પ્રોફેસર પ્યારેલાલે ઘરડાકલબ સ્થાપી


પ્રોફેસરને કોઇ સુવિચાર આવે એટલે એનો અમલ કરવા એ તત્પર બની જતા. શુકન કોનાથી કરવા એનો વિચાર આવતાં, પહેલાં તો એમને પરમ મિત્ર પેથાભાઇ જ સાંભરે.

પ્રોફેસર પ્યારેલાલ કોલેજમાં તો વર્ગ લેવામાં રોમેન્ટિક હતા, બહુ ખીલી ઊઠતા; પણ કોલેજના વ્યવસાય ઉપરાંત તેમને નગરમાં ટહેલવા જવાનોય ખાસ્સો શોખ હતો. એ સાંજના સમયે અને રવિવાર કે રજાના દિવસે (કોલેજમાં તો લાંબાંલચ વેકેશન હોય) સવાર સાંજ બંને સમય ઘરકૂકડી (આ એમનો પોતાનો શબ્દ હતો.) રહેવા કરતાં લોકોને, જૂના, નવા મિત્રોને, રિટાયર્ડ પુરુષો-મહિલાઓ મીટિંગ જમાવીને બેઠા હોય (જોકે મહિલાઓ પુરુષોની જેમ સમૂહમાં) મિજલસ જમાવતા દેખાતી નહોતી. એ વળી ક્યારે નિવૃત્ત હોય છે ? એમની તો ફૂલ ટાઇમ જોબ. નો વેકેશન એ   વાતોની જમાવટ કરતી જોવા મળતી નહિ.

પ્રોફેસર પ્યારેલાલ પ્રતિષ્ઠિત સમાજસેવક હતા. એમને આવી 'રખડપટ્ટી' (એ એમની 'પ્રિયા'નો શબ્દ હતો.) લોકોને સમજવામાં ઉપયોગી બનતી.

કેટલીકવાર તો પાનને ગલ્લે કે રસ્તાની બાજુ પર, સ્કૂટરો પર અડ્ડો જમાવીને યુવા-યુવતી વાતો કરતા હોય ત્યાંય પહોંચી જવાનું એમને ગમતું. જોકે યુવા જગતને એમનું આગમન અણગમતુંય બનતું.

કોઇ કોઇવાર એમનાં સખી (એ પત્નીને 'સખી' કહેતા) પ્રિયાબહેન પણ એમના સહપ્રવાસી બનતાં. (કદાચ પતિને એકલા બહુ છુટ્ટા ના મેલાય એવું શિક્ષણ પિયરની પાઠશાળામાંથી તેમણે મેળવ્યું હશે.) પતિની સાથે જવામાં બાળકોનેય ફરવાની મઝાનો લાભ હતો. બાળકોનાં નામે એય ભેળપુરી, ચને જોરગરમ કે એવો જીભનો ચટાકોય કરી લેતાં. પુરુષો કરતાં મહિલાઓની જીભ વધુ ચટાકેદાર હોય છે એમ પ્રોફેસર પ્યારેલાલ મજાકમાં પ્રિયાને કહેતા.

સખી પ્રિયાબહેન સાથે હો યા ન હો, પ્રોફેસર પ્યારેલાલ સ્કૂટર પર અથવા કેટલીકવાર પગપાળા સહેલ કરવા નીકળી પડતા. અને કશુંક નવું જાણવાના લોભે તે નિવૃત્ત ઘરડાઓની સોબત પણ એમની સાથે સમૂહમાં માણી લેતા. એમના ઘડપણની ઉંમરે વિચારો, અનુભવો સાંભળવાની એમને લિજ્જત આવતી અને સરસ પાથેય પણ મળી રહેતું.

યુવાનો એમનાથી સંકોચાતા. મોટે ભાગે નિવૃત્ત વૃધ્ધો બાંકડા પર કે બગીચામાં સમૂહમાં પોતાના અનુભવો વહેતા મૂકતા અને રાજકારણ, ભ્રષ્ટાચાર, મોંઘવારી તો એમની જીભે હોય જ.

પ્રોફેસર પ્યારેલાલને બધી વાતોમાં રસ હતો. એ નિરાંતે શ્રવણસુખ માણતા. પ્રોફેસર પ્યારેલાલને આવા અનુભવોમાંથી જ એક વિચાર સૂઝ્યો કે અમારા જેવાનીય એક ઘરડા ક્લબ હોય તો કેવું ?

એ પોતે ઘરડા તો ન કહેવાય, પણ એમના જેવા કે જરા ઉંમરે મોટા નિવૃત્તોની ક્લબ હોય તો ઘડપણનીય મોજ માણી શકાય.

