
આણંદ, તા.28 સપ્ટેમ્બર 2019, શનિવાર
આદ્યશક્તિ માં અંબાની આરાધનાના પર્વ નવરાત્રિનો રવિવારના રોજથી પ્રારંભ થનાર છે. આણંદ શહેર સહિત જિલ્લાના ૩૪૯ ગામોમાં ૮૧૮ સ્થળોએ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયુ છે. આ તમામ સ્થળોએ નવ દિવસ યુવાધન ગરબાની રમઝટ બોલાવશે.
નવરાત્રિ પર્વને લઈને જિલ્લાના વિવિધ સ્થળોએ ગરબા ગ્રાઉન્ડ તૈયાર કરી દેવામાં આવ્યા છે. આબાલ-વૃધ્ધ સૌ માં શક્તિની આરાધનાના આ પર્વને લઈને ભારે થનગનાટ સાથે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો કે ચાલુ વર્ષે નવરાત્રિ પર્વ દરમ્યાન વરસાદની આગાહીને લઈ આયોજકો તેમજ ખેલૈયાઓ ચિંતા અનુભવી રહ્યા છે.
શારદીય નવરાત્રિમાં આદ્યશક્તિના મુખ્ય ત્રણ સ્વરૂપો માં સરસ્વતી, શ્રી લક્ષ્મીજી અને માં કાલીકાની પૂજા-આરાધના કરવામાં આવે છે. વેદોએ પણ શક્તિની ઉપાસનાનો મહિમા વર્ણવ્યો છે. માં જગદંબાની ઉપાસના શુધ્ધ સંપત્તિ અને સમૃધ્ધિને આકર્ષે છે. અખિલ જગત જનની માં અંબા પરમચેતના અને શક્તિનો અવતાર છે. આસો માસની શારદીય નવરાત્રિ એટલે દુર્ગામાંની શક્તિ અને આરાધનાનું પર્વ. અંબામાંની શક્તિ અને આરાધનાના આ પાવન પર્વની આણંદ-વિદ્યાનગર સહિત જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં રંગેચંગે ઉજવણી કરવા માટે તૈયારીઓ કરી દેવાઈ છે.
રવિવારના રોજથી શરૂ થનાર નવરાત્રિ પર્વને લઈ વિવિધ યુવક મંડળો દ્વારા ગરબા ગ્રાઉન્ડ તૈયાર કરી દેવામાંં આવ્યા છે. આણંદ શહેરમાં વિદ્યાનગર રોડ યુવક મંડળ, હાર્ટકીલર ગુ્રપ, સરદાર પટેલ યુવક મંડળ, બ્રાઈટ વિઝન ફાઉન્ડેશન, ડી.એન.હાઈસ્કૂલ કેમ્પસ ખાતે તેમજ ચામુંડા મંદિર, ભાથીજી મંદિર-જૂના રસ્તા, વહેરાઈ માતા, અંબા માતા મંદિર પાસેના ગ્રાઉન્ડ ખાતે ગરબાનું આયોજન કરવામાં આવેલ છે.
આ ઉપરાંત જિલ્લાના પેટલાદ, બોરસદ, તારાપુર, ખંભાત, સોજિત્રા, આંકલાવ, ઉમરેઠના શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં આયોજીત ગરબા મહોત્સવના વિવિધ સ્થળોએ નવરાત્રિની તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારના વિવિધ ગરબા ગ્રાઉન્ડ ખાતે બેઠક વ્યવસ્થા, સ્ટેજ તેમજ સંગીત પાર્ટીઓની તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. પર્વને લઈને યુવક-યુવતીઓ દ્વારા ટ્રેડીશનલ ડ્રેસ તેમજ આભૂષણોની ખરીદી પૂરજોશમાં કરવામાં આવી રહી છે. આણંદ-વિદ્યાનગર સહિત જિલ્લાના શહેરી વિસ્તારોમાં નવરાત્રિની ખરીદી નીકળી છે.
