સ.પ.યુનિ.મા યુથ ફેસ્ટિવલનું સમાપન વિદ્યાનગરની કોલેજ ચેમ્પિયન બની


આણંદ,તા.28 સપ્ટેમ્બર 2019, શનિવાર

વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટના ત્રિદિવસીય યુથ ફેસ્ટીવલનો સમાપન સમારંભ શુક્રવાર સમીસાંજના સુમારે યોજાયો હતો. ત્રણ દિવસ ચાલેલ આ યુથ ફેસ્ટીવલમાં ૨૫ જેટલી વિવિધ  સ્પર્ધાઓ યોજાઈ હતી. જેના અંતે વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા બનનાર વિદ્યાનગરની ઈલ્સાસ કોલેજને ચેમ્પિયન ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. જ્યારે સેમકોમ કોલેજ રનર્સઅપ થઈ હતી.

જીવનનો ઉલ્લાસ એટલે યૌવન. યૌવનના થનગનાટને વ્યક્ત કરતા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ લખ્યુ છે કે ઘટમાં ઘોડા થનગને ને આતમ વિંઝે પાંખ, અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ. યુવાન હૈયાઓનો આવો થનગનાટ અને પોતાના સ્વપ્નો સાકાર કરવાનો ઉત્સવ એટલે યુવક મહોત્સવ. છેલ્લા ત્રણ દિવસથી સરદાર પટેલ યુનિવર્સિટીના યુવક મહોત્સવમાં અનેક સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ પોતાની કળાના કામણ પાથર્યા હતા. 

આ યુવક મહોત્સવનો અંતિમ પડાવ એટલે લોકનૃત્ય. યુથ ફેસ્ટીવલની પૂર્ણાહુતિ પ્રસંગે શુક્રવારના રોજ જીસેટ કોલેજના ઓડીટોરીયમ ખાતે લોકનૃત્ય સ્પર્ધા યોજાઈ હતી. ત્યારબાદ સાંજના સુમારે યુથ ફેસ્ટીવલનો સમાપન સમારોહ યોજાયો હતો.

યુથ ફેસ્ટીવલના સમાપન સમારોહના અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત સિન્ડીકેટ સભ્ય રાજેશભાઈ પટેલે અટલ બિહારી વાજપેયીની કાવ્ય પંક્તિ દ્વારા ભારતની વિશેષતા જણાવી યુથ ફેસ્ટીવલ એ અનેકતામાં એકતાનું પ્રતિ હોવાનું જણાવ્યું હતું. સમારોહના અધ્યક્ષસ્થાનેથી યુનિ.ના કુલપતિએ યુથ ફેસ્ટીવલમાં ભાગ લેનાર સ્પર્ધકોને અભિનંદન પાઠવી વિદ્યાર્થીઓની કૃતિને બિરદાવી હતી.

ત્રિદિવસીય આ યુથ ફેસ્ટીવલમાં યોજાયેલ વિવિધ ૨૫ જેટલી સ્પર્ધાઓમાં સૌથી વધુ ઈનામ મેળવનાર વિદ્યાનગરની ઈલ્સાસ કોલેજ ચેમ્પિયન જાહેર થઈ હતી. ઈલ્સાસ કોલેજની ટીમને સુરજબેન પટેલ ફેમીલી ચેમ્પિયન ટ્રોફી એનાયત કરવામાં આવી હતી જ્યારે વિદ્યાનગરની સેમકોમ કોલેજને શ્રી પુરસોત્તમ પટેલ રનર્સઅપ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2mythHA
Previous
Next Post »