હું કોણ છું ? નિએન્ડરથાલ કે ડેનીસોવાન્સ ? કે પછી કોઇ અન્ય ?


શ્રાધ્ધ પક્ષ ચાલી રહ્યો છે. લોકો પોતાનાં પૂર્વજોને યાદ કરીને તર્પણ કરી રહ્યાં છે. વિજ્ઞાાન જગત અલગ રીતે પોતાના પૂર્વજોને યાદ કરી રહ્યું છે. વિજ્ઞાાન સમગ્ર માનવજાત એટલે કે હોમો સેપીઅન લક્ષ્યમાં રાખીને પૂર્વજોને ઓળખ મેળવવા પ્રયત્ન કરી રહ્યું છે. એન્થ્રોમોલોજી એટલે કે માનવ નૃવંશ શાસ્ત્ર અને પુરાતત્વવિજ્ઞાાનમાં હોમો સેપીઅનના પૂર્વજો અને આદી પૂર્વજો વિશે મહત્વનાં સંશોધન અને સમાચારો પ્રકાશિત થઇ રહ્યાં છે. જે મુજબ મનુષ્ય એટલે કે મેઘાવી માનવી / હોમો સેપીઅન સાથે એક સમયે અન્ય ચાર પ્રજાતિ અસ્તિત્વમાં હતી. આ પાંચેય પ્રજાની વચ્ચે હાઇબ્રીડાઇજેશન થયેલું છે.

સરળ ભાષામાં આ પાંચેય પ્રજાતી વચ્ચે સેક્સ સંબંધો હતાં. જેની અસર હાલનાં હોમો સેપીઅનનાં જેનોમ ઉપર જોઇ શકાય છે. ડેનીસોવાન નામની એક પ્રજાતિ વિશે વૈજ્ઞાાનિકોને ૨૦૧૦ સુધી ખબર જ ન હતી. હાલમાં ડેનીસોવાન નામની પ્રજાતી વિશે વધારે માહિતી ઉપલબ્ધ નથી. મનુષ્યનાં નજીકનાં પિતરાઇ ગણાતા નિએન્ડરથાલ વિશે પણ સંશોધનો થઇ રહ્યાં છે.

આ સમયે મનુષ્યને ચોક્કસ સવાલ થાય કે હું કોણ છું ? મારાં પૂર્વજો કોણ છે ? નિએન્ડરથાલ, ડેનીસોવાન કે હોમો સેપીયન યુરોપમાં લોકો પોતાનો જેનોમ ચેક કરાવી તેમાં નિએન્ડરથાલ કે ડેનીસોવાનનાં જેનોમનાં કેટલા ટકા જનીનો તેનામાં છે. તે ચકાસાવી રહ્યા છે. આવા સમયે આપણા પૂર્વજોની સાચી ઓળખ મેળવીએ.


આપણાં પૂર્વજો કોણ હતાં ?
જ્યારે આપણાં પૂર્વજો પ્રથમવાર આફ્રીકા ખંડમાંથી બહાર નિકળ્યાં ત્યારે પૃથ્વી પર વસનારાં 'હોમોનીક' સમુદાયનાં તેઓ એકમાત્ર સભ્ય ન હતાં. આપણાં પિતરાઇ ભાઇ ગણાતાં નિએન્ડરથાલ અને ડેનીસોવાન પણ પૃથ્વી પર વસતા હતાં. આપણી ભારતીય મોહેન્જો દરો એટલે કે સિંધુ ખીણની સંસ્કૃતિ વિશે આપણે અંધકારમાં છીએ. ભારતીય ઉપખંડમાં આવનાર આર્યપ્રજા કોણ હતી ? કેટલાંક ઈતિહાસકાર માને છે કે આર્ય પ્રજા યુરોપનાં માર્ગે ભારતીય ભૂમિ ખંડ આવ્યાં જ ન હતાં. આર્યો કાશ્મીરવાળા હિમાલય પ્રદેશનાં જ રહેવાસીઓ હતાં ? ઈતિહાસકાર તથ્ય સાથે વાત માંડે છે.

