ચોંસઠ જોગણીનો દિવ્ય દરબાર


ચોંસઠ જોગણી શાને કરતી ખમૈયા ને વળતી હું રટતી મૈયા મૈયા મૈયા...
આસુરી અને દૈવી તત્ત્વોમાં માનતા આપણે ભારતીયો આપણા લૌકિક જીવનમાં ગૂઢ તત્ત્વો, આકાશ, અવકાશ, બ્રહ્માંડ, ધરતી અને પાતાળને સમાવતા ત્રિલોકમાં રમમાણ રહીએ છીએ. ધર્મ, ફિલસૂફી અને કળાને આપણે અત્યંત આસાનીથી એકસૂત્રે બાંધી શકીએ છીએ. તેથી જ વિવિધ સ્થાપત્યોમાં ઉપસેલી કળાઓમાં આપણા પરિચિત પાત્રો, પ્રસંગો અને અનુરૂપ સંદર્ભો આપણને ચિર પરિચિત લાગે છે વળી પ્રાચીન પૌરાણિક વાર્તાઓના કથાનકો, ઘટનાઓ અને ઇતિહાસ પણ આપણને એક સાથે આસ્થા અને કળા- બન્નેની સન્મુખ લાવીને મૂકી દે છે. 

અનેક પારંપારિક વારસાગત ઇમારતો - જેને 'હેરિટેજ'નો દરજ્જો મળ્યો હોય છે તે આપણને અચૂક આપણા ભવ્ય ભૂતકાળની ઝાંખી કરાવી કૃતકૃત્ય કરી દે છે. પછી ભલે તે વાવ, કૂવા, મહેલ, આખે આખા નગર, મહોલાતો, કિલ્લા, મંદિરો કે અન્ય ધર્મસ્થાનો કેમ ન હોય ! અને એને આજના સંદર્ભે જોડીને માણવાની મઝા કોઈ ઓર જ છે ! આજથી જગતજનનીના નવલાં નોરતાંનો શુભારંભ થાય છે; તો ચાલો, મધ્યપ્રદેશના જબલપુરે આરસપહાણયુક્ત ભેડાઘાટના સાન્નિધ્યમાં ચોંસઠ જોગણીઓના સત હજી આજે પણ તપે છે તેવી ટેકરી પરના થાનકે.

ચોંસઠ યોગિની મળી નવરાત્રિ ખેલે તાલ દઈ પાડે હસ્તતાલી રે મા...
ભારતની અનેક પૌરાણિક હેરિટેજ સાઇટમાંનું એક સ્થળ તે જબલપુરનું ચોંસઠ જોગણીનું મંદિર. દસમી સદીના આ મંદિરે ઐતિહાસિક સમ્પન્નતામાં એક નવો અધ્યાય ઉમેર્યો છે. કલાચુરિ વંશના શાસકોએ અને ૧,૦૦૦ની આસપાસ આ મંદિર સંકુલની રચના કરાવી હતી. મા દુર્ગાના આ રૂપમાં ચોંસઠ આનુષાંગિકોની પ્રતિમાઓ શ્રેણીબદ્ધ મૂકાયેલી છે. ભેડાઘાટ નજીક ધુંઆધાર જલપ્રપાતના સુભગ દર્શન પહાડની ચોટેથી થઈ શકે છે. મંદિરના એકસો પચાસ પહોળા પગથિયા પરથી હાથી પસાર થઈ શકે. 

એના નિર્માણ માટે જૂના ખડકોના અવશેષોનો ઉપયોગ થયેલો જેમાં પ્રાચીન ભગ્ન સ્મારકોના અંશો પણ હતા જે ચોંસઠ જોગણી મંદિરના નિર્માણ પહેલાના હતા. કહેવાય છે કે મહર્ષિ ભૃગુની આ જન્મભૂમિ છે. એમના પ્રતાપે જ આ મંદિર બન્યું વાસ્તુકલાની દ્રષ્ટિએ સાદા આ મંદિરને બે પ્રવેશદ્વાર હતા. જેમાંથી હવે માત્ર નૈઋત્ય ખૂણે આવેલા એક તંગ (સાંકડા) પ્રવેશદ્વારનો જ ઉપયોગ થાય છે.

કલાચુરિ મંત્રી ગોલોકસિંહા આ મંદિર શોધવામાં નિમિત્ત બનેલા જેને પંદરમી સોળમી સદીમાં ગૌંડ રાણી દુર્ગાવતીએ સંભાળી લીધેલું. રાણીના મહેલ સાથે ભોંયરાના માર્ગે આ મંદિર જોડાયેલું છે. મંદિરની ચારેકોર લગભગ દસ ફૂટ ઊંચી ગોળાઈમાં પથ્થરની દિવાલો છે. પ્રવેશતાં જ ખુલ્લા પ્રાંગણમાં વચ્ચોવચ્ચ દોઢથી બે ફૂટ ઊંચો અને એંશીથી સો ફૂટ લાંબો એક ચબૂતરો દ્રષ્ટિગોચર થાય. ચાર દિવારીની સાથે દક્ષિણ ભાગે મંદિરનું નિર્માણ થયું છે.

