રાગિણી ખન્ના: અદાકારા ગ્રે રોલમાં પણ જામી ગઈ છે


રાગિણીએ  તેની તાજેતરની  ફિલ્મમાં  મર્ડરરની ભૂમિકા  ભજવી  છે,  અભિનેત્રી  આ બાબતે  કહે  છે કે આ ફિલ્મની કહાણી ડાર્ક હોવા છતાં ભૌતિક  દુનિયા  વિશે  ઘણું કહી જાય  છે. 

ટચૂકડા  પડદે  સંખ્યાબંધ  ધારાવાહિકોમાં  ખુશમિજાજ  યુવતીઓના  રોલ ભજવનાર  અભિનેત્રી  રાગિણી  ખન્નાએ  'તીન થે ભાઈ'  (૨૦૧૧)  અને 'ગુડગાંવ' (૨૦૧૭)  જેવી  ફિલ્મોમાં  પણ પોતાની  અભિનય ક્ષમતાનો પરચો  આપ્યો  છે.  તાજેતરમાં  રજૂ  થયેલા  તેના ડિજિટલ  શોને બહોળો  પ્રતિસાદ  મળતાં  રાગણી  બહુ  ખુશ  છે.  જોકે નોંધનીય  વાત એ  છે કે  ટી.વી.  શોઝમાં  આનંદી  પાત્રો  ભજવતી  રાગિણીએ   ફિલ્મોમાં  નેગેટિવ  ભૂમિકાઓ  ભજવીને ચીલો ચાતર્યો  છે.

આ  બાબતે  અદાકારા  કહે  છે કે  ટચૂકડો  પડદો મનોરંજનનું  સૌથી  મોટું માધ્યમ  છે. આ મિડિયમ  દ્વારા  હું  કરોડો  લોકોના ચહેરા પર સ્મિત  રેલાવવાનું  કામ  કરું  છું. પરંતુ  ફિલ્મોમાં  નેગેટિવ  રોલ કરીને હું કલાકાર  તરીકે આગળ  વધી રહી  છું. વાસ્તવમાં  ખુશનસીબ  લોકોને જ આવી તક મળે.  મને એમ પણ  લાગે છે કે  લાંબા વર્ષો સુધી  સકારાત્મક  ભૂમિકાઓ  ભજવ્યા પછી મને નકારાત્મક  પાત્રોમાં  જોનારા  દર્શકો  ચોંકી જતા હશે. 

છેલ્લા  બે વર્ષથી રાગિણી  જાહેર  સમારંભો ઈત્યાદિમાં  ભાગ્યે જ  જોવા મળી   છે. ખાસ કરીને  વર્ષ ૨૦૧૭માં  તેની 'ગુડગાંવ' ને અપ્રતિમ  સફળતા મળી  ત્યાર  પછી. આ   બાબતે  અભિનેત્રી  કહે  છે કે હું વિવિધ  ક્ષેત્રે  સઘન તાલીમ લઈ રહી  છું.  આ  કારણે  જ હું મારા  વિવિધ પ્રકારના  પાત્રોને સારી રીતે  ન્યાય  આપી  શકું  છું.  મારા અભિનયને  તરાશવા  હું  લોકોને  મળું  છું,  સ્ક્રિપ્ટ્સ વાંચુ છું, વર્ક આઉટ  કરું  છું,  એક્ટિંગ  વર્કશોપ્સમાં  ભાગ લઉં  છું, ગીત- સંગીત નૃત્યની  પ્રેક્ટિસ કરું  છું.

તેવી જ  રીતે જિમમાં  પણ જાઉં  છું.  શારીરિક- માનસિક રીતે  ફિટ એન્ડ ફાઈન  રહેવા માટે  આટલું કરવું જરૂરી  છે.  આવી  સ્થિતિમાં મને જાહેર  સમારંભોમાં  જવા કે  અમસ્તા જ  ફરવા  નીકળી  પડવા  જેટલો સમય જ નથી હોતો.  તે વધુમાં કહે છે કે એક રીતે એ સારું જ  છે. જો હું અમસ્તા  જ ક્યાંક  નીકળી  પડું તો  પાપારાઝીઓ  મારો પીછો  કરે અને  મને  દર વખતે નવા નવા  કપડાં ખરીદવા - પહેરવાનું  ટેન્શન  રહે. પરંતુ હું  મારામાં જ આટલી બધી  વ્યસ્ત  રહેતી  હોઉં તો પાપારાઝીઓ   મારી પાછળ ફરી ફરીને થાકી જાય.

રાગિણીએ  તેની તાજેતરની  ફિલ્મમાં  મર્ડરરની ભૂમિકા  ભજવી  છે,  અભિનેત્રી  આ બાબતે  કહે  છે કે આ ફિલ્મની કહાણી ડાર્ક હોવા છતાં ભૌતિક  દુનિયા  વિશે  ઘણું કહી જાય  છે. આજના જમાનામાં પૈસા પાછળ અંધ બનેલો માનવી  એટલી નિમ્ન કક્ષાએ  પહોંચી ગયો છે જ્યાં  માતા જ પોતાના સંતાનોને  સામૂહિક  હત્યાઓ  કરવાનું શીખવે  છે. 

આવા  રોલ કરવા પણ  હિમ્મત  જોઈએ. મને એ વાતનો  આનંદ  છે કે આ નેગેટિવ  કહાણી  પણ  દુન્યવી  સુખ પાછળ  દોડતા  સમાજ  માટે  ઘણું  કહી જાય  છે. વળી  તેમાં   મને  રાષ્ટ્રીય  પુરસ્કાર  વિજેતા સર્જકો  સાથે કામ કરવાની તક  મળી તે છોગામાં.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2lvJtJ5
Previous
Next Post »