જો કે છેલ્લા ત્રણ દિવસથી સમગ્ર આણંદ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા વરસી રહ્યા છે ત્યારે ગરબા આયોજકોને ગરબા ગ્રાઉન્ડ તૈયાર કરવામાં અનેક તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા પણ આગામી તા.૨ ઓક્ટોબર સુધી વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવતા ગરબા આયોજકો સહિત ખેલૈયાઓમાં પણ ચિંતાની લાગણી વ્યાપી છે.
ખાસ કરીને આણંદ શહેરમાં આયોજીત મોટા ગરબા મહોત્સવના કેટલાક ગ્રાઉન્ડોમાં વરસાદી પાણી ભરાતા છેલ્લા બે દિવસથી ગરબા આયોજકોએ કમર કસી પ્રથમ દિવસથી જ ખેલૈયાઓ ગરબા રમી શકે તે માટેના પ્રયત્નો હાથ ધરી ગ્રાઉન્ડને તૈયાર કરવામાં આવ્યા છે. સાથે સાથે જિલ્લામાં નવરાત્રિ પર્વની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી વિવિધ સ્થળોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવનાર છે.
સાઈબાબા મંદિરે 71 ફૂટ ઊંચો ગબ્બર બનાવાયો
જગત જનની માં અંબાની આરાધનાના મહાન પર્વ નવરાત્રિનું ગુજરાતમાં અનેરું મહત્વ છે. નવરાત્રિ પર્વને લઈને આણંદ શહેેરના સાંઈબાબા મંદિર ખાતે ૭૧ ફૂટ ઉંચા ગબ્બરની રચના કરવામાં આવી છે. આ અંગે સાંઈ મંદિરના ટ્રસ્ટી જનકભાઈ પટેલે જણાવ્યું હતું કે અંબાજી સ્થિત ગબ્બર પર્વતની આબેહુબ પ્રતિકૃતિ તૈયાર કરવા માટે ૨૦૦૦ કિલોથી વધુ કંતાન, ૧૦ હજારથી વધુ લાકડાની વડીઓ સહિત લાકડાની પાટો અને પાતળી જાળીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ગબ્બરમાં દર્શનાર્થીઓ માટે માં અંબાની જ્યોત અને પાદુકાનું સ્થાપન કરાયું છે. આસો સુદ એકમથી શરદ પૂર્ણિમા સુધી સાંજના ૫:૦૦ થી રાત્રિના ૧:૦૦ કલાક દરમ્યાન ભક્તો અંબાજી જ્યોત સાથે વિવિધ પ્રકારની ૧૧ થીમના દર્શન કરી શકશે.
પોલીસ તંત્રએ એકશન પ્લાન બનાવ્યો
નવરાત્રિ પર્વને લઈને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે. તેમજ ગરબા મહોત્સવના વિવિધ સ્થળોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવનાર છે. પર્વને લઈને ૧ એસ.પી., પ ડીવાયએસપી, ૧૦ પી.આઈ., ૪૫ પી.એસ.આઈ., ૫૦૦ થી ૬૦૦ પોલીસ કર્મીઓ, ૧૩૦૦ હોમગાર્ડસ્, ૫૫૦ ગ્રામ રક્ષકના જવાનો, એસઆરપી તેમજ ૨૫ વાહનો રીક્વીઝીટ માટે ખડે પગે તૈયાર રહેશે. પોલીસ દ્વારા કેટલાંક સ્થળોએ વિડીયોગ્રાફી પણ કરવામાં આવશે. દરેક મોટા ગરબા સ્થળોએ ખાનગી સીક્યુરીટી દ્વારા વોચ ગોઠવાશે તેમજ મહિલા સુરક્ષા કર્મચારીઓ પણ તૈનાત કરાશે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2mJbCNb
ConversionConversion EmoticonEmoticon