હિડાલ્ગો: ઘોડાનાં વખાણ કરવાં કે ઘોડેસવારનાં?

ઘોડેસવારને પોતાનાં ઘોડાનું ગુમાન હોય એવી કથાઓ આપણી સંસ્કૃતિમાં અનેક જોવા મળે છે, પરંતુ તેનાં પર ફિલ્મો નથી બની. હોલિવૂડમાં બનેલી આ ફિલ્મ ઘોડા અને ઘોડેસવાર બન્નેની મર્દાનગી રજૂ કરે છે. ફ્રેન્ક હોપકિન્સ નામના ઘોડેસવારે જીવન દરમિયાન ઘોડેસવારીની ૪૦૦ જેટલી રેસ જીતી હતી, જેની કથા અહીં દર્શાવાઈ છે.

અમેરિકામાં ૨૦મી સદીની શરૂઆત સુધી તો ઘોડાનો વ્યાપક ઉપયોગ થતો હતો. વેસ્ટર્ન અમેરિકાના મેદાનોમાં રખડતા 'મસ્ટાંગ' પ્રકારના ઘોડાને જો ખમતીધર અસવાર મળે તો એવાં ઘોડા પાસેથી સર્વોત્તમ કામ લઈ શકાય. ફ્રેન્ક હોપકિન્સન નામના કાઉબોય પાસે એવો જ એક કાબરચિતરો મસ્ટાંગ હતો અને તેનું નામ 'હિડાલ્ગો' રાખ્યું હતું. મસ્ટાંગની ગણતરી હલકી નસ્લના ઘોડા તરીકે થતી ન હતી, માટે ઘણા ઘોડેસવારો મસ્ટાંગથી દૂર રહેતા હતા. પણ ફ્રેન્ક માટે તો જીવનમાં એકમાત્ર સાથીદાર હિડાલ્ગો જ હતો.

ફ્રેન્ક પાસે કુલ મળીને બે કામ હતા, વિવિધ અશ્વ-રેસમાં ભાગ લેવો અને રેસ ચાલતી ન હોય ત્યારે સરકાર માટે સંદેશાની આપ-લે કરવી. કેમ કે એ યુગ ૧૯મી સદીના અંત ભાગનો હતો. ત્યારે હજુ સંદેશાવ્યવહાર ખિલ્યો ન હતો. એ સંજોગોમાં એક સ્થળેથી બીજા સ્થળે લશ્કરી સંદેશાઓ પહોંચાડવાનું ઝડપી કામ ફ્રેન્ક કરી આપતો હતો, બેશક પોતાનાં પ્રિય ઘોડા હિદાલ્ગોની મદદથી.

ફ્રેન્ક-હિડાલ્ગોની ખ્યાતી અમેરિકાથી છેક અરબસ્તાન સુધી પહોંચી હતી. અરબસ્તાનમાં હજારો વર્ષથી 'ઑશન ઑફ ફાયર' નામની હોર્સ-રેસ યોજાતી હતી. એ સ્પર્ધાના આયોજક શેખ રિયાધ નામના ધનપતિ હતા. એમની પાસે ઉત્તમોત્તમ અરબી ઘોડાની ફોજ હતી.

હજારેક વર્ષથી ચાલતી આવતી અને આરબોના ગૌરવસમી રેસમાં અરબી ઘોડા ઉતરતા હતા અને વિજેતા થતા હતા. માટે જ્યારે જગતના સર્વોત્તમ ઘોડાની યાદી બનાવાની થાય ત્યારે આવા કોઈ અરબસ્તાની ઘોડાની પસંદગી થાય એવું જ બધા આરબો ઈચ્છતા હતા. પણ શેખ રિયાધના કાને સમાચાર પડયા કે દુનિયાનો સર્વોત્તમ ઘોડો તો હિડાલ્ગો ગણાય છે!

