ના કાહે સે દોસ્તી, ના કાહે સે બૈર


સિલેક્ટર પદથી અલગ રહેલા માધવ આપ્ટે એમ માનતા હતા કે સિલેક્ટરોએ ખેલાડીને એને લાંબો સમય ખેલવા મળશે એવું આશ્વાસન આપવું જોઇએ

સ્પોર્ટ્સમેન, બિઝનેસમેન, એડમિનિસ્ટ્રેટર અને સૌથી વિશેષ તો અદના સજ્જન પુરુષ એવા માધવ આપ્ટેએ વિદાય લીધી, ત્યારે એમના ક્રિકેટ જીવનનાં કેટલાંક સ્મરણો મનમાં જાગી ઊઠયા. સૌથી વધુ તો યાદ આવી ભારતના સમર્થ ઑલ રાઉન્ડર વિનુ માંકડની કે જે વિનુ માંકડ ગુજરાતના દીપક શોધન અને જસુ પટેલની કારકીર્દિમાં વિઘ્નરૂપ બન્યા હતા, એ વિનુ માંકડ માધવ આપ્ટેની કારકીર્દિના ઘડવૈયા બન્યા ! ભારતીય ક્રિકેટમાં એક એવો સમય આવ્યો કે જેમાં ક્રિકેટના ખેલ કરતાં રાજકારણના દાવપેચનું વધુ મહત્ત્વ હતું અને દાવપેચ પણ કેવો !

દીપક શોધને ૬૦ રનની સરેરાશથી ત્રણ ટેસ્ટમાં ૧૮૧ રન કર્યા. આટલી ક્ષમતા બતાવ્યા પછી ખેલાડી ટીમમાં સ્થાયી બની જાય, એને બદલે એ પછી દીપક શોધનને ક્યારેય ટેસ્ટમેચમાં રમવા મળ્યું નહીં. માધવ આપ્ટેની કારકીર્દિ પણ એ જ રીતે અકાળે અસ્ત પામી. એ સાત ટેસ્ટમેચ રમ્યા અને ૪૯ રનની સરેરાશથી ૫૪૨ રન કર્યા અને બસ, એની કારકીર્દિ અહીં પૂર્ણવિરામ પામી.

૧૯૬૦ના એ જમાનામાં મેદાનની બહાર દાવપેચ, ઝોનવાદ અને વહાલાંદવલાંનું ક્રિકેટ ખેલનારાઓનું વર્ચસ્વ હતું અને દિપક શોધને તો નિખાલસપણે કબૂલાત પણ કરી હતી કે ઑલરાઉન્ડર વિનુ માંકડ સાથેના અણબનાવને કારણે એમને ટેસ્ટમાંથી રુખસદ આપવામાં આવી. ત્યારે જસુ પટેલે તો મને વારંવાર કહ્યું કે વિનુભાઇએ મારી ગોલંદાજીમાં કેચ છોડીને મારી કારકિર્દી પર બ્રેક મારી હતી.

તો માધવ આપ્ટેનું શું થયું ? કયા કારણે એમને ટેસ્ટ ટીમમાંથી ડ્રોપ કરવામાં આવ્યા ? ભારતીય ક્રિકેટનું આ એક મોટું રહસ્ય છે કે કયા કારણે  સફળ માધવ આપ્ટેને  ટેસ્ટ ક્રિકેટમાંથી રુખસદ મળી.

સામાન્ય રીતે પોતાને થયેલા અન્યાયની ખોજ ક્રિકેટર કરતો હોય છે અને અન્યાયકર્તાનું નામ જાહેર કરતો હોય છે, પરંતુ માધવ આપ્ટેના કિસ્સામાં એવું બન્યું કે એમણે આ હકીકતને જીવનભર રહસ્ય જ રહેવા દીધી. આમાં માધવ આપ્ટેના હૃદયનું ઔદાર્ય પ્રગટ થયું, પણ એમનામાં એક સૂક્ષ્મ પરિવર્તન પણ આવ્યું.