પ્રોફેસરને કોઇ સુવિચાર આવે એટલે એનો અમલ કરવા એ તત્પર બની જતા. શુકન કોનાથી કરવા એનો વિચાર આવતાં, પહેલાં તો એમને પરમ મિત્ર પેથાભાઇ જ સાંભરે. અને બીજા જરા અતડા એવા શકરાભાઇ. તદુપરાંત એમના ફ્લેટમાં અને બહારના મિત્રોમાંય કેટલાક હતા. એમની ઈચ્છા ઘરડાઓનો શંભુમેળો કરવાની નહોતી. દસેક વૃધ્ધો હોય તો રંગત અને ગોટાં-ભજિયાં-જલેબીની પંગત પણ જામે. ઘડપણમાં ય ભજિયાંની સંગત ગમે. ગળ્યામાં જલેબી એટલે જીભને તીખા-ગળ્યા બેયનો ચટાકો પૂરો થાય.

પ્રોફેસર પ્યારેલાલના એક મિત્ર ચીમનભાઇ લખેસરા હતા. એમની પાસે લાખો રૂપિયા નહોતા, પણ એમનો સ્વભાવ લખેસરી જેવો જલસાબાજ હતો. એ એમના જૂના મિત્ર હતા. એમની ટેવો એ જાણતા. જુવાનીમાં રાતે ભજિયાં ખાવાનું મન થાય તો પત્ની કહ્યાગરી હોવાથી ભજિયાંય તળાવે. એમને દિવસ કરતાં રાતે ભજિયાંનો સ્વાદ વધારે લાગે. ફરસાણ એમનો પ્રિય શોખ. કોઇ કોઇ વાર પ્રોફેસર પ્યારેલાલે એમને ઓફિસેથી છૂટીને સાંજે દાળવડાંની લારીએ ઊભેલાય જોયા હતા.

પ્રોફેસર પ્યારેલાલ ઘરડા ક્લબની વાત એમને કરે અને ભજિયાંનું નામ પડે તો એ કૂદી જ પડે. બીજા એક મિત્ર રેલવેમાંથી રિટાયર થયા હતા. રેલવેમાં ટિકિટચેકર તરીકેના ધંધામાં મબલખ કમાણીથી એમણે મોટો ફ્લેટ બનાવ્યો હતો. એય ભોજનરસિયા ખરા, પણ તડાકેબાજ. એમની જીભ બેલગામ. એમની ઓળખાણ પ્રોફેસર પ્યારેલાલને એ જૂના ખખડધજ ફ્લેટમાં રહેતા ત્યારે થઇ હતી.

એ બહુ બોલકા. પ્રોફેસર પ્યારેલાલને કોઇવાર કહેતા કે ઘરમાં જીભને તાળામાં પૂરેલી રાખવી પડે છે. શ્રીમતી (એ પત્નીને શ્રીમતી કહેતા) પ્રખર વક્તા - બક્તા છે. એટલે મારું કામ શ્રોતાનું છે. ઘરમાં મૂગો મારા જેવો બહાર જીભને છૂટી મૂકી દે.. નહિ તો અપચો થઇ જાય.

બીજા પણ બેચાર મિત્રો હતા. એક સ્કૂલટીચર હતા. જમિયત પંડયા. સ્કૂલમાં ખાનગી ટયૂશનો કરીને એય ખૂબ કમાયા હતા. અને નાછૂટકે નિવૃત્ત થયા પછીય ટયૂશન માટે પ્રભાત ફેરી કરતા. એમનામાં માસ્તરી ગુણો ભરપૂર હતા.

પ્રોફેસર પ્યારેલાલ પેથાભાઇને મળ્યા - થોડી આડીઅવળી વાતો પછી ફેન્ટાના બનાવેલાં મેથીનાં ગોટાં ખાતાં ખાતાં તેમણે ઘરડા ક્લબ સ્થાપવાની વાત કરી. પ્લાન પણ વર્ણવ્યો.

પેથાભાઇ તો માણસભૂખ્યા. એમને કોઇ વાતગરો ગમતો માણસ મળી જાય તો એમનો દિવસ સુધરી જાય. ઘરમાં 'બૈરાંની'. (પેથાભાઇ પત્ની માટે આ શબ્દપ્રયોગ કરતા. પ્રોફેસર પ્યારેલાલ એમને ટોકતા.. આવો અશિષ્ટ શબ્દ વાપરવામાં ખાનદાની નથી એવી સલાહ આપતા.!

એ તરત તૈયાર થઇ ગયા. પટલાણી આ વાત સાંભળીને કહે: 'ઘરડા ક્લબમાં અમે બૈરાં જોડાઇએ કે નહિ ? અમનેય ગમે.'

પેથાભાઇ કહે: 'તારે બધાંમાં લાડવો ખાવા જોઇએ !'

પટલાણી છણકાયાં, એટલે પ્રોફેસર પ્યારેલાલ કહે: 'તમેય ખરાં. મહિલાઓ વિના ઘરડા ક્લબ  કુંવારી લાગે.'

પ્રોફેસર પ્યારેલાલે પટલાણીને હસાવી દીધા.

ઘરડાની ક્લબનું બીજ ત્યાં વવાયું.      

(ચાલુ)



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2mFGPkk
Previous
Next Post »