વિદ્યાનગર નાનાબજાર વિસ્તારમાં ડેન્ગ્યૂના 62 કેસ મળતા ચકચાર


આણંદ, તા. 27 સપ્ટેમ્બર 2019, શુક્રવાર

આણંદ પાસેના વલ્લભવિદ્યાનગરના નાના બજાર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વરસતા વરસાદના કારણે વરસાદી પાણી ભરાતા મચ્છરોનો ઉપદ્રવ બેફામ બનતા મચ્છરજન્ય રોગચાળાએ માથુ ઉચક્યું છે. છેલ્લા એક સપ્તાહ દરમ્યાન નાના  બજાર વિસ્તારમાં આવેલ વિવિધ રહેણાંક  સોસાયટી સહિત યુનિવર્સિટી સ્ટાફ કોલોની તેમજ સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજના કેમ્પસમાંથી આશરે ૬૨ જેટલા ડેન્ગ્યુના કેસ પ્રકાશમાં આવતા સ્થાનિકોમાં ભારે ચિંતાની લાગણી વ્યાપી જવા પામી છે.

છેલ્લા પંદરેક દિવસથી આણંદ શહેરમાં ધીમીધારે વરસાદ વરસવાનું ચાલુ રહ્યું છે. થોડીવાર ઉઘાડ નીકળ્યા બાદ પુનઃ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા વરસતા રહે છે. જેના કારણે આણંદ શહેર તેમજ વિદ્યાનગર તથા કરમસદ સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા ગંદકીનું પ્રમાણ વધ્યું છે અને મચ્છરોનો ઉપદ્રવ બેફામ બન્યો છે. 

આણંદ પાસેના વિદ્યાનગરના નાના બજાર વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા ગંદકીનું સામ્રાજ્ય ફેલાતા મચ્છરજન્ય રોગચાળાએ માથુ ઉચક્યું છે. છેલ્લા એક સપ્તાહ દરમ્યાન સરદાર પટેલ યુનિ. સંલગ્ન કોલેજો, હોસ્ટેલ્સ, યુનિ. હસ્તકના ભવનો તેમજ યુનિ. કોલોનીમાંથી લગભગ ૬૨થી વધુ ડેન્ગ્યુના કેસ સરદાર પટેલ યુનિ.ના હેલ્થ સેન્ટરમાં નોંધાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.

ડેન્ગ્યુના કેસમાં ઉત્તરોત્તર વધારો થતા આ વિસ્તારના રહીશોમાં ચિંતાની લાગણી વ્યાપી જવા પામી છે. પાલિકા તંત્રની ઘોર લાપરવાહીના કારણે સ્થાનિકોને મચ્છરજન્ય રોગચાળામાં સપડાવવાનો વારો આવ્યો હોવાનો સુર જાગૃતો વ્યક્ત કરી રહ્યા છે ત્યારે સંબંધિત તંત્ર દ્વારા આ વિસ્તારમાં રોગચાળારૂપી આફત ત્રાટકે તે પૂર્વે સત્વરે આળસ ખંખેરી બચાવ કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

યુનિ. હેલ્થ સેન્ટર દ્વારા દવાઓ સહિતની સુવિધાઓ આપવાનું શરૂ કરી દેવાયું

સ.પ.યુનિ.ના હેલ્થ સેન્ટર દ્વારા ડેન્ગ્યુ કેસ માટે સતર્કતા રાખી દવાઓ તથા અન્ય સુવિધાઓ યુનિ.ના કર્મચારીઓને વિનામૂલ્યે પુરી પાડવાનું આયોજન કરાયું છે. જેમાં બોટલ ચઢાવવી તથા લોહીના રીપોર્ટ જેવી સગવડ આપવામાં આવી રહી છે. 

આ ઉપરાંત ખાબોચિયા ભરાયેલ પાણીનો નિકાલ કરવા અને વિદ્યાર્થીઓ તથા યુનિ. કર્મચારીઓએ મચ્છરોથી રક્ષણ મેળવવા તેમજ તાવની ફરિયાદ જણાતા તુરત જ નજીકના તબીબનો સંપર્ક કરવા જણાવાયું છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2lKz3oT
Previous
Next Post »