વિજ્ઞાાન સબુતો - પુરાવા પરથી અનુમાન લગાવે છે. હાલમાં તિબેટ - નેપાળ - હિમાલય પ્રદેશમાં વસનાર પ્રાચીન ડેનીસોવાન પ્રજાતીનાં નામ માત્ર જેટલાં અશ્મીઓ મળ્યાં છે. કદાચ વધારે સંશોધન થાય તો સાચી માહિતી મળે !  ભારતીય વૈજ્ઞાાનિકોએ ડેનીસોવાન પ્રજાતીમાં જેનોમ અને સિંધુ ખીણની સભ્યતાનાં અવશેષોનાં DNAની સરખામણી કરવી જોઇએ. કદાચ નવી માહિતી મળી શકે તેમ છે. જો કે ડેનીસોવાન વિશે આપણી પાસે વધારે માહિતી નથી.

હોમોસેપીઅન ૬૦ હજાર વર્ષ પહેલાં આફ્રીકા ખંડમાંથી સ્થળાંતર કરી યુરોપ એશિયા ખંડ તરફ આગળ વધ્યા. એ પહેલાં, એટલે કે ૩ લાખ વર્ષ પહેલાં નિએન્ડરથાલ અને ડેનીસોવાન નામે ઓળખાતી પ્રજાતી યુરોપ અને પશ્ચિમ એશિયા તરફ સ્થળાંતર/માઇગ્રેશન કરી ચુકી હતી. ડેનીસેવાન પ્રજાતીનાં અવશેષો સમુદ્રની સપાટીથી તિબેટ પ્રદેશમાં આવેલ બેઇશીયા કાર્સ્ટ ગુફામાંથી મળ્યા છે. સમુદ્રની સપાટીથી આ ગુફા લગભગ અગીયાર હજાર ફુટ (૩.૨૮ કી.મી.)ની ઉંચાઇએ આવેલી છે. આટલી ઉંચાઇએથી નર-વાનર (હોમોનીક)નાં અવશેષો મળવાની આ પ્રથમ ઘટના છે. યાદ રહે ૬ હજાર વર્ષોથી અહીં શેરપા પ્રજાતી વસે છે.

જ્યાં આટલી ઊંચાઇએ પૃથ્વીનાં વાતાવરણમાં ઓક્સીજનની માત્રામાં ૪૦ ટકા જેટલો ઘટાડો થયેલો જોવા મળે છે. આટલી પાતળી હવા સાથે અનુકુલન સાધીને જીવવા માટેનાં જીનો, શેરપા લોકોને ડેનીસોવાન પ્રજાતિ પાસેથી મળ્યાં છે. ડેનીસોવાન્સ પ્રજાતિ પાસે, અદભૂત રોગ પ્રતિરક્ષા પ્રણાલી એટલે કે ઈમ્યુન સિસ્ટમ હતી. તાજેતરમાં ડિએનએનાં નજીવાં અવશેષો પરથી ઈઝરાયેલના વૈજ્ઞાાનિકોએ જટીલ કોમ્પ્યુટર પ્રોગ્રામ વાપરીને ડેનીસોવાન કન્યા જેનાં અવશેષો મળ્યાં છે. એ કેવી દેખાતી હતી તેની કોમ્પ્યુટર તસ્વીર તૈયાર કરી છે.

હોમોનીડ કુટુંબ: માત્ર મનુષ્ય જ બચ્યાં છે ?
હોમોનીડ કુટુંબ એટલે કે ફેમીલીમાં આધુનિક મેઘાવી માનવી અને તેનાં નજીકનાં પિતરાઇ ભાઇઓની પ્રજાતિનો સમાવેશ કરવામાં આવે છે. યાદ રહે કે આર્દીપિથેકસ, એસ્ટ્રેલો પિથેકસ, નિએન્ડરથાલ અને ડેનીસોવાનસ જેવી પ્રજાતી પૃથ્વી પરથી અંદાજે ૫૦ હજાર વર્ષ પહેલાં જ લુપ્ત થઇ ચુકી છે. મતલબ કે મનુષ્ય સિવાયની તેનાં નજીકનાં બધા જ પિતરાઇ પ્રજાતીઓ અસ્તિત્વ ગુમાવી ચુકી છે. કોઇ જ બચ્યું નથી. આશરે ૭.૪૫ લાખ વર્ષ પહેલાં, વટવૃક્ષનાં થડની એક ડાળમાંથી બે શાખા ફુટી હતી.

