
નાના ભાઈ અમિતની કારકિર્દી ખોટકાઈ ન જાય એ માટે અજય પંઘાલે પોતાની બોક્સિંગ કારકિર્દીનું બલિદાન આપીને સૈન્યમાં નોકરી સ્વીકારી લીધી
સફળતાની એક કહાનીની પાછળ ઘણી બધી નિષ્ફળતા અને સંઘર્ષ છુપાયેલો હોય છે. વિજયશ્રીની વરમાળા સમાન ચંદ્રકને ધારણ કરીને દુનિયાની સામે ઉપસ્થિત થયેલા ધુરંધરોની પાછળ તેમનો પોતાનો વ્યક્તિગત પરિશ્રમ તો હોય જ છે, સાથે સાથે પરિવારજનો, મિત્રો તેમજ કોચીસની અથાગ મહેનત અને નિઃસ્વાર્થ મદદની ભાવના રહેલી હોય છે.
પોતાના માટે નહિ પણ પોતાની પાછળ ભોગ આપનારાઓ માટે સફળતાની ઝંખના કરતા ખેલાડીને ઘણી વખત તેની અપેક્ષા કરતાં પણ વધુ સફળતા મળતી હોય છે અને આ સફળતાનો આનંદ જ્યારે ખેલાડીની સાથે સાથે અન્યોમાં વહેંચાય છે, ત્યારે તે વિરાટ સ્વરુપ ધારણ કરી લે છે.
ભારતીય બોક્સિંગ જગતમાં સિમાચિહ્નરુપ ઓલિમ્પિક ચંદ્રક જીતનારા વિજેન્દરે તો હવે પ્રોફેશનલ જગતમાં ડગ માંડી દીધા છે. તેની વિદાય બાદ ભારતીય બોક્સિંગમાં જોવા મળી રહેલા એક પ્રકારના શૂન્યાવકાશને દૂર હટાવવાનું કામ ૨૩ વર્ષીય હરિયાણી બોક્સર અમિત પંઘાલ કરી રહ્યો છે.
રશિયાના ઈકેતારિનબર્ગમાં ખેલાયેલી વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપમાં ભારતીય સૈન્યના જવાન એવા અમિત પંઘાલે ૫૨ કિગ્રા વજન વર્ગમાં ઐતિહાસિક રજત ચંદ્રક હાંસલ કરી લીધો છે. છેલ્લી આશરે અડધી સદીથી રમાતી વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં અમિત ભારતનો એવો પહેલો પુરુષ બોક્સર બન્યો છે કે, જેણે ફાઈનલમાં મુકાબલો ખેલ્યો હોય અને રજત ચંદ્રક હાંસલ કર્યો હોય.
છેલ્લા ત્રણ વર્ષમાં અમિતે સાતત્યભર્યો દેખાવ કરતાં વિશ્વ સ્તરની સ્પર્ધાઓમાં ભારતનું નામ ગાજતું રાખ્યું છે. એશિયન ગેમ્સ અને ચેમ્પિયનશિપના બેવડા સુવર્ણ બાદ વિશ્વ ચેમ્પિયનશિપનો રજત ચંદ્રકે અમિતને ભારતીય બોક્સિંગ જગતમાં જ નહી પણ વિશ્વ સ્તરે અલગ જ ઉંચાઈએ પહોંચાડી દીધો છે.
છેલ્લા ત્રણ વર્ષમાં તેણે જુદી-જુદી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ચાર સુવર્ણ સહિત આઠ મેડલ્સ જીતી લીધા છે, જે તેના પાવરપંચની કુશળતાનું પ્રમાણ આપી રહ્યા છે. ભારતીય સૈન્યના જુનિયર કમિશન ઓફિસર તરીકે કાર્યરત અમિતને મહાર રેજિમેન્ટની ૨૨મી બટાલિયનમાં ફરજ સોંપવામાં આવી છે. જોકે તેણે દુનિયાભરની બોક્સિંગ રિંગમાં દિગ્ગજોને પછાડીને પોતાની શ્રેષ્ઠતા સાબિત કરવાનું બીડું ઝડપી લીધું છે.
પાંચ ફિટ અને નવ ઈંચ ઊંચાઈ ધરાવતો અમિત તેના કરતાં વધુ ઊંચાઈ ધરાવતા ધુરંધરોને પછડાટ આપી ચૂક્યો છે. તેના પાવરપંચ અને ચતુરાઈપૂર્વકની બોક્સિંગ લાજવાબ છે અને આ જ બાબત તેને દુનિયાના અન્ય બોક્સરો કરતાં ચઢિયાતો સાબિત કરે છે.