જે ક્રિકેટની રમતને એ ચાહતા હતા એને ચાહવાનું બરકરાર રાખ્યું, પરંતુ ક્રિકેટના કારભારમાં ક્યારેય ભાગ લીધો નહીં. ટેસ્ટ ક્રિકેટ તો ઠીક, પરંતુ મુંબઇના ક્રિકેટમાં પણ એડમિનિસ્ટ્રેશનની કોઇ જવાબદારી એમણે સ્વીકારી નહીં. એને બદલે એમણે સતત એમ કહ્યું કે મને ક્રિકેટ તરફ પ્રેમ છે અને એટલે હું સતત રમતો રહીશ.

પરંતુ માધવ આપ્ટેએ ઝેરનો એ કડવો ઘૂંટડો કેવી રીતે ગળ્યો હશે એનો ખ્યાલ તો વાચકોને એના પરથી આવશે કે જે યુવાનની ટેસ્ટ કારકીર્દિ વીસમા વર્ષે શરૂ થઇ હોય અને એકવીસમા વર્ષે ખતમ થઇ ગઇ હોય, એના દિલમાં કેટલો જખમ લાગ્યો હશે ?

માધવ આપ્ટે પાસે અનેક ક્ષેત્રો હતા. આપ્ટે ગુ્રપ્સનો પોતાનો વિશાળ કૌટુંબિક વ્યવસાય હતો. પણ આ બધા સાથે ક્રિકેટ ઉપરાંત એમણે સ્ક્વેશ અને બેડમિંટનનો શોખ પણ ચાલુ રાખ્યો. બીજી બાજુ નવોદિત ખેલાડીઓને પ્રોત્સાહન આપી શકાય અને પોતે ક્રિકેટ ખેલતા રહે એ માટે કાંગા લીગ ક્રિકેટમાં ખેલતા રહ્યા.

'જૉલી ક્રિકેટર્સ' તરફથી કાંગા લીગે ક્રિકેટ તરફથી રમતા આપ્ટેને 'એ' ડિવિઝનને બદલે 'બી' ડિવિઝન તરફથી રમવા મળ્યું તો પણ એમની ક્રિકેટની ચાહના બરકરાર રહી. વહેલી સવારે મુંબઇના મહાલક્ષ્મી રેસકોર્સ પર જોગીંગ કરે પછી વેલિંગ્ડન ક્લબમાં બેટમિંટન ખેલે અને ત્યાર પછી એ ચર્ચગેટમાં આવેલી પોતાની ઑફિસમાં જતા હતા. એમનો કૌટુંબિક બિઝનેસ જુદા જુદા વ્યવસાયોમાં ફેલાયેલો હતો અને એની ઑફિસમાં એ લાંબા સમય સુધી કામ કરતા.

એક દ્રષ્ટિએ જોઇએ તો છેક ડી.બી. દેવધરથી છેક સચીન તેંડૂલકર સુધી ક્રિકેટ ખેલવાની તક મેળવનાર એક માત્ર ક્રિકેટર માધવ આપ્ટે હતા. તેઓ ક્રિકેટના હિત માટે હંમેશાં જાગ્રત રહેતા. સચિન તેંડુલકરને સી.સી.આઈ.ની પ્લેઇંગ મેમ્બરશીપ અપાવનાર પણ માધવ આપ્ટે હતા અને એમનું એક યાદગાર કામ તો તે ક્લબમાં 'આનંદજી ડોસા રેફરન્સ લાઇબ્રેરી' ચાલુ કરી તે છે, જેમાં ક્રિકેટ વિષયક સઘળી માહિતી જળવાઇ રહી.