શેખે પોતાના બે સાથીદારોને હિડાલ્ગોના માલિક ફ્રેન્ક પાસે મોકલ્યા અને કહ્યું કે ઘોડાને મળેલી સર્વોત્તમ અશ્વની ઓળખ હટાવી દો. એ માટે અમુક રકમ મળવાની હતી. ફ્રેન્ક એ માટે તૈયાર ન હતો માટે બીજી ઓફર આપી કે તો પછી અમારી રેસમાં ભાગીદાર થઈને ઘોડો ખરેખર ઉત્તમ નસ્લનો છે એવુ સાબિત કરો. અરબ જગતમાં અને દુનિયાના અન્ય ભાગમાં પણ સૌ ઘોડેસવારો જાણતા હતા કે રેતીના સળગતા સમુદ્ર જેવા રણમાં યોજાતી ૫ હજાર કિલોમીટર જેટલી લાંબી રેસ કોઈ સંજોગોમાં ફ્રેન્ક-હિડાલ્ગો જીતી ન શકે. હારી જાય એટલે પ્રતિષ્ઠા ગુમાવે.

આરબ પ્રતિનિધિઓના આશ્ચર્ય વચ્ચે ફ્રેન્ક હોપકિન્સે સ્પર્ધામાં ભાગ લેવાની ઑફર સ્વીકારી લીધી. આ સ્પર્ધામાં પહેલી વખત કોઈ બિન-આરબ ઘોડેસવાર અને અરબી ન હોય એવો ઘોડો ભાગ લેવાનો હતો, એ જાણીને ઘણાની આંખો પહોળી થઈ ગઈ. કેટલાકે તો એવી દુહાઈ પણ આપી કે આ તો ધર્મ વિરૂદ્ધનું કૃત્ય છે, પરંતુ તેનાથી ફ્રેન્કને કશો ફરક પડવાનો ન હતો. 

પહેલા ટ્રેનમાં અને પછી જહાજમાં સફર કરીને ફ્રેન્ક-હિડાલ્ગો રેસના સ્થળે અરબસ્તાનમાં પહોંચ્યો. શેખ રિયાધને સંતાનમાં એકમાત્ર દીકરી હતી, જઝિરા. શેખે જઝિરાને વચન આપ્યું હતુ કે જે સ્પર્ધા જીતશે, તેની સાથે તારા નિકાહ કરાવીશ. એવી વ્યાપક માન્યતા હતી કે સ્પર્ધા પ્રિન્સ બિન અલ રીહ તેના ઘોડા અલ-હટલ સાથે સ્પર્ધા જીતશે. પ્રિન્સ અલ જઝિરાનો કઝિન હતો અને કોઈપણ ભોગે લગ્ન કરવા માંગતો હતો. માટે પોતે સ્પર્ધા જીતે તેના કરતાં બીજું કોઈ ન જીતે એ વાતની તેને ચિંતા વધુ હતી. એ સંજોગોમાં ફ્રેન્કના આગમનથી ઝજિરાને આશાવાદ દેખાયો. 

અમેરિકાથી આવેલા અજાણ્યા ઘોડેસવાર ફ્રેન્કને પહેલા તો શેખ રિયાધે પોતાના તંબુમાં બોલાવી વિવિધ રીતે સમજાવટ આપી કે આ સ્પર્ધા બાળકોની રમત નથી, માટે આમાંથી તારા જેવા અજાણ્યાએ દૂર રહેવુું જ સારું. બીજા મહત્ત્વના ભાગીદાર બ્રિટિશ અશ્વ પ્રેમી મહિલા, લેડી ડેવનપોર્ટ હતા. તેમનો ઘોડો પણ રેસમાં ઉતરવાનો હતો અને વિજેતા બનવાનો દાવેદાર ગણાતો હતો.

જઝિરાને ફ્રેન્કના તંબુમાં જઈ ખાનગીમાં સલાહ આપી કે કઈ રીતે સ્પર્ધા જીતી શકાય. એ વખતે જ રિયાધને જાણ થઈને જઝિરા ફ્રેન્કના તંબુમાં છે. માટે ફ્રેન્કના હાથ-પગ બાંધી દેવાયા, સજા સંભળાવી દેવાઈ. પરંતુ સજાનો અમલ થાય એ પહેલા જ ગરબડ થઈ. શેખના જૂના દુશ્મન કાતિબે હુમલો કરી દીધો, જઝિરાનું અપહરણ કરી લીધું. 