ગુપ્ત કાળમાં માત્ર આઠ યોગિનીઓ હતી 
મંદિરના સૌથી પાછળના કક્ષમાં શિવ-પાર્વતીની પ્રતિમા છે જેની આગળના ખુલ્લા મોટા વરંડામાં સામે ચબૂતરા પર શિવલિંગની સ્થાપના થયેલી છે. એની એવી ખાસિયત છે કે એ ચારેકોર દેવીઓથી ઘેરાયેલા ભાસે છે. મૂળ દુર્ગાની મૂર્તિને સ્થાને મંદિરના પ્રાંગણમાં ભવ્યતમ નંદી પર બિરાજેલા શિવપાર્વતી દેખાય છે જે વૈવાહિક વેશભૂષામાં છે. બધી જ યોગિનીઓ એટલે કે જોગણીઓની મૂર્તિઓનું નિર્માણ અહીં જ થયું. યોગિનીનો અર્થ છે 'શક્તિ'. ભારતનું આ સૌથી જૂનું યોગિની મંદિર છે.

કાળા પથ્થરમાં તરાશેલી ચોંસઠ જોગણીઓની વિભિન્ન મુદ્રાઓ તેના લીસ્સાપણાના કારણે ચમકે છે. આ તપસ્વિનીઓ દુર્ગા સાથે રહી રાક્ષસોનો સંહાર કરી તેથી સૌ પ્રથમ દુર્ગાની સ્થાપના થઈ હતી. મંદિર ગોળ ઘેરાના સ્તંભો, બાહ્ય પ્રાચીર અને લગભગ બે મીટર પહોળી સપાટ છતથી બનેલું છે. પ્રત્યેક બે સ્તંભો વચ્ચે એક પ્રતિમા પ્રતિષ્ઠિત છે. દસમી સદીમાં યોગિની પૂજાનો પ્રચાર થવાથી બારમી સદી સુધીમાં તો મંદિર વધુ ભવ્ય બન્યું. અગાઉ ગુપ્ત કાળમાં માત્ર આઠ યોગિનીઓ હતી જે વધીને ચોંસઠ થઈ.

અત્યંત ઝીણા નકશીકામથી વિભૂષિત, પ્રત્યેક ભિન્ન મુદ્રાવાળી આ મૂર્તિઓ ખંડિત અવસ્થામાં પણ સુંદરતમ લાગે છે. દરેકની આભા નોખી છે અને સદીઓ પુરાણી શિલ્પકાળની છડી પોકારે છે. આ વૃત્તાકાર પરિસર ત્રિભુજાકાર એક્યાસી કોણ પર આધારિત છે જેના દરેક ખૂણે યોગિનીની સ્થાપના છે. દુર્લભ શૃંગારયુક્ત શિવ-પાર્વતીની વસ્ત્રોની બારીક ભાતવાળી પ્રતિમા આખા દેશમાં માત્ર અહીં જ છે જેને કારણે બારમી સદીમાં ગુજરાતની રાણી ગોસલ દેવીએ અહીં ગૌરીશંકર મંદિરનું નિર્માણ કરાવેલું.

જોગણીઓ જગદંબારૂપે આજે મા રંગમાં દીસો છો, બિરદાળી મા
અહો આશ્ચર્યમ્ ! રસિકોને મોહનારી, દેવીની પરિચારિકાઓ, યોગની અભ્યાસુ એવી આ જોગણીઓ આજે પણ જાણે કે પહેરો દે છે. અનૂઠું રહસ્ય ! નવરાત્રિ દરમ્યાન દિવસમાં ત્રણ વાર આ પ્રતિમાઓ રંગ બદલે છે. ખેર; આ વાયકા સામે હકીકત એ કે આ મંદિર કાળગણનાનું કેન્દ્ર છે. 'ગોલકી મઠ' નામે પણ એ પ્રખ્યાત છે. અહીંના પંચાંગને કારણે જબલપુર 'પંચાંગ સિટી' કહેવાય છે. અવકાશી તત્ત્વોની સટીક ગણના અહીં થાય છે. આપણે બધા સાથે અહીં નવરાત્રિ ઉજવશું માડીના મંદિરીયે ? જુઓ, અહીં મોટી પરસાળને પાર હારબંધ સ્તંભો વચ્ચે, કુંભીઓ અને પેરાફિટ સહિત મંદિર સોહે છે. 

કમાનોવાળા ગુંબજની આગળ છત્રી છે. મંદિરની સ્થાપત્યકળા ખજુરાહો જેવી જ છે ને ભોંયથી તબક્કાવાર ઉંચે ચડતું બાંધકામ, વાહ ! આડા, ઊભા, પથ્થરોના જાણે પગથિયા ! મંદિર આકાર છેક શિખરે પૂરો. ઉપર ધ્વજ અને કળશ - જે નીચે મંડપ તરફ દ્રષ્ટિ કરે. મંદિર પરની સુંદર નકશી ઉપર સૂર્યકિરણો ઝગારા મારે ત્યારે આખાય પરિસરમાં શિવ- પાર્વતીના દિવ્ય પ્રભાવલય પ્રસરે અને જોગણીઓની ગરિમા વધારતી શક્તિ ભક્તિ આખા વાતાવરણને ગૂંજતું કરી દે ! ભેડાઘાટના ઉછંગમાં નવરાત્રીની ધુંઆધાર ઉજવણીનો પ્રારંભ.

લસરકો:  માડીના મંદિરિયે ચોંસઠ જોગણીની સંગે રમે છે મા ઉમંગે, ગરબે ઘૂમે રૂડા રંગે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2nud9qH
Previous
Next Post »