માધવ આપ્ટેએ અગિયારમા વર્ષે ગિલ્સ ફિલ્ડની સ્પર્ધામાં લેગ બ્રેક અને ગૂગલી ગોલંદાજી કરીને કારકિર્દીનો ભગ્ય પ્રારંભ કર્યો. 'ભવ્ય' એ માટે કે એમણે એક દાવમાં માત્ર દસ રનમાં દસેય વિકેટ ઝડપી હતી, પરંતુ વિનુ માંકડે એમને ઑપનિંગ બેટ્સમેન બનવાની સલાહ આપી અને બન્યું એવું કે એલ્ફિન્સ્ટન કોલેજના કોચ વિનુ માંકડે બેટ હાથમાં લઇને આ નવોદિતને ગોલંદાજી કરવા કહ્યું.

વિનુ માંકડે પેડ પણ પહેર્યાં નહોતાં અને માધવ આપ્ટેએ યોગ્ય પીચ પાડીને ગૂગલી દડો નાખ્યો અને વિનુ માંકડ બોલ્ડ થયા. એ દિવસથી વિનુ માંકડને આ ખેલાડી પસંદ પડવા લાગ્યો અને એ પછી એમણે જ માધવ આપ્ટેને ઑપનિંગ બેટ્સમેન તરીકે કૉલેજ ક્રિકેટમાં રમવાનું કહ્યું. માધવ આપ્ટે એટલા સદ્નસીબ હતા કે વિનુ માંકડનું કોચિંગ મળ્યું અને વિજય હજારેની 'ફોર્ટ' ક્લબમાં જોડાતાં એમનું માર્ગદર્શન મળ્યું.

પોતાની કારકીર્દિમાં રણજી ટ્રોફીમાં ઘણી વાર માધવ આપ્ટેએ વિનુ માંકડ સાથે ઑપનિંગમાં આવીને બેટિંગ કરી. ભારતમાં પાકિસ્તાન સામે ટેસ્ટમાં માધવ આપ્ટે રમ્યા અને એ પછી વેસ્ટ ઈન્ડિઝમાં પાંચ ટેસ્ટ રમ્યા. એમાં એમણે ઘણો શાનદાર દેખાવ કર્યો. પોર્ટ ઑફ સ્પેનની ત્રીજી ટેસ્ટમાં વેસ્ટઈન્ડિઝ સામે સાતમી વિકેટે પોતાના ગુરુ વિનુ માંકડ સાથે ૧૫૩ રનની ભાગીદારી નોંધાવી અને માધવ આપ્ટેએ ૧૬૩ રન કર્યા.

એ પછી એમને વેસ્ટ ઈન્ડિઝનું સદૈવ આકર્ષણ રહ્યું. એમાં પણ તેઓ જેને પોતાના ભાઈ સમાન ગણતા હતા એવા સુભાષ ગુપ્તે વેસ્ટ ઈન્ડિઝમાં વસતા હતા અને સુભાષ ગુપ્તે અને એમની પત્ની કેરોલ અને માધવ આપ્ટે અને એમની પત્ની શીલાએ વેસ્ટ ઈન્ડિઝમાં સાથે વારંવાર સફર ખેડી.

સિલેક્ટર પદથી અલગ રહેલા માધવ આપ્ટે એમ માનતા હતા કે સિલેક્ટરોએ ખેલાડીને એને લાંબો સમય ખેલવા મળશે એવું આશ્વાસન આપવું જોઇએ. આમ છતાં ૧૯૮૩માં મુંબઇના શેરિફ બનેલા માધવ આપ્ટેને વસવસો હતો કે હનુમંતસીંઘ અને એવા ખેલાડીઓને સિલેક્ટરોએ પૂરતી તક આપી નથી.

વરસો સુધી નિયમિત રીતે કાંગા લિગમાં ખેલનાર માધવ આપ્ટેએ એમના જીવનમાં ક્યારેય ચા પીધી નહોતી અને ક્યારેય કૉફીનો અનાદર કર્યો નહોતો. એમની વિદાય સાથે ક્રિકેટ જગતનો એક ઉમદા માનવી અને રમતનો અદમ્ય ચાહક ચાલ્યો ગયો.