વૈશ્વિક સફળતાના પગલે ભારતીય બોક્સિંગ જગત પર છવાઈ ગયેલા અમિતની જિંદગીની સફર ભારે રોમાંચક બની રહી છે. હરિયાણાના રોહતકમાં એક ખેડૂત પરિવારમાં જન્મેલા અમિતે મક્કમ મનોબળને સહારે અનેકાનેક મુશ્કેલીઓનો સામનો કરતાં છેક વિશ્વ ચેમ્પિયનશિપ સુધીની સફર ખેડીને લાખ્ખો ખેલાડીઓને પ્રેરણા પુરી પાડી છે.
હરિયાણાના રોહતક નજીક આવેલા માયના નામના નાનકડા ગામમાં રહેતા વિજેન્દર સિંઘ અને ઉષા રાનીના પરિવારમાં નિર્ધારિત સમય પહેલા જન્મેલા અમિતનું બાળપણ દવાખાનાના આંટાંફેરામાં પસાર થયુ. અમિત બાળપણમાં છાશવારે બિમાર પડતો અને તેની હાલત જોઈને તેના પરિવારજનો ચિંતિત રહેતા.
જોકે છ વર્ષની ઉંમરે પહોંચ્યા બાદ તેના સ્વાસ્થ્યમાં જબરજસ્ત સુધારો થયો અને ત્યાર બાદ તેના માતા-પિતાનો જીવ હેઠો બેઠો. મોટાભાઈ અજયના પગલે શાળાએ જવા માંડેલા અમિતને ધીરે ધીરે બધી રમતોમાં રસ પડવા માંડયો. કુસ્તીબાજોની ભૂમિ તરીકે ઓળખાતા હરિયાણામાં બોક્સિંગની રમતે પણ આગવું પ્રભુત્વ જમાવી દીધુ છે અને તેનો સીધો લાભ પંઘાલ પરીવારને મળ્યો.
અજય અને અમિતના દાદા પહેલવાન હતા, પણ ત્યાર બાદ તાએ રમતમાં ખાસ રસ ન લીધો. સ્કૂલમાં અભ્યાસ દરમિયાન અજયે બોક્સિંગ શરુ કરી. હરિયાણી પરિવારમાં પરંપરા મુજબ એક્શન ફિલ્મો તરફ ભારે આક્રર્ષણ રહેતું. તેમાંય ધર્મેન્દ્રની ફિલ્મ હોય એટલે આખો પરિવાર સાથે બેસીને તેની મજા માણતો. આ જ પ્રકારે અમિત પણ ધીરે ધીરે બોક્સિંગ તરફ આકર્ષાવા માંડયો હતો. આ દરમિયાન જ અજયે હરિયાણાની રાજ્યસ્તરની બોક્સિંગ ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રક જીતી લીધો.
આ સુવર્ણ ચંદ્રકની ચમકથી અમિતની આંખો અંજાઈ ગઈ અને ત્યાર બાદ તેણે પણ ભાઈની સાથે સાથે બોક્સિંગની પ્રેક્ટિસમાં જવાનું શરુ કર્યું. શરુઆત આસાન નહતી, પણ ધીરે ધીરે તેની પ્રતિભામાં કોચ અનિલ ધનકરે રસ લેવા માંડયો. ધનકર પોતાના જમાનામાં રાષ્ટ્રીય સ્તરની બોક્સિંગમાં સુવર્ણ ચંદ્રક જીતી ચૂક્યા હતા અને હરિયાણામાં પોતાની નોકરીની સાથે સાથે યુવા બોક્સરોને તૈયાર કરતાં.
નાનકડા અમિતના કદ-કાઠી અન્ય બોકસરો જેવા નહતા, પણ તેની ચપળતાં અને ઓછી શક્તિ વેડફીને મહત્તમ પોઈન્ટ્સ મેળવવાની કુશળતાએ ધનકરને વધુ પ્રભાવિત કર્યા. જોકે પંઘાલ પરિવારની આથક મર્યાદામાં બે પુત્રોનું બોક્સિંગનું સ્વપ્ન પુરુ થઈ શકે તેમ નહતુ. શરુઆતના દિવસોમાં તો અજય તેના એક ભાઈબંધના જૂના બોક્સિંગ ગ્લોવ્ઝ લઈ આવેલો અને તેનાથી પ્રેક્ટિસ કરતાં કરતાં જ અમિતે સબ જુનિયર નેશનલ્સમાં સુવર્ણ ચંદ્રક જીત્યો અને આ પછી તેને નવા ગ્લોવ્ઝની જોડી મળી હતી.
