે અનિરુધ્ધ જેટલો ટી.વી. પર છવાયેલો રહે છે એટલો જ રંગમંચ પર પણ જાણીતો છે. ખરેખર તો રંગમંચ તેનો પહેલો પ્રેમ છે. તેને એ વાતનો આનંદ છે કે મૌની રોય, મૃણાલ ઠાકુર જેવી અદાકારાઓને ફિલ્મોમાં કામ મળી રહ્યું છે.
તે આ બાબતે કહે છે કે આઅભિનેત્રીઓએ ખરેખર બહુ મહેનત કરી છે. અને તેમની ટેલેન્ટને પગલે તેમને ફિલ્મોમાં કામ મળી રહ્યું છે. વળી હવે આ બંને માધ્યમો વચ્ચેની ભેદરેખા પાતળી થતી જાય છે. જોકે તે પોતે ફિલ્મોમાં જવા ખાસ ઇચ્છુક નથી.તે કહે છે કે ફિલ્મોમાં કામ કરવું હોય તો લાંબો બ્રેક લેવો પડે. અને હું ક્યારેય બ્રેક લેવાના હકમાં નથી હોતો. મારો એક ટી.વી. શો પૂરો થાય અને બીજો શરૂ થાય તેની વચ્ચેના સમયમાં પણ હું વેબ સીરિઝ કરી લેતો હોઉં છું.
શશાંક વ્યાસને નથી થવું નાગ
મર્દ કા નયા સ્વરૂપ'માં જોવા મળેલો શશાંક વ્યાસ હમણાં નવું નવું શીખી રહ્યો છે. તે ફાજલ સમયને વેડફી નાખવાને બદલે પોતાની ટેલેન્ટને વિકસાવવામાં વ્યસ્ત છે. અલબત્ત, તેને ઘણાં રીઆલિટી શોઝ તેમ જ અન્ય શોઝની ઓફરો આવે છે. પરંતુ તે કરવા ખાતર કોઇપણ શો કરવા નથી ઇચ્છતો.
તે કહે છે કે મને સુપરનેેચરલ શોમાં નાગ-નાગિન-માખી ઇત્યાદિ થવામાં જરાય રસ નથી. મેં ક્યારેય કોઇ મનુષ્યને આવા રૂપમાં તબદીલ થતાં નથી જોયાં.તેથી મને આવી સિરિયલો કરવામાં કોઇ રસ નથી. તેવી જ રીતે મને 'ઝલક દિખલા જા' સિવાયના કોઇ રીઆલિટી શોમાં કામ કરવાની પણ ઇચ્છા નથી. તે વધુમાં કહે છે કે જો કોઇ એમ માનતું હોય કે મેં બ્રેક લીધો છે તો તે તેની ભૂલ છે. વાસ્તવમાં હું કોઇક પડકારજનક રોલની રાહ જોઇ રહ્યો છું.
અલબત્ત, મને કોઇ ડિજિટલ શો કે ફિલ્મની ઓફર આવશે તો તે પણ હું કરીશ. શરત માત્ર એટલી કે મને તેમાં સારો રોલ મળવો જોઇએ. અને તેની કહાણી દમદાર હોવી જોઇએ. એ વાત સર્વવિદિત છે કે ડિજિટલ શોમાં અંગપ્રદર્શન વધુ પ્રમાણમાં હોય છે. જોકે શશાંકને કારણ વગર પડદા પર કપડાં ઉતારવામાં જરાય રસ નથી. તે કહે છે કે હું સારી કહાણી હોય તો જ ડિજિટલ શો કરવા તૈયાર છું. અને તેમાં પણ જો સ્ક્રીપ્ટની માગ હોય તો જ મને દેહપ્રદર્શન કરતાં દ્રશ્યો આપવામાં વાંધો નથી. બાકી માત્ર મને કપડાં ઉતારવા શો કરવા મળતો હોય તો હું તેને માટે બિલકુલ રાજી નથી.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2n0Kg52
ConversionConversion EmoticonEmoticon