
તું સાડી માગે તો આખા રતનપોળની સાડીઓનો પહાડ ખડો કરી દઉં! તું દાગીનો માગે તો આખાય માણેકચોકના સોનાનો હિમાલય તારા પગ પાસે ખડો કરી દઉં !
'કેમ બોલતી નથી ? રિસાઈ ગઈ છે કે શું ?' 'નથી બોલવું.' 'એમ તો ચાલે ? બોલ, જે બોલવું હોય તે ! તું મારા દિલની રાણી છે. તું કહે તેમ કરીશ. તું માગે તે આપીશ !' 'આપશો ?' 'હા.' 'મારે સારંગ હોટેલમાં જમવું છે...'
'અરે, તું બોલતી શું નથી ? તું કહે તો એવી તો પચાસ સારંગ હોટેલોનો તારા પગ આગળ ખડકલો કરી નાખું ! માગતી શું નથી ? તું સાડી માગે તો આખાય રતનપોળની દુકાનોની સાડીઓનો તારી સમક્ષ ઢગલો કરી નાખું ! તું સોનાનો દાગીનો માગે તો આખાય માણેકચોકના સોનાનો હિમાલય તારા પગ આગળ ખડો કરી દઉં ! માગી તો જો...'
કૌવત બોલી રહ્યો હતો. જાણે દુનિયાની તમામ મોંઘી ચીજોનો માલિક એ હોય ! પોતાની પ્રાણપ્યારી પ્રિયતમા માટેની ન્યોછાવરીની એ ભાષા હતી ! બધું જ કુરબાન કરી દેવા એ તૈયાર હતો - અલબત્ત, પોતાની પ્રિયતમા જયમાલા માટે ! જયમાલા હસી પડી. એની નજીક ગઈ. એની ગરદનની આસપાસ હાથ વીંટાળ્યા પછી બોલી: 'મારા કૌવત, મને ખબર છે, તું મારા માટે બધું જ કરવા તૈયાર છે. પણ મારે કશું જ જોઇતું નથી. આજે તારો જન્મદિવસ છે. તારા બર્થડેનું મારે મન મોટું મૂલ્ય છે... તો ચાલને આપણે આભ ઊંચેરી સારંગ હોટેલમાં જમવા જઇએ !'
'એમાં શું ? આજનું આપણું બપોરનું ભોજન સારંગ હોટેલ ખાતે... રાઈટ ? હવે તો રાજી ને ?' 'રાજી જ છું હું તારા પર.'
કૌવત આમ તો વેપારીનો દીકરો. એનો મોટોભાઈ કાપડનો બીઝનેસ કરતો. બાપુજી તો હતા નહિ. હતી માત્ર મા ! મા રંભાબા ! એય સાઠે પહોંચ્યાં હતાં. એમના મનમાં બીજી કશી જ અપેક્ષા નહોતી. બંગલો હતો. ગાડી હતી. તગડું બેન્ક બેલેન્સ હતું. નોકરચાકરો હતા ! મોટાનાં લગ્ન તો થઇ ગયાં હતાં, પણ નાનો કૌવત ?
રંભાબા જાણતાં હતાં કે કૌવત જિદ્દી છે. એનું ધાર્યું કરનારો છે. એને ગમે તે જ કરે. એની આગળ કોઇનું ન ચાલે. એટલે જ તો રંભાબાને કૌવતની ચિંતા હતી. અને એય ક્યાં નાનો હતો. અઠવાડિયા પછી તો એને પચીસમું બેસશે. ગ્રેજ્યુએટ થઇ ગયો હતો. નોકરીની એને ચિંતા નહોતી, રંભાબાએ એકવાર કહ્યું:
'બેટા, ક્યાંક નોકરી શોધી કાઢ !'
'નોકરી ?'
'હા, નોકરી !'
