આણંદ જિલ્લામાં અડધાથી માંડીને ભારે વરસાદના ઝાપટાં યથાવત


આણંદ,તા.26 સપ્ટેમ્બર 2019, ગુરુવાર

આણંદ જિલ્લામાં સતત બે દિવસથી મેઘમહેર જારી રહેવા પામી છે. જેને લઈ નવરાત્રી પર્વ દરમ્યાન વરસાદી માહોલ રહેશે તેવી ભીતિ આયોજકો સહિત ખેલૈયાઓ સેવી રહ્યા છે. જો કે ચાલુ વર્ષે આણંદ જિલ્લાના પાંચ તાલુકાઓમાં મોસમનો સરેરાશ ૧૦૦ ટકા કરતા વધુ વરસાદ વરસ્યો છે ત્યારે આગામી તા.૨ ઓક્ટોબર સુધી જિલ્લામાં વરસાદી માહોલ રહેશે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેશર સીસ્ટમને કારણે સમગ્ર ગુજરાતના કેટલાક પ્રદેશોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા તેમજ કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આણંદ જિલ્લામાં પણ બે દિવસ દરમ્યાન વરસાદી માહોલ રહેશે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.

 જેને પગલે બુધવાર બપોર બાદ સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. આજે ગુરૂવારના રોજ પણ વહેલી સવારથી જ આકાશમાં વાદળો છવાયેલા જોવા મળ્યા હતા અને બપોર સુધીમાં કાળાડીબાંગ વાદળો છવાઈ જતા વિઝીબીલીટી ઓછી થઈ ગઈ હતી અને થોડી જ મિનિટોમાં મેઘરાજાની એન્ટ્રી થઈ હતી.

 આણંદ શહેર સહિત જિલ્લાભરમાં ઠેર-ઠેર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા વરસ્યા હતા. આણંદ જિલ્લામાં વરસાદી માહોલ જામતા એક તરફ ધરતીપુત્રોમાં આનંદની લાગણી વ્યાપી છે તો બીજી તરફ નવરાત્રી પર્વને આડે ગણતરીના કલાકો બાકી છે ત્યારે ગરબાં આયોજકો તેમજ ખેલૈયાઓને વરસાદ ગરબાના રંગમાં ભંગ પાડશે તેવી ભીતિ કોરી ખાઈ રહી છે. બુધવારના રોજ બપોરના ૨:૦૦ કલાક બાદ જિલ્લામાં વરસાદી માહોલ જામતા ૨:૦૦ થી ૮:૦૦ કલાકના સમયગાળા દરમ્યાન જિલ્લાના આંકલાવ તાલુકામાં ૧૦ મી.મી., આણંદ તાલુકામાં ૨૧ મી.મી., ઉમરેઠ તાલુકામાં ૧૬ મી.મી., ખંભાત તાલુકામાં ૧૨ મી.મી., તારાપુર તાલુકામાં ૧૨ મી.મી., પેટલાદ તાલુકામાં ૭ મી.મી., બોરસદ તાલુકામાં ૫ મી.મી. અને સોજિત્રા તાલુકામાં ૪ મી.મી. વરસાદ વરસ્યો હતો.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2n8fDdP
Previous
Next Post »