ફ્રેન્કને સજા દેવાને બદલે શેખે નવું કામ સોંપ્યુ, જઈને કાતિબની કેદમાંથી જઝિરાને છોડાવી લાવે, તો સજા માફ. ફ્રેન્કે પડકાર ઉપાડી લીધો. પહેલા તો તેણે શેખની ટીમમાં રહેલા જ કાતિબના સાથીદારને ઓળખી બતાવ્યો. કોણ ગદ્દાર છે એ ખબર પડી પછી જઝિરાને ક્યાં કેદ કરી છે એ જાણી લેવાયું.

બે સાથીદારો સાથે ફ્રેન્ક રણ વચ્ચે કિલ્લામાં આવેલા કાતિબના કાફલામાં પહોંચ્યા અને થોડી વાર પછી જઝિરાને છોડાવી રવાના થયા. ફ્રેન્ક સંપૂર્ણપણે પરદેશી હોવા છતાં પોતાની આવડતથી આરબોમાં પણ લોકપ્રિય બનવા લાગ્યો. અલબત્ત, તો પણ બધાં એવુ માનતા હતા કે કોઈ પરદેશી આ સ્પર્ધામાં ભાગ લે યોગ્ય નથી.

આખરે સ્પર્ધાનો દિવસ આવ્યો. ફરીથી ઘણા લોકોએ ફ્રેન્કને સલાહ આપી કે આ રેસમાં ઉતરવા જેવું નથી. ફ્રેન્કે કોઈની સલાહ ન માની, સ્પર્ધા આરંભાઈ. પાંચેક હજાર કિલોમીટર લાંબી સ્પર્ધા કંઈ એક વખતમાં પૂરી થવાની ન હતી. વચ્ચે અનેક પડાવ હતા. દરેક પડાવે કેટલા ઘોડેસવાર પહોંચ્યા તેની ગણતરી થતી હતી.

રાતવાસો, ઘોડાને આરામ, ખોરાક-પાણી વગેરેના ઘણા વિશ્રામ હતા. થોડા દિવસ પછી શેખ પાસે સમાચાર પહોંચ્યા કે ૪૦થી વધુ ઘોડેસવાર પહેલા તબક્કાની સફરમાં જ માર્યા ગયા છે. કોઈ ભૂલા પડયા, કોઈ રેતીમાં દટાઈ ગયા, કોઈને તડકો આકરો લાગ્યો, કોઈ તોફાનમાં ફસાઈ ગયા... પરંતુ ફ્રેન્કની સફર અટકી ન હતી. 

ફ્રેન્કની સફર અટકાવવા માટે લેડી ડેવનપોર્ટે બીજી વ્યવસ્થા કરી હતી. તેણે થોડા લુંટારાને રસ્તામાં મોકલ્યા હતા, જેનું કામ ફ્રેન્કનો સમય બગાડવાનું હતું. જેથી કરીને એ રેસ પુરી કરી શકે તો પણ મોડો પડે. રણમાં ખાડો ખોદી, તેમાં હિડાલ્ગો ફસાઈ જાય, ફ્રેન્ક સ્પર્ધામાં મોડો પડે એવી ઝાળ બિછાવાઈ હતી. એમાં હિડાલ્ગોને ગંભીર ઈજા થઈ.

રણમાં મદદ કરનાર કોણ મળે? દરેક ઘોડેસવાર અલગ અલગ રસ્તે આગળ વધતા હતા. વળી કેટલા ઘોડેસવાર સ્પર્ધામાં ટકી રહ્યા હતા એ પણ રેસ પુરી થાય એ પછી જ જાણી શકાય. ખોરાક-પાણી વગર ફ્રેન્કની હાલત પણ બગડતી જતી હતી. માત્ર મનોબળના આધારે એ ટકી રહ્યો હતો.