'જો મમ્મી, મને નોકરી કરવાની જરાય ઇચ્છા નથી. મારા માથે બોસ હોય એ કલ્પના જ મને ધુ્રજાવી દે છે... સાંભળી લે, હું શેઠ મટીને નોકર બનવા નથી માગતો ! હું શેઠ છું, અને રહીશ !'
એ મક્કમ હતો.
અડીખમ હતો.
એનો લોખંડી સંકલ્પ હતો.
નોકર નથી બનવું.
શેઠ છું, હું તો શેઠ !
હા, એ કદી કોઈનો હુક્મ ઉઠાવવાની આદતવાળો નથી. કોઈ પોતાની ઉપર હુક્મ કરે એવી કલ્પના ય એ કરી શક્તો નથી !
બાએ એકવાર કહ્યું: 'બેટા, તું હવે નાનો નથી !'
'તે હું ક્યાં કહું છું કે હું નાનો છું ?'
'હું એમ નથી કહેતી, કૌવત બેટા ! પણ હવે કાંક તો વિચાર કર.'
'શાનો ?'
'પરણવાનો.'
'પણ છોકરી ક્યાં છે ?'
'નાતમાંથી કોઇકને પસંદ કરી લે.'
'જો મમ્મી, મને કોક છોકરી જડી જશે, ને મને પસંદ પડી જશે, તો હું તને કહીશ !'
'તો ઝટ કર.'
'આમાં ઉતાવળ ન ચાલે.'
ઉતાવળ તો નહોતી, પણ ક્યારેક એવું બને છે કે જેની ઉતાવળ ન હોય તે જ અચાનક માર્ગમાં મળી જાય છે ! અને હરતાં ફરતાં એક મકાનના હીંચકા પર બેઠેલી એક છોકરીને એણે જોઈ: ને જોતાં જ ગમતાનો ગુલાલ થઇ ગયો. લંબગોળ ઊજળું ઊજળું મુખ, સહેજ રતાશિયા ઝાંયવાળ વાળ, નમણું નાક, રાતા ચટ્ટક હોઠ ને હોઠ પર રમતું હતું સ્મિત... તે નજીક ગયો ને ત્યાં જ અંદરથી અવાજ આવ્યો: 'આવ, બેટા, કૌવત ! તારા બાપા તો મારા ઘરવાળાના ખાસ ભાઈબંધ ! બંને વચ્ચે ગાઢ દોસ્તી ! એ ય હવે નથી, ને આ ય હવે નથી રહ્યા. ઉપરવાળાને વહાલા થઇ ગયા... આવ બેટા, હીંચકે જયમાલા પાસે.'
ઓહ ! આ તો જોઇતું હતું, ને સામેથી મળ્યું ! બધાં જ ઓળખીતાં નીકળ્યાં ! એનાં બા ને એના સ્વર્ગવાસી પિતા પણ ! જયમાલા તો જયમાલા જ છે ! રૂડી રૂપાળી છે ! એને જોઇને મનની બાંસુરી બજી ઊઠે ! બસ, આવી છોકરી મળી જાય તો -
તો તો વટ પડી જાય !
મન ધરવા ધરવ થઇ જાય !
મનની મોસમ મહોરી ઊઠે !
જીવતર ધન્ય બની જાય !
બસ, છોકરીની શોધ પૂરી થઇ જાય !
એ હીંચકે બેઠો.
સાવ અડોઅડ.
જયમાલાની તદ્દન લગોલગ.
એણે આંખોમાં તરસના છોડ વાવીને જયમાલા સામે જોયું.. હસ્યો ! ને એજ સમયે જયમાલાએ કૌવત સામે જોયું ! એય હસી પડી ! એના સ્મિતમાં કૌવતને આવકારના અમૃતપિયાલા દેખાયા ! લગોલગ હતો એટલે બેયના હાથ મળી ગયા... ટેરવાં ટેરવાં હાર્યે કરી લીધી વાત: જયમાલાનાં ટેરવાં એ બોલ્યાં: 'હું ગમું છું તમને ?' કૌવતનાં ટેરવાં બોલ્યાં: 'ખૂબ ખૂબ ગમે છે. તારા જેવી ધરતી પરની અપ્સરા કોને ન ગમે ?'