ક્ષણનો સાક્ષાત્કાર
તમને કેવાં સ્વપ્નાં આવે છે ? સ્વપ્નામાં શું શું દેખાય છે ? સ્વપ્નામાં કઇ કઇ ઘટનાઓ બને છે ? સ્વપ્નને માત્ર સ્વપ્ન તરીકે ગણીને તેની ઉપેક્ષા કરવાની જરૂર નથી, કારણ કે આ સ્વપ્નમાં તમારા જીવનનો અર્થ છે. એમાં તમારા ચિત્તમાં ચાલતા મનોભાવોનો સંકેત છે. તમારા વિચારોનું ઝીણું-પાતળું પ્રતિબિંબ છે. આ પ્રતિબિંબમાંથી તમારે બિંબ શોધવાનું છે. 

નિદ્રાધીન અવસ્થામાં આવેલા એ સ્વપ્નમાંથી સત્યના અંશો પામવાના છે. જાગતો માણસ હવે જાગતો રહ્યો નથી. એના ચિત્તમાં ચાલતા દંભ અને આડંબરોએ એના વિચારોને પલટી નાખ્યા છે. એ પોતાની જાત વિશે કાં તો અજાણ છે અથવા તો પોતાની જાત સાથે સતત છેતરપિંડી કરતો રહે છે. આવે સમયે પોતાના અસલને જાણવા માટે સ્વપ્નોની સમીક્ષા કરવી જોઇએ. એ સમીક્ષામાંથી સ્વપ્નમાં રહેલું તથ્ય લાધશે.

જાગતો માનવી માત્ર બીજાને જ નહીં, પરંતુ સ્વયં પોતાની જાતને પણ છેતરતો હોય છે. ચહેરા પર નકાબ રાખીને જીવતો હોય છે. આસપાસની દુનિયા એને પ્રભાવિત કરતી હોય છે. એ સ્વયં સહુને પ્રભાવિત કરતો હોય છે. ગમા-અણગમા અને અનુકૂળતા-પ્રતિકૂળતાના હીંંચકે એ જાગૃત અવસ્થામાં સતત ઝૂલતો હોય છે. એણે પોતાના ભીતરી વ્યક્તિત્વને ભૂલીને નવું મહોરું પહેરી લીધું હોય છે.

સ્વપ્નાવસ્થામાં એણે એના ચહેરા પરનાં સઘળાં મુખોટાં ઉતારી દીધાં હોય છે. બહારનાં આવરણોથી નિરાવરણ થઇ રહ્યો હોય છે. આવી નિદ્રાવસ્થામાં વ્યક્તિ પોતાની જાતને છેતરી શક્તો નથી.આવે સમયે એની જાતની સચ્ચાઈ પારખવા માટે સ્વપ્નાં જ એને સાચી ઓળખ આપી શકે છે. સ્વપ્નોનાં સંકેતોની ખોજ માટે એ સ્વપ્નશાસ્ત્ર, મનોવિજ્ઞાાન અને વાસ્તવજીવનનાં પ્રતિભાવોને કામે લગાડે છે.

મનઝરૂખો
બ્રિટનના મહાન અદાકાર અને કુશળ ફિલ્મ-અભિનેતા સર એલેક ગિનેસે ૧૯૪૬માં ફિલમ-કારકિર્દીનો પ્રારંભ કર્યો. એક ફિલ્મમાં એણે આઠ જુદી જુદી ભૂમિકાઓ ભજવી હતી. બ્રિટિશ કોમેડીમાં એણે હાસ્ય-અદાકાર તરીકે નામના મેળવી અને વિખ્યાત ફિલ્મ 'ધ બ્રિજ ઑન ધ રિવર ક્વાઈ' (૧૯૫૭)માં યુદ્ધકેદીઓની છાવણીમાં રહેલા બ્રિટિશ ઑફિસરની ભૂમિકા માટે ઑસ્કર એવોર્ડ મળ્યો.