એક નિએન્ડરથાલ અને એક ડેનીસોવાન્સ. આફ્રીકામાંથી ૩થી ૪ લાખ વર્ષ પહેલાં તેઓ સ્થળાંતર કરીને યુરોપ તરફ ગયા હતાં. આશરે એક લાખથી ત્રણ લાખ વર્ષ પહેલાં યુરોપ અને એશિયાનાં કેટલાંક ભૌગોલીક વિસ્તારોમાં તેઓ વસવાટ કરતાં હતાં અને તેમની સંખ્યા પણ ઘણી સારી કહેવાય તેટલી હતી. અંદાજે ૧.૪૦ લાખ વર્ષથી ૨૦ હજાર વર્ષનાં સમયગાળામાં આધુનિક મેઘાવી માનવી એટલે કે હોમોસેપીઅન પ્રજાતી મોટા પાયે યુરોપ તરફ સ્થળાંતર કરી ચુકી હતી.

અંદાજે ૭૫ વર્ષ પહેલાં, યુરોપ અને એશિયા ખંડમાં નિએન્ડરથાલ, ડેનીસોવાન્સ અને હોમોસેપીઅન વચ્ચે શારીરિક સંબંધો બંધાયા હતા. તેમનાં જનીનો અને જેનોમની અદલાબદલી થઇ ચુકી હતી. આ ત્રણેયનાં જેનોમમાં આધુનિક સંશોધન પ્રમાણે બીજી બે ન ઓળખાયેલ પ્રજાતીનાં જેનોમનો હિસ્સો પણ છે. શક્ય છે કે ભવિષ્યમાં ન ઓળખાયેલ બે પ્રજાતીનાં  અશ્મીઓ / અવશેષો  મળી આવે પણ ખરા !

ભુતકાળ પર નજર નાખીએ તો, વૈજ્ઞાાનિકો પાસે ૩૩ લાખ વર્ષ પહેલાં હોમોનીન ફેમીલીનાં કેટલીક વસ્તુઓનાં અવશેષો મળ્યાં છે. સીનચેન પ્રાંતમાંથી ૨૧ લાખ વર્ષ પહેલાંનાં અશ્મી / અશ્થી પુરાવા મળેલાં છે. હોમોનીનનાં, જ્યોર્જીઆમાંથી હોમીનનાં ૧૮.૫૦ લાખ વર્ષ પ્રાચીન અશ્થીઓ મળી આવેલ છે. આફ્રીકા બહારથી અશ્મીઓ મળવાની આ પ્રથમ ઘટના હતી.

૧.૬૦ લાખ વર્ષ પહેલાં તિબેટ ઉપખંડ પર પહોંચનારી એટલે કે ખૂબ જ ઉંચાઇ પર પહોંચનારી પ્રથમ પ્રજાતિ ડેનીસોવાન હતી. સાઇબીરીયાની ડેનીસોવાન ગુફામાંથી પ્રથમવાર ખૂબ જ પાંખા અશ્મીઓ / અશ્થી મળ્યા હતાં. આ કારણે આ પ્રજાતિને ડેનીસોવાન્સ તરીકે ઓળખવામાં આવે છે. કહેવાય છે કે તેમનાં અને હોમો-સેપીઅનનાં હાથમાં ખૂબ જ સામ્યતાઓ આવેલી છે. સમાનતાની વાત કરતાં પહેલાં મનુષ્યનાં અશ્મીઓ ક્યારે અને ક્યાંથી મળ્યાં તેની વિગતો મેળવી લઇએ.


હોમો-સેપીઅનનાં પિતરાઇ ભાંડુઓ..
ઉત્ક્રાંન્તિનો સિધ્ધાંત આપનાર ચાર્લ્સ ડાર્વીને મનુષ્યોનાં પૂર્વજો વિશેની વાત તેમનાં પુસ્તક ''ધ ડિસેન્ટ ઓફ મેન એન્ડ સિલેકશન ઈન રિલેશન ટુ સેક્સ'' નામનાં પુસ્તકમાં કરી હતી. જેમાં સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી કે મનુષ્યનાં પૂર્વજો સંભવતઃ આફ્રીકામાં વસવાટ કરતાં હતાં. તે સમયે ''ફોસીલ'' રેકોર્ડ કે અન્ય હાડપીંજરનાં અવશેષો વૈજ્ઞાાનિકોને મળ્યાં જ ન હતાં. વૈજ્ઞાાનિકો મનુષ્ય સિવાય માત્ર નિએન્ડરથાલ પ્રજાતી વિશે અંદાજ બાંધી રહ્યાં હતાં.