'હું અપ્સરા છું ?' જયમાલાનાં ટેરવાં પૂછી બેઠાં. 'હા, અપ્સરા શબ્દ પણ તારા માટે તો ઓછો પડે. પરી શબ્દ તો સાવ તુચ્છ લાગે ! તારા માટે તો રાણી રૂપમતી જ શબ્દ યોગ્ય છે ! તું તો મારી રાણી રૂપમતી છે !! પણ રાણી રૂપમતી, ચૂપમતી કેમ છે ?'
ટેરવાં વચ્ચે ચાલ્યો સંવાદ ! ત્યારે જમયાલાની મમ્મી ઉપરના માળે ગયાં હતાં. લાગ જોઇને પૂછી બેઠી જયમાલા: 'ખાલી ફરવા નીકળ્યા હતા ? કે પછી મને શોધવા ?' 'તને શોધવા... ને અચાનક જ મળી ગઈ તું મને !'
ચા પિવાઈ. નાસ્તો ખવાયો.
ને એક ઇશારા અને નાનકડી ચિઠ્ઠી જયમાલાના હાથમાં મૂકીને કૌવત ઊભો થયો: પછી ! ફરી કદીક આવીશ ! કહીને બહાર નીકળી ગયો. પછી તો ચાલ્યો ચકડોળ ! પછી તો કૌવતનો ફોન વારંવાર આવવા લાગ્યો ! પછી તો બેય જણાં હરવા લાગ્યાં. ફરવા લાગ્યાં. ને હોટેલોમાં જઇને ચરવા લાગ્યાં !
અને ત્યાં જ આવ્યો કૌવતનો બર્થ ડે. હજી એકાદ સપ્તાહની વાર હતી. જયમાલા બોલી: 'કૌવત, મને હોટેલ સારંગમાં જમવા લઈ જા !'
- ને એ દિવસે બંને જણાં હોટેલ સારંગમાં જમવા ગયાં. જયમાલા બોલી: 'આનો તો એક ડીશનો ભાવ એક હજાર છે...બાપ રે !'
'એમાં ગભરાય છે કેમ ? તારા કરતાં હજાર રૂપિયા વધારે છે ?'ને બેય જમ્યાં. ત્યાં જ કૌવત પૂછી બેઠો: 'બોલ, તું કહેતી હોય તો આપણે અઠવાડિયામાં લગ્ન કરી નાખીએ.'
'ના.'
'કેમ ?'
'એ શક્ય નથી !'
'કારણ ?'
'મેં મારા પિતાને મરતી વેળાએ વચન આપ્યું છે કે તમે જ્યાં નક્કી કરી નાખ્યું છે, ત્યાં જ હું પરણીશ !'
'એટલે ?'
'પિતાજીનો એક ભાગીદાર હતો. એના ઘણા ઉપકાર અમારી ઉપર છે ને બંનેએ મારા નામના ગોળધાણા ખાઈ લીધા હતા. મારે પરંતપ સાથે લગ્ન કરવાં જ પડશે !'
'તો મારું શું થશે ?' 'બસ, એકબીજાની યાદોમાં જીવ્યા કરવાનું... તરફડયા કરવાનું... ક્ષણે ક્ષણે મર્યા કરવાનું !'
ને પછી તો જયમાલા પરંતપ સાથે પરણી ગઈ. ને કૌવત આજે પણ સાવ એકલતામાં જીવન વેંઢારી રહ્યો છે. છોકરીનું નામ આવતાં જ તે ભડકી ઊઠે છે: 'મારે નથી જોઇતી કોઈ છોકરી ! ખબરદાર જો મારી સમક્ષ કોઈ છોકરીનું નામ પણ લીધું છે તો !' ને પછી ડૂસકાં ભરવા લાગી જાય છે !!
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2o6gJaz
ConversionConversion EmoticonEmoticon