રણમાં ઘાયલ હિડાલ્ગોની ફ્રેન્કે પોતાનાથી થાય એવી સારવાર કરી અને ફરીથી સફર આગળ ચાલી. અંતે છેલ્લા તબક્કા સુધી પહોંચવામાં સફળતા મળી. ફિનિશિંગ લાઈન દેખાતી હતી, ત્યારે જ ખબર પડી કે અરબી ઘોડો અલ-હટલ પોતાની સાથોસાથ દોડી રહ્યો છે. છેવટે તો બે જ ઘોડા ફિનિશિંગ લાઈન તરફ દોડી રહ્યા હતા અને એમાંથી એક વિજેતા થવાનો હતો. ઘડીક હટલ તો ઘડીક હિડાલ્ગો રેતીની ડમરી ઉડાવતા આગળ-પાછળ થઈ રહ્યાં હતા. પણ છેવટે તો હિડાલ્ગો જ મેદાન મારી ગયો...

એવુ કહેવાય છે કે ફ્રેન્ક હોપકિન્સ નામના કાઉબોય ઘોડેસવારે આજીવન ૪૦૦ જેટલી હોર્સ રેસ જીતી હતી. એમાં આ રેસ સૌથી મહાન અને સૌથી અઘરી હતી. અરબસ્તાનની ધરતી સિવાય જન્મ લીધો હોય એવો કોઈ અસવાર આ સ્પર્ધા જીતી શકે એ વાત કોઈ માનવા જ તૈયાર ન હતું, પણ ફ્રેન્કે પોતાની અને પોતાના ઘોડાની ક્ષમતા પૂરવાર કરી આપી હતી. 

આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત હોવાનો પ્રોડયુસર ડિઝનીનો દાવો છે, પણ ઈતિહાસના જાણકારો એવુ કહે છે કે આવડી લાંબી કોઈ રેસ અરબસ્તાનમાં યોજાતી ન હતી. યોજવાનું શક્ય પણ નથી. વળી ઈતિહાસના વિવિધ ગ્રંથોમાં પણ આવી રેસનો ખાસ ઉલ્લેખ નથી. માટે ખરેખર રેસ હતી કે કેમ એ વાત સાબિત કરવાની રહે છે. એ વાતને પડતી મૂકીએ તો ઘોડા અને ઘોડેસવારની મર્દાનગી રજૂ કરતી ફિલ્મ ભરપૂર મનોરંજક છે એ વાતમાં કોઈ શંકા નથી.

ગુજરાતી સાહિત્યમાં હાલાજી અને તેની ઘોડી પટ્ટીની પરાક્રમ ગાથા 'હાલાજી તારા હાથ વખાણું... કે પટ્ટી તારા પગ વખાણુ...' એ લોકગીત બહુ જાણીતું છે. એવી જ કથા આ ફિલ્મમાં જરા અલગ રીતે રજૂ થઈ છે. 

એક દૃશ્ય માટે ૫૫૦ ઘોડા!

ફિલ્મના અંતમાં દેખાતી રેસ માટે વિવિધ પ્રકારના ૫૫૦ ઘોડા વપરાયા હતા, એવી માહિતી મૂવી વેબસાઈટ 'આઈએમડીબી' પર આપવામાં આવી છે. દરમિયાન ફિલ્મના હીરો વિગોએ શૂટિંગ ખતમ થયા પછી વપરાયેલો ઘોડો ખરીદી લીધો હતો. ફિલ્મ તો મૂળ ઘોડા પર છે, પરંતુ વિવિધ પ્રકારના ૨૫ સજીવો ફિલ્મમાં વિવિધ તબક્કે જોવા મળે છે. જેમ કે એક તબક્કે તીડનું ટોળું આવે છે, જે માટે ૧૨૦ તીડનો ઉપયોગ કરાયો હતો. 

ડિરેક્ટર: જો જોન્સ્ટન

કલાકાર: વિગો  મોર્ટેનસેન, ઝુલૈખા રોબિન્સન, ઓમર શરીફ, લુઈસ લોમ્બાર્ડ

રિલિઝ: માર્ચ, ૨૦૦૪

લંબાઈ: ૧૩૬ મિનિટ



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2mZlQsO
Previous
Next Post »