જે યુરોપમાં એક લાખ વર્ષ પહેલાંથી વસવાટ કરતાં આવ્યાં હતાં. ચાર્લ્સ ડાર્વિને કહ્યું કે મનુષ્યનું શરીરનું બંધારણ આફ્રીકાનાં વાનર ચિમ્પાન્ઝી અને ગોરીલાને વધારે મળતું આવે છે. જ્યારે એશીયા ખંડનાં વાનર ઉરાંગ ઉટાંગ અને ગિબન સાથે તેની સમાનતા ઘણી ઓછી છે. એટલે કે હોમોસેપીયનની શરૂઆત આફ્રીકામાંથી થઇ હોવી જોઇએ. જેને આઉટ ઓફ આફ્રીકા થિઅરી દ્વારા હાલમાં વૈજ્ઞાાનિકો રજુ કરે છે.

હોમોનીડ ફેમીલીનાં પ્રથમ અવશેષો ૧૮૯૧માં જાવા ટાપુ પરથી મળી આવ્યા હતાં. જેને વૈજ્ઞાાનિકો જાવા-મેન તરીકે ઓળખતા હતાં. તેને હોમો-ઈરેક્ટ્સ તરીકે ઓળખવામાં આવે છે. જે અશ્મીઓ ૧૮ લાખ વર્ષ પ્રાચીન હતાં. અહીંથી મનુષ્યનાં અવશેષો મળવાની ટાઇમ લાઇન શરૂ થાય છે. ૧૯૨૪માં ઓસ્ટ્રેલીયન શરીરશાસ્ત્રી રેમંન્ડ ડાર્ટને આફ્રીકામાંથી એક નાની ખોપરી મળે છે. જે બાળકની હોય છે. તેને ટાઉંગ ચાઇલ્ડ તરીકે ઓળખવામાં આવ્યું.

વૈજ્ઞાાનિકોએ આ પ્રજાતીને ઓસ્ટ્રેલોપિથેકસ આફ્રીકન નામ આપ્યું. ૧૯૫૯માં લુઇસ વીકી નામનાં આર્કીઓલોજીસ્ટને ટ્રાન્સીનીયામાંથી હોમોનીડ કુળનાં સભ્યનાં જડબાનું હાડકું મળ્યું. જે ૧૭.૫૦ લાખ વર્ષ પ્રાચીન હતું. તેને પેરેન્થ્રોપસ બોઇસેઇ નામ આપવામાં આવ્યું. આ ઘટનાએ સાબીત કર્યું કે હોમોનીક ફેમીલનાં વંશજોનાં અવશેષો આફ્રીકા ખંડમાંથી જરૂર મળી આવશે. ૧૯૭૪માં ડોનાલ્ડ જ્હોનસન અને ટોમ ગ્રેને ખોદકામ કરતાં, ઇથોપીયાનાં દાદાર ક્ષેત્રમાંથી જે અવશેષો મળ્યાં તે વિશ્વ પ્રસિધ્ધિ પામ્યા. મહીલાનાં અશ્મીઓ 'લ્યુસી' નામે ઓળખાયા અને વિજ્ઞાાન જગતે તેને ઓસ્ટ્રેલેપિથેકસ આફ્રીકન પ્રજાતીનાં ગણાવ્યા.

જે ૩૯થી ૨૯ લાખ વચ્ચેનાં સમયકાળનાં હતાં. હવે 'લ્યુસી'નાં પૂર્વજો શોધવાની શરૂઆત થઇ. ૧૯૯૨માં જે ડેસમંડ ક્લાર્કની ટીમનાં વિદ્યાર્થી જેન સુવાને ઈથોપીઆમાંથી જે અવશેષો મળ્યાં તે આર્દીપિથેક્સ રામીદસ પ્રજાતીનાં હતાં. ૨૦૦૮માં એટલે કે એક દાયકા પહેલાં જ સાઇબીરીયાની ડેનીસોવા ગુફામાંથી આધુનિક કાળમાં એટલે કે એકવીસમી  સદીમાં ડેનીસોવાન્સનાં અવશેષો મળ્યાં.

