
મારી કારકિર્દીમાં ઘણાં ચડાવઉતાર આવ્યાં આમ છતાં મને જે કામ મળ્યું તે ઘણું સરસ હતું. જોકે તે તરત જ ઉમેરે છે કે દરેક કલાકારની જેમ મને પણ સંઘર્ષ કરવો પડયો છે.
અભિનેત્રી કલ્કી કોચ્લીનને મનોરંજન જગતમાં આવ્યે એક દાયકો થઇ ગયો. તેણે આ ૧૦ વર્ષ દરમિયાન ઘણું રસપ્રદ કામ કર્યું અને ઘણાં ચડાવઉતાર પણ જોયા. તે કહે છે કે કોઇપણ કલાકારની કારકિર્દીમાં તડકીછાંયડી આવવી સહજ બાબત છે. મારી કારકિર્દીમાં પણ આવી. પરંતુ મને એ વાતનો આનંદ છે કે મને ઘણું રસપ્રદ કામ પણ કરવા મળ્યું. અને મારા દરેક કામ સાથે હું કલાકાર તરીકે મંજાતી ગઇ.
મહત્વની વાત એ છે કે કલ્કી ક્યારેય કોઇ એક માધ્યમને વળગી નથી રહી. તે નવા નવા માધ્યમોમાં કામ કરવાના પ્રયોગો કરતી રહી છે. પરિણામે તે અનુભવસમૃધ્ધ બની છે. તે કહે છે કે હાલના તબક્કે પણ હું જે જે કામ કરી રહી છું તેમાં કાંઇક હટકે છે. વળી આજની તારીખમાં કલાકારોને પોતાની ટેલેન્ટ બતાવવા જેટલાં વેગવેગળા માધ્યમો મળી રહ્યાં છે એટલાં અગાઉ નહોતા મળતાં. હું પણ જુદા જુદા માધ્યમોમાં કામ કરવાનો આનંદ લઇ રહી છું.
એ વાત સર્વવિદિત છે કે કલ્કી એક ઉમદા કલાકાર છે. આમ છતાં હિન્દી ફિલ્મોમાં તેને મુખ્ય ભૂમિકા કરવાની તક નથી મળી. અને તેને તેનો વસવસો પણ છે. તે કહે છે કે કોઇપણ કલાકારની જેમ હું પણ મુખ્ય ધારાની ફિલ્મમાં મુખ્ય નાયિકા તરીકે કામ કરવા માગું છું. અલબત્ત, હાલના તબક્કે મારું ધ્યાન મારા પરિવાર તરફ કેન્દ્રિત છે.
તે પોતાની એક દાયકાની અભિનય યાત્રાને મઝાની અને સંકલિત માને છે. તે કહે છે કે મારી કારકિર્દીમાં ઘણાં ચડાવઉતાર આવ્યાં આમ છતાં મને જે કામ મળ્યું તે ઘણું સરસ હતું. જોકે તે તરત જ ઉમેરે છે કે દરેક કલાકારની જેમ મને પણ સંઘર્ષ કરવો પડયો છે.
જોકે કલ્કીની સંઘર્ષની વ્યાખ્યા અન્ય કલાકારો કરતાં થોડી જુદી છે. તે કહે છે કે અલગ અલગ માધ્યમો વચ્ચે સંતુલન સાધીને કામ કરવું અને કામ પ્રત્યેની પ્રતિબધ્ધતા જાળવી રાખવી એ જ સૌથી મોટો સંઘર્ષ ગણાય. તે વધુમાં કહે છે કે હું થિયેટર, ફિલ્મો, વેબ સીરિઝોે ઇત્યાદિ સંખ્યાબંધ માધ્યમોમાં કામ કરું છું. સાથે સાથે લેખું પણ છું. અને આ બધા કામમાં સમયની વહેંચણી મહત્વની બની જાય છે.
કલ્કી હજી વધુ સારા રોલ કરવા માગે છે. તે કહે છે કે મને માત્ર શક્તિશાળી પાત્રો ભજવવા છે. મારો રોલ કેટલો લાંબો છે તેનાથી મને ઝાઝો ફરક નથી પડતો. હું જે ભૂમિકા ભજવું તે છાપ છોડી જાય એવી હોવી જોઇએ. પછી તે ભલે નાની કેમ ન હોય.
કલ્કી જે રીતે કામ કરતી રહે છે તે જોતાં ઘણાં લોકોને એમ થાય છે કે તે શું દિગ્દર્શન ક્ષેત્રે પણ હાથ અજમાવશે? આના જવાબમાં અદાકારા કહ ે છે કે મને દિગ્દર્શનમાં ખાસ રુચિ નથી. મને લખવાનું વધુ ગમે છે. હું કવિતાઓ પણ લખું છું. આ સિવાય મને નવી નવી ભાષાઓ શીખવી,ડાઇવિંગ, ટ્રેકિંગ અને અન્ય નવી પ્રવૃત્તિઓ કરવી ગમે છે.
એ વાત સર્વવિદિત છે કે કલ્કી અને અનુરાગ કશ્યપ છૂટાં પડી ગયાં છે. તેથી સામાન્ય રીતે લોકો એમ માને છે કે તે સિંગલ છે. પરંતુ જ્યારે તેને એમ પૂછવામાં આવે કે તું શું કોઇ રિલેશનશીપ માટે તૈયાર છે. ત્યારે તે કહે છે કે તમને કોણે કહ્યું કે હું સિંગલ છું. તેથી દાળમાં કાંઇક કાળું જરૂર છે. પણ શું અને કેટલું કાળું છે તે વાત હજી સુધી બહાર નથી આવી.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2nCBHh3
ConversionConversion EmoticonEmoticon