અમિતની પ્રતિભાની વિશેષતા જોયા બાદ અજયે પોતાની કારકિર્દીનું બલિદાન આપવાનું નક્કી કર્યું. તેણે પરિવારને મદદરુપ થવા માટે બોક્સિંગ છોડીને ભારતીય સૈન્યની નોકરી સ્વિકારી લીધી. અમિતની મુશ્કેલીનો હજુ અંત આવ્યો નહતો. રાષ્ટ્રીય સ્તરની એજ ગ્રુપ ચેમ્પિયનશિપમાં સફળતા મેળવતા રહેતાં અમિતને એક નવી સમસ્યાનો સામનો કરવો પડયો.
તેના કોચ ધનકર સર રોહતક છોડીને ગોરેગાંવ (આજના ગુરુગ્રામ)માં શિફ્ટ થયા. અમિતે પણ તાલીમમાં વિઘ્ન ન આવે તે માટે ગોરેગાંવમાં વસવાનું નક્કી કર્યું. પરીવારથી દૂર થવાનો અહેસાસ પહેલી વખત તેને અનુભવ્યો પણ તેના માટે આ પળો જેટલી ભાવનાત્મક રીતે કપરી હતી, તેટલી જ આથક રીતે પણ મુશ્કેલ હતી. વિજેન્દર ઘણી વખત મિત્રો-સંબંધીઓ પાસેથી ઉછીના નાણાં લાવતા પણ અમિતની તાલીમમાં વિક્ષેપ પડવા દેતાં નહી.
વર્ષ ૨૦૧૩માં જ અમિતે હરિયાણાની સિનિયર બોક્સિંગ ચેમ્પિયનશિપ જીતી લીધી પણ તેની ઉંમર ઓછી હોવાથી તેને નેશનલ ચેમ્પિયનશિપમાં સ્થાન ન મળ્યું. આ પછી બે વર્ષ બાદ અમિતે નેશનલ લેવલે સીનિયર ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતી લઈને રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવી લીધું. તેના વજન વર્ગમાં એલ. દેવેન્દ્રો સિંઘ જેવો ઓલિમ્પિયન હતો, જેની સામે પણ તેણે જીત હાંસલ કરી હતી. કાવિન્દર બિસ્ત જેવા અનુભવીને પણ અમિતે પછાડયો હતો. વર્ષ ૨૦૧૭ની વર્લ્ડ ચેમ્પિયનશિપ અગાઉ ભારતીય ટીમની સાથે જોડાયેલા સ્વિડિશ કોચ સાન્ટિએગો નિવિયાએ અમિતની પ્રતિભાને વધુ નિખારી.
વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે રવાના થતાં પહેલા અમિત પાસે બોક્સિંગ રિંગમાં પહેરવા માટેના ખાસ શૂઝ નહતા. આ માટે તેણે સાથી બોક્સર પાસેથી નાણાં ઉછીના લીધા હતા. એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં શાનદાર દેખાવ બાદ વર્લ્ડ ચેમ્પિયનશીપના અનુભવે તેને ઘડયો હતો. આજ વર્ષે તેને બલ્ગારિયામાં યોજાતી સાજન્દ્રા મેમોરિયલ બોક્સિંગ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો, જે તેની કારકિર્દીનો સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાનો સુવર્ણ હતો. આ પછી તેણે જકાર્તા એશિયન ગેમ્સમાં ગોલ્ડન સફળતા હાંસલ કરી હતી.
કારકિર્દીની શરુઆતમાં ૪૯ કિગ્રા વજન વર્ગમાં ભાગ લઈ રહેલા અમિતને ત્યારે ફટકો પડયો જ્યારે આંતરરાષ્ટ્રીય બોક્સિંગ ફેડરેશને તેના વજન વર્ગને ઓલિમ્પિકમાંથી દૂર કર્યું. જોકે તે હિંમત ન હાર્યો અને તેણે ૫૨ કિગ્રા વજન વર્ગની કેટેગરીમાં હાથ અજમાવ્યો અને એશિયન ચેમ્પિયનશિપ જીતી બતાવી. હવે વિશ્વ ચેમ્પિયનશિપના સિલ્વરની સાથે તેણે ટોકિયો ઓલિમ્પિકની ટિકિટ મેળવી લીધી છે, ત્યારે બધાને તેની પાસેથી આવતા વર્ષની મેગા ઈવેન્ટના ગોલ્ડ મેડલની આશા છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2nAvXUW
ConversionConversion EmoticonEmoticon