ડેનીસોવાન્સ: હજી પૂરી ઓળખાણ થઇ નથી !
૨૦૦૮માં રશિયા પાસેનાં સાઇબીરીયાની આલ્ટાઇ પર્વતમાળા આવેલી છે. તેની ડેનીસોવા ગુફામાંથી અવશેષ મળ્યાં છે. એક પુખ્ત વ્યક્તિ અને એક યુવાન કન્યાની આંગળીનું હાડકું હતું. યાદ રહે કે સંપૂર્ણ અસ્થિ પિંજર તો હજી સુધી મળ્યાં જ નથી. ૧૯૮૦નાં સમયે એક બૌધ્ધ ભિક્ષુકને મનુષ્યનાં નીચલા જડબાનો અડધો ભાગ મળી આવ્યો હતો. તેણે ૬ઠ્ઠા જીવંત બુધ્ધ એટલે કે બુધ્ધીસ્ટ લામા નામે લુંગ થાંગને, આ નમુનો ભેટમાં આપ્યો હતો. તેમણે અવશેષનું મહત્વ જાણ્યા બાદ, વધારે સંશોધન માટે નમુનો બેન્ઝાઉ યુનિવર્સિટીને સુપરત કર્યો.  

ડેનીસોવાન્સ પ્રજાતી સાઇબીરીયાથી માંડી હિમાલયનાં તિબેટીઅન ઉપખંડમાં વસવાટ કરતી હતી. સાઇબીરીયામાંથી મળેલ નમુનામાંથી વૈજ્ઞાાનિકો  DNA અલગ તારવી શક્યાં છે. જ્યારે ચીન પાસે રહેલાં અવશેષમાંથી માત્ર પ્રોટીન અલગ તારવી શક્યાં છે. જે બતાવે છે કે ઓસ્ટ્રેલીયાનાં આદિવાસી લોકો અને પૂર્વ એશિયાનાં લોકોનાં જેનોમમાં ડેનીસોવાનનાં જનીનોનું પ્રમાણ ૫ ટકા જેટલું જોવા મળ્યું છે.

હિબુ યુનિવર્સિટીનાં વૈજ્ઞાાનિક લીહાન કારમેલની ટીમે ડેનીસોવાન કન્યા (જેનાં અવશેષો સાઇરીબીયામાંથી મળ્યા હતાં.) તેનો ચહેરો કોમ્પ્યુટરથી તૈયાર કર્યો છે.  સંશોધન મુજબ ડેનીસોવાન અને હોમોસેપીઅનનાં શરીર બંધારણમાં ૫૬ જેટલાં ભાગમાં તફાવત જોવા મળ્યો છે. જેમાંથી ૩૪ ફેરફારો ખોપરીનાં હાડકામાં જોવા મળ્યાં છે.

ઈઝરાયેલી વૈજ્ઞાાનિકોએ પહેલાં નિએન્ડરથાલ અને ચિમ્પાન્ઝીની શરીર રચનાને કોમ્પ્યુટરમાં તૈયાર કરી હતી. ત્યારબાદ, ડેનીસોવાનનાં ગણ્યા ગાંઠયાં હાડકા પરથી તેમનાં શરીર રચનાનું રિકન્સ્ટ્રકશન તેમણે કર્યું હતું. તેમનો દાવો છે કે શરીર રચનાનું રિકન્સ્ટ્રકશન ૮૫% જેટલું સચોટ છે. જેનાં ઉપરથી ડેનીસોવાન પ્રજાનું  પારીસ્પીકી વિજ્ઞાાન સાથેનું અનુકુલન, ઉત્ક્રાંન્તિનાં ફેરફાર જનીન-પર્યાવરણ વચ્ચેનું ઈન્ટરેકશન, રોગ અને રોગપ્રતિરક્ષા  પ્રણાલીને લગતી મળી શકે તેમ છે.

ડેનીસોવાન અને નિએન્ડરથાલ સાથે હોમો-સેપીઅન પ્રજાતીએ સંવનન કર્યું હતું. એટલે મારા / તમારાં જનીનોમાં આ પૂર્વજોનાં જનીનોનો કેટલોક અંશ આપણા જેનોમમાં જરૂર જોવા મળે છે.




from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2lYqBmd
Previous
Next Post »