ટેલિવિઝન પર એણે ઉત્કૃષ્ટ અદાકારી દાખવી અને ૧૯૮૦માં ફિલ્મના ક્ષેત્રના એના પ્રદાનને માટે માનદ્ એકેડેમી એવોર્ડ મેળવ્યો હતો. આવા સર એલેક ગિનેસ પ્રસિદ્ધિની પરાકાષ્ઠાએ હતા ત્યારે એમને મળવા માટે એક અમેરિકન અબજોપતિ આવ્યા. એમણે આ વિખ્યાત અભિનેતાને કહ્યું, 'આપને મળીને હું ખૂબ ખુશ થયો છું.'

સર એલેક ગિનેસે શિષ્ટતાપૂર્ણ પ્રત્યુત્તર વાળતાં કહ્યું, 'આપના જેવી ધનાઢ્ય વ્યક્તિને મળતાં હું પણ આનંદ અનુભવું છું.'

અમેરિકન ધનપતિએ મૂળ વાત પર આવતાં કહ્યું, 'હું એક દરખાસ્ત લઇને આવ્યો છું. આપ એના પર વિચાર કરશો અને સ્વીકૃતિ આપશો એવી આશા રાખું છું.'

સર એલેક ગિનેસે કહ્યું, 'કહો, શી છે આપની દરખાસ્ત ?'

અમેરિકન ધનપતિએ વાતમાં મોણ નાખતાં કહ્યું, 'સાહેબ, આપ મારી આ દરખાસ્ત સ્વીકારશો તો આપ પણ મારી માફક વિશ્વની અત્યંત ધનાઢ્ય વ્યક્તિ બની જશે. આપને કલ્પનાતીત ધન મળશે.'

સર એલેક ગિનેસે કહ્યું, 'કહો, કેટલું ધન મળશે ?'

અમેરિકન ધનપતિએ ઉત્સાહભેર કહ્યું, 'પૂરા સત્તર મિલિયન ડૉલર !'

અદાકાર એલેક ગિનેસે કહ્યું, 'સાચે જ આ ઘણી મોટી રકમ છે. પણ એ માટ મારે શું કરવાનું છે ?' ધનપતિએ કહ્યું, 'ખાસ કોઈ મોટું કામ કરવાનું નથી. નાના કામના અઢળક દામ છે. મારી દારૂની વિખ્યાત કંપનીના વિજ્ઞાાપન માટે તમારે મૉડલિંગ કરવાનું છે. મારે મારી કંપનીને દુનિયાની પહેલા નંબરની કંપની બનાવવી છે. એને માટે દારૂની વિજ્ઞાાપનમાં તમારા જેવી વિશ્વપ્રસિદ્ધ વ્યક્તિને 'મોડેલ' તરીકે લેવા માગું છું.'

સર એલેક ગિનેસે કહ્યું, 'બરાબર, કહો શું કરવાનું છે ?'

ધનપતિએ કહ્યું, 'તમારે તમારા હાથમાં દારૂની છલોછલ ગ્લાસ લેવાનો અને એના ઘૂંટડા પીવાના. થોડી જ વારમાં તમે એક નવી વ્યક્તિ તરીકે દેખાઓ. યુવાન, છટાદાર અને આકર્ષક ! મારી દરખાસ્ત મંજૂર છે ને ?'

સર એલેક ગિનસે કહ્યું, 'માફ કરજો, સાહેબ ! મારાથી આ નહીં થાય. મેં મારી જિંદગીમાં ક્યારેય દારૂ પીધો નથી, તો પછી હું લોકોને આવું ઝેર પીવાની સલાહ અને ભલામણ કઇ રીતે કરી શકું ? મને માફ કરજો.'



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2odjxTw
Previous
Next Post »